ગુજરાતમાં સરકારી નોકરીની 12000 જગ્યાઓ માટે કરાયેલી 37 લાખથી વધુ અરજીઓ શું સૂચવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય મિશ્રા
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં વર્ગ ત્રણની સરકારી નોકરીની 12,206 જગ્યા માટે રાજ્યમાંથી 37.7 લાખ જેટલા લોકોએ આવેદનપત્રો ભર્યાં છે.
આ આંકડા મુજબ, રાજ્યમાં સૌથી વધુ આવેદન તલાટીની નોકરી માટે મળ્યાં છે.
રાજ્યમાં ખાલી પડેલી તલાટી કમ મંત્રીની 1,800 જગ્યાઓ માટે 19 લાખ લોકોએ આવેદન કર્યાં છે.
જ્યારે રાજ્યમાં રોજગારીના મુદ્દે આ પ્રકારનો અહેવાલ સામે આવ્યો છે, ત્યારે આ સ્થિતિ કેવી રીતે ઉદભવી અને તેના વિશે જાણકારોનો મત શું છે તે જાણવું રસપ્રદ છે.
બીબીસી ગુજરાતીએ રાજ્યના આર્થિક, રાજકીય અને નીતિજ્ઞ વિશ્લેષકો સાથે વાતચીત કરી આ મામલે તેમનો મત જાણવા પ્રયાસ કર્યો.

ઇમેજ સ્રોત, Alamy
તમે આ વાંચ્યું કે નહીં?

ઇમેજ સ્રોત, Alamy
"રોજગારીની સુરક્ષા અને હોદ્દાની ચાહના"

ઇમેજ સ્રોત, Getty Images
કૅબિટનમાં રજૂ થયેલા આંકડા મુજબ, રાજયમાં વર્ગ ત્રણની 12,206 સરકારી નોકરી માટે સૌથી વધારે આવેદનો તલાટી મંત્રી અને પોલીસ કૉન્સ્ટેબલની જગ્યા માટે ભરાયાં છે.
કૉન્સ્ટેબલની 9,713 જગ્યાઓ માટે 8.76 લાખ અરજીઓ સરકારને મળી છે, જ્યારે તલાટી મંત્રીની 1,800 જગ્યા માટે 19 લાખ અરજી મળી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકીય અને સામાજિક વિશ્વલેષક પ્રોફેસર ઘનશ્યામ શાહના મતે આ સ્થિત સર્જાવા પાછળનું કારણ રોજગારીની સુરક્ષા અને હોદ્દાની ચાહના છે.
તેમના મતે સરકારી નોકરી રોજગારીની દૃષ્ટીએ આજે પણ સુરક્ષિત માનવામાં આવે છે.
તેમણે જણાવ્યું, "અરજી કરનારા તમામ લોકો સંપૂર્ણપણે બેરોજગાર નહીં હોય અને નાના મોટા વ્યવસાય સાથે કે ખાનગી નોકરી સાથે જોડાયેલા હશે."
"ગુજરાતમાં હજુ પણ મોટાભાગની નોકરી ઇન્ફોર્મલ સેક્ટરમાંથી મળે છે."
"આ નોકરીઓમાં અસુરક્ષાનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે સરકારી નોકરીમાં રોજગાર સુરક્ષિત હોવાની માનસિકતાના કારણે આટલી મોટી સંખ્યામાં લોકો અરજીઓ કરે છે."
શાહ વધુમાં જણાવે છે કે રાજ્યમાં જ્ઞાતિ આધારિત નોકરી મેળા શરૂ થયા છે.
આ મેળામાં ચોક્કસ જ્ઞાતિના લોકો પોતાની જ્ઞાતિના લોકોને નોકરી આપે છે.
તેમણે જણાવ્યું, "મારા ધ્યાનમાં આવ્યું હતું કે પાટીદાર બિઝનેસ સમિટમાં 10 લાખ નોકરીઓ પાટીદાર યુવાનોને આપવાની પહેલ થઈ હતી."
"આવી સ્થિતિમાં સરકારની ફરજ શી હોય તે પણ એક સવાલ છે."
"જે જ્ઞાતિ પોતાના લોકોને નોકરી આપી શકે તેમ નથી તો તેમની સ્થિતિ કેવી હશે?"
"સામાજિક રીતે પણ આ મુદ્દો સમસ્યા સર્જે તેવો છે."
સરકારી નોકરી સુરક્ષિત હોવાનો ભાવ લોકોમાં વધારે છે તેવો મત આઈઆઈએમનાં પ્રાધ્યાપક અને અર્થશાસ્ત્રી રિતિકા ખેરાનો પણ છે.
તેમના મતે લોકોમાં સરકારી નોકરી સુરક્ષિત હોવાની છાપ હોવાના લીધે મોટી સંખ્યામાં લોકો અરજી કરે છે.
તેમણે કહ્યુ,"આ આંકડા પરથી એવું સ્પષ્ટ નથી થતું કે નોકરી માટે અરજી કરનારા તમામ લોકો બેરોજગાર છે."
"જે લોકો સરકારી નોકરી માટે અરજી કરે છે તેમાં નોકરીની સુરક્ષા મહત્ત્તવનો મુદ્દો હોય છે."
" ઘણાં લોકો સેવાના ભાવથી પણ સરકારી નોકરીમાં જોડાતા હોય છે."
"તેમ છતાં ગુજરાતમાં સરકારી નોકરી આજે પણ લોકપ્રિય છે તેવું આ આંકડાઓ પરથી ફલિત થાય છે."

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ સ્રોત, Alamy
આવી સ્થિતિ સર્જાવાનું કારણ શું ?

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યમાં વર્ગ ત્રણની 12,206 જેટલી જગ્યા માટે 37.7 લાખ અરજીઓ મળવાની સ્થિતિને વિશ્વલેષકો ઉદ્યોગોની રોજગારીના પરીપ્રેક્ષ્યમાં પણ મૂલવે છે.
અમદાવાદના સેન્ટર ફૉર ડેવલપમૅન્ટ ઑલ્ટરનેટિવ (સીએફડીએ)નાં ડાયરેક્ટર પ્રોફેસર ઇંદિરા હિરવેના મતે આ સ્થિતિ સર્જાવાનું એક કારણ રાજ્યમાં પડી ભાંગેલા નાના ઉદ્યોગો પણ છે.
તેમણે જણાવ્યું હતું કે જ્યારે ઉદ્યોગો પણ રોજગારી પૂરી પાડી શકતા નથી ત્યારે સરકારી નોકરી માટે આટલી મોટી સંખ્યામાં અરજીઓ થવી સ્વાભાવિક છે.
હિરવેના મતે આ સ્થિતિ સર્જાવા પાછળનું કારણ એ છે કે રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે જ્યારે શિક્ષિત યુવાનોને ઉદ્યોગોના માધ્યમથી નોકરી પૂરી નથી પડી શકતી ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે.
તેમણે જણાવ્યું, "રાજ્યમાં ઉદ્યોગોએ જે રોજગારી પુરી પાડવી જોઈએ તે તેનું પ્રમાણ પૂરતું નથી."
"ગુજરાતમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો પડી ભાંગ્યા છે. મોટા ઉદ્યોગો રોજગારી આપી નથી શકતા તેથી આ પ્રકારની સ્થિતિ સર્જાય છે."

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ સ્રોત, Alamy
ઉદ્યોગો અને રોજગારી

ઇમેજ સ્રોત, Getty Images
ઉદ્યોગો રાજ્યમાં સ્થાનિકોને જરૂરી રોજગારી નથી આપતા તેવો મત રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતાએ પણ વ્યક્ત કર્યો હતો.
સુરેશ મહેતાના મતે રાજ્ય સરકારના અયોગ્ય શાસનના કારણે ગુજરાતમાં રોજગારીની સમસ્યા છે.
જોકે, નોકરી માટેનો આ આંકડાઓ રજૂ કર્યા બાદ રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે આ સ્થિતિ બેરોજગારીના કારણે નથી ઉદ્ભવી પરંતુ લોકો નોકરી માટે સારા વિકલ્પોની શોધમાં છે.
સુરેશ મહેતાએ એક વાતચીતમાં કહ્યું, "રોજગારી ત્રણ પ્રકારે ઉદ્ભવે છે. સરકારી, ખાનગી અને વ્યક્તિગત રોજગારી. આ ત્રણેય મોરચે ગુજરાત નિષ્ફળ ગયું છે."
"ઉદ્યોગો સરકાર પાસેથી જરૂરી સવલતો મેળવે છે. સરકાર તેમને તમામ સુવિધા આપે છે. આ સુવિધાના બદલામાં શરત એવી હોય છે કે 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવી."
"ઉદ્યોગો આ શરતોનું પાલન સંપૂર્ણપણે કરતા નથી."
સુરેશ મહેતાના મતે રાજ્યમાં જાહેર ક્ષેત્રો પણ નીતિગત નિષ્ફળતાના કારણે પડી ભાંગ્યા હોવાથી રોજગારીની સમસ્યા સર્જાઈ છે.
જોકે, રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં જુદાજુદા સ્થળેથી લોકોએ આવેદન કર્યુ હોવાથી આ આંકડો વધારે છે.
તેમના મતે આ આંકડો વધારે હોવાનું કારણ બેરોજગારી નથી.
અરજી કરનાર લોકો ખાનગી નોકરી સાથે સંકળાયેલા હોય તેવી સ્થિતિમાં પણ આ આંકડો વધારે હોઈ શકે છે.
આ આંકડાઓ વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકારી નોકરી માટે આટલી મોટી સંખ્યામાં આવેદનો મળવા એ સૂચવે છે કે રાજ્યમાં બેરોજગારીની સ્થિતિ પ્રવર્તી રહી છે.
ચાવડાના મતે બેરોજગારીનું પ્રમાણ વ્યાપક હોવાના કારણે લાખો યુવાનોએ સરકારી નોકરી માટે આવેદન કર્યું છે.

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ સ્રોત, Alamy
"વ્યૂહાત્મક આયોજનની જરૂર"

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને અર્થશાસ્ત્રી વાય.કે.અલઘ આ સ્થિતિને વ્યૂહાત્મક આયોજનના અભાવ તરીકે ગણાવે છે.
તેમના મતે આયોજન પંચ જેવાં સંસ્થાનો દેશ માટે ખૂબ જ જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે દરેક વિભાગમાં સરકારી નોકરી આજે પણ લોકપ્રિય છે.
તેમણે જણાવ્યુ," ચીનમાં રોજગારી પૂરી પાડવા માટે વ્યૂહાત્મક આયોજન પર ભાર મૂકવામાં આવે છે. આપણા દેશમાં પણ આવી નીતિઓની આવશ્યકતા છે."
''નીતિ આયોગ જેવી સંસ્થાઓના માધ્યમથી સેક્ટર મુજબ નોકરીની તકો કેવી રીતે સર્જવી તેની નીતિ ઘડાય છે.
તેઓ જણાવે છે, "આ પ્રકારની સંસ્થાઓ દ્વારા યોગ્ય નીતિ ઘડી રોજગારી કેવી રીતે મળી શકે તેનું આયોજન થઈ શકે છે."
અલઘે વધુમાં જણાવ્યું હતું કે સરકારના તમામ આયોજનો અને ખાનગી ક્ષેત્રની હાજરીઓની વચ્ચે સરકારી નોકરીની આટલી મોટી માગ પરથી સ્પષ્ટ થાય છે કે આ દિશામાં ચોક્કસ આયોજન કરવું આવશ્યક છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















