You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોવિંદા, અમિતાભ, કોઈએ ફોન કર્યો નથી : કાદર ખાનના પુત્ર
- લેેખક, ટીમ બીબીસી હિન્દી
- પદ, નવી દિલ્હી
'તેઓ માત્ર મારા ગુરુ નહીં પણ મારા પિતા સમાન હતા. તેમનો જાદુઈ સ્પર્શ અને તેમની આભા એવી હતી કે દરેક કલાકારને તે સુપરસ્ટાર છે એવો અહેસાસ કરાવતા.'
'સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મારો પરિવાર આ ઘટના પર વ્યથિત છે. અમે શબ્દોમાં અમારુ દુઃખ વ્યક્ત નહીં કરી શકીએ.'-ગોવિંદા
"કાદર ખાનનું અવસાન...બહુ જ દુઃખદ અને નિરાશાજનક વાત છે...મારી પ્રાર્થના અને સંવેદના..એક ઉમદા સ્ટેજ કલાકાર...એક શાનદાર ફિલ્મ અભિનેતા...મારી ઘણી સફળ ફિલ્મોના લેખક...એક ઉમદા વ્યક્તિ અને એક ગણિતશાસ્ત્રી" - અમિતાભ બચ્ચન
"કાદર ખાન તમે યાદ રહેશો. આતિશ, ઘરવાલી બાહરવાલી, દુલ્હે રાજા, વાહ તેરા ક્યા કહેનાથી લઈને બડે મિયાં છોટે મિંયા સુધી કોઈ કલાકારમાં આટલી અભિનય ક્ષમતા નહીં હોય, જેટલી તમારામાં હતી. કાદરભાઈ તમે યાદોનો ખજાનો આપ્યો છે. પરિવાર માટે મારી સંવેદનાઓ." - રવિના ટંડન
આવી જ કેટલીક ટ્વીટ્સ જોઈને આપને લાગ્યું હશે કે કાદર ખાનના અવસાન પર બોલીવુડમાં કેટલો શોક છે અને તેમને લઈ બોલીવુડ કેટલું ગંભીર છે.
પરંતુ બીબીસીએ જ્યારે કાદર ખાનના દિકરા સરફરાઝ ખાન સાથે વાત કરી તો તેમનો જવાબ હેરાન કરી દે તેવો હતો.
સરફરાઝ કહે છે, "બોલીવુડ મારા પિતાને ભૂલી ગયું. એ જ સત્ય છે. મારા પિતાએ ક્યારેય એ વાતની અપેક્ષા પણ નહોતી રાખી કે કોઈ એમને યાદ રાખે. કદાચ એમને આ વાતનો ખ્યાલ હતો."
80 અને 90ના દાયકામાં શાનદાર અભિનય અને લેખનથી દર્શકોના દિલ પર રાજ કરનારા દિગ્ગજ અભિનેતા કાદર ખાનનું 31 ડિસેમ્બરની રાત્રે કૅનેડાની એક હૉસ્પિટલમાં અવસાન થયું. તેઓ 81 વર્ષના હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાદર ખાન ઘણા લાંબા સમયથી બીમાર હતા. તેમના દીકરાએ જણાવ્યું કે 31 ડિસેમ્બરની બપોરે તેઓ કોમામાં જતા રહેલા.
છેલ્લાં 16-17 અઠવાડિયાથી તેઓ હૉસ્પિટલમાં જ હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
કાદર ખાનને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેથી ડૉક્ટર્સે તેમને સામાન્ય વૅન્ટિલેટર પરથી હટાવીને બીઆઈપીએપી વૅન્ટિલેટર પર રાખ્યા હતા.
ગોવિંદાની ટ્વીટ પર સરફરાઝે કહ્યું કે લોકો પ્રેમથી ભલે તેમને પિતા કહેતા હોય પણ ખરી પીડા તો મને જ છે.
આખી જિંદગી ભાગદોડ મેં જ કરી અને મેં જ એમનું ધ્યાન રાખેલું. બીજા કોઈએ એમને યાદ નથી કર્યા.
સરફરાઝ કહે છે, "મારા પિતાએ બોલીવુડ માટે આખી જિંદગી આપી દીધી. પણ ક્યારેય આ વાતની અપેક્ષા નથી રાખી."
"કારણ કે તેઓ જ્યારે કામ કરતા હતા ત્યારે તેમણે જોયેલું કે તેમના સિનિયર્સનો અંતિમ સમય કેવો હતો."
બોલીવુડ કાદર ખાનને ભૂલી ગયું એ વાત સરફરાઝ પણ માને છે.
સરફરાઝે કહ્યું કે બોલીવુડથી વધુ તેમના પ્રશંસકો તેમને ચાહતા હતા અને એ વસ્તુ તેમના અંતિમ સંસ્કાર વખતે કૅનેડામાં પણ જોવા મળી.
દુનિયાના ખૂણા-ખૂણામાંથી લોકો ત્યાં પહોંચેલા. તેમણે જણાવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી માત્ર ડેવિડ ધવને તેમને ફોન કરેલો.
સરફરાઝ કહે છે, "મારા પિતાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે ક્યારેય કોઈ અપેક્ષા નથી રાખી."
"દર્શકો પાસે એમને અપેક્ષા જરૂર હતી. એ અમને જોવા પણ મળ્યું. ડેવિડજી સિવાય કોઈનો ફોન નથી આવ્યો."
"ઇન્ડસ્ટ્રીમાં જે ટ્રેન્ડ બની રહ્યો છે, દરેક તેનો ભોગ બનશે. લોકો પાછળથી સંવેદના દર્શાવે છે, દુનિયા સામે દેખાડો કરે છે."
"દેખાડવા માટે લોકો લગ્નોમાં નાચે પણ છે અને ભોજન પણ પીરસે છે પરંતુ વાસ્તવિકતા જુદી છે."
લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યુ
તેઓ કહે છે, જ્યારે ગોવિંદા સ્ટાર હતા ત્યારે લોકો તેમની એક ઝલક માટે તરસતા આજે એ પોતે જઈ જઈને લોકોને મળે છે.
લગભગ 300 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા કાદર ખાને ગોવિંદા સાથે ઘણી ફિલ્મો કરી હતી.
90ના દાયકામાં કાદર ખાન અને ગોવિંદાની જોડી ફિલ્મોમાં છવાયેલી હતી.
છેલ્લા એક દાયકાથી કાદર ખાન ફિલ્મી દુનિયાથી દુર હતા. તબિયત લથડ્યા બાદ તેમણે વધારે સમય કૅનેડામાં પોતાના દિકરાઓ સાથે જ વિતાવ્યો હતો.
અમિતાભ સાથે કાદર ખાનની મિત્રતા ઘણી ચર્ચામાં રહી છે. કાદર ખાન અને અમિતાભે યારાનામાં સાથે કામ કર્યું હતું. કાદરખાને લખેલી ઘણી ફિલ્મોમાં અમિતાભે કામ કર્યું છે.
સરફરાઝ જણાવે છે, "તેમના પિતાને અમિતાભ બચ્ચન ઘણા ગમતા હતા અને તેમના વખાણ કરતા."
"અમિતાભ બચ્ચન પણ તેમના કામનું સન્માન કરતા એટલે જ એ બંનેની દોસ્તી શાનદાર હતી."
જોકે તેઓ એવું પણ કહે છે કે લાંબી બીમારીથી લઈને અંતિમ સમય સુધી બોલીવુડની એક પણ વ્યક્તિએ તેમનો સંપર્ક કર્યો નથી.
કાદર ખાન સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.
તેમની ફિલ્મી સફર અને વાતો યાદ કરીને સરફરાઝ કહે છે, "ફિલ્મી ઍવૉર્ડ કરતાં તેમના માટે લોકોનો પ્રેમ વધુ મહત્ત્વનો હતો."
તેઓ કહેતા, "જો હું સાઉથમાં હોત તો મારા મંદિર બન્યાં હોત."
"જ્યારે તેમને અહેસાસ થયો કે એમની લડાઈ એમને જાતે જ લડવાની છે, ત્યારે જ એમણે અમને કહી દીધેલું કે ઇન્ડસ્ટ્રી યોગ્ય નથી."
"ક્યારેય કોઈની પાસે અપેક્ષા રાખવી નહીં. કદાચ તેમને કોઈની વાતનું દુઃખ પહોંચ્યુ હશે."
તમે આ વાંચ્યું કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો