મોદીના વિરોધમાં વિપક્ષના ગઠબંધનની વાત માત્ર તુક્કોતરંગ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાજેશ પ્રિયદર્શી
- પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી
વિપક્ષ વારંવાર એ પાઠ શીખ્યો છે કે ભાજપને એક જ પ્રકારે હરાવી શકાય છે. કૈરાના, ગોરખપુર અને ફૂલપુરથી લઈને કર્ણાટક સુધી વિપક્ષની એકતાનું એક જ પરિણામ રહ્યું, ભાજપની હાર. મતલબ કે આ માત્ર થિયરી નથી પરંતુ એક ચોક્કસ ગણિત છે.
આ જાણવા છતાં એક થઈને ચૂંટણી લડવાના વિપક્ષના ઇરાદા મૃગજળ સમાન સાબિત થયા છે.
વિપક્ષની એકતાના માર્ગમાં નેતાઓનો વ્યક્તિગત સ્વાર્થ, લાલચ અને અહંકાર સૌથી મોટી સમસ્યા છે. વિપક્ષના નેતાઓની અતિ-મહત્ત્વાકાંક્ષા અને પોતાની શક્તિ અંગેની ગેરસમજ પણ કંઈ કમ નથી.
અમુક મહત્ત્વનાં રાજ્યોની ચર્ચા આગળ કરીશું પરંતુ હાલમાં જેએનયૂની વાત. જે કૅમ્પસથી ભાજપે રાષ્ટ્રવાદની રાજનીતિ શરૂ કરી હતી તે જ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનની 2017ની ચૂંટણીમાં આરએસએસના સંગઠન એબીવીપી સામે વિપક્ષી એકતાની હાલત જોવા જેવી હતી.
જેએનયૂમાં વિપક્ષની એકતા એક કેસ સ્ટડી રૂપે જોવી જોઈએ. અહીં એબીવીપીનો સામનો કરવા માટે ડાબેરી વિદ્યાર્થી સંગઠને 'લેફ્ટ યુનિટી' તો બનાવી પરંતુ ડાબેરી વિચારધારા ધરાવતું વિદ્યાર્થી સંગઠન એઆઈએસએફ આ એકતામાં સામેલ ન થયું.

ઇમેજ સ્રોત, Getty Images
સીપીઆઈના નેતા ડી. રાજાનાં પુત્રી અપરાજિતા ડાબેરી એકતાથી અલગ ચૂંટણી લડ્યાં. ભાજપની રાજનીતિથી અસહમત દલિત-આદિવાસી વિદ્યાર્થી સંગઠન (બાસપા)ને પણ આ એકતામાં સામેલ થવાની જરૂર ના લાગી.
આ વિપક્ષની એકતાની સરળ પરીક્ષા હતી જેમાં તે અસફળ રહ્યો. આ કોઈ લાલચ કે ફાયદાનો મામલો નહતો છતાં તેઓ ભાજપ વિરુદ્ધ એકઠા ના થઈ શક્યા તો પછી લોકસભા ચૂંટણી તો બહુ મોટી વાત છે.
મોદીવિરોધના યુવાન અવાજ કનૈયાના મામલે પણ આ વાત જોવા મળી. બેગુસરાય બેઠક પર વિપક્ષ એકજૂથ ના થયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં કનૈયાનો મુકાબલો જેટલો ભાજપના ગિરિરાજ સિંહ સાથે છે તેટલો જ મોદીવિરોધી આરજેડીના તનવીર હસન સામે પણ છે.
જો મુકાબલો સીધો હોત તો કનૈયાની જીતની સંભાવના વધી જાત. પરંતુ અહીં ત્રિકોણીય જંગ થશે.
આવી જ રીતે દેશના સૌથી મોટા રાજ્ય યૂપીમાં કૉંગ્રેસના ગઠબંધનથી અલગ રહેવાને કારણે ત્રિકોણીય જંગ થશે.
સપા-બસપા-રાલોદનું ગઠબંધન થઈ ગયું છે, બેઠકોની વહેંચણી પણ થઈ ગઈ છે. પરંતુ કૉંગ્રેસને મળનારા મતોથી કદાચ ભાજપની મુશ્કેલીઓ ઓછી થશે.

