ભારતમાં હજ્જારો લોકોને શા માટે આકર્ષે છે સરકારી નોકરી?

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, નિખિલ હેમરાજાની
    • પદ, બીબીસી કેપિટલ

અનિશ તોમર ભારતમાં સરકારી નોકરી મેળવવા માટે અરજી કરી રહ્યા છે. તેઓ સમગ્ર પ્રક્રિયાથી સારી પેઠે વાકેફ છે. સરકારી નોકરી મેળવવા માટેનો આ તેમનો સાતમો પ્રયાસ છે.

હંમેશની જેમ સ્પર્ધા આકરી છે, પણ ભારતીય રેલવેમાં મેડિકલ ઓર્ડર્લીની નોકરી માટે અનિશ તોમર આ વખતે તેમનાં પત્ની સાથે પણ સ્પર્ધા કરી રહ્યા છે.

આ પદ પ્રમાણમાં ઘણું નીચું છે, તેમ છતાં હજ્જારો લોકો એ માટે અરજી કરે છે. અનિશ તોમરે સરકારી નોકરી મેળવવા અગાઉ પ્રયાસો કર્યા ત્યારે પણ આવી જ પરિસ્થિતિ હતી.

નોકરી બાબતે તેમના કોઈ ગમા-અણગમા નથી. તેમણે અગાઉ શિક્ષક તથા વન સંરક્ષકની નોકરી માટે પણ અરજી કરી હતી, પરંતુ બન્ને વખતે તેમને નિષ્ફળતા મળી હતી.

28 વર્ષના અનિશ તોમર કહે છે, "વન વિભાગની નોકરી માટે હું શારીરિક સજ્જતાની કસોટીમાં સફળ થઈ શક્યો નહોતો."

અનિશ તોમર રાજસ્થાનના મધ્યમ કદના ભિલવારા ગામની એક હેલ્થકેર કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કાર્યરત છે.

અનિશ તોમરને પગારપેટે દર મહિને 25 હજાર રૂપિયા મળે છે, પણ તેમને લાગે છે કે કામના પ્રમાણમાં તેમને અપૂરતો પગાર મળે છે. તેઓ કહે છે, "મારે મધરાતે પણ ફોનકોલ્સના જવાબ આપવા પડે છે. જરાય આરામ નથી મળતો."

line

સરકારી નોકરીના લાભ

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના નાનાં શહેરોમાં રહેતા અનિશ તોમર જેવા લોકો સરકારી નોકરી મેળવવા માટે આકરી મહેનત કરે છે.

સરકારી નોકરીમાં સલામતી ઉપરાંત રહેવા ઘર અને સમગ્ર પરિવારને મફત તબીબી સહાય મળે છે. આખા પરિવાર માટે ફ્રી ટ્રાવેલ પાસ જેવા અન્ય લાભો પણ મળે છે.

આ સરકારી લાભની શરત એક જ હોય છે કે પરિવારના સભ્યો તમારા આશ્રિત હોવા જોઈએ, પણ ભારતીય પરિવારો મોટા હોય છે એટલે તેમાં ઝડપભેર ઉમેરો થાય છે.

શું તમે આ વાંચ્યું?

2006માં સરકારી નોકરિયાતોના પગારધોરણની સમીક્ષા કરવામાં આવી એ પછી તેમનો પગાર પણ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ જેટલો થઈ ગયો છે.

અનિશ તોમર ભારતીય રેલવે દ્વારા તેના કર્મચારીઓ માટે ચલાવવામાં આવતી હોસ્પિટલમાં નોકરી મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે.

એ નોકરી મળશે તો તેમને માસિક પગાર પેટે 35 હજાર રૂપિયા મળશે.

line

ખાલી સ્થાનની સરખામણીએ અનેકગણી અરજીઓ

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

તેથી રેલવેઝ કે પોલીસ જેવા સરકારી વિભાગોમાં ભરતીની જાહેરાત થાય છે ત્યારે હજ્જારો લોકો એ માટે અરજી કરે તેમાં આશ્ચર્યજનક કશું નથી. ખાલી સ્થાનની સરખામણીએ અનેકગણી અરજીઓ આવે છે.

અનિશ તોમરનું નસીબ જોર કરતું હશે તો તેમને ભારતીય રેલવેમાં નોકરી મળશે, કારણ કે દરેક પદ માટે સરેરાશ 200 લોકોએ અરજી કરી છે.

