You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સીબીઆઈ મામલો : રાહુલે કહ્યું રફાલ મોદીને ધરાશયી કરશે, પુરાવાઓની જ વાર, સુપ્રીમ કોર્ટને અભિનંદન આપ્યા
સીબીઆઈ મામલે આજે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને રજા પર મોકલવાનો નિર્ણય રદ કર્યો છે.
આ ચુકાદા પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા રફાલ પર નિશાન સાધ્યું છે.
એમણે આલોક વર્માના ચુકાદા બાબતે સુપ્રીમ કોટને અભિનંદન આપતુ ટ્ટીટ કર્યું છે.
જેમાં એમણે લખ્યું કે, રફાલનું સત્ય મોદીને ધ્વ્સત કરી દેશે. 30,000 કરોડની ચોરીમાં એમની ભૂમિકા પૂરતા પુરાવાઓ સુધીના સમયનો જ સવાલ છે.
છ ડિસેમ્બરે થયેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટ આ ચુકાદો અનામત રાખ્યો હતો.
જોકે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ ગાળા દરમિયાન આલોક વર્મા કોઈ નીતિગત નિર્ણયો નહીં લઈ શકે.
સરકારે આલોક વર્માને રજા પર મોકલ્યા તે બાદ વર્મા અને કૉમન કૉઝ નામની એક સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહત્ત્વપૂર્ણ છે કે તેમને રજા પર મોકલવાના આદેશ વિરુદ્ધ સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા કોર્ટમાં પહોંચ્યા હતા.
આ પહેલાં શું થયું હતું
સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે છેલ્લા કેટલાક વખતથી આરોપ પ્રતિ-આરોપનો દોર ચાલી રહ્યો હતો.
આલોક વર્માએ સીબીઆઈ ડાયરેક્ટર તરીકે રાકેશ અસ્થાના વિરુદ્ધ લાંચ મામલે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરીને તેની તપાસ શરૂ કરાવી હતી.
સીબીઆઈએ જ આ મામલે દરોડા પાડીને પોતાના જ સ્ટાફના ડીએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) દેવેન્દ્ર કુમારની ધરપકડ કરી હતી.
જોકે, રાકેશ અસ્થાનાએ ધરપકડથી બચવા હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા.
ત્યારબાદ 23 ઑક્ટોબરના રોજ કેન્દ્ર સરકારે આ મામલે દખલ કરી સીબીઆઈના નંબર-1 વર્મા અને નંબર-2 અધિકારી અસ્થાના બંનેને ફરજિયાત રજા પર મોકલી દીધા હતા.
અસ્થાના વિરુદ્ધ તપાસ કરતા અધિકારી એ. કે. બસ્સીને પણ પૉર્ટ બ્લેર મોકલી અપાયા.
આ ઉપરાંત સીબીઆઈમાં 13 જેટલા અધિકારીઓની પણ બદલી કરી દેવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો આલોક વર્માને રજા પર મોકલવાનો નિર્ણય રદ કર્યો છે.
આ સાથે જ કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે આલોક વર્મા સીબીઆઈના ડાયરેક્ટરના પદે રહેશે પરંતુ તેઓ નીતિગત નિર્ણયો નહીં લઈ શકે.
કોર્ટે કહ્યું કે સરકારે સિલેક્ટ કમિટી વિના જ પોતાનો નિર્ણય લીધો હતો.
સરકારે સિલેક્ટ કમિટીનો આ મામલે અભિપ્રાય લેવો જોઈતો હતો.
આ મામલે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે આલોક વર્માને ડાયરેક્ટર પદેથી હટાવવાનો કેન્દ્ર સરકાર અને સીવીસીના નિર્ણયને કોર્ટે રદ કર્યો છે.
તેમણે કહ્યું, "સુપ્રીમ કોર્ટે આલોક વર્માને ડાયરેક્ટર પદ પર પરત મૂક્યા છે."
"કોર્ટે એવું પણ કહ્યું છે કે હાઇપાવર્ડ કમિટી આ મામલાની તપાસ કરશે અને એક અઠવાડિયામાં તેણે નિર્ણય કરવાનો રહેશે."
પ્રશાંત ભૂષણે કહ્યું કે આલોક વર્મા માટે આ આંશિક વિજય છે.
ઉચ્ચ સ્તરીય કમિટીની તપાસમાં જો આલોક વર્મા દોષિત ઠરશે તો તેમના સામે કાર્યવાહી થઈ શકે છે.
ચુકાદા પર સરકારે શું કહ્યું?
આલોક વર્મા મામલે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પણ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરશે.
ઉપરાંત તેમણે કહ્યું, "સીવીસીની ભલામણના આધારે વર્માને રજા પર મોકલવામાં આવ્યા હતા. આ નિર્ણયને રાજકારણના ચશ્માંથી ન જોવો જોઈએ."
કૉંગ્રેસે ટ્વિટર પર કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારીએ છીએ. જેમાં સીબીઆઈ ડાયરેક્ટર પદથી આલોક વર્માને ગેરકાયદે હટાવવાના સરકારના નિર્ણયને ફટકાર્યો છે.
કૉંગ્રેસ નેતા સંજય ઝાએ ટ્વિટર પર લખ્યું કે બિચારા મોદી. તેમને માત્ર હવે વિવેક ઓબેરૉય પાસેથી જ આશા છે.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય વડા પ્રધાન મોદી પર સીધો આક્ષેપ છે. મોદી સરકારે દેશની બધી સરકારી સંસ્થાનો તથા લોકતંત્રનો નાશ કર્યો છે. શું સીબીઆઈ ડાયરેક્ટરને રફાલ કૌભાંડ, જેના તાર સીધા વડા પ્રધાન સુધી જાય છે, તેની તપાસ રોકવા માટે અડધી રાત્રે ગેરકાયદેસર રીતે પદ પરથી હટાવવામાં નહોતા આવ્યા?
વરિષ્ઠ પત્રકાર કંચન ગુપ્તાએ ટ્વીટ કરી સવાલ મૂક્યો છે કે હવે આગળ શું કારણ કે આલોક વર્મા 19 જાન્યુઆરીએ રિટાયર થવાના છે.
સુપ્રીમ કોર્ટે તેમને સીબીઆઈ ડાયરેક્ટર પર પદ પર પુન:સ્થાપિત કર્યા છે પણ તેમની પાસે નીતિગત નિર્ણય લેવાની શક્તિઓ નથી જ્યાં સુધી વડા પ્રધાન, મુખ્ય ન્યાયાધીશ તથા વિપક્ષના નેતા એક અઠવાડિયાની અંદર આ બાબતે સમીક્ષા ન કરે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો