બીબીસી સાથે ભારત વિશે વાત કરનારી યુવતી કૌશલ્યાને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવાઈ

ઇમેજ સ્રોત, NATHAN G
તમિલનાડુનાં સામાજિક કાર્યકર્તા કૌશલ્યાને કથિતરૂપે ભારતની સંપ્રભુતા વિરુદ્ધ નિવેદન આપવા મામલે નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
વૅલિંગટન કેન્ટોન્મેન્ટ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી હરીશ વર્માએ બીબીસીને કૌશલ્યાના સસ્પેન્શનની પુષ્ટિ કરી છે.
કૌશલ્યા કેન્ટોન્મેન્ટ કચેરીમાં જુનિયર આસિસ્ટંટ પદ પર કામ કરતાં હતાં.
કૌશલ્યાએ બીબીસી તમિલ સર્વિસના 'હમ ભારત કે લોગ' કાર્યક્રમમાં દેશ અને સમાજ મામલે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.
ત્યાર પછી તેમના નિવેદન મામલે વિવાદ સર્જાયો હતો.
કૌશલ્યા પર ભારતનો અનાદર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
'હમ ભારત કે લોગ'નામથી બીબીસીએ એક સિરીઝ શરૂ કરી છે. 26મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી આ સિરીઝમાં ભારતના લોકો પાસેથી એ સમજવાની કોશિશ કરવામાં આવી રહી છે કે તેઓ આ દેશને કઈ રીતે જુએ છે.
આ જ સિરીઝ હેઠળ કૌશલ્યાએ ભારત વિશે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિરીઝના કાર્યક્રમ દરરોજ બીબીસીના છ ભારતીય ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.

વિવાદ શું છે?
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 1
કૌશલ્યા બીબીસી સાથેના એક ઇન્ટરવ્યૂમાં ભારતીય નાગરિક તરીકેના પોતાના અનુભવ શૅર કર્યા હતા.
કૌશલ્યાએ કહ્યું હતું, "આંબેડકરે ભારતને એક સંઘના રૂપે જોયું હતું અને બંધારણમાં ભારતને રાજ્યોનો સંઘ કહેવામાં આવ્યો છે."
"ભારતમાં કોઈ ભાષા રાષ્ટ્રભાષા નથી અને લોકો સંસ્કૃતિના આધારે વહેંચાયેલા છે." "આવી સ્થિતિમાં એ સવાલ હું તમારી ઉપર છોડું છું કે તમે આને એક દેશ તરીકે કઈ રીતે જુઓ છો."
"તમિલનાડુ સાથે કેન્દ્ર સરકાર એક દાસની જેવો વ્યવહાર કરે છે. સ્ટરલાઇટ જેવા પ્રોજેક્ટને આ રાજ્ય પર થોપી દેવાય છે. લોકોએ આનો વિરોધ કર્યો હતો."
"વળી ખેડૂતોએ પણ તેનો ભારે વિરોધ કર્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે તેમની વાત ન સાંભળી."

તમે આ વાંચ્યું કે નહીં?

નોકરીમાંથી સસ્પેન્સન યોગ્ય?

ઇમેજ સ્રોત, NATHAN G
કૌશલ્યાને નોકરીમાંથી સસ્પેન્ડ કરવા મામલે તમિલનાડુમાંથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે.
આ મામલે મદ્રાસ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધિશ ચંદ્રુએ જણાવ્યું,"સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સરકારી નોકરી કરતા કર્મચારીએ પુસ્તક લખવા, મીડિયા સાથે વાત કરવા અથવા લેખ લખવા પૂર્વે વિભાગની મંજૂરી લેવી પડે છે."
"સરકારી કર્મચારીએ રાજ્ય કે નોકરી વિરુદ્ધ ન બોલવું જોઈએ. આથી કૌશલ્યાના કેસમાં આ નિયમનું ઉલ્લંઘન થયું છે."
જસ્ટિસ (રિટાયર્ડ) કે. ચંદ્રુ જણાવે છે,"1983માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈ વ્યક્તિ સરકારી નોકરીમાં દાખલ થતા પૂર્વે કોઈ પણ અભિપ્રાય ધરાવી શકે છે, પણ નોકરીમાં આવ્યા બાદ તમારો મત મહત્ત્વનો છે."
"જોકે, તમારા અગાઉના અભિપ્રાય અને વિચારોની અસર નોકરી આપવામાં આવતા નિર્ણય પર ન લાગુ કરી શકાય."
"એક સરકારી કર્મચારીએ પોતાની નોકરી પ્રત્યે નિષ્ઠાવાન અને સમર્પિત રહેવું જોઈએ."
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 2
જોકે, કેટલાક સમૂહોમાં એવો પણ સવાલ ઊઠી રહ્યો છે કે સરકારે કૌશલ્યા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં વધારે કડકાઈ દાખવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે કૌશલ્યા વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે તેના કરતાં અન્ય વિકલ્પો પર પણ વિચાર કરવામાં આવી શકાયો હોત.
મહિલા અધિકારો માટે અવાજ ઉઠાવતા કાર્યકર્તા કવિતા કૃષ્ણન માને છે કે કૌશલ્યાએ જે કંઈ પણ કહ્યું છે તે અભિવ્યક્તિની આઝાદીથી અલગ નથી.
તેઓ કહે છે કે રાજ્યની ટીકા કરવાનો અધિકાર તમામને છે.
કવિતા કહે છે, "કૌશલ્યાએ ઑનર કિલિંગ વિરુદ્ધ જે રીતે લડાઈ લડી છે, તેવી હિંમત બધામાં નથી હોતી."
"આ પ્રકારની મહિલા સામે થઈ રહેલી કાર્યવાહી દર્શાવે છે કે આ સરકારનું વલણ કેટલું અલોકતાંત્રિક છે."
માનવ અધિકાર કાર્યકર્તા પ્રોફેસર એ. માર્ક્સનું કહેવું છે કે દરેકનો દૃષ્ટિકોણ હોય છે અને તેમને પોતાની વાત કહેવાનો અધિકાર હોય છે, આથી તેમને પોતાની વાત કહેવાથી રોકી ન શકાય.
તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં સરકારી કર્મચારીઓને રાજકીય પક્ષોના સભ્ય બનવાની પણ મંજૂરી આપવામાં આવે છે.


કૌશલ્યા કોણ છે?

ઇમેજ સ્રોત, THE NEWS MINUTE
કૌશલ્યા તમિલનાડુમાં જાતિ વ્યવસ્થા વિરુદ્ધ અવાજ ઉઠાવનારાં સામાજિક કાર્યકર્તા છે.
કૌશલ્યાએ કેટલાક વર્ષો પહેલાં પોતાના કરતા કથિત નિમ્ન જાતિના યુવક સાથે લગ્ન કરવાના કારણે ઑનર કિલિંગનો સામનો કરવો પડ્યો હતો.
આ જીવલેણ હુમલામાં તેમના પતિ શંકરનું મૃત્યુ થયું હતું.
ત્યાર બાદ કૌશલ્યાએ પરિવાર સામે જ લાંબી કાનૂની લડાઈ લડી અને તેમને જેલની સજા કરાવી હતી.
કૌશલ્યાએ એક વાર ફરી લગ્ન કર્યા છે, પરંતુ તેમને ફરીથી તેમના સમુદાય તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કૌશલ્યાના બીજા લગ્ન

કૌશલ્યાના બીજા પતિ પણ અન્ય જાતિમાંથી આવે છે.
21 વર્ષનાં કૌશલ્યાએ આ વિશે બીબીસીને જણાવ્યું હતું, "કેટલાક લોકો અમને શુભેચ્છા પાઠવે છે પણ અજાણ્યા લોકોથી ધમકીઓ પણ મળી રહી છે."
"અમારો પરિવાર અને ફ્રૅન્ડ્સ પણ ચિંતિત છે. સોશિયલ મીડિયા પર લોકો જે લખી રહ્યા છે તેને અમે અવગણીએ છીએ."
"પણ કેટલાક લોકો અમને ફોન કરીને ચેતાવણી આપી રહ્યા છે. કેટલાક લોકો વિદેશોથી ફોન કરીને અમે અપશબ્દો કહી રહ્યા છે."
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 3
કૌશલ્યાએ જ્યારથી લગ્ન કર્યા છે ત્યારથી તેમને તેમની જાતિ સમુદાય તરફથી ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ હતી.
આથી કૌશલ્યા પાસે પોલીસ સુરક્ષા લેવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો.
બે વર્ષથી તેમની સાથે નિઃશસ્ત્ર મહિલા કૉન્સ્ટેબલ હતાં.
કૌશલ્યા કહે છે કે જ્યારથી તેમણે બીજા લગ્ન કર્યા છે, ત્યારથી આ કૉન્સ્ટેબલ પણ હવે તેમની સાથે નથી.
આ દંપતીના કહેવા અનુસાર, તેમની પર દરેક પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યું છે.
જોકે, સુરક્ષા હટાવી લેવાયાનો પોલીસ ઇન્કાર કરી રહી છે.

બદલાવ વિશે કૌશલ્યાનો મત

કૌશલ્યાએ ડિસેમ્બર-2018માં બીબીસીને જણાવ્યું હતું કે તેઓ આંતરજાતીય લગ્ન કરનારાઓની સુરક્ષા માટે એક કાનૂન બનાવવામાં આવે તે માટેનું અભિયાન ચલાવી રહ્યા છે.
ધમકીઓથી ડરીને તેઓ અભિયાન બંધ નહીં કરે.
તેમણે કહ્યું હતું,"ઘણા લોકોએ મને જણાવ્યું છે કે મારા ભાષણો સાંભળ્યા બાદ આંતર-જાતીય લગ્નો મામલે લોકોના વલણમાં બદલાવ આવ્યો છે."
તેમણે કહ્યું હતું કે તેઓ પોતાને આ બદલાવની દિશા તરીકે જુએ છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














