ભાજપના સ્થાપનાદિવસે જ શત્રુઘ્ન સિંહા કૉંગ્રેસમાં જોડાયા, જાણો કેમ મોદી સામે વાંધો પડ્યો

ઇમેજ સ્રોત, Ani
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભાજપના સ્થાપનાદિવસે જ તેના કદાવર નેતા શત્રુઘ્ન સિંહા કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.
ભાજપના નેતૃત્વ સાથે લાંબા સમયની નારાજગી બાદ આખરે સિંહા દિલ્હીમાં કૉંગ્રેસના નેતાઓની હાજરીમાં કૉંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા.
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા અને બિહાર કૉંગ્રેસના પ્રભારી અને ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ આ કાર્યક્રમમાં હાજર હતા.
કૉંગ્રેસમાં જોડાયા બાદ શત્રુઘ્ન સિંહાએ ભાજપ પર પ્રહારો કર્યા અને કહ્યું કે મારી ભૂલ એ હતી કે હું સત્યની સાથે ઊભો રહ્યો.
તેમણે કહ્યું કે ભાજપના વરિષ્ઠ અને કદાવર નેતાઓને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા અને તેમને માર્ગદર્શક મંડળમાં નાખી દેવામાં આવ્યા.

2014માં ટ્રેલર, 2019માં ફિલ્મ

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપે 2014ની લોકસભાની ચૂંટણી કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં લડી હતી.
ગત વખતે પણ તેમને છેક છેલ્લી ઘડીએ ટિકિટ આપવામાં આવી હતી.
વર્ષ 2018માં અંગ્રેજી ચેનલ TimesNowને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "એમણે (મોદી-શાહ) પહેલાં દિવસથી જ તેમની ઉપેક્ષા કરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"વર્ષ 2014માં ચૂંટણી સમયે ભાજપ દ્વારા દેશભરમાં સૌથી છેલ્લે રાત્રે 11.30 કલાકે મારું નામ જાહેર થયું હતું."
"સુષમા સ્વરાજે પાર્ટીને કહ્યું હતું કે હવે પટનાની બેઠક ઉપરથી નામ જાહેર કરી દેવું જોઈએ, એમ ન કરવાને કારણે લોકોમાં ખોટો સંદેશ જઈ રહ્યો છે."
થોડા દિવસ પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે 'ગમે તે થાય, બેઠક તો પટના સાહિબ જ રહેશે.'
2014માં પાર્ટીએ તેમને દિલ્હીની ટિકિટ ઑફર કરી હતી, પરંતુ સિંહાએ કહ્યું હતું કે 'પટના જ મારી પહેલી અને છેલ્લી પસંદ' છે.
કદાચ સિંહા બે દાયકા જૂની એક કડવી યાદને ફરી તાજી કરવા માગતા ન હતા.

1992નો અફસોસ

ઇમેજ સ્રોત, Twitter@ShatrughanSinha
સિંહાએ તેમની જીવનકથા 'Anything But Khamosh'માં રાજકીય જીવનની 'સૌથી કડવી યાદ'નો ઉલ્લેખ કર્યો હતો.
એ ઘટનાક્રમને કારણે 'કાકા સાહેબ' રાજેશ ખન્ના અને સિંહાના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી, જે આજીવન રહી હતી.
સિંહા લખે છે, "મારે પેટા-ચૂંટણી દ્વારા રાજકીય કારકિર્દીની શરૂઆત નહોતી કરવી જોઈતી."
"કલ્યાણસિંહ, શાંતાકુમાર અને મદનલાલ (ખુરાના) સહિતના નેતાઓએ આગ્રહ કર્યો હતો, જેને મેં નકારી કાઢ્યો હતો."
"ત્યારબાદ અડવાણીએ મને કહ્યું કે આ અમારા માટે પ્રતિષ્ઠાનો સવાલ છે અને 'ના' નથી સાંભળવી."
"હું (લાલકૃષ્ણ) અડવાણીજીને 'ના' ન કહી શક્યો. તેઓ મારા માર્ગદર્શક, ગુરુ અને સર્વોચ્ચ નેતા હતા."
"મેં ઉમેદવારી તો કરી, પરંતુ અડવાણી એક પણ વખત મારો પ્રચાર કરવા માટે આવ્યા ન હતા. હાર્યો ત્યારે હું રડ્યો હતો."
મૂળ મુંબઈના ફિલ્મ કલાકારો સિંહા અને ખન્ના વચ્ચે નવી દિલ્હીમાં ચૂંટણી જંગ જામ્યો હતો, જેમાં કૉંગ્રેસની ટિકિટ ઉપર ખન્ના વિજયી થયા હતા.
સિંહા કહે છે કે ખન્ના સામે ચૂંટણી લડવા બદલ પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે આજીવન મેં તેમની માફી માગી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ગાંધીનગર, અડવાણી અને સિંહા
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
1991માં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી નવી દિલ્હી અને ગાંધીનગર બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને બેઉ બેઠકો પર તેમનો વિજય થયો હતો.
નવી દિલ્હીમાં અડવાણીની સામે રાજેશ ખન્ના ઊભા રહ્યા હતા. અડવાણીનો લગભગ 1600 મતે વિજય થયો હતો. આ સરસાઈ તેમના કદની સરખામણીએ ઘણી ઓછી હતી.
જોકે, અડવાણીએ ગાંધીનગરની બેઠક ઉપર સભ્યપદ જાળવી રાખ્યું અને નવી દિલ્હીની બેઠક ઉપરથી રાજીનામું આપ્યું હતું.
ખાલી પડેલી બેઠક ઉપર 1992માં યોજાયેલી ચૂંટણીમાં ખન્ના અને સિંહા વચ્ચે ટક્કર થઈ હતી.
ત્યાર પછીની દરેક ચૂંટણીમાં અડવાણી ભાજપની ટિકિટ પર ગાંધીનગર બેઠકેથી ચૂંટણી લડતા અને જીતતા રહ્યા.
અડવાણી હાજર હોય કે ન હોય, સભા સંબોધે કે ન સંબોધે દરેક વખતે મોદી-શાહની જોડીએ તેમની જીત સુનિશ્ચિત કરી હતી.

મોદી, શાહ અને ગાંધીનગર

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના દિગ્ગજ નેતા અડવાણીને ટિકિટ નથી આપી અને તેમના સ્થાને ભાજપના અધ્યક્ષ અમિત શાહ પાર્ટીના ઉમેદવાર છે.
ભાજપે આ જાહેરાત કરી ત્યારે એક તસવીર ફરી ચર્ચામાં આવી.
1991માં અડવાણીની ઉમેદવારી સમયે મોદી તેમની પાસે અને શાહ તેમની પાછળ હતા.
1992માં અડવાણીએ દેશભરમાં રથયાત્રા કાઢી ત્યારે તેના આયોજનમાં મોદીની ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
આજે મોદી દેશના વડા પ્રધાન છે અને શાહ ભાજપમાં 'નંબર-ટુ' છે, જ્યારે 91 વર્ષીય અડવાણીની સક્રિય રાજનીતિ ઉપર પ્રશ્નાર્થ ઊભો થયો છે.
સિંહાએ ટ્વિટર ઉપર લખ્યું કે 'વન-મૅન શૉ તથા ટુ-મૅન આર્મીને કારણે જોશી-અડવાણી જેવા દિગ્ગજોને અન્યાય થયો. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમને માફ કરે.'

શૉટગન કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
મૂળ બિહારના શત્રુઘ્ન પ્રસાદ સિંહાએ પુણેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાંથી અભિનયની તાલીમ લીધી હતી.
શત્રુઘ્ન સિંહા સ્ક્રિન ઉપર દમદાર અને ઝડપી ડાયલૉગ ડિલિવરી માટે વિખ્યાત હતા. તેમની આ સ્ટાઇલના અનેક ફેન અને પ્રશંસક હતા.
ધડાધડ ડાયલૉગ બોલવાને કારણે તેમને 'શૉટગન'નું ઉપનામ મળ્યું, જે આજીવન તેમના નામ સાથે જોડાયેલું રહ્યું.
જીવનકથામાં શત્રુઘ્ન લખે છે કે "ફિલ્મ સામયિક 'સ્ટારડસ્ટ'નાં સંપાદક શોભા રાજધક્ષા (શોભા ડૅ) તથા તેમના સાથી ઉમા રાવને કારણે 'શૉટગન'નું ઉપનામ વધુ પ્રચલિત બન્યું."
જનતામાં તેઓ 'બિહારી બાબુ' તથા 'શત્રુ ભૈયા' જેવાં અન્ય ઉપનામોથી પણ પ્રચલિત છે.


ચાર ભાઈઓ અને એક કડી

ઇમેજ સ્રોત, Getty Images
સિંહાએ તેમની પ્રથમ ફિલ્મ 'સાજન' (1969)માં પોલીસ ઇન્સ્પેક્ટરનો નાનો રોલ કર્યો હતો, જેમાં તેમને 'એસ.પી. સિંહા'ના નામથી ક્રૅડિટ આપવામાં આવી હતી.
આ નામ નિવૃત્ત સરકારી બાબુ જેવું લાગતું હોવાથી તેમણે નામ બદલવાનો વિચાર કર્યો હતો.
શત્રુઘ્નની બાયૉગ્રાફીમાં મોટાભાઈ ભરતના જણાવ્યા પ્રમાણે: "FTIIમાંથી નીકળ્યા બાદ શત્રુઘ્ન તેમનું નામ બદલવા માગતા હતા, પરંતુ મેં તેને એમ નહીં કરવાની સલાહ આપી હતી."
"અમારા ચાર ભાઈઓનાં નામ અનોખાં અને અજોડ છે, વિશ્વભરમાં આવો જોટો જવલ્લે જ જોવા મળે."
ચાર ભાઈઓમાં શત્રુઘ્ન સૌથી નાના છે, તેમના મોટાભાઈઓનાં નામ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન છે, જેઓ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે.
ભરત ઉમેરે છે કે 'કદાચ મારી વાત તેના મગજમાં ક્યાંક કોતરાઈ ગઈ હતી.'

સિંહા, ભાજપ અને રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images
'અટલ-અડવાણી'ના યુગમાં ભાજપમાં સિંહાનો સૂર્ય મધ્યાહને હતો, અમુક વર્ષ સુધી હાંસિયામાં ધકેલાઈ ગયા બાદ વર્ષ 1996માં શત્રુઘ્નને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા.
છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ફરી એક વખત સિંહાને રાજ્યસભામાંથી જ ટિકિટ આપવામાં આવી હતી.
વાજપેયી સરકારના છેલ્લા કાર્યકાળ દરમિયાન સિંહા આરોગ્યપ્રધાન અને વહાણવટા ખાતાના પ્રધાન રહ્યા.
બોલીવૂડના કોઈ ઍક્ટર પ્રથમ વખત કેન્દ્રીય પ્રધાન બન્યા હતા. 2009 અને 2014માં પટના સાહિબની બેઠક ઉપરથી લોકસભાના સાંસદ રહ્યા.
'મોદી-શાહ'ના યુગમાં બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન સિંહાને સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન નહોતું અપાયું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













