ભારતમાં પેઇડ ન્યૂઝના સૌથી ચર્ચિત મામલાઓનું શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રદીપ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
BBC દ્વારા હાથ ધરાયેલા વિશેષ BeyondFakeNews રિસર્ચથી આપણે ખ્યાલ આવ્યો કે દુનિયાના બીજા ભાગોની જેમ ભારતમાં પણ ફેક ન્યૂઝનો ફેલાવો કેટલી ઝડપથી અને કેવી રીતે થઈ રહ્યો છે.
જોકે, સમાચારોની દુનિયામાં માત્ર ફેક ન્યૂઝ એક જ દૂષણ નથી. બીજું એવું જ દૂષણ છે પેઇડ ન્યૂઝનું, જેની ઝપટમાં મીડિયા આવી ગયું છે.
કેટલીકવાર બંનેનું રૂપ એક સમાન હોઈ શકે છે, ક્યારેય અલગ પણ.
પરંતુ તમે પેઇડ ન્યૂઝના દૂષણને કદાચ વધારે ગંભીર માની શકો છો, કેમ કે તેમાં મોટા મોટા અખબારી જૂથો ઉપરાંત જિલ્લાઓમાં ચાલતા અખબારોનો પણ સમાવેશ થઈ જાય છે.
પેઇડ ન્યૂઝ એટલે એવા સમાચાર, જેના માટે કોઈએ નાણાં ચૂકવ્યા હોય. આવા સમાચારો ચૂંટણી વખતે વધી જાય છે.
હાલમાં છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.

ચૂંટણી સમાચારોને કેવી રીતે પ્રભાવિત કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
છત્તીસગઢ ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે.
આ રાજ્યોની ચૂંટણીઓ સાથે દેશમાં એક રીતે 2019ની લોકસભાની ચૂંટણી માટેનો માહોલ પણ પણ બની ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણીને કારણે માત્ર સરકારો પર અસર થાય છે એવું નથી. તેના કારણે સમાચારોની દુનિયામાં પણ અસર પડે છે.
સમાચાર માધ્યમોમાં ચૂંટણીના અહેવાલોનું મહત્ત્વ વધી જાય છે. નેતાઓના ચૂંટણી પ્રવાસ, ચૂંટણી અંગેનાં વચનો મોટી તસવીરો સાથે પ્રગટ થવા લાગે છે.
બેનરો લાગી જાય છે અને ટીવીમાં લાઇવ ડિસ્ક્શનની સંખ્યા વધી જાય છે.
આવા સમયે રાજકીય પક્ષોના નેતાઓ પોતાની તરફી હવા ઊભી કરવા માટે પોતાના પક્ષની મોટી મોટી વાતો કરવામાં આવે છે.
આવા સંજોગોમાં અખબારોમાં સમાચારોની વચ્ચે પેઇડ ન્યૂઝની ઘાલમેલ એવી રીતે થઈ જાય છે કે સમાચારો કે વિશ્લેષણ એકતરફી દેખાવા લાગે છે.
તેના કારણે મતદારોના અભિપ્રાયો પર અસર પડતી હોય છે.
વરિષ્ઠ ટીવી પત્રકાર રાજદીપ સરદેસાઈ કહે છે, "તેના કારણે જ ચૂંટણી વખતે નવા અખબારો અને ટીવી ચેનલો ફૂટી નીકળે છે."
"તે લોકો એટલા માટે બજારમાં આવે છે કે તકનો ફાયદો મળી જાય. પરંતુ હવે વાત માત્ર આટલા પૂરતી મર્યાદિત રહી નથી."
"સ્થાનિક મીડિયા ઉપરાંત મોટાંમોટાં અખબારી જૂથો પણ હવે તકનો ફાયદો ઉઠાવી લે છે."
આ ખેલ કેવી રીતે થાય છે તેનો અંદાજ ચૂંટણી પંચના આંકડાં પરથી આવી જશે.
છેલ્લાં ચાર વર્ષોમાં 17 રાજ્યોમાં થયેલી ચૂંટણીઓમાં પેઇડ ન્યૂઝના 1400થી વધુ કિસ્સા બહાર આવ્યા છે.
ગયા વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી થઈ ત્યારે પેઇડ ન્યૂઝના 523 કિસ્સા જોવા મળ્યા હતા.
ગુજરાતમાં 414 અને હિમાચલ પ્રદેશમાં પેઇડ ન્યૂઝના 104 કિસ્સા બહાર આવ્યા હતા.
એ જ રીતે આ વર્ષ થયેલી કર્ણાટકની ચૂંટણીમાં પેઇડ ન્યૂઝની 93 ફરિયાદો દાખલ થઈ હતી.

