BBC TOP NEWS: માલ્યાને ચોર કહેવું ઉચિત નથી - કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

'NDTV ઇન્ડિયા'ના એક અહેવાલ મુજબ મોદી સરકારના પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રી નીતિન ગડકરી વિજય માલ્યાનો પક્ષ લેતા કહ્યું કે હાલ તેમની કારોબારી પરિસ્થિતિ ઠીક નથી તો એમને ચોર ના કહેવું જોઈએ.

હાલમાંજ બ્રિટનની અદાલતે માલ્યાને ભારતને સોંપવાનો આદેશ કર્યો છે. વિજય માલ્યા પર 9000 કરોડ રૂપિયાની લૉન નહીં ચૂકવવા તથા મની લૉન્ડ્રિંગનો આરોપ છે.

ટાઇમ્સ ગ્રુપના એક સંમેલનમાં ગડકરી બોલ્યા, ''જો નીરવ મોદી કે વિજય માલ્યાએ પૈસામાં કૌભાંડ કર્યું છે તો તેમને જેલને હવાલે કરવા જોઈએ, પરંતુ જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તો આપણે તેમના પર દગાબાજનું લેબલ મારી દઈએ છીએ આનાથી આપણી અર્થવ્યવસ્થા પ્રગતિ કરી નથી શકતી''

અમદાવાદમાં પ્રદૂષણને પહોંચી વળવા ઍર પ્યૉરીફાયર મૂકાયું

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર અમદાવાદમાં પ્રદૂષણનો મુદ્દો ગંભીર બનતો જાય છે તેને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જજિસ બંગલો રોડ પર છ ફૂટનું પૉલ્યુશન કંટ્રોલર મૂકવામાં આવ્યું છે.

મશીન બનાવતી કંપનીનો દાવો છે કે આ મશીન 30 ટકા જેટલી હવાને શુદ્ધ કરી શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન કમિટીના ચેરમેન અમુલ ભટ્ટના હવાલાથી અખબાર લખે છે કે પ્રદૂષણ કંટ્રોલ કરતું આ મશીન એક ઓઇલ કંપની દ્વારા મૂકાવવામાં આવ્યું છે.

હાલમાં પ્રદૂષણ નિયંત્રિત કરતું આ મશીન પ્રયોગના ભાગરૂપે મૂકવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ થોડા દિવસો પહેલાં એવો અહેવાલ આવ્યો હતો કે ઍર પૉલ્યુશનને કારણે ગુજરાતમાં વર્ષ 2017માં 29,791 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

યુપી પોલીસ ઘરે ઘરે જઈ લોકોને ગૌરક્ષાની પ્રતિજ્ઞા અપાવશે

NDTVના એક અહેવાલ મુજબ થોડા દિવસો પહેલા બુલંદશહેરમાં ગૌહત્યાના નામે શરૂ થયેલી હિંસામાં એક પોલીસકર્મીનું મૃત્યુ થયું હતું.ત્યારબાદ યુપી પોલીસે આ અભિયાન હાથ ધર્યું છે.

પોલીસનું કહેવું છે કે વરિષ્ઠ અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે જેમાં એ દરેક ગામડાઓમાં જશે અને લોકોને શપથ લેવડાવશે.

''ગામ અને આસપાસના ગામોમાં ગૌહત્યા નહિ થવા દઈએ અને જે ગૌહત્યા કરશે એમનું સામાજિક બહિષ્કાર કરીશું, એમને પોલીસને સોંપીશું''

આ અભિયાન 3 ડિસેમ્બરથી શરૂ થયું છે. દેખીતી રીતે લોકોના ટોળા જે કાયદો હાથમાં લે છે એને પણ આ શપથવિધિ દ્વારા ડામવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે.

આફ્રિકાની એક યુનિવર્સિટીમાંથી ગાંધીજીની પ્રતિમા હટાવવામાં આવી

'બીબીસી વર્લ્ડ'ના અહવાલ મુજબ આફ્રિકી દેશ ઘાનાની રાજધાની અક્ક્રાની એક યુનિવર્સિટીમાં લાગેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને હટાવી દેવામાં આવી છે.

યુનિવર્સિટીના એક લેક્ચરરે આ હટાવવા અંગે એક અરજી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીજીની આ પ્રતિમાનું લોકાર્પણ વર્ષ 2016માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા કરવામાં આવ્યું હતું.

અરજીમાં લખવામાં આવ્યું છે કે ગાંધી 'જાતિવાદી' હતા. તેમની જગ્યાએ આફ્રિકાના હીરો આગળ હોવા જોઈએ.

આ વિવાદ વચ્ચે ઘાના સરકારે કહ્યું હતું કે પ્રતિમાને તેની જગ્યાએ પુન:સ્થાપિત કરી દેવામાં આવશે.

શંકાસ્પદ ઉગ્રવાદી દ્વારા 42ની હત્યા

'ઘ હિંદુ'ના અહેવાલ મુજબ આફ્રિકન દેશ માલિ સ્થિત મિનાકા પ્રાંતમાં એક શંકાસ્પદ ઉગ્રવાદીએ 42 લોકોની હત્યા કરી નાખી છે.

ટૉરેગ નામે ઓળખાતા સમુદાય પર ગુરુવારના રોજ એક બાઇકસવાર વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કરી આ ઘટનાને અંજામ આપ્યો હતો.

સરકારી સૂત્રોનું કહેવું છે કે પશ્ચિમ આફ્રિકામાં આવેલા આ પ્રાંતમાં ઇસ્લામિક સ્ટેટ ગ્રુપનો પ્રભાવ છે. આ વિસ્તારમાં ટૉરેગા સમુદાય રહે છે અને મૃતક તેમની વિરુદ્ધ ઘણા સમયથી લડી રહ્યા હતા.

આ ગોળીબારમાં એક આઠ વર્ષના કિશોરનું પણ મૃત્યુ થયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો