ત્રણ નવા મંત્રીઓના શપથ, કહ્યું 'ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતવા પ્રયાસ કરીશું'

ગુજરાતના રાજકારણમાં હાલ ઊથલપાછલનો દોર ચાલી રહ્યો છે. બપોરના સમયે પત્રકાર પરિષદ કરીને અલ્પેશ ઠાકોરે કહ્યું કે તેઓ કૉંગ્રેસ નહીં છોડે.

જે બાદ 12:39 વાગ્યે રાજ્યભવનમાં શપથવિધિ યોજાઈ અને તેમાં ત્રણ નવા મંત્રીઓને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યાં હતાં.

જેમાં જવાહર ચાવડાને કૅબિનેટ કક્ષાના મંત્રી બનાવાવમાં આવ્યા છે. ઉપરાંત વડોદરાના માંઝલપુરથી ભાજપના જ ધારાસભ્ય એવા યોગેશ પટેલને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

ઉપરાંત જામનગર ઉત્તરથી ધારાસભ્ય એવા ધર્મેન્દ્રસિંહ જાડેજાને પણ રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

શપથવિધિ બાદ ત્રણેય નવા મંત્રીઓએ મીડિયા સાથે વાત કરી હતી.

જેમાં જવાહર ચાવડાએ જણાવ્યું, "મને નવી જવાબદારી સોંપવા આવી તેનાથી લોકોને કેવી રીતે વધારે લોકોને લાભ મળે તે અમારો પ્રયત્ન રહેશે. "

"ગુજરાતમાં આપણી સરકાર હોય અને કેન્દ્રમાં આપણી સરકાર હોય તો લોકોને વધારે લાભ આપી શકાય."

યોગેશ પટેલે જણાવ્યું, "2019ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના હાથ મજબૂત થાય તે માટે મારા પ્રયત્ન હશે."

"આગામી ચૂંટણીમાં અમારે 26માંથી 26 બેઠકો જીતવાનો અમારો પ્રયત્ન રહેશે. હવે મંત્રી બન્યા બાદ મારી જવાબદારી વધી જાય છે."

ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું, "દેશ અને રાજ્યનો વધુમાં વધુમાં વિકાસ થાય ઉપરાંત છેવાડાના માનવી સુધી પહોંચી શકાય તે માટેના મારા પ્રયત્ન રહેશે."

શુક્રવારે જૂનાગઢ જિલ્લાના માણાવદરથી કૉંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા જવાહર ચાવડાએ રાજીનામું આપી દીધું હતું.

રાજીનામું આપ્યા બાદ કલાકોના સમયમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.

જવાહર ચાવડાના રાજીનામા બાદ ગણતરીની કલાકોમાં જ ધ્રાંગધ્રાના કૉંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પણ રાજીનામું ધરી દીધું હતું.

ગઈકાલના ઘટનાક્રમ બાદ આજે વિજય રૂપાણીએ પોતાની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું.

ધર્મેન્દ્રસિંહ આ પહેલાં કૉંગ્રેસમાં હતા જે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપમાંથી જ ધારાસભ્ય બન્યા હતા.

રાજભવનમાં આ ત્રણેય મંત્રીઓએ શપત લીધાં હતાં, જોકે, આ શપથવિધિમાં મીડિયાકર્મીઓને હાજર રહેવા દેવામાં આવ્યા ન હતા.

આ શપથવિધિમાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે આ મામલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે ત્રણ નવા મંત્રીઓએ શપથ લીધાં છે.

તેમણે કહ્યું, "આજે કૅબિનેટ કક્ષના એક મંત્રી અને બે રાજ્યકક્ષાના મંત્રીને સમાવવામાં આવ્યા છે."

"ખાતાની ફાળવણી વિજય રૂપાણી પોતાની અનુકૂળતા મુજબ કરશે. હાલ કૅબિનેટની બેઠક મળવાની નથી."

"હવે મંત્રીઓ પોતાની ઑફિસમાં ચાર્જ લઈ શકશે. માનનિય રાજ્યપાલે શપથવિધિ કરાવી દીધી છે."

"ભાજપના ધારાસભ્યોમાં રહેલા અસંતોષ મામલે નીતિન પટેલે કહ્યું કે મારે આ વિશે કોઈ ટિપ્પણી કરવી નથી."

"રાજકીય સ્ટ્રેટેજીના ભાદ રૂપે તમામ જ્ઞાતિઓ. રાજ્યના વિવિધ વિસ્તારોને વધુ પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય તે માટે નવા મંત્રીઓને સમાવેશ કરવામાં આવ્યો છે."

"હજી પણ નવા મંત્રીઓના સમાવેશની શક્યતા છે, જેથી મોવડીમંડળ અને મુખ્ય મંત્રીના સૂચનો બાદ નવા લોકો મંત્રીઓ બની શકે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો