Rafale: ડીલમાં અનિલ અંબાણીને લીધે મોડું થયું - રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images
રફાલ મુદ્દે રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી સરકારની ટીકા કરી હતી. એમણે કહ્યું કે આ સરકારનું કામ જ બધું ગાયબ કરવાનું છે અને રફાલ ડીલમાં અનિલ અંબાણીને લાભ અપાવવા માટે મોડું કરવામાં આવ્યું.
એમણે કહ્યું કે એક નવી લાઇન નીકળી છે. મોદી રાજમાં બધું ગાયબ થઈ રહ્યું છે. બે કરોડ યુવાનોનો રોજગાર ગાયબ થઈ ગયો, ખેડૂતોનો યોગ્ય ભાવ ગાયબ થઈ ગયો, દરેકનાં ખાતાંમાં 15 લાખ આવવાના હતા એ ગાયબ થઈ ગયા, ખેડૂતોનો વીમો ગાયબ થઈ ગયો અને રફાલની ફાઇલ ગાયબ થઈ ગઈ.
રાહુલ ગાંધીએ કહ્યું કે અનિલ અંબાણીને 30 હજાર કરોડ મળી શકે એ માટે રફાલ ડીલમાં મોડું કરવામાં આવ્યું. અમારી યૂપીએ સરકાર મુજબ ડીલ થઈ હોત તો અત્યારે રફાલ ભારતમાં હોત.
એમણે સરકારનો મૂળ મંત્ર કોઈ પણ બાબતોને તોડી-મરોડીને રજૂ કરી ચોકીદારને બચાવવાનો હોવાનું જણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે રફાલ ડીલ સાથે સંકળાયેલા કાગળો ગાયબ થઈ જવા એ કોઈ સામાન્ય વાત નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

વડા પ્રધાન કાર્યાલયની તપાસ કેમ નહીં?

ઇમેજ સ્રોત, AFP/Getty Images
રાહુલ ગાંધીએ કહ્યું કે ડીલ સાથે સંકળાયેલા કાગળોમાં પીએમઓ રફાલ ડીલમાં સમાંતર કામ કરી રહ્યું હતું તે સ્પષ્ટ થતું હતું. આ સીધો અને સરળ ભ્રષ્ટાચારનો મામલો છે. રક્ષા મંત્રાલયે રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે પીએમઓ સમાંતર કાર્યવાહી ચલાવી રહ્યી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મુદ્દે વડા પ્રધાન સામે ગુનો બને છે તો એમની સામે તપાસ કેમ નહીં એવો સવાલ પણ એમણે કર્યો હતો.
એમણે કહ્યું, "કાગળો ગાયબ થવા અંગે તપાસ કરો પણ એ પહેલાં વડા પ્રધાન પર તપાસ થવી જોઈએ."
રાહુલ ગાંધીએ કહ્યું કે કાગળ ગાયબ થયા છે એમાં નરેન્દ્ર મોદીએ બાયપાસ સર્જરી કરી છે. સરકાર કાગળ ગાયબ થવાની વાત કરે છે એનો મતલબ એ છે કે દસ્તાવેજોમાં તથ્ય છે એનો એ સ્વીકાર કરે છે.
રાહુલ ગાંધીએ પ્રાઇમ મિનિસ્ટર ઑફિસની સીધી સામેલગીરીને લઈને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનની પણ માગ કરી હતી.
જો વડા પ્રધાન ચોકીદાર હોવાનો દાવો કરતા હોય અને ચોરી ન જ કરી હોય તો પોતે તપાસ કેમ નથી કરાવતા? એવો સવાલ પણ તેમણે કર્યો છે.

બહાદુરીની સજા

ઇમેજ સ્રોત, N. RAM @TWITTER
રાહુલ ગાંધીએ 'ધ હિંદુ' અખબારના એ રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં રક્ષા મંત્રાલયે પીએમઓ પર સમાંતર વાટાઘાટોનો આરોપ મૂક્યો હતો. આ અહેવાલમાં ફ્રાન્સ સરકારે બૅન્ક ગેરંટીના અસ્વીકાર અને કરારની કિંમતની પણ વાત હતી.
ઉલ્લેખનીય છે કે સરકારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં અખબાર સામે ઑફિશિયલ સિક્રેટ ઍક્ટ મુજબ ગુપ્ત દસ્તાવેજો લીક કરવાનો આરોપ લગાવ્યો હતો અને અદાલતને અરજી નકારી કાઢવા કહ્યું હતું.
આ કેસમાં 14 માર્ચે ફરી સુનાવણી થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














