ગુજરાતમાં નરેન્દ્ર મોદી બાદ જોવા મળ્યા અમિત શાહના માસ્ક

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં ભાજપના ચૂંટણીપ્રચાર અભિયાન દરમિયાન નરેન્દ્ર મોદી જ ભાજપનો 'ચહેરો' છે પરંતુ આ વખતે પહેલીવાર અમિત શાહનો ચહેરો પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે.
ભાજપની પ્રચાર સામગ્રીમાં અમિત શાહના ફોટોગ્રાફવાળા માસ્ક તથા પિપૂડી પણ સમાવિષ્ટ છે.
પહેલી વાર આ પ્રકારે ગુજરાતની ચૂંટણીમાં અમિત શાહને ચહેરો બનાવવાના પ્રયાસને રાજકીય પંડિતો 'ચેઇન પૉલિટિક્સ' કહે છે.
2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પ્રથમ વખત મોદી માસ્કનો ઉપયોગ થયો હતો.

બ્રાન્ડ રિકોલ વૅલ્યુ

ઇમેજ સ્રોત, Kalpit bhachech
ભાજપના અધ્યક્ષ અમિત શાહ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીની પરંપરાગત ગાંધીનગર બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે.
જોકે, તેમના ચહેરાવાળા માસ્ક ગાંધીનગર જ નહીં, અમદાવાદ સહિત ગુજરાતભરમાં મોકલવામાં આવ્યા છે.
જોકે, સ્લમ વિસ્તારમાં 'રિકોલ વૅલ્યૂ' ઊભી કરવા માટે પિપૂડીઓ વહેંચવામાં આવી છે. જેની ઉપર, શાહ મોદી અને સંસદની તસવીરો છે.
ચૂંટણીના સમયમાં નાગરિકનું ધ્યાન ખેંચવા દરેક પક્ષ તલપાપડ હોય છે, જેમાં પાર્ટીનું ચૂંટણીચિહ્ન સૌથી મોટી ભૂમિકા ભજવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણીચિહ્ન સાથે નેતાનો ચહેરો નાગરિકના મનમાં સીધી છાપ ઊભી કરે છે.

શાહ, મોદી અને માસ્ક

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં નરેન્દ્ર મોદીના માસ્ક બનાવવાના ગણિતને જોતા જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી સાથે વાતચીત કરતા કહ્યું:
"નરેન્દ્ર મોદી અને અમિત શાહ પાર્ટીમાં પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે."
"2014માં મોદીએ પાર્ટીની જવાબદારી લીધી હતી પરંતુ હવે આ બંને પાર્ટીને પોતાની તરફ લેવાનો સંદેશ આપી રહ્યા છે."
"તેઓએ મોદી અને અમિત શાહની એક આભા ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં એ સફળ પણ થયા છે. મોદી પછી અનુગામી અમિત શાહ છે એ પ્રસ્થાપિત કરવા માગે છે."
નરેન્દ્ર મોદીએ ABP સાથેના ઇન્ટરવ્યૂમાં આ સવાલના જવાબમાં કહ્યું હતું:
"આ પ્રકારના સવાલ દ્વારા તમે મારી પાર્ટીમાં આગ લગાડવા ઇચ્છો છો. આ બધી 'બેકાર'ની વાતો છે."

આ વિશે વધુ વાંચો

ગુજરાતનું ગૌરવ

ઇમેજ સ્રોત, ANI
આ પ્રકારના માસ્ક બનાવી એવો સંદેશ આપવા માગે છે કે ગુજરાત માત્ર મોદીનું નથી અમિત શાહનું પણ છે.
મોદીની સાથેસાથે અમિત શાહને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે અને ગુજરાતીઓમાં એક મૅસેજ પણ જાય કે મોદી નથી તો અમિત શાહ અમારું નેતૃત્વ કરે છે.
લોકોને પોતીકાપણું લાગે એટલા માટે મોદીની જેમ અમિત શાહના માસ્ક અને અન્ય પ્રચારસામગ્રી તૈયાર કરાઈ છે.
સમગ્ર પરિસ્થિતિને પ્રચારનો એક ભાગ ગણાવતા ભાજપ ગુજરાતના પ્રવક્તા ભારત પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથે સાથેની વાતચીતમાં કહ્યું:
"અમિત શાહ અને નરેન્દ્ર મોદી ભાજપની નવી જોડી છે. જેમ સ્વરાજ્યની લડતમાં બે ગુજરાતી- ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ હતા."
"મોદીની જેમ અમિત શાહના માસ્ક બનાવવામાં આવ્યા છે, અને એમાં કશું ખોટું નથી. અમિત શાહ પણ ગુજરાતના લોકપ્રિય પનોતા પુત્ર છે અને નરેન્દ્ર મોદીની જેમ ભાજપ માટે કામ કરે છે."
"આ વખતે ચૂંટણી પંચે રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે આ વખતે પ્લાસ્ટિકના સ્થાને ઇકો-ફ્રૅન્ડલી પ્રચાર સામગ્રીનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો છે."
"શાહની સાથે મોદીના પણ માસ્ક છે અને એના કારણે ગુજરાતના કાર્યકર્તાનો ઉત્સાહ વધે છે એટલે અમે આ પ્રયોગ કર્યો છે."

ઇલેક્શન, પ્રચાર અને પ્રોડક્ટ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
ચૂંટણી પ્રચાર સામગ્રીના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા પ્રમાણે, ટોપી, બેજ, કિચેન, પેન, સાડી, ચાંદલા જેવી પ્રોડક્ટ્સનું વેચાણ થાય છે.
કાપડ આધારિત પ્રચાર સામગ્રીના ઉત્પાદન માટે અમદાવાદ સમગ્ર દેશમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
અહીં ઉત્પાદિત ઝંડા, તોરણ, ટોપી અને ખેસ દેશના અલગઅલગ ભાગોમાં મોકલવામાં આવે છે.
માત્ર રાજકીય પક્ષો જ નહીં, પરંતુ પશ્ચિમ બંગાળના તૃણમુલ કૉંગ્રેસ અને મહારાષ્ટ્રના શિવસેના જેવા પ્રાદેશિક પક્ષની પ્રચાર સામગ્રી પણ અહીં બને છે.
વેપારીઓ કહે છે કે ડિજિટલ પેમૅન્ટ, ઑનલાઇન પેમૅન્ટ જેવા વિકલ્પ આપવા છતાંય આજે પણ વ્યવહારમાં 'કૅશ જ કિંગ' છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