ચૂંટણી પંચની છે નજર

ઇમેજ સ્રોત, Getty Images
આ ફરિયાદો પરથી સ્પષ્ટ થાય છે કે પેઇડ ન્યૂઝના કિસ્સા બને છે ખરા. તેથી જ ચૂંટણી પંચે પ્રચારમાં થતા ખર્ચ પર નજર રાખવા માટે સમિતિ બનાવી છે.
સમિતિ પ્રચાર દરમિયાન ઉમેદવારે કરેલા ખર્ચ પર નજર રાખે છે.
છત્તીસગઢમાં કેટલાંક અખબારો તથા ટીવી ચેનલોમાં સંપાદક તરીકે કામ કરી ચૂકેલા દિવાકર મુક્તિબોધ કહે છે, "પેઇડ ન્યૂઝ કોઈ નવી વાત નથી, પણ તેનો વ્યાપ હવે વધી ગયો છે. દરેક અખબાર અને ચેનલ ચૂંટણીને કમાણીની તક સમજે છે."
"તેના કારણે ઉમેદવારો અને રાજકીય પક્ષો સાથે ખાનગીમાં સમજૂતી થઈ જાય છે અને તે પ્રમાણે અમુકતમુકની તરફેણમાં સમાચારો દ્વારા માહોલ ઊભો કરવામાં આવે છે."
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ વખતે ચૂંટણી પંચ મધ્ય પ્રદેશમાં વધારે સાવચેતી સાથે નજર રાખી રહ્યું છે.
તેનું કારણ એ કે 2013ની ચૂંટણી વખતે આ રાજ્યમાંથી પેઇડ ન્યૂઝની 165 ફરિયાદો મળી હતી.
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં લાંબા સમયથી પત્રકાર તરીકે કામ કરનારા સમીર ખાન કહે છે, "પેઇડ ન્યૂઝની રીતો બદલાઈ ગઈ છે. એક રીત એવી છે કે અમારી તરફેણ કશું ના છાપો તો કંઈ નહીં, પણ અમારી વિરુદ્ધના સમાચાર બિલકુલ ના છાપશો."
"તેનો અર્થ એ કે તમે કશુંક ના છાપો તો પણ તમને પૈસા મળે છે અને આવું હવે બહુ થઈ રહ્યું છે."

તમે આ વાંચ્યું કે નહીં?

ભારતમાં પેઇડ ન્યૂઝની સ્થિતિ અંગે ભારતીય પ્રેસ કાઉન્સિલે એક સબ-કમિટી બનાવી હતી.
પરંજૉય ગુહા ઠાકુરાતા અને કે. શ્રીનિવાસ રેડ્ડીએ એક વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો હતો. જોકે લાંબા સમયે પણ આ અહેવાલ જાહેર થયો નહોતો.
બાદમાં કેન્દ્રીય માહિતી કમિશનરે આદેશ આપ્યો તે પછી જ તે જાહેર થયો હતો.
ઠાકુરાતા આ અહેવાલ વિશે કહે છે, "અમે 34,000 શબ્દોનો અહેવાલ તૈયાર કર્યો હતો. અમે જેમની સામે આક્ષેપો કર્યા હતા, તેમની સાથે પણ વાત કરી હતી."
"તેમણે આપેલા જવાબોને પણ સામેલ કર્યા હતા. અમારા અહેવાલમાં અમે બધાં જ અખબારોના નામ આપ્યાં હતાં."
"બધા જ કિસ્સા આવરી લીધા હતા. પરંતુ પ્રેસ કાઉન્સિલે દસ મહિના સુધી તે અહેવાલને જાહેર થવા દીધો નહોતો."
ઠાકુરાતાનું માનવું છે કે તેમણે એ વખતે કરેલો અભ્યાસ આજે પણ લાગુ પડે તેવો છે. આજે પણ પેઇડ ન્યૂઝ માટે એ જ બધી રીતો અપનાવાઈ રહી છે.
જોકે, પેઇડ ન્યૂઝને હવે વધારે ફાઇન ટ્યૂન કરીને છાપવામાં આવે છે.
અખબારોમાં જાહેરખબર કે સમાચારો છપાવવાથી તે આગળ નીકળી ગયા છે.
વિપક્ષના ઉમેદવારો અને હરિફ રાજકીય પક્ષોને બદનામ કરવાનું પણ હવે થઈ રહ્યું છે.
ખાસ કરીને જે પક્ષની સરકાર હોય તે સરકારી જાહેરખબરોની લાલચ આપીને એકતરફી સમાચારો માટે દબાણ ઊભું કરે છે.
આ વિશે જયપુરના વરિષ્ઠ પત્રકાર નારાયણ બારેઠ કહે છે, "પેઇડ ન્યૂઝનું કોઈ ચોક્કસ સ્વરૂપ નથી. તે કેશમાં પણ હોય છે અને કાઇન્ડમાં પણ હોય છે."
"ખાસ કરીને સરકારી જાહેરખબરો અને અન્ય સુવિધાઓના નામે સરકાર તે માટે દબાણ ઊભું કરે છે."
"તમે એવું કહી શકો કે ભગવાન કરતાંય સરકારોની નજર પોતાના વિરુદ્ધ છપાતા ખબરો પર વધારે હોય છે."

કેટલું ગભીર છે પેઇડ ન્યૂઝનું દૂષણ?

ઇમેજ સ્રોત, COBRAPOST.COM
થોડા વખત પહેલાં થયેલા કોબરા પોસ્ટના સ્ટિંગ ઑપરેશનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કેટલીક મીડિયા કંપનીઓ પૈસા લઈને કન્ટેન્ટમાં ફેરફાર કરવા માટે તૈયાર હતી.
પ્રભાત ખબરના બિહારના તંત્રી અજેય કુમાર કહે છે, "હકીકતમાં હવે માત્ર ચૂંટણી પૂરતા જ પેઇડ ન્યૂઝ મર્યાદિત રહ્યા નથી."
"હવે સામાન્ય સમાચારોમાં પણ આ મામલાનો સામનો કરવો પડે તેમ છે. સ્થાનિક સ્તરથી લઈને બધા જ સ્તરે હવે તે ફેલાયેલું છે."
દુનિયામાં એથિકલ જર્નાલિઝમને ઉત્તેજન આપવાનું કામ કરનારી સંસ્થા એથિકલ જર્નાલિઝમ નેટવર્કે હાલમાં દુનિયાના ઘણા દેશોમાં મીડિયાની કેવી સ્થિતિ છે તેના વિશેનો અભ્યાસ પ્રગટ કર્યો છે.
'અનટોલ્ડ સ્ટોરીઝ - હાઇ કરપ્શન એન્ડ કન્ફ્લિક્ટ્સ ઑફ ઇન્ટરેસ્ટ સ્ટૉક ધ ન્યૂઝરૂમ' નામના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે ભારતીય મીડિયા ઉદ્યોગનાં શક્તિશાળી જૂથો જો અત્યારથી કાળજી નહીં લે તો આગળ જતાં મુશ્કેલી થઈ શકે છે.
દૈનિક ભાસ્કર અને નઈ દુનિયા જેવા અખબારોમાં જનરલ મેનેજર તરીકે કામ કરી ચૂકેલા મનોજ ત્રિવેદીના જણાવ્યા અનુસાર ચૂંટણી વખતે અખબારોમાં પેઇડ ન્યૂઝ પ્રગટ થાય છે તે માટે ઉમેદવારો અને રાજકીય પક્ષો પણ એટલા જ જવાબદાર છે.
તેઓ કહે છે, "હકીકતમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો પાસે ચૂંટણીમાં વાપરવા માટેનું મોટું ભંડોળ હોય છે."
"પરંતુ ચૂંટણી પંચના કડક નિયમોને કારણે એક હદથી વધારે ખર્ચ થઈ શકતો નથી."
"તેથી તે લોકો જ અખબારોનો સંપર્ક કરે છે અને અખબાર પણ તેમની જરૂરિયાત પ્રમાણે પેકેજ બનાવી આપે છે."
આ વાતને એ રીતે પણ સમર્થન મળે છે કે પરંજૉય ગુહા ઠાકુરાતા અને કે. શ્રીનિવાસ રેડ્ડીની તપાસમાં પણ 61 ઉમેદવારોએ એ વાત સ્વીકારી હતી કે તેમણે પોતાના તરફી સમાચારો છપાવવા માટે પૈસા આપ્યા હતા.


એટલું જ નહીં, સમય પ્રમાણે પેઇડ ન્યૂઝની રીત પણ બદલાઈ છે. હવે તે વધુ આયોજિત રીતે પ્રગટ થઈ રહ્યા છે.
પરંજૉય ગુહા ઠાકુરાતા કહે છે, "ચારે બાજુ પીઆરની વસ્તુઓ વધી રહી હોય ત્યારે આનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી."
"રાજકીય પક્ષો માટે આ કામ કરવા માટે આખી ટીમ હોય છે. હવે નેતાઓ પાસે પણ પોતાનું પીઆરનું મિકેનિઝમ હોય છે. પીઆર એજન્સીઓ એવી સુવિધાઓ આપવાનો દાવો કરે છે."
"અખબારો અને ચેનલોનો માર્કેટિંગ વિભાગ આ લોકો સાથે ગોઠવણ કરવા માટે તૈયાર હોય છે."
પ્રભાત ખબરના બિહારના તંત્રી અજેય કુમાર કહે છે કે પત્રકારો અને તંત્રીઓ સામે નૈતિકતાના પ્રશ્નો ખડા થાય છે, પરંતુ અખબારના સંચાલકો માટે આવા કોઈ પ્રશ્નો હોતા નથી.
માલિકો માટે અખબાર કે ચેનલ પણ આખરે એક પ્રોડક્ટ જ હોય છે.
તો વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈ કહે છે, "ચેનલ અને અખબાર એક પ્રોડક્ટ બની ગયા છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ પ્રોડક્ટમાં પેઇડ ન્યૂઝની ગેરરીતિ ના થવી જોઈએ."
"તમે પૈસા લઈ રહ્યા છો તો પછી તેને સ્પષ્ટપણે જાહેરખબર તરીકે દેખાડવું જોઈએ."

ચૂંટણી પંચમાં પેઇડ ન્યૂઝની ગંભીરતા

ઇમેજ સ્રોત, Getty Images
પેઇડ ન્યૂઝનું બજાર કેટલું મોટું છે તેનો અંદાજ મિન્ટ અખબારમાં પ્રગટ થયેલા એક અહેવાલથી સ્પષ્ટ થઈ જાય છે.
ચૂંટણી પંચને ટાંકીને 2013માં આ અહેવાલમાં અંદાજ મુકાયો હતો કે ચૂંટણી વખતે ઉમેદવારો અને રાજકીય પક્ષો જે ખર્ચ કરે છે, તેમાંથી અડધોઅડધ પેઇડ ન્યૂઝ પાછળ થતો હોય છે.
પેઇડ ન્યૂઝની ફરિયાદો વધવા લાગી તે સાથે ચૂંટણી પંચે પોતાના તરફથી કડક કાર્યવાહી કરવાની કોશિશો શરૂ કરી છે.
જોકે, આવી કડકાઈની ખાસ અસર નથી થઈ રહી પરંતુ એટલો મૅસેજ મળે છે કે ચૂંટણી પંચ પેઇડ ન્યૂઝની ફરિયાદોને ગંભીરતાથી લે છે.
પેઇડ ન્યૂઝના ચર્ચાસ્પદ કિસ્સા પેઇડ ન્યૂઝના કારણે કોઈ ઉમેદવારને ગેરલાયક ઠેરાવાયા હોય તેવો પ્રથમ દાખલો ઉત્તર પ્રદેશના માથાભારે ડી. પી. યાદવનાં પત્ની ઉમલેશ યાદવનો છે.
2007માં ઉમલેશ યાદવ બદાયૂંના બિસૌલી વિધાનસભા બેઠક પરથી જીત્યાં હતાં.
રાષ્ટ્રીય પરિવર્તન પાર્ટીના ઉમેદવાર ઉમલેશ યાદવ સામે ચૂંટણીમાં હારી ગયાં પછી યોગેન્દ્ર કુમારે પ્રેસ કાઉન્સિલમાં તેમની સામે ફરિયાદ કરી હતી.
કુમારે ફરિયાદ કરી કે બે મુખ્ય હિન્દી અખબારો - દૈનિક જાગરણ અને અમર ઉજાલાએ મતદાનના એક દિવસ પહેલાં ઉમલેશ યાદવની તરફેણમાં પેઇડ ન્યૂઝ પ્રગટ કર્યા હતા.
આવી ફરિયાદ સામે બંને અખબારોએ દાવો કર્યો હતો કે તેમણે આ સમાચાર જાહેરખબર તરીકે છાપ્યા હતા અને સમાચારની સાથે આ જાહેરખબર (ADVT) છે એવું પણ લખ્યું હતું.


પ્રેસ કાઉન્સિલે ફરિયાદ બાદ અખબારના માલિકોનો જવાબ માગ્યો હતો અને તેના આધારે અહેવાલ તૈયાર કરીને આપ્યો હતો.
અહેવાલમાં જણાવાયું હતું કે સમાચાર જે ફૉર્મેટમાં અપાયા હતા અને ADVT એવી રીતે છપાયું હતું કે મતદારોના મનમાં ગેરસમજ થઈ શકે છે.
મતદાનના 48 કલાક પહેલાં પ્રચાર બંધ કરી દેવાનો હોય છે, જ્યારે આ સમાચારો એક દિવસ પહેલાં જ પ્રગટ થયા હતા.
તેથી માત્ર અખબારી ધોરણોનું જ નહીં, ચૂંટણી પંચના નિયમોનું પણ ઉલ્લંઘન હતું.
અહેવાલ બાદ 20 ઑક્ટોબર 2011ના રોજ ત્રણ ચૂંટણી કમિશનરોની સમિતિએ 23 પાનાના ચુકાદામાં ઉમલેશ યાદવને ગેરલાયક ઠરાવ્યા હતા અને તેમના પર ત્રણ વર્ષ માટે ચૂંટણી લડવાનો પ્રતિબંધ મૂકી દીધો હતો.
ઉમલેશ યાદવને વિધાનસભ્ય તરીકે ગેરલાયક ઠરાવાયા તે વાતને પરંજૉય ગુહા ઠાકુરાતા એક મોટું પરિવર્તન માને છે.
તેમના જણાવ્યા અનુસાર તેનાથી ઓછામાં ઓછો એવો મેસેજ ગયો હતો કે પેઇડ ન્યૂઝના મામલામાં ફસાઈ જઈશું તો તેનું ગંભીર પરિણામ આવી શકે છે.
શિવરાજના પ્રધાન સામે આરોપ ઉમલેશ યાદવ પછી મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ સરકારના વગદાર પ્રધાન નરોત્તમ મિશ્રા સામે પણ ચૂંટણી પંચે પેઇડ ન્યૂઝના આરોપસર ત્રણ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
જોકે, બાદમાં નરોત્તમ મિશ્રાને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી હતી.

અશોક ચવ્હાણ અને પેઇડ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images
નરોત્તમ મિશ્રા પર 2008ની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના તરફી સમાચારો છપાવાનો આરોપ મુકાયો હતો.
2009માં દતિયા વિધાનસભા બેઠક પર નરોત્તમ મિશ્રા સામે હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર ભારતીએ ચૂંટણી પંચમાં અરજી કરી હતી.
તેમણે અરજીમાં મિશ્રા પર આરોપ મૂક્યો હતો કે તેમણે પેઇડ ન્યૂઝ પાછળ જે ખર્ચ કર્યો છે તેને પોતાના ચૂંટણી ખર્ચના હિસાબમાં સામેલ કર્યો નથી.
અરજી બાદ ચૂંટણી પંચે તપાસ શરૂ કરી હતી અને જૂન 2007માં નરોત્તમ મિશ્રાને ગેરલાયક ઠરાવીને તેમના પર ત્રણ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
મજાની વાત એ છે કે અરજીનો નિકાલ થયો તે દરમિયાન પ્રધાન બની ગયેલા નરોત્તમ મિશ્રા ફરી એકવાર 2013માં પણ ચૂંટણી જીતી ગયા હતા અને શિવરાજસિંહ ચૌહાણ સરકારમાં વગદાર પ્રધાન તરીકે કામ કરતા રહ્યા હતા.
નરોત્તમ મિશ્રાએ ચૂંટણી પંચના ચુકાદા સામે અદાલતમાં પડકાર ફેંક્યો હતો. નીચલી અદાલત તથા જબલપુર હાઈકોર્ટમાં કેસ ચાલ્યા પછી છેક સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો.


27 ઑક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે નરોત્તમ મિશ્રાને ચૂંટણી લડવા માટેની મંજૂરી આપી દીધી છે. જોકે, આ મામલામાં છ અઠવાડિયા પછી ફરીથી સુનાવણી થવાની છે.
અશોક ચવ્હાણનો કેસ આ બે કિસ્સા સિવાય પેઇડ ન્યૂઝના મામલામાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ સામે પણ પેઇડ ન્યૂઝની ફરિયાદ થઈ હતી.
2009ની વિધાનસભાની ચૂંટણીમાં અશોક ચવ્હાણ નાંદેડ જિલ્લાના ભોકાર વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા હતા.
તેમના વિજય પછી અપક્ષ ઉમેદવાર માધવરાવ કિન્હાલકરે તેમની સામે પેઇડ ન્યૂઝની ફરિયાદ કરી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે લોકમત અખબારમાં અશોક પર્વ એવા નામે સપ્લીમેન્ટ પ્રગટ થઈ હતી. તેના માટે થયેલી ચૂકવણી અશોક ચવ્હાણે પોતાના ચૂંટણી ખર્ચમાં દેખાડી નહોતી.
તે વખતે ધ હિન્દુ અખબારના પત્રકાર પી. સાંઇનાથે અશોક ચવ્હાણના ચૂંટણી ખર્ચ અંગે એકથી વધારે અહેવાલો આપ્યા હતા.
તે વખતે તેમણે લખ્યું હતું કે જે પ્રકારે અશોક ચવ્હાણને સમાચારોમાં સ્થાન મળ્યું છે અને તેમણે જે ચૂંટણી ખર્ચ દેખાડ્યો છે, તેમાં મેળ બેસતો નથી.
મજાની વાત એ છે કે અશોક ચવ્હાણે ચૂંટણી ખર્ચ રજૂ કર્યો હતો, તેમાં અખબારોમાં જાહેરખબરનો ખર્ચ માત્ર 5,379 રૂપિયા જ દેખાડ્યો હતો.
કેબલ ટીવી પર જાહેરખબરનો માત્ર 6000 રૂપિયા ખર્ચ દેખાડ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રેસ કાઉન્સિલની પેઇડ ન્યૂઝ અંગે તપાસ કરનારી સમિતિને જોવા મળ્યું કે લોકમત અખબારમાં અશોક ચવ્હાણની તરફેણમાં 156 પાનાઓમાં જાહેરખબરો પ્રગટ થઈ હતી.
ચૂંટણી પંચે અશોક ચવ્હાણને 20 દિવસમાં જવાબ આપવા માટે કારણદર્શક નોટીસ આપી હતી.
આગળ જતા આ મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
આ સમાચાર એટલા માટે ચમક્યા હતા કે સુપ્રીમ કોર્ટે ચવ્હાણની અરજીને નકારી કાઢીને ચૂંટણી પંચની કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરવાનો ઇનકાર કર્યો હતો.
જોકે, આખરે આ કેસમાં 13 સપ્ટેમ્બર 2014ના રોજ દિલ્હી હાઈકોર્ટે અશોક ચવ્હાણ સામે થયેલા પેઇડ ન્યૂઝના આરોપોમાંથી તેમને મુક્ત કરી દીધા હતા.
દિલ્હી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આ જાહેરખબરો અશોક ચવ્હાણે જ આપી હતી તેવો આરોપ સાબિત થઈ શક્યો નથી.
અદાલતે જણાવ્યું કે શંકાનો લાભ આપીને અશોક ચવ્હાણને છોડવામાં આવે છે.
આ ઉદાહરણો પરથી એ સ્પષ્ટ થાય છે કે પેઇડ ન્યૂઝના આરોપો સાબિત કરવા મુશ્કેલ હોય છે.
તેનું કારણ આપતા પરંજૉય ગુહા ઠાકુરાતા કહે છે, "પેઇડ ન્યૂઝમાં કોઈને રસીદ આપવામાં આવતી નથી."
"ચેકથી ચૂકવણી થતી નથી કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન પણ થતું નથી. તેથી તેને સાબિત કરવું મુશ્કેલ છે."
તેમાં પૈસાની લેતીદેતી ગેરકાયદે રીતે થાય છે. તેને સાબિત કરવાનું કામ સહેલું નથી. તે કામ ચૂંટણી પંચનું છે પણ નહીં."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