કૉંગ્રેસ-બસપાએ તક ગુમાવી

ઇમેજ સ્રોત, PTI
જ્યારે કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ-સમારોહમાં આખો વિપક્ષ એકઠો થયો હતો ત્યારે સોનિયા-માયાવતીની આલિંગનની તસવીરથી લાગતું હતું કે મોદીને એક થઈ ગયેલા વિપક્ષનો સામનો કરવો પડશે અને જીત મુશ્કેલ હશે. પરંતુ આજે પૂછવામાં આવી રહ્યું છે કે 'વ્હૅર ઇઝ ધ જોશ?'
ગત લોકસભા ચૂંટણીમાં યૂપીમાં કૉંગ્રેસને માત્ર બે બેઠકો મળી હતી જ્યારે બસપાને એક પણ બેઠક નહોતી મળી.
ઉલ્લેખનીય છે કે બસપાને લગભગ 20 ટકા મત મળ્યા હતા જ્યારે કૉંગ્રેસને સાત ટકા.
જો કૉંગ્રેસ યૂપીમાં મહાગઠબંધનનો ભાગ બની હોત તો મોદીવિરોધી મોરચો ખૂબ જ મજબૂત બની ગયો હોત.
એટલું જ નહીં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ-બસપાનું ગઠબંધન થાય તો તેઓ ભાજપ પાસેથી ઘણી બેઠકો છીનવી શકે એમ છે.
આ બન્ને મોટાં રાજ્યોમાં કૉંગ્રેસ-બસપા અલગ-અલગ લડશે તો ભાજપને ફાયદો થશે.

તમે આ વાંચ્યું કે નહીં?

મોદી અને એકબીજાના વિરોધી

ઇમેજ સ્રોત, Getty Images
42 બેઠકો ધરાવતા પશ્ચિમ બંગાળમાં મોદીવિરોધી ત્રણ તાકતો છે- મમતા, કૉંગ્રેસ અને ડાબેરી.
મમતા અને ડાબેરીઓ એક સાથે આવી શકે એમ નથી, કારણ કે તેમની લડાઈ લોહિયાળ રહી છે.
મમતા અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન ના થયું, કારણ કે દીદી કૉંગ્રેસ માટે એક પણ બેઠક છોડવા તૈયાર નથી.
હવે વાત કૉંગ્રેસ અને સીપીએમના ગઠબંધનની. બન્ને એકબીજાને મોદીવિરોધી ગણાવે છે પરંતુ બંગાળમાં ચાર બેઠકો જીતનારી કૉંગ્રેસ અને બે બેઠકો જીતનારી સીપીએમ વચ્ચે સહમતી ન સધાઈ, કારણ કે ડાબેરીઓ પણ કૉંગ્રેસ માટે બેઠકો છોડવા તૈયાર નહોતા.
રાહુલ ગાંધીના ડાબેરીઓના અંતિમ ગઢ કેરળમાં ચૂંટણી લડવાના નિર્ણયથી પણ મામલો ગૂંચવાયો છે.
કૉંગ્રેસની નજરમાં વાયનાડ એક સુરક્ષિત બેઠક છે જ્યાં ડાબેરીઓ નહીં જીતે. ત્યાં છેલ્લી બે ચૂંટણીઓથી કૉંગ્રેસ પણ નથી જીતી.
મતલબ કે સીપીએમની એક પણ બેઠક કૉંગ્રેસ પક્ષ છીનવી રહ્યો નથી પરંતુ સીપીએમ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તે વિચિત્ર હતું.
મોદીની વિરુદ્ધમાં સામ્યવાદી વલણ અજીબ છે. ઉદાહરણ તરીકે સીપીએમ દ્વારા કર્ણાટકના ચિકબલ્લાપુરથી કૉંગ્રેસ-જેડીએસના ગઠબંધનના ઉમેદવાર અને વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલી વિરુદ્ધ પોતાના ઉમેદવાર ઉતારી દેવામાં આવ્યા છે. તેમના જીતવાની કોઈ સંભાવના નથી.
પરંતુ સામ્યવાદી ઉમેદવારની હાજરીથી ભાજપને ફાયદો થઈ શકે છે કારણ કે મોદીવિરોધી મત વહેંચાઈ જશે.
આ જ રીતે કૉંગ્રેસ અને 'આપ' એકસાથે લડ્યા તો દિલ્હી, પંજાબ, હરિયાણા અને ગોવામાં ભાજપને મુશ્કેલીમાં પાડી શકે છે પરંતુ તેવાં એંધાણ નથી દેખાઈ રહ્યાં.
વિધાનસભા ચૂંટણીમાં 70માંથી 67 બેઠકો જીતનારી 'આપ' દિલ્હીમાં કૉંગ્રેસને 2-3 બેઠકો આપીને હરિયાણા, પંજાબ અને ગોવામાં વધુ બેઠકો ઇચ્છે છે જેને કૉંગ્રેસ નકારે છે.
દિલ્હીમાં આપ-કૉંગ્રેસના ગઠબંધનને લઈને 'ક્યારેક હા, ક્યારેક ના' જેવી બનેલી પરિસ્થિતિ હાસ્યાસ્પદ બની ગઈ છે. અન્ય રાજ્યોમાં તેમની વચ્ચે ગઠબંધન થવાના કોઈ અણસાર નથી દેખાઈ રહ્યા.


મોદી-શાહ અને ગત હારથી કંઈ ના શીખ્યા.

ઇમેજ સ્રોત, REUTERS
પોણાં પાંચ વર્ષ સુધી ભાગીદારીને હાંસિયામાં રાખી અને નારાજ કર્યા બાદ ઘણા રાજકીય વિશ્લેષકો કહેવા લાગ્યા હતા કે આ વખતે ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનમાં વાત બગડશે પરંતુ મોદી-શાહ સમયસર દરેક પરિસ્થિતિને પહોંચી વળ્યા.
ગઠબંધન લેણ-દેણ અને મોટા દિલથી જ થાય છે. ભાજપે આ મુદ્દે સમજદારી બતાવી છે.
બિહારમાં નીતીશ કુમારને પોતે જીતેલી બેઠકો પણ આપી દીધી અને દરેક વાતે ભાજપ પર પ્રહાર કરતી શિવસેનાને પણ મનાવી લીધી.
એટલું જ નહીં જાન્યુઆરીમાં એનઆરસી પર નારાજ થઈને ગઠબંધન છોડનારા અસમ ગણ પરિષદ (એજીપી)ને ફરીથી એનડીએનો ભાગ બનાવી લીધી.
જોકે, એવું કહેવું ખોટું ગણાશે કે મોદીવિરોધી ગઠબંધન બનાવવાના પ્રયાસો દરેક જગ્યાએ અસફળ રહ્યા છે.
યૂપીમાં સપા-બસપા-રાલોદ, કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ, મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-એનસીપી અને તામિલનાડુમાં ડીએમકે-કૉંગ્રેસનું ગઠબંધન મજબૂત છે પરંતુ યૂપીએએ તેને રાષ્ટ્રવ્યાપી અને મજબૂત બનાવવાની તક ગુમાવી દીધી છે.
મોદીવિરોધી ગઠબંધનના ઘણા નેતાઓ કહી રહ્યા છે કે ચૂંટણી પરિણામ આવ્યાં બાદ વિપક્ષી ગઠબંધન વધુ મજબૂત થશે પરંતુ પરિણામ આવ્યાં બાદ તોડજોડનાં કૌશલમાં તેમનો મુકાબલો અમિત શાહ સાથે થશે.
જો બન્નેને સ્પષ્ટ બહુમતી ના મળી તો વાઈએસઆર કૉંગ્રેસના જગન મોહન રેડ્ડી, ટીઆરએસના નેતા ચંદ્રશેખર રાવ તથા બીજેડીના નવીન પટનાયક જેવા ખેલાડીઓ અચાનક મહત્ત્વના બની જશે.
જેટલો કજિયો વિપક્ષમાં આજે દેખાઈ રહ્યો છે, પરિણામ આવતા તે ઓછો થશે તેવું કહેવું મુશ્કેલ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














