કોણ છે મોદીની સભામાં જોવા મળેલા વિંગ કમાન્ડર અભિનંદનના ગુજરાતી હમશકલ?

પાકિસ્તાનની જેલમાંથી પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનના નામથી એક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.

જેમાં અભિનંદન જેવી જ દેખાતી એક વ્યક્તિ કૅપ અને ચશ્માં પહેરી, ગળામાં ભાજપના ખેસ સાથે જઈ રહી છે.

જે લોકોએ સોશિયલ મીડિયા પર આ તસવીરને શૅર કરી રહ્યા છે, તેઓ વિંગ કમાન્ડર દ્વારા મોદીને સર્મથન આપવાનો દાવો કરી રહ્યા છે.

લોકો આ તસવીર સાથે એવો સંદેશો શૅર કરી રહ્યા છે, "વિંગ કમાન્ડર અભિનંદને ખુલ્લેઆમ ભાજપને સમર્થન કર્યું છે અને મત પણ આપ્યો છે. "

"મોદીજીને વડા પ્રધાન બનાવવા માટે તેમનું (વિંગ કમાન્ડર અભિનંદન) કહેવું છે કે મોદીજી કરતાં સારા કોઈ વડા પ્રધાન હોઈ ના શકે. કૉંગ્રેસીઓ તમે કોઈ જવાનને જીવિત પરત ન લાવી શક્યા."

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ-21 બાઇસન વિમાન 27 ફેબ્રુઆરી 2019ના રોજ ભારત દ્વારા પાકિસ્તાન ઉપર વળતી કાર્યવાહી દરમિયાન પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ક્રૅશ થઈ ગયું હતું.

ત્યારબાદ અભિનંદનની પાકિસ્તાની સેનાએ ધરપકડ કરી લીધી હતી, પરંતુ બે દિવસ બાદ એટલે કે 1 માર્ચના રોજ તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

તસવીરની પાછળનું સત્ય શું?

'નમો ભક્ત' અને 'મોદી સેના' જેવા જમણેરી વલણ ધરાવતા ઘણા મોટા ફેસબુક ગ્રૂપ્સમાં આ તસવીરને શૅર કરવામાં આવી છે.

આ વાઇરલ તસવીર ગુજરાતની છે, જેમાં તસવીરની પાછળ ગુજરાતી ભાષામાં 'ઢોસા સેન્ટર' અને 'સમોસા' પણ લખેલું દેખાય છે.

ગુજરાતમાં મતદાન થયું તે પહેલાં જ આ તસવીર વાઇરલ થઈ ગઈ હતી.

જે વ્યક્તિ વિંગ કમાન્ડર અભિનંદન જેવી જ દેખાય છે, તે 17 એપ્રિલના રોજ મોદીની આણંદની સભામાં પણ જોવા મળી હતી.

મોદીની સભામાં બીબીસી સાથે વાત કરતાં આ વાઇરલ તસવીર તેમની જ હોવાનું તેમણે સ્વીકાર્યું હતું.

આ વિશે વધુ વાંચો

કોણ છે અભિનંદન જેવા દેખાતા આ ગુજરાતી?

આ વાઇરલ તસવીર આણંદ જિલ્લાના વાસદ ગામના રહેવાસી વિમલ પટેલની છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "જ્યારે હું ગામડાંમાં પ્રચાર કરવા ગયો ત્યારની મારી આ તસવીર છે."

"મારો ચહેરો અભિનંદનને મળતો આવતો હોવાથી લોકો મને 'જુનિયર અભિનંદન' તરીકે ઓળખે છે."

"હું આણંદના વાસદ ગામમાં રહું છું અને ખેતી કરું છું."

પટેલે કહ્યું કે 'વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી પરત આવ્યા ત્યારબાદ મેં એમના જેવી મૂછો સેટ કરાવી હતી.'

આણંદમાં તેઓ નરેન્દ્ર મોદીની સભામાં પણ હાજરી આપવા માટે આવ્યા હતા અને અહીં પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ઍરફોર્સના નિયમો શું કહે છે?

પાકિસ્તાનથી મુક્ત થઈને ભારત પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન 26 માર્ચ 2019ના રોજ ફરજ પર પરત ફર્યા હતા.

મીડિયા રિપોર્ટ્સના આધારે તેમને ભારત પ્રશાસિત કાશ્મીરના શ્રીનગર સ્થિત સ્ક્વૉર્ડનમાં તહેનાત કરવામાં આવ્યા છે.

રિપોર્ટ્સના આધારે ' સર્વિસ જૉઇન કર્યા બાદ તેઓ ચાર અઠવાડિયાની સિક લીવ પર છે. સિક લીવ (બીમારીની રજા) દરમિયાન ચેન્નાઈમાં પોતાના ઘરે જવાના બદલે તેમણે શ્રીનગરમાં જ રહેવાનો નિર્ણય લીધો.

ચાર અઠવાડિયાંની રજાઓ બાદ ડૉક્ટર્સની એક ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરશે, ત્યારબાદ તેઓ ફરી વિમાન ઉડાવી શકશે.'

અભિનંદન પોતાની એવી ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે કે તેઓ ફરી ફાઇટર પ્લેન ઉડાવવા માગે છે.

આવી સ્થિતિમાં અભિનંદન ભારતીય વાયુસેનાના 'ધ ઍરફૉર્સ રુલ્સ 1969'ને માનવા માટે બાધ્ય છે.

આ નિયમો પ્રમાણે કોઈ પણ ઑફિસર સેવામાં રહીને કોઈ રાજકીય કાર્યક્રમમાં સામેલ થઈ શકતા નથી અને કોઈ રાજકીય વિચારધારાને અનુસરી શકતા નથી.

રક્ષા મંત્રાલયની ઑફિશિયલ વેબસાઇટ પર આ નિયમોને વિસ્તારપૂર્વક વાંચી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો