સવર્ણોને અનામત મળશે તો ગુજરાતમાં હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલનનું શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીએ સવર્ણોને ૧૦ ટકા અનામતની આપવાની જાહેરાત કરી છે. ત્યારે જો આ બંધારણીય સુધારો થઈ જશે તો ગુજરાતમાં ચાલી રહેલું પાટીદર અનામત આંદોલન સમેટાઈ જશે કે ચાલુ રહેશે એ સવાલ હાલ ચર્ચાઈ રહ્યો છે.
જોકે, સરકારની જાહેરાત છતાં હાર્દિક પટેલ દ્વારા ચલાવાઈ રહેલું પાટીદાર અનામત આંદોલન સમિતિનું આંદોલન ગુજરાતમાં ચાલુ જ રહેશે એમ જાણવા મળે છે.
હાર્દિક પટેલ હજુ પણ આંદોલન સમેટી લેવાનું વલણ ધરાવી નથી રહ્યા પરંતુ એમના વિરોધીઓ એમ માને છે કે કેન્દ્ર સરકારની આ જાહેરાત પછી પાટીદાર અનામત આંદોલન અને હાર્દિક પટેલ બન્નેનું કામ પુરું થઈ ગયુ છે.
ગુજરાતમાં ૨૦૧૫થી પાટીદારોને અનામતની માંગણી ઉગ્ર બની હતી અને તેને લીધે હાર્દિક પટેલને એક યુવા પાટીદાર નેતા તરીકે દેશભરમાં લોકો ઓળખતા થયા હતા.
હિંસા અને અનેકવિધ કારણોસર પાટીદાર અનામત આંદોલન સતત સરકાર સાથે સંઘર્ષરત રહ્યું છે.
સવર્ણોને આ ૧૦ ટકા અનામત કેન્દ્ર સરકારની જાહેરાતને ઘણા પાટીદાર નેતાઓ પોતાની લડતની એક જીત માની રહ્યાં છે.
પરંતુ પાટીદાર અનામતની લડાઇ અહીં રોકાઈ જાય તેવું લાગી રહ્યું નથી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, "પાટીદારો માટે અનામતની લડાઇ ચાલુ હતી અને ચાલુ રહેશે. હું દરેક વર્ગના લોકો માટે સંઘર્ષ કરી રહ્યો છું અને તે માટે હું ક્યારેય પાછો નહીં ફરું. આ નિયમ જ્યાં સુધી લાગુ નહીં થાય ત્યાં સુધી મારો સંઘર્ષ ચાલુ રહેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેન્દ્ર સરકારની જાહેરાતના જ દિવસે તેમણે પોતાના ફેસબુક પેજ પરથી લાઇવ કરીને કહ્યું હતું કે અનામતની તેમની લડાઇનો ફાયદો તમામ સવર્ણ વર્ગના લોકોને થશે. આ લાઇવથી તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે હવે તે માત્ર પાટીદાર જ નહીં પરંતુ બીજા અનેક સવર્ણ લોકોના સહકાર સાથે મોટાપાયે અનામતની લડાઇ શરુ કરશે.

ચૂંટણીલક્ષી નિર્ણય

ઇમેજ સ્રોત, Twitter/Hardik Patel
હાર્દિક પટેલ કેન્દ્રના આ નિર્ણયને ચુંટણીલક્ષી નિર્ણય માને છે.
તેઓ કહે છે અગાઉ પણ આનંદીબેન પટેલે ઇ.બી.સી ક્વોટા હેઠળ સવર્ણોને અનામત આપી હતી. જે હાઇકોર્ટમાં રદબાતલ થઇ ગઇ હતી. ચૂંટણી આવતા કેન્દ્ર સરકારની આ એક 'લોલીપોપ'છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) જ્યાં સુધી અનામતની આ જાહેરાત પ્રેક્ટીસમાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે.
જોકે, પાટીદાર અનામતના બીજા નેતાઓ માને છે કે, કેન્દ્ર સરકારની આ જાહેરાત તેમની લડતનું જ પરિણામ છે.
આ વિશે વાત કરતા પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા કહે છે કે, "અમે આ જાહેરાતને એક ભેટ ગણીએ છીએ પરંતુ, અમને શંકા છે કે આ જાહેરાત અગાઉની ગુજરાત સરકારની જાહેરાતોની જેમ જ એક સુરસુરિયું સાબિત થશે.

તમે આ વાંચ્યું કે નહીં?

લડાઈ ચાલુ રહેશે કે બંધ થશે

ઇમેજ સ્રોત, Twitter/Hardik Patel
કથીરિયા વ્યવસાયે એક વકીલ છે. આ જાહેરાતની કાયદાકીય યોગ્યતા વિશે વાત કરતા તેમણે કહ્યું કે "કેન્દ્ર સરકારે કોઈ સાયન્ટિફિક સર્વે કર્યો નથી કે કોઇ સંશોધન કર્યું નથી અને આ જાહેરાત કરી દીધી છે. આ સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકારે આ નિર્ણય ઉતાવળમાં આવનારી ચૂંટણી ધ્યાનમાં રાખીને કર્યો છે."
આ જાહેરાત બાદ પાટીદાર અનામત આંદોલન માટે પોતાના અગાઉથી નક્કી કરેલા કાર્યક્રમોમાં કે સભાઓ, રેલીઓમાં કોઇ ફેરફાર કર્યા નથી. કથીરિયાએ કહ્યું કે પાસના નેજા હેઠળ લોકોને સંગઠિત કરવાનું અને તેમને આ જાહેરાતની હકીકતથી વાકેફ કરવાનું કામ ચાલુ જ રહેશે.
પરંતુ બીજી તરફ ગુજરાતમાં શરુ થયેલી અનામતની આ લડાઇનો અંત હવે નજીક છે તેવું ઘણાં લોકો માની રહ્યાં છે.
ભારતીય જનતા યુવા મોર્ચાનાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ કેન્દ્રના આ નિર્ણયને ઐતિહાસિક માને છે અને પાટીદાર અનામત આંદોલનના અંત તરીકે ગણે છે.
તેઓ કહે છે "આ માત્ર જાહેરાત નથી. સવર્ણોને અનામત મળે તે માટે ભારતીય જનતા પક્ષ અંત સુધી પ્રયાસ કરતો રહેશે."
હાર્દિક પટેલના પાટીદાર આંદોલન વિશે વાત કરતા તેઓ કહે છે કે, "હવે પાસનું આંદોલન અને હાર્દિક પટેલનું કામ પુરું થઈ ચૂક્યુ છે. તેમની પ્રાથમિક માગણી સ્વીકારાઈ ગઈ છે."

હાર્દિકનો ટેકો ઘટશે

ઇમેજ સ્રોત, Getty Images
આ નિર્ણય પછી હાર્દિક સાથે જોડાતા લોકોની સંખ્યા ઘટી જશે એમ પણ ઘણા લોકો માને છે.
પાટીદાર આંદોલન હવે સમય જતા પૂરું થઇ જશે તેવું રાજકીય નિષ્ણાત ઘનશ્યામ શાહ માને છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, હાર્દિકના ઉપવાસ સમયે જોવા મળ્યું હતું કે પાટીદાર સમાજના ખૂબ ઓછા યુવાનો એમની સાથે જોડાયા હતા. હવે આ નિર્ણય બાદ ભલે હાર્દિક પટેલ આંદોલન ચાલુ રાખવાનું કહે પરંતુ લોકોને તેમની સાથે જોડી રાખવા મુશ્કેલ રહેશે."
શાહ માને છે કે, આ સમયે હાર્દિકે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી દેવું જોઇએ. તેમણે સ્પષ્ટ કરી દેવું જોઇએ કે તેમની માગણી શું છે અને તે પોતે કેવી રીતે અનામત માગી રહ્યા છે. શું તેઓ બંધારણમાં પરિવર્તન ઇચ્છે છે કે,પછી તેમની પાસે બીજો કોઇ વિકલ્પ છે.

સવર્ણોને અનામત નહીં, સારી સરકારની જરુર

ઇમેજ સ્રોત, Getty Images
જાણીતા એડવોકેટ આનંદ યાજ્ઞિક હાર્દિક પટેલની અને કેન્દ્ર સરકારની બન્નેની વાતથી સહમત નથી. "આર્થિક રીતે પછાત લોકો માટે અનામત ન હોય પરંતુ તેમનો વિકાસ કરવા માટેની યોજનાઓ હોવી જોઇએ. રજવાડાના સમયમાં બરોડા રાજ્યમાં અગાઉ પાટીદારોને અનામત મળી હતી. સવર્ણોને અનામતની નહીં, પરંતુ જે તેમના પ્રશ્નોને સમજે એવી એક સારી સરકારની જરુર છે."
તેઓ કહે છે કે ભારતીય બંધારણ મુજબ આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપી શકાય નહીં. તે માટે સરકારે બંધારણ બદલવું પડે અને તે માટે ઓછામાં ઓછા 20 રાજ્યો ઉપરાંત લોકસભા અને રાજ્ય સભામાં આ બિલ પાસ કરવું પડે. જે ખુબ જ મોટુ કામ છે અને તે આવતા બે મહિનામાં ન થઇ શકે.

હાર્દિક પટેલ અને પાટીદાર આંદોલન

ઇમેજ સ્રોત, Getty Images
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ની રચના કરનાર અને આ સંસ્થાના કન્વીનર હાર્દિક પટેલની લોકપ્રિયતા તેમની વિસનગરમાં ૨૦૧૫માં યોજાયેલી રેલીથી શરુ થઇ હતી.
ઓગસ્ટ 2015માં વિસનગરની પોતાની પ્રથમ રેલીથી લઈને 2018માં અમદાવાદનાં ગ્રીનવુડ્સ બંગલોઝ ખાતેના ઉપવાસ સુધી 24 વર્ષીય હાર્દિક પટેલ મજબૂત રાજનેતા તરીકે ઉભર્યા છે.
હાર્દિક પટેલ નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા છે અને છ મહિના સુધી તડીપાર થયા છે. તેમની સામે રાજ્યભરમાં અંદાજે 56 એફઆઇઆર થઇ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