ત્રણ વર્ષ સુધી ભરતી બંધ રાખ્યા બાદ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડે આશરે એક લાખ ખાલી પદો ભરવા માટે ગયા માર્ચમાં રાષ્ટ્રવ્યાપી જાહેરાત આપી હતી.

ટ્રેકમેન, પોર્ટર્સ અને ઇલેક્ટ્રિશિયન સહિતનાં એ પદો માટે 2.3 કરોડથી વધુ લોકોએ અરજી કરી હતી. આવો પ્રતિસાદ એ ક્ષણિક ગાંડપણ નથી.

રેલવેની જાહેરાતના થોડા સપ્તાહ પછી મુંબઈના બે લાખ લોકોએ પોલીસ કોન્સ્ટેબલની 1137 જગ્યાઓ માટે અરજી કરી હતી.

2015માં ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સચિવાલયમાં ક્લર્કની 368 જગ્યાઓ માટે 2.3 કરોડ લોકોએ અરજી કરી હતી. દરેક પદ માટે 6,250 અરજદારો હતા.

અરજદારોની સંખ્યા એટલી મોટી હતી કે સરકારી અધિકારીઓએ ભરતીનું કામ પડતું મૂક્યું હતું, કારણ કે તમામ અરજદારોના ઇન્ટર્વ્યૂમાં જ ચાર વર્ષથી વધુનો સમય લાગવાનો હતો.

આવી નોકરીઓ માટે અરજી કરતા ઉમેદવારો ઘણા કિસ્સામાં વધુ પડતી લાયકાત ધરાવતા હોય છે. તેમાંના ઘણા પાસે બિઝનેસ કે એન્જિનિયરિંગની ડિગ્રી હોય છે.

તેમ છતાં સ્થાનિક સરકારી નોકરી માટે ઉમેદવારને સાયકલ ચલાવતાં આવડતું હોય અને તેણે દસ વર્ષ સુધી શાળામાં અભ્યાસ કર્યો હોય એટલું પૂરતું છે.

રેલવેનાં જે એક લાખ પદો માટે ભરતી થવાની છે તેના માટે ઉમેદવારે હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ લીધું હોય એ પૂરતું છે.

line

સરકારી નોકરીનું આકર્ષણ કેમ?

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

વધુ પડતી લાયકાત ધરાવતા લોકો સરકારી નોકરી પ્રત્યે શા માટે આકર્ષાતા હોય છે? તેમાં સારા પગાર અને ભથ્થાં ઉપરાંત બીજાં કારણો પણ હોવાં જોઈએ.

સરકારી નોકરી મેળવવા જેટલા નસીબદાર લોકોનું મૂલ્ય વડીલો દ્વારા ગોઠવાયેલાં લગ્નનાં માર્કેટમાં ઊંચું થઈ જાય છે.

ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી બનેલી 2017ની 'ન્યૂટન' ફિલ્મમાં આ પરિસ્થિતિનું નિરૂપણ કરવામાં આવ્યું હતું.

એ ફિલ્મમાં અભિનેતા રાજકુમાર રાવ માટે સરકારી નોકરી જીવનસાથીની શોધમાં લાભકારક સાબિત થાય છે.

ફિલ્મમાં ન્યૂટનના પિતા કહે છે, "છોકરીના પિતા કોન્ટ્રાક્ટર છે અને તું સરકારી અધિકારી છે. જિંદગી આરામદાયક બની જશે."

ન્યૂટનનાં માતા કહે છે, "તેમણે દહેજ માટે દસ લાખ રૂપિયા અને એક મોટરસાયકલ આપવાની ઓફર પણ કરી છે."

ભારતના સાંસ્કૃતિક મનોવિશ્વમાં ખાસ કરીને રેલવે મહત્વનું સ્થાન ધરાવે છે. સમગ્ર અમેરિકામાં પ્રવાસ કરવાનું વિચારીએ તો માર્ગ મારફત પ્રવાસ તરત યાદ આવે.

ભારતમાં એવું ટ્રેન મારફત પ્રવાસનું છે.

2017ના ઓગસ્ટમાં પ્રકાશિત એક લેખમાં જણાવ્યા મુજબ, તમામ ભારતીય એરલાઈન્સમાં જેટલા લોકો પ્રવાસ કરે છે તેનાથી વધુ લોકો ભારતીય ટ્રેનોમાં એર-કન્ડીશન્ડ કોચમાં પ્રવાસ કરે છે.

ઉત્તર પ્રદેશમાંના ગોરખપુર તથા ઝાંસી અને મધ્ય પ્રદેશમાંના ઇટારસી જેવા ગામોનો વિકાસ તેમની રેલવે કનેક્ટિવિટીને આભારી છે.

ભારતના દૂરવર્તી વિસ્તારોમાં સરકારી સેવાઓને પરંપરાગત રીતે વખાણવામાં આવે છે.

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અમિતાભ ખરે કહે છે, "એ ખરેખર જમીનદાર અને સામંતી સમાજ હતો, જેમાં સરકારી નોકરી કરવી એ સામાજિક પ્રતિષ્ઠા ગણાતું હતું. એ વલણ આજે પણ યથાવત છે."

ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) જેવી ભારતીય મુલકી સેવામાં ઊંચુ પદ મેળવવાના સંદર્ભમાં આ બાબત વધારે ઊડીને આંખે વળગે છે.

ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાંથી દર વર્ષે સૌથી વધુ પ્રમાણમાં સફળ આઈએએસ ઉમેદવારો બહાર આવે છે.

રેલવેના એક સિનિયર અધિકારીએ તેમની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે દર વર્ષે રેલવેના સરેરાશ 15 હજાર કર્મચારીઓ તેમના વતનમાં બદલી માટે અરજી કરે છે.

તેઓ કહે છે, "એ પૈકીની મોટાભાગની અરજીઓ ઉત્તર પ્રદેશ અને બિહાર માટેની હોય છે."

તેમ છતાં ગંગા નદીની આસપાસ આવેલા આ પ્રદેશોમાં ગરીબી અને નિરક્ષરતાનું પ્રમાણ દેશમાં સૌથી વધુ છે.

સરકારી નોકરિયાતોને અન્યત્ર કામ કરવાનું ચાલુ રાખવાને બદલે તેમના વતનમાં બદલીની તક મળે છે.

line

સરકારી નોકરી મેળવવાનું ઝનૂન

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

વધુ વસતિ અને નોકરીની ઓછી તકોને કારણે લોકોમાં કોઈ પણ સરકારી નોકરી મેળવવાનું ઝનૂન હોય છે.

ખુદને ડીટીના નામે ઓળખાવતા રેલવે પ્રોટેક્શન ફોર્સ( આરપીએફ)ના એક કોન્સ્ટેબલ સરકારી નોકરી મેળવવાના 25મા પ્રયાસમાં સફળ થયા હતા.

અગાઉ તેમણે ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (આઈટીબીપી) અને ભારતીય સૈન્યમાં જોડાવા માટે પણ અરજી કરી હતી.

ડીટીના સાથી કર્મચારી જેએસએ ઉત્તર પ્રદેશ સ્ટેટ પોલીસ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ) સહિતના વિવિધ વિભાગોમાં નોકરી મેળવવા ચાર વર્ષ પ્રયાસ કર્યા હતા.

બીજી તરફ આઈએએસના ટોપ રેન્કર અને ગૂગલના 28 વર્ષના ભૂતપૂર્વ કર્મચારી અનુદીપ દુરિશેટ્ટીએ સફળ થતાં પહેલાં ભારતીય મુલકી સેવાની પરીક્ષા સતત સાત વર્ષ સુધી આપી હતી.

ભારતમાં સરકારી નોકરી માટે અરજી કરવાનું કામ પારિવારિક ઘટના પણ હોય છે. કોન્સ્ટેબલ જેએસનાં પત્ની ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સરકારી શિક્ષિકા બનવાનો અભ્યાસ કરી રહ્યાં છે.

ગાઝિયાબાદમાં જ ઉછરેલા જેએસ કહે છે, "મારાં પત્નીને નોકરી મળશે પછી હું એકાદ વર્ષમાં બદલી માટે અરજી કરીશ."

રેલવેમાં તબીબી સહાયકની નોકરી માટે અનિશ તોમરનાં પત્ની પ્રિયા પણ મેદાનમાં છે. તેમનું શું? પોતે પતિ સાથે સ્પર્ધામાં હોવાનું પ્રિયા માનતાં નથી.

તેઓ તેમના પરિવારમાં કોઈને સરકારી નોકરી મળવાની તકમાં વધારો કરી રહ્યાં છે.

પ્રિયા કહે છે, "પ્રયાસ શા માટે ન કરવો? શરૂઆતથી જ સારો પગાર મળે છે અને સરકારી નોકરીને લીધે મારા પરિવારને પ્રતિષ્ઠા તથા મોભો પણ મળશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો