'મારે મારાં લગ્નમાં વિદાય વખતે રડવાનું નાટક કરવું પડ્યું હતું'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અસ્મિતા દવે,
- પદ, બીબીસી ગુજરાતી
તાજેતરમાં જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં પુત્રી ઈશા અંબાણીનાં લગ્નની દરેક બાબત ચર્ચાનો વિષય રહી છે.
તેમનાં લગ્ન પહેલાંના કાર્યક્રમોથી લઈને દરેક વિધિ, ભોજન, મેનુ, તેમના કપડાં અને મહેમાનોનાં કપડાં સુધીની બાબતો પર ચર્ચા થતી રહી.
આ લગ્ન પછી પહેલી વખત તેમણે ઈશા અંબાણી પિરામલ તરીકે વૉગ મૅગેઝિનને આપેલાં ઇન્ટરવ્યૂમાં કેટલીક રસપ્રદ વાતો કહી છે
ઈશાએ કહ્યું કે તેમનાં લગ્નની વિદાયમાં તેમણે પોતાનાં માતાપિતા સહિત બધાને રડતાં જોયાં એટલ માટે તેઓ રડી પડ્યાં હતાં.
સામાન્ય રીતે છોકરીઓ અને તેમનો પરિવાર વિદાય વખતે ભાવુક થઈ જતો હોય છે, તેથી કરુણાસભર દૃશ્યો સર્જાતાં હોય છે.
ઘણી છોકરીઓ એવી હોય છે, જે કપરી પરિસ્થિતીઓનો સામનો કરતાં પણ નથી રડતી એ પોતાની વિદાય વખતે રડી પડે છે.
તો ઘણાએ આસપાસના લોકો રડતાં હોવાથી પોતે નહીં રડે તો ખરાબ લાગશે એ ડરથી થોડું રડવું પડે છે.
આવી જ કેટલીક યુવતીઓ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી કે જેઓ પોતાની વિદાયમાં રડ્યાં કારણ કે તેમણે તેમનાં માતાપિતા કે સ્વજનને રડતાં જોયાં. કેટલીક એવી યુવતીઓ પણ છે કે જેઓ પોતાની વિદાય વખતે રડી ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

હું મારા ભાઈને જોઈને રડી પડી

ઇમેજ સ્રોત, Monica joshi
મુંબઈમાં મિકૅનિકલ એન્જિનિયર તરીકે કામ કરતા મોનિકા જોશી જણાવે છે, "હું બહુ ભાવુક વ્યક્તિ નથી. મને સામાન્ય રીતે રડવું પણ નથી આવતું."
"મને જ્યારે બહુ જ ટૅન્શન કે પ્રેશરમાં હોય ત્યારે પણ હું ભાગ્યે જ રડું છું."
"મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું મારી વિદાયમાં રડીશ. બધાને એવું હતું કે હું મારી વિદાયમાં પણ નહીં રડું."
"હું છેક સુધી રડી નહોતી. પણ છેલ્લે મેં જ્યારે મારા ભાઈને રડતો જોયો ત્યારે હું ભાવુક થઈ ગઈ."
"કારણ કે એ દરેક બાબતમાં મારા પર આધાર રાખતો હતો. તો મારા પછી એનું કોણ ધ્યાન રાખશે."
"એ વિચારથી હું કાબૂ ન રાખી શકી અને રડી પડી."

મારે થોડું રડવાનું નાટક કરવું પડ્યું..

ઇમેજ સ્રોત, khyati shah
લગ્ન વખતે અમદાવાદ ખાતે પોસ્ટલ ઑફિસર તરીકે ફરજ નિભાવતાં અને હાલ ઑસ્ટ્રેલિયા ખાતે એક ખાનગી કંપનીમાં ક્વૉલિટી ચેકર તરીકે કામ કરતા ખ્યાતિ ઇશાન શાહ જણાવે છે કે હું તો મારા લગ્ન વખતે ખુશ હતી.
તેઓ જણાવે છે, "મને સહેજ પણ રડવું આવતું નહોતું. અમારાં લવ મૅરેજ થયાં હતાં."
"તેથી બધું અમારી ઇચ્છા મુજબ થયું અને બધા માની ગયા એ વાતનો મને આનંદ હતો."
"મને ખુશી હતી કે બધું બહુ જ સારી રીતે થઈ રહ્યું હતું. પણ પૅરેન્ટ્સ અને ફૅમિલીના લોકો તો થોડાં ભાવુક થાય."
"બધાં મને જોઈને રડતાં હતાં પણ મને રડવું આવતું જ નહોતું. તેથી મારે થોડું રડવાનું નાટક કરવું પડ્યું પણ ખરેખર એ ખુશીનાં આંસુ હતાં."

મારા બંને પરિવારમાંથી કોઈ જ નથી રડ્યું

ઇમેજ સ્રોત, Aarti dhillon shah
કલકત્તામાં રહેતાં હાઉસ વાઇફ આરતી ધિલ્લોન શાહ જણાવે છે, "મારાં લગ્ન કલકત્તામાં થયાં હતાં. અમે મારા પરિવાર સહીત કલકત્તા ગયાં હતાં."
"એક જ દિવસે લગ્ન, રીસેપ્શન અને વિદાય બધું જ સાથે હતું. તેથી બધું જ બહુ ઝડપથી થઈ ગયું. હું આમ પણ બહુ રડતી નથી."
ઘણી વખત પરિવારના સભ્યો ભાવુક થઈ જતા હોય છે પણ આરતીના કિસ્સામાં આવું પણ નથી.
તેઓ કહે છે, "અમારા બંને પરિવારો વચ્ચે બહું સારું સાયુજ્ય છે, તેથી બંનેમાંથી એક પણ પરિવારમાં કોઈને મિસ કરવા જેવું કશું હતું જ નહીં."
"મારાં ભાઈ-બહેન કે પરિવારના સભ્યો પણ મારા માટે બહુ જ ખુશ હતા. તેમાંથી પણ કોઈ જ રડ્યું નહોતું."
"તેથી હું તો નહીં પણ મારા આખા પરિવારમાંથી કોઈ જ રડ્યું નહોતું. હાલ મારે પાંચ વર્ષનો દિકરો છે અને અમે બધા જ ખુશ છીએ."

છેલ્લે મમ્મી પપ્પાને જોઈને સહેજ ભાવુક થઈ....

ઇમેજ સ્રોત, Pruthvi shah
અમદાવાદમાં રહેતાં પૃથ્વી શાહ જણાવે છે કે મને સહેજ પણ રડવું આવતું નહોતું.
તેઓ જણાવે છે, "અમારાં લગ્ન આર્ય સમાજમાં સાદાઈથી થયાં હતાં. તેથી એમાં તો એવો કોઈ માહોલ ન હોય કે, ત્રણ ચાર દિવસથી ઘરમાં મહેમાનો અને પ્રસંગનો માહોલ હોય."
"અમારાં લગ્ન બે વર્ષ પછી થવાનાં હતાં પણ મારા સસરાનું અવસાન થયું, તેથી અમે છ મહિનામાં સાદાઈથી લગ્ન કર્યાં. બધું જ કર્યુ હતું પણ ધામધૂમવાળો માહોલ નહોતો."
"સવારે તૈયાર થઈને ગયા બે કલાકમાં અમારી લગ્નની વિધિ પૂરી થયા પછી અમે બંને પરિવારના લોકો હોટેલમાં જમવા ગયા. પછી ત્યાંથી મારો ભાઈ મને સાસરે મૂકવા સાથે આવવાનો હતો."
"હોટેલમાં જમીને નીકળ્યા ત્યાં સુધી હું નહોતી રડી પણ પછી મારાં મમ્મીપપ્પા બહુ રડવા લાગ્યાં. છેલ્લે મારાં મમ્મીપપ્પાને રડતાં જોયાં એટલે થોડી ભાવુક થઈ ગઈ હતી."
"મારાં લગ્નનાં આલબમમાં પણ કોઈ રડતો ફોટો નથી. મને અંદરથી રડવું નહોતું આવતું."

મમ્મી પપ્પા વધુ ના રડે એટલે હું મક્કમ રહી..

ઇમેજ સ્રોત, zarna shah
લગ્ન બાદ એમ.ટેક.નો અભ્યાસ કરી રહેલાં અમદાવાદના ઝરણા શાહ જણાવે છે કે મારાં મમ્મીપપ્પાને હું મારી નજર સામે રડતાં ન જોઈ શકું.
"બાળકોનું કામ માતાપિતાનાં આંસુ લૂંછવાનું છે. તો એ મારા માટે રડતાં હોય તો મારે એમને સાંત્વના આપવી જોઈએ."
તેઓ જણાવે છે ,"હું રડું તો એ લોકો વધુ દુઃખી થાય અને બધાં જ રડે, તેથી મે મારી જાતને બહુ જ મક્કમ રાખી હતી."
"આજે સમય બદલાયો છે, હું ગમે ત્યારે મારાં મમ્મીપપ્પાને મળી શકું છું કે એમની સાથે વાત કરી શકું છું, તો રડવાનું કોઈ કારણ જ નથી."
"મેં બધાને કહી દીધું કે તમે રડશો તો હું નહીં જાઉં, હું લગ્ન જ નહીં કરું. છતાં એ લોકો ભાવુક થઈ ગયાં હતાં."
એક સમયમાં એવું પણ કહેવાતું કે જે કન્યા વધુ ભાવુક ન હોય કે જે પોતાની વિદાયમાં ન રડે તેનું સમાજમાં ખરાબ દેખાતું.
તેથી તેને તેના પરિવારની સ્ત્રીઓ રડાવાના પ્રત્નો કરતી, તેના માટે વિવિધ તરકીબો અજમાવવામાં આવતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












