મરાઠાઓની માગ સ્વીકારાઈ, પાટીદારોને આ રીતે અનામત મળે?

મરાઠા અનામત આંદોલન

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્રની વિધાનસભામાં મરાઠાઓને શિક્ષણ અને નોકરીઓમાં 16 ટકા અનામત આપતું બિલ પસાર કરી દેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ વિધાનસભામાં આ બિલ રજૂ કર્યું હતું જેને વિરોધ પક્ષોએ પણ ટેકો આપ્યો હતો.

આ બિલને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. હવે આ બિલ વિધાનપરિષદમાં જશે.

આજ સવારથી સમગ્ર રાજ્યની આ બિલ પર નજર હતી જે વિધાનસભામાં રજૂ થવાનું હતું.

મરાઠાઓની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્થિતિનો અભ્યાસ કરવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી.

જેમની ભલામણો સાથેનું બિલ આજે મુખ્ય મંત્રીએ 12 વાગ્યે વિધાનસભામાં રજૂ કર્યું હતું.

આ સમિતિના રિપોર્ટમાં મરાઠાઓને સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગની અંદર અનામત આપવાની ભલામણ કરવામાં આવી છે.

અહીં મહત્ત્વપૂર્ણ છે કે રાજ્યની કુલ વસતિમાં 33 ટકા એટલે કે ચાર કરોડની વસતિ ધરાવતા મરાઠા સમુદાયે 16 ટકા અનામતની માગણી સાથે સરકાર વિરુદ્ધ મોરચો માડ્યો હતો.

line

રિપોર્ટમાં શું ભલામણો કરવામાં આવી?

પ્રતીકાત્મક તસવીર
  • મરાઠા સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાહેર કરવો
  • રાજ્ય સરકાર અને યુપીએસસીની નોકરીઓમાં તેમને 16 ટકા અનામત આપવી
  • ખાનગી, સરકારી, સરકાર દ્વારા ફંડ પ્રાપ્ત કરતી સંસ્થાઓમાં તેમને અનામત આપવી. લઘુમતી સંસ્થાઓમાં તેમને અનામત નહીં મળે.
  • મરાઠા સમાજને ઓબીસી કૅટેગરી અંતર્ગત અનામત આપવી નહીં.
  • મરાઠા સમાજને કેન્દ્ર સરકારની નોકરીઓમાં આ આધારે નોકરીઓ મળી શકશે નહીં.

બિલ સર્વાનુમત્તે પસાર થયા બાદ મુખ્ય મંત્રીની ઑફિસ તરફથી આ મામલે ટ્વિટ પણ કરવામાં આવ્યું હતું.

ટ્વિટમાં લખ્યું હતું કે મરાઠા અનામત બિલને છત્રપતી શિવાજી મહારાજની જય વચ્ચે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

line

'ગુજરાતમાં પણ સરવે કરાવો'

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, FACEBOOK/HARDIK PATEL

આ પહેલા મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયની વાસ્તવિક સ્થિત જાણવા મહારાષ્ટ્ર સ્ટેટ બૅકવર્ડ કમિશન દ્વારા સર્વે હાથ ધરાયો હતો. મરાઠા સમુદાયની માફક ગુજરાતમાં અનામતની માગ કરી રહેલા 'પાટીદાર અનામત આંદોલન'ના નેતા હાર્દિક પટેલ સાથે બીબીસી ગુજરાતીએ આ અંગે વાત કરી હતી.

હાર્દિકે એવું પણ પૂછ્યું, ''મહારાષ્ટ્રમાં જો આર્થિક રીતે પછાત વર્ગો પર સરવે કરી શકાય તો ગુજરાતમાં કેમ નહીં?''

''ગુજરાતમાં આ પ્રકારનો સરવે નથી કરાઈ રહ્યો એનો અર્થ સ્પષ્ટ છે કે ગુજરાત સરકારને પાટીદાર સમાજ સાથે વ્યક્તિગત વાંધો છે.''

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

''જો ગુજરાત સરકાર આ પ્રકારનો સરવે નહીં કરાવે તો અમે સરકારને સરવે કરવા માટે ફરજ પાડીશું.''

આ મામલે બીબીસી ગુજરાતીએ ઓબીસી નેતા અને કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથે પણ વાત કરી.

અલ્પેશે જણાવ્યું, ''આર્થિક રીતે પછાત શ્રેણીમાં આવતા કેટલાય સમુદાયો અત્યંત પછાત છે અને તેમને હજુ સુધી અનામતનો લાભ મળ્યો નથી.''

જોકે, અલ્પેશે એવું પણ કહ્યું, ''પાટીદાર અનામત અને ઓબીસી સરવેને કોઈ લેવાદેવા નથી, બન્ને અલગઅલગ બાબતો છે.''

line

'49 ટકા અનામતને ખલેલ'?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ મામલે ભાજપના પ્રવક્તા અને હાર્દિક પટેલના જૂના સાથી વરુણ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "હાર્દિક કૉંગ્રેસના માણસ તરીકે વાત કરે છે.''

''ભાજપે વારંવાર સ્પષ્ટતા કરી છે કે '49 ટકા અનામત'ને ખલેલ પહોંચાડ્યા વગર પાટીદાર સમાજને અનામત આપવામાં કોઈ વાંધો નથી."

તેમણે ઉમેર્યું, ''ભાજપ પાટીદાર સમુદાયને ઈબીસી હેઠળ અનામત આપવા માટે પણ તૈયાર છે.''

''ભાજપના પ્રવક્તા તરીકે હું સ્પષ્ટ કરું છું કે પાટીદાર સમાજે ઓબીસીમાં સમાવેશ માટે અરજી કરવી જોઈએ અને અરજી કરી હોય તો તેની હાલની પરિસ્થિતિ જાણવી જોઈએ"

અહીં એ પ્રશ્ન ઊભો થવો સહજ છે કે '49 ટકા અનામતને ખલેલ' પહોંચાડ્યા વગર અનામત કઈ રીતે આપી શકાય?

line

મરાઠાઓ સાથે શું થયું હતું?

દેવેન્દ્ર ફડણવીસ

ઇમેજ સ્રોત, FACEBOOK / CMO

વર્ષ 2014માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠાઓને 16 ટકા અને મુસ્લિમોને પાંચ ટકા અનામત આપવાની જાહેરાત કરાઈ હતી.

જોકે, મરાઠાઓને અપાયેલી અનામતની વિરુદ્ધ ફેંસલો આપતા કોર્ટે સરકારનો આ નિર્ણય રદ્દ કરી દીધો હતો.

19 નવેમ્બરથી મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થવાનું છે અને સરકાર આ સત્રમાં મરાઠા અનામત મુદ્દે પ્રસ્તાવ રજૂ કરશે.

આ પહેલાં 'મરાઠા ક્રાંતિ ઠોક મોર્ચા'એ ચીમકી આપી હતી કે 'જો મરાઠાઓને અનામત આપવાનમાં નહીં આવે તો 25 નવેમ્બરથી ફરીથી આંદોલન કરવામાં આવશે.'

બીબીસી સાથેની વાતચીતમાં સામાજિક કાર્યકર્તા વેંકટેશ પાટીલે મત વ્યક્ત કર્યો હતો, "મુખ્ય મંત્રીએ અનામતની જે જાહેરાત કરી તે ભ્રામક છે. કારણ કે બંધારણીય રીતે આવું કરવું શક્ય નથી."

તેઓ ઉમેરે છે, "બંધારણીય રીતે અનામત ક્વૉટામાં અલગથી કોઈ જોગવાઈ કરવી સંભવ નથી."

"મુખ્ય મંત્રીએ કહ્યું કે અન્ય જાતિઓને અનામતમાં કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખી મરાઠાઓને અનામત આપવામાં આવશે, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર 50 ટકાથી વધુ અનામત આપવી અસંભવ છે."

line

'50%થી વધુ અનામત નહીં'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં પણ પાટીદાર સમુદાય છેલ્લા લાંબા સમયથી અનામતના મુદ્દે સરકાર સામે લડી રહ્યો છે. ત્યારે એ જોવાનું રહ્યું કે શું મરાઠાઓની જેમ પાટીદારો માટે પણ અનામતનો રસ્તો સાફ થઈ શકે કે કેમ?

ગુજરાતમાં ઊભા થયેલા પાટીદાર અનામત આંદોલનને પગલે રાજ્ય સરકારે આર્થિક આધાર પર સવર્ણોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાનોમાં 10% સુધીની સુગમતા કરી આપી હતી.

જોકે, જાહેરાતના થોડા સમયમાં જ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના આ નિર્ણયને ફગાવી દીધો હતો.

આ પાછળ 50 ટકાથી વધુ અનામત ના આપી શકાય એવા સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર બંધારણીય રીતે 50%થી વધુ અનામત આપી ના શકાય.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 50%થી વધુ અનામત ના આપી શકાય તો પાટીદારોને કઈ રીતે અનામત આપી શકાય?

line

પાટીદારોને અનામત કઈ રીતે મળી શકે?

પ્રતીકાત્મક તસવીર

થોડા સમય પહેલાં આ અંગે બીબીસીએ વરિષ્ઠ કાયદાવિદ ગિરીશ પટેલ સાથે વાત કરી હતી.

તામિલનાડુ અને આંધ્રપ્રદેશના ઉદાહરણ ટાંકતા પટેલે સમજાવ્યું હતું કે કઈ રીતે પાટીદારોને અનામત મળી શકે.

પટેલે કહ્યું હતું, ''પાટીદારોને અનામત આપવાનો એક જ ઉપાય છે અને તે છે બંધારણમાં સુધારો.''

''ગુજરાત વિધાનસભામાં પાટીદાર અનામત અંગેનો ખરડો પસાર કરીને લોકસભામાં મોકલવાનો રહે.''

''વિધાનસભામાં પાસ કરાયેલો ખરડો બંધારણની નવમી અનુસૂચિ હેઠળ મૂકવાનો રહે."

"નવમી અનુસૂચિ અંતર્ગત મુકાયેલા ખરડાને ખાસ રક્ષણ મળતું હોય છે, જેને પડકારી શકાય નહીં.''

જોકે, પટેલ એવું પણ જણાવ્યું હતું કે બંધારણની વિભાવનાનું ઉલ્લંઘન થતું હોય તો સુપ્રીમ કોર્ટ 'નવમી અનુસૂચિ હેઠળ રક્ષણ મળતું હોવા છતાં' મામલાને ચકાસી શકે છે.

line

આરક્ષણનો આધાર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય બંધારણના અનુચ્છેદ 15 અને 16માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાની જોગવાઈ છે.

એવું સ્વીકારાયું છે કે આ વર્ગો સાથે ભૂતકાળમાં અન્યાય થયો છે, જેને કારણે તેઓ સામાજિક વિકાસમાં પાછળ રહી ગયા છે.

તેમને મુખ્ય ધારામાં લાવવા માટે અનામત આપી શકાય છે.

સાથે જ જો સમાજનો એક ભાગ વિકાસમાં પાછળ રહી ગયો હોય, એના ઐતિહાસિક કારણ હોય અને તેની અસર માત્ર દેશના વિકાસ પર જ નહીં, પણ, લાંબા સમયે સમાજ પર પડે એમ હોય તો તેમને પણ અનામત માટે લાયક ગણી શકાય.

લાઇન
લાઇન

અનામત કઈ રીતે આપવામાં આવે?

આ માટે રાજ્ય સરકારને એક પછાત વર્ગ આયોગનું ગઠન કરવાનું હોય છે.

આયોગનું કામ સમાજના અલગ-અલગ સમુદાયની સામાજિક સ્થિતિનો અંદાજ મેળવવાનું હોય છે.

ઓબીસી પંચ આ જ આધાર પર સરકારને પોતાની ભલામણો રજૂ કરતું હોય છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો