You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રાહ્મણવાદી પિતૃસત્તાની બાબતે ટ્વિટર પર થયેલા હોબાળાનો અર્થ શું?
- લેેખક, સિંધુવાસિની
- પદ, બીબીસી સંવાદદાતા
#SmashBrahmanicalPatriarchy એટલે કે બ્રાહ્મણવાદી પિતૃસત્તાને સમાપ્ત કરો.
'બ્રાહ્મણવાદી' અને 'પિતૃસત્તા', હિંદીના આ બે વજનદાર શબ્દો જ્યાં પણ ઉપયોગ થાય છે, ત્યાં વારંવાર કોઈને કોઈ વિવાદ ઊભો થાય છે.
આ વખતે પણ આવું જ થયું. જ્યારે ટ્વિટરના સીઈઓ જૅક ડોર્સીએ એક પોસ્ટર પોતાના હાથમાં લઈને તસવીર ખેંચાવી તો હોબાળો થઈ ગયો.
જૅક ડોર્સીએ હાલના ભારત પ્રવાસ વખતે કેટલીક ભારતીય મહિલાઓ સાથે એક બેઠક કરી અને ત્યારબાદ આ તસવીર સામે આવી.
તસવીર સામે આવ્યા બાદ Brahminical Patriarchy શબ્દના ઉપયોગ અંગે ચર્ચા છેડાઈ અને સોશિયલ મીડિયા પર હાજર એક પક્ષે આને 'બ્રાહ્મણોની વિરુદ્ધ' અને 'બ્રાહ્મણો પ્રત્યે નફરત અને પૂર્વગ્રહયુક્ત' જણાવ્યા હતા.
વિવાદ એટલો વધ્યો કે #Brahmins અને #BrahminicalPatriarchy હૅશટૅગવાળાં હજારો ટ્વીટ્સ થયાં અને ત્યારબાદ ટ્વિટરને ખુલાસો સુદ્ધાં કરવો પડ્યો.
ટ્વિટર ઇન્ડિયાએ કહ્યું- "અમે હાલમાં જ ભારતની કેટલીક મહિલા પત્રકારો અને કાર્યકર્તાઓની સાથે બંધ બારણે એક ચર્ચા કરી જેથી ટ્વિટર ઉપર તેમના અનુભવોને સારી રીતે સમજી શકીએ. ચર્ચામાં ભાગ લેતાં એક દલિત ઍક્ટીવિસ્ટે આ પોસ્ટર જૅકને ભેટ તરીકે આપ્યું હતું."
ટ્વિટર ઇન્ડિયા તરફથી કરવામાં આવેલા એક અન્ય ટ્વીટમાં કહેવામાં આવ્યું- "આ ટ્વિટરનું કે અમારા સીઈઓનું આ નિવેદન નથી પરંતુ અમારી કંપનીના એ પ્રયત્નોની સાચી ઝલક છે જેના દ્વારા અમે દુનિયાભરમાં ટ્વિટર જેવા તમામ સાર્વજનિક મંચો પર થતી વાતચીતનાં તમામ પાસાંને જોવાં, સંભાળવાં અને સમજવાંનો પ્રયાસ કરીએ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારબાદ ટ્વિટરના લીગલ હેડ વિજયા ગડેએ ટ્વીટ કરીને માફી માંગી.
તેમણે કહ્યું, "મને આ વાતનું બહુ દુ:ખ છે. આ અમારા વિચારો નથી દર્શાવતા."
"અમે એ ભેટની સાથે એક પ્રાઇવેટ ફોટો લીધો હતો જે અમને આપવામાં આવ્યો હતો."
"અમારે વધુ સતર્ક રહેવું જોઈતું હતું. ટ્વિટર તમામ લોકો માટે એક નિષ્પક્ષ મંચ બનવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે છે અને અમે આ બાબતે નિષ્ફળ ગયાં છીએ."
"અમારે અમારા ભારતીય ગ્રાહકોને બહેતર સેવાઓ આપવી જોઈએ."
આ તમામ નિવેદનો છતાં કિસ્સો શાંત ન થયો અને હજુ પણ આ મુદ્દે સતત ચર્ચા છેડાયેલી છે.
આ સ્થિતિમાં સવાલ એ છે કે 'બ્રાહ્મણવાદી પિતૃસત્તા છે શું? શું આ ખરેખર બ્રાહ્મણો વિરુદ્ધ નફરત વાળી કોઈ ભાવના અથવા કાવતરૂં છે?
મહિલાવાદી સાહિત્ય અને લેખોમાં 'બ્રાહ્મણવાદી પિતૃસત્તા' શબ્દનો ઉપયોગ એ સમજાવવા માટે કરવામાં કરવામાં આવે છે કે સમાજમાં મહિલાઓની સ્થિતિ અને જાતિ વ્યવસ્થા કેવી રીતે એકબીજા સાથે ગૂંથાયેલા છે.
આ જ વાતને સાબિત કરવા માટે દલિત અને મહિલાવાદી કાર્યકર્તા ઘણાં ઉદાહરણો આપે છે કે કેવી રીતે મહિલાના સ્વતંત્ર અસ્તિત્વને ધર્મ અને ધર્મની વ્યાખ્યા કરનારા બ્રાહ્મણ સ્વીકારતા નથી.
તેઓ શાસ્ત્રોના હવાલાથી જણાવે છે કે છોકરીના પિતા, પછી પતિ અને પછીથી દીકરાઓના સંરક્ષણમાં રહેવું જોઈએ.
વ્યાપક રીતે આ જ વ્યવસ્થાને તેઓ બ્રાહ્મણવાદી પિતૃસત્તા કહે છે.
પ્રખ્યાત ફેમિનિસ્ટ લેખિકા ઉમા ચક્રવર્તી પોતાના લેખ 'Conceptualizing Brahmanical Patriarchy in India'માં ઉચ્ચ જ્ઞાતિઓમાં હાજર તમામ માન્યતાઓ અને પરંપરાઓ દ્વારા મહિલાઓ અને તેમની સેક્સ્યુઆલીટી પર અંકુશ મૂકવાની પ્રથાને 'બ્રાહ્મણવાદી પિતૃસત્તા' કહે છે.
દલિત ચિંતક અને લેખક કાંચા ઈલૈયાનો દૃષ્ટિકોણ
'બ્રાહ્મણવાદી પિતૃસત્તા'ને સમજવા માટે પહેલાં 'પિતૃસત્તા'ને સમજવી પડશે.
પિતૃસત્તા એ સામાજિક વ્યવસ્થા જે અંતર્ગત જીવનના દરેક ક્ષેત્રમાં પુરુષોનો દબદબો જળવાઈ રહે છે.
પછી તે ભલે ખાનદાનનું નામ તેમના નામ ઉપર ચાલવાની વાત હોય અથવા સાર્વજનિક જીવનમાં તેમનું વર્ચસ્વ.
આમ તો પિતૃસત્તા લગભગ આખી દુનિયા ઉપર હાવી છે પરંતુ બ્રાહ્મણવાદી પિતૃસત્તા ભારતીય સમાજની દેન છે.
બ્રાહ્મણવાદ અને બ્રાહ્મણવાદી પિતૃસત્તાને સમજવા માટે આપણે ભારતના ઇતિહાસમાં ડોકિયું કરવું પડશે.
વૈદિકકાળ પછી જ્યારે હિંદુ ધર્મમાં કટ્ટરતા આવી તો મહિલાઓ અને શુદ્રો (કહેવાતી નીચી જાતિઓ)નો દરજ્જો નીચો કરી દેવાયો.
મહિલાઓ અને શુદ્રો સાથે લગભગ એક સરખો વર્તાવ કરવાનું શરૂ થયું. તેમને 'અછૂત' અને નબળા માનવામાં આવતાં.
જેનો ઉલ્લેખ મનુસ્મૃતિ જેવા પ્રાચીન ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યો છે.
આ ધારણાઓ બનાવવા અને સ્થાપિત કરનારા એ પુરુષો હતા જે તાકાતવાન બ્રાહ્મણ સમુદાય સાથે સંબંધ ધરાવતા હતા. અહીંથી જ 'બ્રાહ્મણવાદી પિતૃસત્તા'ની શરૂઆત થઈ.
બ્રાહ્મણ પરિવારોમાં મહિલાઓની સ્થિતિ દલિત પરિવારોની મહિલાઓ કરતાં સારી ના કહી શકાય.
આજે પણ ગામડાંમાં બ્રાહ્મણ અને કહેવાતી ઊંચી જાતિની મહિલાઓને ફરીથી લગ્ન કરવા, પતિથી છૂટાછેડા લેવા અને બહાર જઈને કામ કરવાની પરવાનગી નથી.
મહિલાઓની સેક્સ્યુયાલિટીને કાબૂમાં રાખવાનો પ્રયત્ન પણ બ્રાહ્મણ અને સવર્ણ સમુદાયમાં ઘણો વધુ પ્રમાણમાં થાય છે.
જોકે, એવું પણ ના કહી શકાય કે દલિતોમાં પિતૃસત્તા છે જ નહીં પરંતુ તેઓ કહે છે કે 'દલિત -બહુજન પિતૃસત્તા' અને બ્રાહ્મણવાદી પિતૃસત્તા'માં એક જુદાપણું છે.
'દલિત-બહુજન પિતૃસત્તા'માં પણ મહિલાઓ બીજા દરજ્જાની વ્યક્તિ જ માનવામાં આવે છે પરંતુ આ બ્રાહ્મણવાદી પિતૃસત્તાને મુકાબલે થોડીક લોકતાંત્રિક છે.
બ્રાહ્મણવાદી પિતૃસત્તા મહિલાઓ ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ કરવા ઇચ્છે છે પછી ભલે એ નિયંત્રણ તેના વિચારો ઉપર હોય કે શરીર ઉપર.
જો એક દલિત મહિલા પતિને હાથે માર ખાતી હોય તો ઓછામાં ઓછું તે ચીસો પાડી-પાડીને લોકોની ભીડ ભેગી કરી શકે છે અને સૌની સામે રડી શકે છે.
બ્રાહ્મણ મહિલા માર ખાધા પછી પણ ચૂપચાપ ઓરડાની અંદર રડે છે કારણ કે બહાર જઈને રડવા અને ચીસો પાડવાથી પરિવારની કહેવાતી ઇજ્જત ઉપર આંચ આવવાનું જોખમ હોય છે.
'આ બ્રાહ્મણ નહીં, વિચારોનો વિરોધ છે'
મહિલા અધિકાર કાર્યકર્તા અને કોમ્યુનિસ્ટ પાર્ટીનાં સભ્ય કવિતા કૃષ્ણન (CPI-ML) કહે છે કે 'બ્રાહ્મણવાદી પિતૃસત્તા' એક વિચારધારા છે અને આના વિરોધનો મતલબ બ્રાહ્મણ સમુદાયનો વિરોધ નથી.
કવિતા કહે છે, "એવું નથી કે બ્રાહ્મણવાદી પિતૃસત્તા અને બ્રાહ્મણવાદી વિચારધારા ફક્ત બ્રાહ્મણ સમુદાયમાં જ પ્રવર્તમાન છે."
"આ અન્ય જાતિઓ અને દલિતોમાં પણ છે. બ્રાહ્મણવાદી માનસિકતા અન્ય જાતિઓને એવી અનુભૂતિ કરાવે છે કે તમારી નીચે પણ કોઈ છે, તમે તેમનું શોષણ કરી શકો છો."
કવિતાના અનુસાર આપણે શરૂઆત આ સવાલથી કરવી જોઈએ જયારે કોઈ પોતાને ગર્વ સાથે બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે તો તેનો મતલબ શું થાય છે.
કવિતા કહે છે, "બ્રાહ્મણ એક ભારે-ભરખમ શબ્દ છે અને એની ઉપર ઇતિહાસનો એક બોજો છે."
"બ્રાહ્મણ જાતિનું છેલ્લાં ઘણાં વર્ષોથી સમાજ ઉપર એક વર્ચસ્વ રહ્યું છે અને આ વર્ચસ્વના સકંજામાં મહિલાઓ પણ ફસાયેલી રહી છે."
કવિતા કહે છે, "હવે તમે એમ પૂછી શકો છો કે જો કોઈ ગર્વથી દલિત હોવાની વાત કહી શકે છે તો ગર્વથી બ્રાહ્મણ હોવાની વાત કેમ ના કહી શકે."
"આ બંને વાતો એક સરખી એટલા માટે નથી કારણ કે દલિતની ઓળખ પહેલેથી જ દબાવવામાં આવતી રહી છે જયારે બ્રાહ્મણો સાથે એવું નથી."
કવિતા કૃષ્ણનનું માનવું છે કે આપણે એ સ્વીકારવું પડશે કે બ્રાહ્મણવાદી પિતૃસત્તા સમાજમાં પ્રવર્તમાન છે અને એનો અંત લાવવાની જરૂર છે.
તેઓએ કહ્યું, "પિતૃસત્તા દુનિયાના લગભગ દરેક ખૂણામાં પ્રવર્તમાન છે પરંતુ તેનાં કારણો જુદાં છે. ભારતમાં સ્થાપિત પિતૃસત્તાનું એક સૌથી મોટું કારણ બ્રાહ્મણવાદ છે."
જોકે, એવું ય નથી કે તમામ લોકો બ્રાહ્મણવાદી પિતૃસત્તાની અવધારણા અને તેની હાજરી સાથે સહમત છે.
'મુઠ્ઠીભર લોકોનું કાવતરૂં'
આરએસએસના વિચારક અને બીજેપી સાંસદ પ્રોફેસર રાકેશ સિંહા બ્રાહ્મણવાદી પિતૃસત્તાને 'યુરોપીયન સંસ્કૃતિથી પ્રભાવિત' તબક્કાનું કાવતરૂં કહે છે.
તેઓ કહે છે, "ભારતીય સમાજ કાયમથી પ્રગતિશીલ રહ્યો છે. આપણે સહુને સાથે લઈને ચાલવા અને સહુનું સન્માન કરવામાં માનીએ છીએ."
"એક તરફ આપણે જાતિવિહીન સમાજનું સપનું જોઈ રહ્યા છીએ અને બીજી તરફ આ લોકો એક જાતિ વિશેષને ખોટી રીતે પ્રસ્તુત કરીને સમાજને વહેંચવાનું કામ કરી રહ્યા છે."
રાકેશ સિન્હાનું માનવું છે કે ટ્વીટરના સીઈઓનું આ પોસ્ટર સાથે તસવીરમાં હોવું તેમની કંપનીનું ભારતીયો પ્રત્યેનું નકારાત્મક વલણ બતાવે છે.
તેઓએ કહ્યું, "દરેક સમાજમાં કોઈને કોઈ ખામીઓ હોય છે. ભારતીય સમાજ પોતે જ પોતાની ખામીઓ સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છે."
"જોકે, કેટલાક મુઠ્ઠીભર લોકો એક જાતિ વિશેષને નકારાત્મકતાનું વિશેષણ બનાવીને સમાજને સંકીર્ણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે."
શું કહે છે પોસ્ટર ડિઝાઇન કરનાર મહિલા
આ પોસ્ટરને ડિઝાઇન કરનારાં કલાકાર અને દલિત અધિકારો માટે કામ કરનારાં તેનમૌલી સુંદરરાજને બીબીસીને કહ્યું, "આ પોસ્ટર છેલ્લાં બે વર્ષથી સોશિયલ મીડિયા ઉપર છે."
"પરંતુ ત્યારે થયો જયારે ટ્વીટરના સીઈઓ આને પોતાના હાથમાં લઈને ઊભા રહી ગયા."
"આનો વિરોધ કરનારા કદાચ ડરેલા છે કે સચ્ચાઈ વૈશ્વિક સ્તરે પહોંચી જશે."
વળી, જેક ડોર્સેને આ પોસ્ટર આપનાર સંઘપાલી અરુણાનું કહેવું છે કે તેઓ પોતે એક દલિત છે અને તેમને દલિતોની સાથે થતા ભેદભાવનો સંપૂર્ણ અંદાજ છે.
સંઘપાલી કહે છે, "ભારતમાં પિતૃસત્તાના મૂળમાં બ્રાહ્મણવાદ છે અને એટલે જ પિતૃસત્તાનો અંત લાવવા માટે આપણે બ્રાહ્મણવાદનો અંત લાવવો પડશે."
સંઘપાલી કહે છે કે બ્રાહ્મણવાદી પિતૃસત્તાના વિરોધને બ્રાહ્મણ સમુદાયના વિરોધ તરીકે જોવો જોઈએ નહીં અને ના આ બાબતનું રાજનીતિકરણ કરવું જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો