બજેટ 2019 : અનુસૂચિત જાતિ અને જનજાતિનો આર્થિક સમાનતાનો અધિકાર

ગાંધીજી

ઇમેજ સ્રોત, EPA

    • લેેખક, પૉલ દિવાકર એન, બીના પલ્લીકલ, રીયા સિંહ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

2017-18ના બજેટ પ્રવચનમાં નાણાપ્રધાને કેટલાક માળખાગત સુધારાઓ કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં દાખલ કર્યા હતા.

એક, અનુસૂચિત જાતિ સબ પ્લાન અને આદિવાસી સબ પ્લાન (SCSP-TSP)ના બદલે 'એસસી અને એસટી મૉડલ' માટે કલ્યાણ પર ભાર મુકાયો હતો.

બીજું, આયોજિત અને બિનઆયોજિત બંને ખર્ચને સંમિશ્રિત કરી દેવાયા હતા. તેના આધાર પર અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેનો સ્પેશિયલ કૉમ્પોનન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

અગાઉની નીતિમાં આ રીતે વ્યાપક ફેરફારો કરાયા તેના કારણે ઘણા લોકો વિચારતા થયા હતા કે અનુસૂચિત જાતિ અને જનજાતિના આર્થિક સમાવેશનો હેતુ આ ફેરફારોથી કેવી રીતે પાર પડશે.

એસસી માટેનો સ્પેશિયલ કૉમ્પોનન્ટ પ્લાન (1979) અને અનુસૂચિત જનજાતિ માટેનો સબ પ્લાન (1974) એટલા માટે દાખલ કરાયા હતા, જેથી આ બંને વર્ગના લોકોના વિકાસના મુદ્દાને વધારે સારી રીતે પાર પાડી શકાય.

તેની પાછળનો હેતુ એસસી અને એસટીના વિકાસનો, તેમને ગરીબી રેખામાંથી બહાર લાવીને મુખ્ય ધારામાં અન્ય વર્ગો સાથે સમાન સામાજિક અને આર્થિક દરજ્જો અપાવવાનો હતો.

અંદાજપત્રની યોજનાઓમાં જે ફાળવણી થાય અને લાભો આપવામાં આવે તેમાં એસસી માટેની ફાળવણી કમ સે કમ રાજ્યમાં તેની વસતિના પ્રમાણમાં હોય તેવો હેતુ હતો.

એસસી માટેના અને એસટી માટેના ડેવલપમૅન્ટ ઍક્શન પ્લાન (DAPSC અને DAPST) માટેના ભંડોળની ફાળવણી જુદાંજુદાં મંત્રાલયો કેવી રીતે કરે તે માટેની નવી માર્ગદર્શિકા 2017માં નીતિ આયોગે બહાર પાડી હતી.

લાઇન

આપને આ પણ વાચવું ગમશે

લાઇન
રૂપિયા

કેન્દ્ર સરકારે પ્લાન/નૉન પ્લાન એવી રીતે ફાળવણી કરવાના બદલે સૅન્ટ્રલી સ્પૉન્સર્ડ સ્કીમ્સ (CSS) સેક્ટર સ્કીમ્સ (CS), ઍસ્ટાબ્લિશ્મૅન્ટ, ઍક્સપૅન્ડિચર અને અધર્સ એવી રીતે ફાળવણી કરી હતી.

સૅન્ટ્રલી સ્પૉન્સર્ડ સ્કીમ્સ કેન્દ્ર સરકારના તથા રાજ્યોના નેશનલ ડેવલપમૅન્ટ ઍજન્ડા પ્રમાણે નિશ્ચિત થાય છે અને અમલમાં આવે છે.

જ્યારે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ્સ કેન્દ્રના જુદાંજુદાં મંત્રાલયો અને વિભાગો દ્વારા અમલમાં આવે છે. ઍક્સપેન્ડિચર અને અધર્સ તરીકે થયેલી ફાળવણી વહીવટી ખર્ચ હેઠળ આવે છે.

2017-18ના નાણાકીય વર્ષથી એસસી અને એસટી સમૂહોની યોજનાઓની ફાળવણી CS અને CSS તરીકે થાય છે.

જોકે, આ માર્ગદર્શિકાઓનો અમલ 2018-19ના નાણાકીય વર્ષમાં થયો નહોતો અને હવેના 2019-20ના બજેટમાં આ માર્ગદર્શિકાઓનો અમલ થાય છે કે કેમ અને તે પ્રમાણે ભંડોળની ફાળવણી થાય છે કે કેમ તે જોવાનું રહે છે.

ગયા વર્ષે દરખાસ્ત થઈ હતી કે 16 ટકા ભંડોળની ફાળવણી થવી જોઈએ પણ સરેરાશ માત્ર છ ટકા જ થઈ હતી.

ભારત સરકારના નિર્ણય પ્રમાણે પ્લાન અને નૉન-પ્લાન ખર્ચને સંમિશ્રિત કરી દેવા માટે અને સરકારી ખર્ચને મૂડી અને મહેસૂલના મથાળા હેઠળ લેવા માટે તે પ્રમાણે ફાળવણી કરાઈ છે.

પ્લાન અને નૉન-પ્લાન એવો ભેદ દૂર કરાયો તે પછી 2017-18ના નાણાકીય વર્ષથી કોઈ પ્લાન રાખવામાં આવ્યો નથી.

CSSમાં કુલ કેટલી ફાળવણી થઈ છે તથા રાજ્ય સરકારોની યોજનાઓ માટે કેટલી ફાળવણી થઈ છે, તેની ટકાવારીના આધારે શિડ્યુલ્ડ કાસ્ટ્સ કૉમ્પોનન્ટ માટે ફાળવણી થઈ છે.

તેના માટે એ વાતનો પણ ખ્યાલ રખાયો હતો કે આવી ફાળવણી કુલ એસસી વસતિની ટકાવારી કરતાં ઓછી ના હોય.

આદીવાસી ખેડૂત

ઇમેજ સ્રોત, EPA

બજેટને વર્ગીકૃત કરવું એ અંદાજપત્ર તૈયાર કરવાની મજબૂત રીત છે. સરકારના ખર્ચ જુદાંજુદાં કાર્યકારી મથાળાં હેઠળ વહેંચી દેવામાં આવે છે, જેથી કઈ પ્રવૃત્તિ પર ખર્ચ થાય છે તે સ્પષ્ટ થાય છે.

આ ખર્ચને પ્લાન અને નૉન-પ્લાનમાં વહેંચવાની વાત બંધારણમાં લખવામાં નથી આવી પણ આયોજનની પ્રક્રિયાને કારણે ઊભી થયેલી છે.

1959-60માં મુખરજી સમિતિની ભલામણ પછી પ્લાન અને નૉન-પ્લાનને છુટ્ટા પાડવાની શરૂઆત થઈ હતી.

વિવિધ વિભાગોનો નિશ્ચિત ખર્ચ અંદાજપત્રમાં નૉન-પ્લાનમાં સમાવી લેવામાં આવે છે.

અગાઉના પરિપ્રેક્ષ્ય પર જ મોટા ભાગે તેનો આધાર હોય છે. જ્યારે પ્લાન બજેટમાં ઉપલબ્ધ સ્રોતોના આધારે થનારી વિકાસની યોજનાઓને સમાવી લેવામાં આવે છે.

પ્લાન અને નૉન-પ્લાનને અલગ રાખવા પાછળનો હેતુ વિકાસના હેતુઓ અને ખર્ચને જોડવાનો છે. પરંતુ હવે જે રીતે પ્લાન ખર્ચને ગણવામાં આવે છે તેના કારણે તે હેતુ પાર પડતો નથી.

પંચવર્ષીય યોજનાના પ્રારંભિક વર્ષોમાં પ્લાન ખર્ચ વિકાસ કાર્યોના (પ્રોજેક્ટ્સના) મૂડી ખર્ચ તરીકે થતો હતો.

તેના કારણે એક યોજના પૂરી થાય ત્યારે તેના માટેના સ્રોતો બીજી યોજનાઓને ફાળવી શકાતા હતા.

જોકે, હાલના સમયમાં પ્લાન ખર્ચ નવી યોજનાઓના મૂડી ખર્ચને બદલે વર્તમાન યોજનાઓમાં ફાળવણી તરીકે જ રહી ગયો છે.

તેથી એવું સૂચવવામાં આવ્યું કે પ્લાન અને નૉન-પ્લાનને સંમિશ્રિત કરી દેવા.

સરકારના વિકાસલક્ષી ખર્ચ અને સામાન્ય ખર્ચને અલગ પાડવાનો હેતુ પાર પડ્યો નથી અને અંદાજપત્રના માળખામાં આ રીત બંધબેસતી પણ નથી તેથી આમ કરવાનું સૂચન થયેલું.

આ રીતે બંને ખર્ચને સાથે ગણી લેવાયા તે પછી દલિત અને આદિવાસી સમુહો માટેની ફાળવણી સૅન્ટ્રલ સૅક્ટર (CS) અને સૅન્ટ્રલી સ્પૉન્સર્ડ સ્કીમ્સ (CSS) હેઠળ થાય છે.

NCDHR સૂચન કરે છે કે જાધવ સમિતિની માર્ગદર્શિકાઓ પ્રમાણે CS અને CSS હેઠળ થનારી ફાળવણી, વસતિના પ્રમાણના આધારે, એસસી માટે 16.16% અને એસટી માટે 8.6% થવી જોઈએ.

સ્વતંત્ર ભારતની સરકાર ગરીબી અને અસમાનતા માટે જ્ઞાતિનો આધાર લેવા માટે તૈયાર નહોતી.

અંગ્રેજોના શાસનમાં પણ સામાજિક વર્ગીકરણનો આધાર લેવાયો નહોતો, તેથી સ્વતંત્રતા પછી વસતિ ગણતરીમાં જ્ઞાતિઓનું વર્ગીકરણ પડતું મૂકવામાં આવ્યું હતું. (Dirks, 2001, Jaffrelot, 2006).

લાઇન
લાઇન
આદીવાસી

પ્રથમ બે પંચવર્ષીય યોજનામાં અનુસૂચિત જાતિના સામાજિક કલ્યાણ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યારે ત્રીજી યોજનામાં આ વર્ગના વિકાસ માટેનો અભિગમ અપનાવાયો હતો.

પ્રથમ બે પંચવર્ષીય યોજનામાં સર્વસામાન્ય વિકાસના કાર્યોથી હેતુ પાર પાડવા પર ભાર મૂકાયો હતો.

લગભગ બધી જ પંચવર્ષીય યોજનાઓમાં 'વિશેષ પ્રયાસો' કરવાની વાત પર ભાર મૂકાયો હતો.

આ 'વિશેષ પ્રયાસો'ની કોઈ સમજૂતિ આપવામાં આવી નહોતી કે કઈ રીતે ભંડોળની ફાળવણીથી એસસી સમૂહોનો ફાયદો થશે.

દર વર્ષે ભંડોળની ફાળવણીમાં વધારો થતો રહ્યો છે. માત્ર છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં દ્વિસ્તરીય અભિગમ અપનાવાયો હતો, 1) ક્લસ્ટર ઍપ્રોચ અને 2) સેચ્યુરેશન ઍપ્રોચ.

એવું સૂચન થયું હતું કે અનુસૂચિત જાતિની વસતિ કેટલી છે તેના આધારે ગામોની યાદી તૈયાર કરવી અને ત્યાં વિકાસના કાર્યોને અગ્રતા આપવી.

જે ગામમાં એસસીની વસતિ વધારે હોય ત્યાં સૌથી વધુ વિકાસ થાય.

આવા વિકાસ કાર્યોના લાભ સાચા અર્થમાં વંચિત અને છેવાડાના સમૂહો સુધી પહોંચે તે માટે 1970માં ભારત સરકારે પાંચમી અને છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં બે વિશેષ કાર્યક્રમો દાખલ કર્યા હતા.

દલિત અને આદિવાસી સમૂહોના વિકાસ માટે વિશેષ પ્રયાસો કરવાની જરૂર છે તે સમજાયું હતું.

1974માં પાંચમી પંચવર્ષીય યોજનામાં ટ્રાઇબલ સબ પ્લાન (TSP)ની શરૂઆત થઈ અને આગળ જતા છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં 1978-80માં શિડ્યુલ્ડ કૉમ્પોનન્ટ પ્લાન (SCP-2) શરૂ કરાયો હતો.

એસસી અને એસટીના વિકાસ માટેની જુદી જુદી યોજનાઓને આ બંને પ્લાનની નીચે આવરી લેવામાં આવે છે.

વસતિના પ્રમાણમાં ભંડોળની ફાળવણી થતી હતી. અનુસૂચિત જાતિઓ માટે સ્પેશિયલ કૉમ્પોનન્ટ પ્લાન છેક સાતમી પંચવર્ષીય યોજનામાં શરૂ થયો હતો.

પ્રથમવાર અનુસૂચિત જાતિઓના સામાજિક-આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટેના કાર્યક્રમો એકસમાન રીતે ચલાવવાનું નક્કી થયું હતું. જુદા જુદા વ્યવસાયોને ઉત્તેજન આપવા પર તથા વ્યાપક રીતે લાભપ્રાપ્તિ કરાવવા અને વસતિના ધોરણે તેને ચલાવવા પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું.

line

પાંચ વર્ષના ટ્રૅન્ડ

ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

શિડ્યુલ્ડ કાસ્ટ કૉમ્પોનન્ટ પ્લાનના પાંચ વર્ષના ટ્રૅન્ડ પર નજર નાખીએ તો જણાય છે કે માર્ગદર્શિકા પ્રમાણેની કુલ ફાળવણી 5,05,015 કરોડ રૂપિયામાંથી માત્ર 2,29,243 કરોડ રૂપિયાની જ ફાળવણી કરાઈ છે.

તેમાંથી માત્ર 81,155 કરોડ રૂપિયાની ફાળવણી એવી હતી, જેનો સીધો ફાયદો દલિતોને થાય.

તે સિવાયની 1,48,088 કરોડની જંગી રકમ નૉન-ટાર્ગેટેડ યોજનાઓમાં વપરાઈ હતી, જેનો સીધો ફાયદો દલિતોને થયો નહોતો.

મોટા પાયે ભંડોળોને અન્યત્ર ફેરવી દેવાયાં હતાં અને માળખાકીય સુવિધા ઊભી કરવા, જાળવણી કરવા તથા અન્ય એવા કાર્યો પાછળ ખર્ચ કરાયો હતો, જેને માર્ગદર્શિકા પ્રમાણે અનુસૂચિત જાતિઓ સાથે સીધો સંબંધ ના હોય.

શિડ્યુલ્ડ ટ્રાઇબ કૉમ્પોનન્ટ પ્લાનના પાંચ વર્ષના ટ્રૅન્ડ જોઈએ તો તેમાં સ્પેશિયલ કૉમ્પોનન્ટ પ્લાન પ્રમાણે, 2,61,634 કરોડ રૂપિયાની ફાળવણી થવી જોઈતી હતી, પરંતુ માત્ર 1,47,407 કરોડ રૂપિયાની જ ફાળવણી થઈ હતી. તેમાંથી પણ 87,385 કરોડ રૂપિયાની ફાળવણી નૉન-ટાર્ગેટેડ યોજનાઓ પાછળ થઈ હતી, જે સૂચિત માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન છે.

એસસી માટેની ફાળવણીમા 1,14,717 કરોડ રૂપિયાની અને ST માટેની ફાળવણીમાં 54,676 કરોડ રૂપિયાની ખાધ છે.

આ રકમ મોટી છે અને તેના માટેની યોજનાઓને વિશેષ રીતે તૈયાર કરવી પડે, જેથી એસસી/એસટી અને અન્યો વચ્ચેનો ભેદ ઓછો થઈ શકે.

એસસી અને એસટી સમૂહોને સીધો લાભ આપનારી યોજનાઓ આ પ્રમાણે છે - પ્રધાનમંત્રી આવાસ યોજના, ફાળવણી 11,290 કરોડ રૂપિયા, પોસ્ટ મેટ્રિક સ્કૉલરશિપ, ફાળવણી 4586 કરોડ રૂપિયા, સ્પેશિયલ સૅન્ટ્રલ આસિસ્ટન્સ, ફાળવણી 1,000 કરોડ રૂપિયા તથા સિવિલ રાઇટ્સ ઍક્ટ 1995 અને પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટીઝ ઍક્ટ 1989ના યોગ્ય અમલ માટે થયેલી ફાળવણી 404 કરોડ રૂપિયા.

જમીન અંગેની યોજનાઓ - 2018-19માં આ માટેની યોજનાઓમાં SCC હેઠળ 415.17 કરોડ રૂપિયા, જ્યારે STC હેઠળ 250.10 કરોડ રૂપયા ફાળવાયા હતા.

આ બધી યોજનાઓમાં જમીનની માલિકી અંગે અથવા એસસી-એસટી ખેતમજૂરોની જરૂરિયાતો અંગે કશી સ્પષ્ટતા નથી. આ ફાળવણી નૉન ડાયરેક્ટ પ્રકારની છે.

મેલું ઉપાડવાની પ્રથા દૂર કરવા માટેની યોજના - કેન્દ્રના 2018-19ના બજેટમાં મેલું ઉપાડવાની પ્રથા હટાવવા અને તેવા લોકોને પુનઃસ્થાપિત કરવા માટે 20 કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી.

નેશનલ સફાઈ કર્મચારી ડેવલપમૅન્ટ કૉર્પોરેશન માટેની ફાળવણી 45 કરોડ રૂપિયામાંથી ઘટાડીને 30 કરોડની કરાઈ હતી.

SCP અને TSP યોજનાઓના અમલીકરણમાં ઘણી સમસ્યાઓ રહેલી છે. આવી યોજનાઓના અસરકારક અમલ માટે કેન્દ્ર અને રાજ્યની સરકારોમાં રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ દેખાય છે તે ગંભીર ચિંતાનું કારણ છે. નીચેનાં પરિબળોને કારણે સમસ્યાઓ ઊભી થાય છે તેવું જોવામાં આવ્યું છે:

1-ઓછી ફાળવણી અને 2-ફાળવણી એસસી સમૂહની વ્યક્તિ, કુટુંબ કે વસાહતને સીધી રીતે ફાયદો કરાવતી નથી 3-નામમાત્રની ફાળવણી 4-ફાળવાયેલા ભંડોળનો ઉપયોગ ના થવો 5-SCSP/TSP માટે ફાળવાયેલા ફંડને અન્યત્ર વાપરી નાખવું, 6-ભંડોળની મુદત પૂરી થઈ જવી 7-અમલ માટેના તંત્રનો અભાવ.

કર્ણાટક, ઉત્તરાખંડ, તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં SCP-TSP માટે યોગ્ય કાયદા ઘડાયા છે. NCDHR તથા અન્ય દલિત સંસ્થાઓ SCP-TSP માટે કેન્દ્રમાં પણ કાયદા બને તે માટે માગણી કરી રહ્યા છે.

2014માં આવી માગણી માટે ઘણી ચર્ચાઓ કરવામાં આવી હતી, પરંતુ રાજકીય ઇચ્છાશક્તિના અભાવે હજી સુધી કેન્દ્રસ્તરે કાયદા બન્યા નથી.

લાઇન
લાઇન

ભલામણો

ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

1. કેન્દ્ર સ્તરે કાયદા: અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે ભંડોળની ફાળવણી અને તેનો ઉપયોગ કરવાની નીતિ ઉત્તમ છે તથા અન્ય વર્ગો તથા એસસી-એસટી વચ્ચેની ખાઈ પૂરવા માટે યોગ્ય છે. પરંતુ ઉચિત કાયદા ના હોવાથી નીતિનો અમલ થતો નથી. તેથી એ જરૂરી છે કે કાયદા બનાવવામાં આવે અને માત્ર ખાઈ દૂર કરવા જ નહીં પણ આર્થિક સમાવેશ માટે પણ તંત્ર ઊભું કરવામાં આવે.

2. SCSP અને TSP માટેની અગાઉની માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે જે યોજનાઓ માટે ભંડોળ ફાળવવામાં આવે તેમાં સ્પષ્ટ વ્યૂહરચના હોવી જોઈએ કે જેથી સીધો ફાયદો એસસી અને એસટીની વ્યક્તિને તથા તેમના રહેઠાણ વિસ્તારોને મળે. યોજનાની રૂપરેખામાં જ સીધા ફાયદાની વાતને વણી લેવી જરૂરી છે. નવી માર્ગદર્શિકામાં આ માટેની સ્પષ્ટ સૂચનાઓ આપવી જોઈએ.

3. અનુસૂચિત જાતિ માટેની ફંડની નોડલ એજન્સી તરીકે સામાજિક કલ્યાણ મંત્રાલય (MSJE - Ministry for Social Justice Empowerment) તથા અનુસૂચિત જનજાતિ માટે આદિવાસી બાબતોના મંત્રાલય (Ministry of Tribal Affairs) કામ કરે છે, પરંતુ કલ્યાણ યોજનાઓના અસરકારક અમલ માટે જરૂરી તંત્ર ઊભું કરવા માટે પૂરતા પ્રમાણમાં ભંડોળ ફાળવવું જરૂરી છે. અમલમાં ઊણાં ઊતરનારા મંત્રાલયો તથા વિભાગો સામે દંડાત્મક કાર્યવાહી કરવાની સત્તા નોડલ મંત્રાલયોને આપવી જોઈએ.

4. આ બંને નોડલ એજન્સીઓએ મંત્રાલયો અને વિભાગો કેવી કામગીરી બજાવે છે તે રિયલ ટાઇમ જાણવા માટે પોતપોતાની વેબસાઇટ્સ બનાવી છે - સામાજિક કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ છે http://e-utthaan.gov.in/, જ્યારે આદિવાસી મંત્રાલયની છે https://stcmis.gov.in. જોકે, આ સમાજોની જે સંસ્થાઓ ઉપયોગી દૃષ્ટિકોણ પૂરો પાડી શકે તેમ છે, તેમને આ વેબસાઇટ્સમાં કોઈ રીતે સામેલ કરવામાં આવી નથી. આ સમૂહો તમામ સ્તરે સામેલ થઈ શકે તે પ્રકારની સંસ્થાકીય વ્યવસ્થા કરવાની જરૂર છે.

5. એસસી અને એસટીના કલ્યાણ માટેના બજેટનું આયોજન, તેના માટેની ફાળવણી, અને તેના અમલની સમગ્ર કાર્યવાહી પર નજર રાખવા માટે તાકીદે એક નિરીક્ષકની નિમણૂક કરવાની જરૂર છે.

6. નવા મંત્રાલયોએ હવે સબ પ્લાન હેઠળ ફાળવણી કરવાની છે, ત્યારે એ જરૂરી છે કે એસસી અને એસટી સમૂહોને સીધો લાભ પહોંચે તે માટે નવી યોજનાઓ, નવી તરાહથી તૈયાર કરવામાં આવે.

7. એવી ભલામણ કરવામાં આવે છે કે લેપ્સ ના થઈ જાય તેવું એક ભંડોળ SCC & STC યોજનાઓ માટે બનાવવું જ જોઈએ. આ ભંડોળમાંથી ના વપરાયેલું નાણું નવી એવી યોજનાઓમાં વપરાવું જોઈએ, જેનાથી એસસી અને એસટી સમૂહોને સીધી લાભપ્રાપ્તિ થાય.

8. જાતીય હિંસાનો ભોગ બનેલા પિડિતો માટે નિર્ભયા ફંડ જેવી વિશેષ યોજનાઓની જરૂર છે. ઍટ્રોસિટીનો ભોગ બનેલા લોકો અને તેમના પરિવારોને સામાજિક-આર્થિક રીતે થાળે પાડવા માટે યોજનાઓ બનવી જોઈએ. તેમને થાળે પાડવા આવાસ, રોજગાર, શિક્ષણ અને સલામતીની વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ તથા મફતમાં કાનૂની સહાય મળવી જોઈએ.

9. એસસી અને એસટીને જ વિશેષ લાભ થાય તેવી યોજનાઓને બદલે ઘણા મંત્રાલયોએ માત્ર નામ પૂરતી ફાળવણી કરી છે. આવી સામાન્ય યોજનાઓને સુધારીને વિશેષ જોગવાઈઓ દાખલ કરવી જોઈએ અને તેમાં એવા પ્રોજેક્ટ્સ હોવા જોઈએ જેથી એસસી અને એસટીનો વિકાસ થાય.

10. એસસી અને એસટીના વિકાસ માટે એક સ્વતંત્ર સત્તામંડળ/પંચ ઊભું કરવું જોઈએ, જેના અધ્યક્ષ કૅબિનેટ સેક્રેટરી/ચીફ સેક્રેટરી હોય. જરૂરી વહીવટી, કાર્યકારી અને જવાબદેહી સાથેનું આવું તંત્ર છેક જિલ્લા કક્ષા સુધી ઊભું કરવું જોઈએ, જે SCC અને STC હેઠળની યોજનાઓ પર યોગ્ય રીતે સતત દેખરેખ રાખે.

11. કેન્દ્ર અને રાજ્યોના જે મંત્રાલયો અને વિભાગોએ હજી સુધી SCC અને STC યોજનાઓ માટે ફાળવણી ના કરી હોય, તેમણે આ વર્ગોના લાભ ખાતર સ્પેશિયલ/ઍક્સક્લુઝિવ/ટેઇલર-મેઇડ કાર્યક્રમો અવશ્ય દાખલ કરવા જોઈએ.

(પૉલ દિવાકર એન., એશિયા દલિત રાઇટ્સ ફોરમ, આર્થિક જવાબદેહી અને દલિત આદિવાસી બજેટના વિશેષજ્ઞ

બીના પલ્લીકલ, દલિત આર્થિક અધિકાર આંદોલન, દલિત નારીઓના બજેટમાં હક અંગેના વિશેષજ્ઞ

(રીયા સિંહ, દલિત મહિલા અને શાસન વિષયના સંશોધક વિદ્વાન)

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો