લોકસભામાં પસાર થયેલું ટ્રિપલ તલાક બિલ શું છે અને તેમાં કઈ જોગવાઈઓ છે?

શિયાળુ સત્રના 10મા દિવસે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પસાર કરી દેવામાં આવ્યું છે.

આજે લોકસભામાં મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ કાનૂન-2018 પર ચર્ચા કરવામાં આવી હતી.

બપોર બાદ થયેલી ચર્ચાના અંતે આ બિલને લોકસભામાં મંજૂરી આપી દેવામાં આવી હતી.

ભાજપે આ ચર્ચાને ધ્યાનમાં રાખતા પોતાના સાંસદોને વ્હિપ જારી કરી હતી.

લોકસભામાં બિલના પક્ષમાં 245 મતો અને તેની વિરુદ્ધમાં 11 મતો પડ્યા હતા.

લોકસભામાં પસાર થયા બાદ હવે આ બિલ ચર્ચા-વિચારણા માટે રાજ્યસભામાં જશે.

લોકસભામાં કૉંગ્રેસ, એઆઈએડીએમકે સહિત અન્ય પક્ષોએ ટ્રિપલ તલાક બિલની વિરુદ્ધમાં લોકસભામાંથી વૉકાઉટ કર્યો હતો.

કૉંગ્રેસે ચર્ચામાં ભાગ લેવાની ખાતરી આપી હતી

કૉંગ્રેસની માગણી હતી કે બિલને સંયુકત પસંદગી કમિટિ પાસે મોકલવામાં આવે.

લોકસભામાં વિપક્ષો જ્યારે આ બિલનો વિરોધ કરી રહ્યા હતા, જ્યારે સરકારનું કહેવું હતું કે નારી ગરિમાના હકમાં તમામ પક્ષો સાથે આવે.

લોકસભામાં ટ્રિપલ તલાક બિલને પસાર કરાવવા માટે ભાજપે વ્હિપ જારી કરીને સંસદમાં હાજર રહેવાનું કહ્યું હતું.

ગયા અઠવાડિયે આ બિલ મામલે સહમતિ બની હતી કે 27 ડિસેમ્બરના રોજ આ બિલ પર ચર્ચા થશે.

આ પહેલાં કૉંગ્રેસે આ મામલે સહમતિ આપી હતી કે તે મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ કાનૂન-2018 પર થનારી ચર્ચામાં ભાગ લેશે.

ગયા સપ્તાહે આ બિલ સંસદમાં લાવવામાં આવ્યું તો કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આ બિલ પર આવતા સપ્તાહમાં ચર્ચા કરવામાં આવે.

જેના પર સંસદીય કાર્ય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આશ્વાસન માંગ્યું હતું કે એ દિવસે કોઈ પણ અડચણ વિના તેના પર ચર્ચા કરવા દેવામાં આવે.

ટ્રિપલ તલાક બિલમાં અત્યાર સુધી શું થયું?

ગત ઑગસ્ટમાં સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક ગેરકાનૂની જાહેર કરી હતી.

એ પછી સરકાર ટ્રિપલ તલાક પર સંસદમાં એક ખરડો લાવી હતી.

લોકસભામાં ખરડો પસાર થઈ ગયો પરંતુ રાજયસભામાં તે પસાર ન થતા ખરડો કાયદો ન બની શક્યો.

આ પછી સરકાર સપ્ટેમ્બર મહિનામાં ટ્રિપલ તલાકને મુદ્દે વટહુકમ લાવી જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી.

આ વટહુકમ સંસદનું શિયાળુ સત્ર શરૂ થયાના છ અઠવાડિયા સુધી માન્ય રહેવાનો હતો એટલે સરકાર તેનાથી પહેલાં તેને લોકસભામાં પસાર કરાવવા માગતી હતી.

ટ્રિપલ તલાક બિલમાં શું છે કાયદાકીય જોગવાઈઓ?

•ટ્રિપલ તલાકના કાયદામાં ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે.

•આ કાયદા મુજબ ટ્રિપલ તલાક બિન-જામીનપાત્ર ગુનો ગણાશે અને આરોપીને પોલીસ સ્ટેશનમાં જામીન નહીં મળી શકે.

•સુનાવણી અગાઉ જામીન માટે આરોપીને મેજિસ્ટ્રેટ પાસે જવું પડશે. ત્યાં પત્નીની સુનાવણી બાદ જ પતિને જામીન મળી શકશે.

•પતિ કાયદા મુજબ પત્નીને ભરણપોષણ આપવા સહમત છે તેની મેજિસ્ટ્રેટ જામીન અગાઉ ખાતરી કરશે. કાયદા મુજબ વળતરની રકમ મેજિસ્ટ્રેટ નક્કી કરશે.

શું છે તત્કાળ ટ્રિપલ તલાક?

તત્કાળ ટ્રિપલ તલાક અથવા તો 'તલાક-ઉલ-બિદ્દત' છૂટાછેડાની ઇસ્લામી પ્રથા છે.

તેમાં પતિ તેની પત્નીને એકસાથે ત્રણ વખત 'તલાક' બોલીને તેમના લગ્નજીવનનો અંત આણી શકે છે.

'તલાક' શબ્દ ઉચ્ચારીને કે ટેક્સ્ટ મૅસેજ કે ઈ-મેઇલ મારફત એમ કોઈ પણ રીતે સંદેશો મોકલીને મુસ્લિમ પતિ તેની પત્નીને છૂટાછેડા આપી શકે છે.

સંખ્યાબંધ મુસ્લિમ મહિલાઓએ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરી હતી.

તેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે આ વર્ષના ઓગસ્ટમાં ટ્રિપલ તલાકની પ્રથાને ગેરબંધારણીય ગણાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો