ભાજપના સાંસદ અને દલિત નેતા સાવિત્રીબાઈ ફૂલેએ શા માટે પક્ષમાંથી રાજીનામું આપ્યું?

ઉત્તર પ્રદેશમાં ભાજપનાં દલિત નેતા અને વર્તમાન સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.
તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે પક્ષ સમાજના વિભાજનનું કામ કરી રહ્યો છે અને તે મંદિર અને પ્રતિમાઓ બાંધવા પાછળ નાણાં વેડફી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના બહરાઇચથી સાંસદ રહેલાં ફૂલે લાંબા સમયથી કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારનાં ટીકાકાર રહ્યાં છે.
ફૂલેની ઓળખાણ યૂપીમાં ભાજપના એક મોટા દલિત ચહેરા તરીકેની હતી. જોકે, આ પહેલાં પણ તેમણે ભાજપની અનેકવાર ટીકા કરી છે.
પોતાનું રાજીનામું આપતાં રાજધાની લખનઉમાં તેમણે કહ્યું કે તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. જોકે, તેઓ લોકસભામાં તેમનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી સભ્ય તરીકે બન્યાં રહેશે.
વડા પ્રધાનનું નામ લીધા વિના તેમણે આરોપ લગાવતાં કહ્યું, "દેશના ચોકીદારની ચોકીદારી હેઠળ સંસાધનોની ચોરી કરવામાં આવી રહી છે."

'હનુમાનજી મનુવાદીઓના ગુલામ હતા'

આ પહેલાં મંગળવારે પણ સાવિત્રીબાઈ ફૂલેએ યોગી આદિત્યનાથના એક નિવેદનનો જવાબ આપતાં હનુમાન વિશે નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે હનુમાનજી દલિત હતા અને મનુવાદીઓના ગુલામ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "જો લોકો કહે છે કે ભગવાન રામ છે અને તેમનો બેડો પાર કરાવવાનું કામ હનુમાનજીએ કર્યું હતું, તેઓ દલિત અને માણસ હતા."
"તેમનામાં જો શક્તિ હતી તો જે લોકોએ તેમનો બેડો પાર કરાવવાનું કામ કર્યું તેમને વાનર કેમ બનાવી દેવામાં આવ્યા."


ફૂલેનું આ નિવેદન આદિત્યનાથના હનુમાનને દલિત કહેવાવાળા નિવેદન બાદ આવ્યું હતું. જે બાદ આ મામલે વિવાદ શરૂ થયો હતો.
થોડા દિવસો પહેલાં રાજસ્થાનના અલવરમાં યોગી આદિત્યનાથે એક રેલીને સંબોધતા તેમણે હનુમાનજીને દલિત અને વનવાસી ગણાવ્યા હતા.
હાલ રામજન્મ ભૂમિ પર રામ મંદિર બનાવવાની કવાયત ફરી જોર પકડી રહી છે.
ભાજપનું સ્ટેન્ડ છે કે તેઓ બાબરી મસ્જિદની જગ્યાએ જ રામનું મંદિર બનાવશે.
જેની સામે સાવિત્રીબાઈએ કહ્યું કે દેશને બંધારણની જરૂરીયાત છે મંદિરની નહીં.

રાજકારણમાં કેવી રીતે આવ્યાં હતાં?

ગત એપ્રિલ મહિનામાં બીબીસી સાથે વાત કરતાં સાવિત્રીબાઈએ તેઓ રાજકારણમાં કેવી રીતે આવ્યાં અને ભાજપ સાથે કયા મુદ્દે મતભેદ છે તેની વાત કહી હતી. તેમની વાત તેમના જ શબ્દોમાં.
હું બહુ નાની હતી અને મારા પરિવારના લોકો બામસેફ સાથે જોડાયેલા હતા.
અમારા ગુરુ અછેવરનાથ કનોજિયા સાથે અમારી વાત થઈ હતી. એ વખતે માયાવતી મુખ્ય પ્રધાન હતા.
બહરાઇચમાં યોજાયેલી રેલીમાં અમારા પરિવારના લોકો ગયા હતા. એ રેલીમાં ગુરુજીએ મારી પાસે ભાષણ કરાવ્યું હતું.
એ દિવસે મારા પિતા ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે કહ્યું હતું કે માયાવતી મુખ્ય પ્રધાન બની શકે તો મારી દીકરી પણ બની શકે.
પિતાજીએ કહ્યું હતું કે હું મારી દીકરીને માયાવતીની માફક આગળ વધારવા ઇચ્છું છું.


પિતાજીએ એ દિવસથી મને ગુરુજીને દત્તક આપી દીધી હતી. ગુરુજીએ મને ભણાવી હતી અને રાજકારણમાં લાવ્યા હતા.
હું છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે મને સ્કોલરશિપ મળવાની હતી.
મેં ટીચરને કહ્યું હતું કે અનુસુચિત જાતિનાં બાળકોને શિક્ષણ માટે સરકાર તરફથી જે સ્કોલરશિપ મળે છે તે મને પણ મળવી જોઈએ.
એ સમયે ટીચરે મને સ્કૂલમાંથી કાઢી મૂકી હતી. મેં ત્રણ વર્ષ સુધી રાહ જોઈ હતી. એ પછી મારા ગુરુજીએ મારી મુલાકાત માયાવતી સાથે કરાવી હતી.
માયાવતીએ જિલ્લા અધિકારીને આદેશ આપ્યો એટલે મારું એડમિશન શક્ય બન્યું હતું. મારા રાજકારણની શરૂઆત ત્યાંથી થઈ હતી.
થોડા વર્ષો બાદ મારે ભાજપમાં જોડાવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
2000માં માયાવતીએ મને પક્ષમાંથી કાઢી મૂકી હતી. તેથી હું બીજેપીમાં જોડાઈ હતી.
બીજેપીની ટિકીટ પર હું ત્રણ વખત ચૂંટણી લડી હતી. 2012માં હું વિધાનસભ્ય બની હતી અને 2014માં સંસદસભ્ય બની હતી.
હું તકવાદી રાજકારણી નથી. મને બાબાસાહેબને કારણે ટિકીટ મળી હતી.

ભાજપ સાથે ક્યા મુદ્દે છે મતભેદ?

મેં વિરોધ કર્યો ન હોત. હું સંસદસભ્ય તરીકે ચૂંટાઈ છું તો લોકસભામાં બંધારણના અમલની માગણી કરું એ મારી જવાબદારી છે.
હું માગણી કરું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય બંધારણને સંપૂર્ણપણે અમલી બનાવીને બહુજનોની પ્રગતિનું કામ કરે.
ભારતીય બંધારણ અને અનામતને સંપૂર્ણપણે અમલી બનાવવા માટે મારે જે કોઈ કુરબાની આપવી પડે એ આપવા હું તૈયાર છું.
અત્યારે જે કાયદાની વાત ચાલી રહે છે એ કાયદો બન્યો તે પહેલાં ભારતમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને આદિવાસી મહિલાઓ સાથે ગામ ફૂંકી મારવામાં આવતાં હતાં. સામુહિક બળાત્કાર અને શોષણ કરવામાં આવતું હતું.
એ પછી એવો કાયદો બન્યો હતો કે અનુસૂચિત જાતિ કે જનજાતિનું કોઈ શોષણ કરશે તો કાયદા અનુસાર આકરી સજા કરવામાં આવશે. લોકો એ કાયદાથી ડરતા હતા.
બીજી એપ્રિલના 'ભારત બંધ' દરમ્યાન જે લોહિયાળ ક્રાંતિ થઈ, એ માટે કાયદા સાથે છેડછાડ કરનારો જે શખ્સ સુપ્રીમ કોર્ટમાં ગયો છે તેને આકરી સજા થવી જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














