BBC TOP NEWS : ઝેરી દારૂના કારણે યુપી-ઉત્તરાખંડમાં કુલ 99નાં મોત

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા ચાર દિવોસમાં ઝેરી દારૂ પીવાને કારણે મરનારાની સંખ્યા 99 પર પહોંચી ગઈ છે.

જેમાં એકલા સહારનપુર જિલ્લામાં 59, કુશીનગર જિલ્લામાં 10 અને ઉત્તરાખંડના હરિદ્વારમાં 30 મોત થયાં છે.

મૃતકોની સંખ્યામાં હજી પણ વધારો થાય તેવી શક્યતા છે.

લઠ્ઠાકાંડનો ભોગ બનેલા અનેક લોકો હજી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

યોગી આદિત્યનાથે પોતાના રાજ્યમાં આ પૂરા મામલામાં તપાસ માટે એસઆઈટીનું ગઠન કર્યું છે.

ઉત્તર પ્રદેશ સરકારે દાવો કર્યો છે કે વિતેલા દિવસોમાં રાજ્યમાં બનેલો 79 હજાર લિટર દારૂ જપ્ત કર્યો છે અને ત્રણ હજારથી વધારે લોકોની ધરપકડ કરી છે.

પ્રિયંકાનો લખનૌમાં આજે રોડ શો

ગયા મહિને કૉંગ્રેસ પક્ષમાં મહાસચિવ બનેલાં પ્રિયંકા ગાંધી સોમવારથી પોતાની નવી ઇનિંગ્સ શરૂ કરી રહ્યાં છે.

તેઓ આજે ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌ પહોંચશે અને અહીં રોડ શો કરશે.

કૉંગ્રેસ પક્ષે પણ ઉત્તર પ્રદેશમાં તેમના આગમાનને જોતાં જોરદાર તૈયારીઓ શરૂ કરી છે.

પ્રિયંકા ગાંધી અહીં લગભગ 15 કિલોમીટર લાંબો રોડ શો કરશે.

પ્રિયંકા ગાંધીએ આ પહેલાં એક ઑડિયો ટેપ જારી કરીને કૉંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધાર્યો હતો.

પ્રિયંકા ગાંધીના આ રોડ શોમાં તેમના ભાઈ અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સાથે હશે.

ચંદ્રબાબુ નાયડુ આજે દિલ્હીમાં ઉપવાસ પર બેસશે

આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ આજથી નવી દિલ્હીમાં ઉપવાસ પર બેસશે.

આંધ્ર પ્રદેશ ભવન ખાતે તેઓ રાજ્યને સ્પેશિયલ સ્ટેટ્સ અને તેની સ્થાપના વખતે કરવામાં આવેલા વાયદાઓની પૂર્તિની માગણી સાથે ઉપવાસ કરશે.

બીજે દિવસે તેઓ આ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવેદન પત્ર આપશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશની લાંબા સમયથી પૅન્ડિંગ સ્પેશિયલ સ્ટેટસની માગણીને કાને નહીં ધરતા લોકો ખૂબ ગુસ્સે હોવાનો ચંદ્રબાબુ નાયડૂએ દાવો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ગંટૂરમાં વડા પ્રધાન મોદીએ ચંદ્રબાબુ નાયડુને લોકેશના પિતા કહીને સંબોધતા તેમણે નરેન્દ્ર મોદીને જશોદાબહેનની યાદ અપાવી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

હંગેરીમાં ચાર કે તેથી વધારે બાળકોની માતાઓને આજીવન ટેક્સ મુક્તિ

હંગેરી સરકારે દેશની ઘટતી જતી વસતિ વધારવા માટે નવી યોજનાની જાહેરાત કરી છે.

આ યોજના મુજબ ચાર કે તેથી વધારે બાળકોની માતા હોય તેવી મહિલાઓને આવક કરમાં આજીવન મુક્તિ આપવામાં આવશે.

હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓર્બને આની જાહેરાત કરી છે.

મહિલાઓને ટેક્સમાં રાહત ઉપરાંત સરકારે યુગલોને 36,000 અમેરિકન ડૉલરની વ્યાજ મુક્ત લોનની પણ ઓફર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હંગેરીની વસતિ પ્રતિ વર્ષ 32,000 લેખે ઘટી રહી છે અને જમણેરી વિચારધારા ધરાવતી સરકાર બહારથી આવનારા લોકોના અને તેમાં પણ ખાસ કરીને મુસ્લિમોના વિરોધમાં છે.

વડા પ્રધાન ઓર્બને કહ્યું હતું કે હંગેરિયન લોકો અલગ વિચારે છે. આપણને ફક્ત આંકડો નથી જોઈતો, આપણને હંગેરિયન બાળકો જોઈએ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો