ટ્રિપલ તલાક સહિતના મુદ્દે ભાજપ કે કૉંગ્રેસ, મુસ્લિમ મહિલાઓનો અવાજ કોણ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
લોકસભા ચૂંટણી દરમિયાન મુસ્લિમ સમાજમાં પ્રચલિત 'ટ્રિપલ તલાક'નો મુદ્દે રાજકીય પક્ષો બે જૂથમાં વહેંચાઈ ગયા છે.
ટ્રિપલ તલાક કાયદા દ્વારા ભાજપ મુસ્લિમ મહિલાઓના મત મેળવવા માગે છે, જ્યારે કૉંગ્રેસે સત્તા ઉપર આવ્યે આ કાયદાને નાબુદ કરવાની વાત કહી છે.
ઑગસ્ટ-2017માં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે ટ્રિપલ તલાકને 'રદ' અને 'ગેરબંધારણીય' ઠેરવ્યા હતા, જોકે 'નિકાહ હલાલા' તથા 'બહુપત્નીત્વ' જેવા મુદ્દે ચર્ચા માટે અવકાશ રાખ્યો હતો.
ગુજરાતની વસ્તીના લગભગ 9.5 ટકા વસ્તી મુસ્લિમોની છે, જ્યારે ભારતમાં 15 કરોડ 50 લાખ મુસ્લિમ વસે છે.

વાંધો શું છે?

ટ્રિપલ તલાક વિરુદ્ધ લડત ચલાવનારાં ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન સંસ્થાના સહ-સંસ્થાપક ઝકિયા સોમણ કહે છે :
"દેશમાં લોકશાહી છે અને દરેક સ્ત્રી-પુરુષને સમાનતાનો અધિકાર મળેલો છે. ટ્રિપલ તલાક એ મુસ્લિમોની 'આંતરિક બાબત' છે, તેમ કહીને પુરુષપ્રધાન વાત ન થઈ શકે."
"જો આ પારિવારિકની આંતરિક બાબત હોય તો આપણે ઘરેલું હિંસા અને દહેજ સામેના કાયદા કેમ બનાવ્યા?"
"હિંદુ અને ખ્રિસ્તી સમાજમાં લગ્નના નિયમન માટે કાયદા છે. જો મુસ્લિમ સમુદાયની વાત ન કરીએ તો તે દંભ હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોમણ ઉમેરે છે કે 'પુરુષમાં કાયદાનો ભય હોવો જોઈએ અને જો તેનું પાલન ન કરે તો તેનું કંઈક 'પરિણામ' હોવું જોઈએ. નહીંતર તો કોઈ અર્થ નહીં સરે.'

ટ્રિપલ તલાક કેમ?

ઇમેજ સ્રોત, AFP
ઇસ્લામિક કાયદાના એક અર્થઘટન પ્રમાણે, જો મુસ્લિમ પુરુષ મહિલાને માત્ર બે વખત 'તલાક, તલાક' કહે તો તેમના તલાક નથી થતાં.
પરંતુ જો પુરુષ ત્રણ વખત 'તલાક, તલાક, તલાક' બોલે તો તત્કાળ તેમનો સંબંધવિચ્છેદ થઈ જાય.
ભારતમાં પત્ર ઉપર, ફેસબુક, મૅસેન્જર, ટેલિફોન કોલ દરમિયાન, ટૅક્સ્ટ મૅસેજ દ્વારા, સ્કાઇપ તથા વૉટ્સઍપ ઉપર પત્નીને ટ્રિપલ તલાક આપવાના કિસ્સા નોંધાયા હતા.
'તલાક-એ-બિદ્દત'માં પુરુષ મહિલાને 'એકસાથે ત્રણ વખત તલાક કહે એટલે સંબંધનો અંત આવે' કે 'ત્રણ વખત ત્રણ અલગ-અલગ સમયે કહેવા પડે,' આ અંગે વિદ્વાનો ભિન્ન મત ધરાવે છે.
એક અભિપ્રાય મુજબ, ત્રણ મહિનાના ગાળામાં ટ્રિપલ તલાક થાય તો દપંતિ પાસે વિચાર કરવાનો અને સમાધાન કરવાનો સમય રહે છે.
એક વખત ટ્રિપલ તલાક થઈ જાય મહિલા પુરુષ માટે 'હરામ' થઈ જાય છે અને 'નિકાહ હલાલા' એકમાત્ર ઉપાય રહે છે.

આ વિશે વધુ વાંચો

નિકાહ હલાલા એટલે...

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રિપલ તલાક બાદ જો મુસ્લિમ પુરુષ ફરીથી એ જ મહિલા સાથે રહેવા માગે તો તે મહિલાએ પરપુરુષ સાથે નિકાહ કરવા પડે છે અને શારીરિક સંબંધ બાંધવા પડે છે.
ત્યારબાદ તેઓ 'ખુલા' કે તલાક મારફત અલગ થઈ જાય છે. બાદમાં મહિલા તેના પ્રથમ પતિ સાથે ફરી નિકાહ કરી શકે છે, આ પ્રક્રિયાને 'હલાલા' કહે છે.
'ખુલા'માં મુસ્લિમ મહિલા તેના પતિથી તલાકની માગ કરે છે, પરંતુ ઇસ્લામી કાયદાના જાણકાર માને છે કે 'હલાલા'ના નામે ખોટી પ્રથાને ભારતમાં લાગુ કરવામાં આવે છે.
વિખ્યાત કાયદાશાસ્ત્રી પ્રો. તાહિલ મહમૂદ કહે છે કે જો કોઈ મુસ્લિમ પુરુષ તેને પત્નીને તલાક આપે અને તે મહિલા બીજી વખત નિકાહ પઢી લે અને એ મહિલાના બીજા પતિનું મૃત્યુ થઈ જાય કે એ બંનેની વચ્ચે પણ તલાક થઈ જાય તો મહિલા તેના પ્રથમ પતિ સાથે નિકાહ પઢી શકે છે.
પરંતુ જો મહિલા અને તેના પ્રથમ પતિ પરસ્પરની સહમતીથી નિકાહ કરવા ચાહે તો ઇસ્લામ તેને મંજૂરી આપે છે.
પ્રો. તાહિર મહમૂદ ઉમેરે છે કે આ મંજૂરીને ભારતમાં કેટલાક ઉલેમાએ 'હલાલા'નું નામ આપીને ખોટી પ્રથા શરૂ કરી દીધી છે.
ભાજપે તેના ચૂંટણીઢંઢેરામાં જાહેર કર્યું છે કે તેમની સરકાર આવશે તો 'ટ્રિપલ તલાક અને નિકાહ હલાલા જેવી રીતિઓને પ્રતિબંધિત કરતા કાયદા પસાર કરવા પ્રયાસ કરશે.'

મહિલાઓ ઉપર લટકતી તલવાર

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સંવાદદાતા ગીતા પાંડેયના મતે, "આ ટ્રિપલ તલાક ચુકાદો ભારતની મુસ્લિમ મહિલાઓ માટે આ ચુકાદો રાહતજનક રહ્યો.
દાયકાઓથી મુસ્લિમ મહિલાઓની ઉપર 'ટ્રિપલ તલાક'ની તલવાર લટકતી રહેતી."
"આંદોનકારીઓના કહેવા પ્રમાણે, દર વર્ષે હજારો મહિલાઓ વિશેષ કરીને ગરીબ મુસ્લિમ મહિઓલાને ટ્રિપલ તલાક દ્વારા ત્યજી દેવાતી. જેને કારણે મહિલાઓ નોંધારી થઈ જતી."
"મહિલાઓએ તેના પિયર પરત ફરવું પડતું અથવા તો જાતે પોતાની કોઈ વ્યવસ્થા કરવી પડતી."
સુનાવણી સમયે ઑલ ઇંડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું હતું કે ટ્રિપલ તલાક 'ઠપકાપાત્ર' છે, પરંતુ કોર્ટ કે સરકારને તેમાં દખલ દેવાનો અધિકાર નથી.


'દૈત્ય દેખાડવાનો પ્રયાસ'

ગુજરાતની રાજકીય સ્થિતિના અભ્યાસુ શારિક લાલીવાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું:
"મુસ્લિમ પુરુષોની ચોક્કસ પ્રકારની માનસિક્તા દર્શાવવામાં માટે ભાજપને ટ્રિપલ તલાકનો મુદ્દો મળી ગયો છે."
"આ સાથે 'લવજેહાદ' અને 'હિંદુત્વ' જેવા મુદ્દા ઉઠાવીને મુસ્લિમ પુરુષને 'દૈત્ય' ચિતરવાનો પ્રયાસ કરવામાં આવે છે."
"કૉંગ્રેસના સમર્થનમાં કટ્ટરવાદી અને રૂઢીવાદીઓ હશે, જે ટ્રિપલ તલાકને નાબુદ કરવાની વાત કહે છે."
લાલીવાલા ઉમેરે છે કે આ રીતે ટ્રિપલ તલાકના કિસ્સા 'બહુ થોડા' છે.

બહુપત્નીત્વની પ્રથા

ઇમેજ સ્રોત, Getty Images
ઇસ્લામમાં બહુપત્નીત્વની પ્રથાને માન્યતા મળેલી છે, જે મુજબ એક પુરુષ વધુમાં વધુ ચાર લગ્ન કરી શકે છે.
વિધવા કે નિઃસહાય મહિલાને આધાર મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી હોવાનો તર્ક આપવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટમાં આ પ્રથા સામે પણ સુનાવણી ચાલી રહી છે, તેમનું કહેવું છે કે આ પ્રથાનો ગેરલાભ લેવામાં આવ્યો હોવાના અનેક કિસ્સા નોંધાયેલા છે.


'કૉંગ્રેસ કાયદો નાબુદ કરશે'

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝ એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયા) સાથે વાત કરતા ઑલ ઇંડિયા મહિલા કૉંગ્રેસના વડા સુસ્મિતા દેવે કહ્યું કે ટ્રિપલ તલાકના કાયદાને કારણે મુસ્લિમ મહિલાઓનું સશક્તિકરણ નથી થતું, 'આથી ટ્રિપલ તલાકને ગુનાહિત કૃત્ય ઠેરવવાનો કોઈ લાભ નથી.'
"જો મુસ્લિમ પુરુષ જેલમાં ધકેલાઈ જશે તો તો મહિલા પાસે કોઈ આર્થિક આધાર નહીં રહે. જો તમે મહિલા સશક્તિકરણની વાત કરતા હો તો તેને આવક મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે."
ફેબ્રુઆરી મહિનામાં દેવે કહ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તા ઉપર આવશે તો આ કાયદાને નાબુદ કરશે,જોકે પાર્ટીએ મૅનિફેસ્ટોમાં આ વાતનો ઔપચારિક રીતે ઉલ્લેખ નથી કર્યો.
કૉંગ્રેસના સાથીપક્ષ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષે તેના ચૂંટણીઢંઢેરામાં ટ્રિપલ તલાક કાયદાને નાબુદ કરવાની વાત કહી હતી.
હિંદુ, શીખ, ખ્રિસ્તી, પારસી અને મુસ્લિમ એમ પાંચ અલગ-અલગ ધર્મના જજોએ મળીને 3-2ની બહુમતીથી આ ચુકાદો આપ્યો હતો.

ભાજપને લાભ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહટકરે કહ્યું કે ટ્રિપલ તલાક બિલને પસાર કરાવવા માટે મોદી સરકારે જે પ્રયાસ કર્યા છે, 'તેનો ભાજપને ચોક્કસથી સકારાત્મક લાભ મળશે.'
સોમણ કહે છે, "ટ્રિપલ તલાકએ ન્યાય માટે મુસ્લિમ મહિલાઓની ખુદની લડાઈ હતી. મુદ્દે મુસ્લિમ મહિલાઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી તે પહેલાં અમે અભિયાન ચલાવેલા તથા અલગઅલગ સ્તરે રજૂઆતો કરેલી, પરંતુ કોઈ લાભ ન થયો."
"આ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો, ત્યારે ભાજપ સિવાય મોટાભાગના રાજકીયપક્ષોએ મૌન સેવ્યું હતું. એટલે હવે તે શ્રેય લેવાનો પ્રયાસ કરે તે સ્વાભાવિક છે."
રાજકીય સમીક્ષક અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક પ્રો. ઘનશ્યામ શાહ માને છે:
"ટ્રિપલ તલાક મુદ્દે કૉંગ્રેસ સેફ રમવા માગે છે. ભાજપ આ મુદ્દે રાજકીય લાભ લેવા માગે છે, પરંતુ તેને લાભ નહીં મળે."
"મુસ્લિમ મહિલાઓ રાજકીય રીતે સક્રિય છે અને તેઓ સ્થિતિને સમજે છે. તેઓ સમજે છે કે ભાજપનું રાજકારણ અને પુરુષ દ્વારા ટ્રિપલ તલાકએ આંતરિક બાબત છે."
લાલીવાલા કહે છે, "ટ્રિપલ તલાકની પ્રથા સમાપ્ત થવી જ જોઈએ, પરંતુ તેને ગુનાહિત કૃત્ય ઠેરવવું ખોટી બાબત છે."
"મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં ભાજપનો વિજય થાય છે, પરંતુ તેના માટે રાષ્ટ્રીય કરતાં સ્થાનિક બાબતો વધુ જવાબદાર હોય છે."
"ટ્રિપલ તલાકની અસર થાય તેવી શક્યતા નથી દેખાતી."

વિશ્વમાં ટ્રિપલ તલાક

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વના અનેક દેશોમાં સ્થાનિક ન્યાયવ્યવસ્થા અને ટ્રિપલ તલાક વચ્ચે સંઘર્ષ થયા છે.
ભારત સિવાય વિશ્વના 22 અન્ય દેશોમાં ટ્રિપલ તલાક ઉપર પ્રતિબંધ છે, જેમાં સંયુક્ત આરબ અમિરાત, મલેશિયા, ઇજિપ્ત અને શ્રીલંકા જેવા દેશો પણ સમાવિષ્ટ છે.
પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા ઇસ્લામિક રાષ્ટ્રોમાં પણ ટ્રિપલ તલાક ઉપર પ્રતિબંધ છે.
અલગ-અલગ નિયમ અને ચલણને કારણે 'મૌખિક તલાક'ની આ પ્રથા વિશ્વભરમાં કેટલી વ્યાપક છે, તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે.
સાઉદી અરેબિયામાં આ અંગે અલગ-અલગ અર્થઘટન પ્રવર્તે છે છતાં ત્યાં ટ્રિપલ તલાક પ્રચલિત છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














