સિંહનાં મોત: ગુજરાતના કર્મશીલો જંગલના રાજા માટે વધારે જગ્યા માગી રહ્યા છે

ગીરના સિંહની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં 11 એશિયાટિક સિંહોનાં મૃત્યુએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રાજ્ય સરકારનાં આંકડા પ્રમાણે વર્ષ 2016 અને 2017માં 184 સિંહ મૃત્યુ પામ્યા, તેમાંથી 30 જેટલા તો આકસ્મિક રીતે મોતને ભેટ્યા હતા.

સરકારી અધિકારીઓએ આ મુદ્દાને ગૌણ ગણાવવા પ્રયાસ કર્યો છે. તેમના મતે 11 સિંહોનાં મૃત્યુનું કારણ રોજિંદી ઘટના છે. પોતાની સરહદ બનાવવા માટે સિંહને કરવી પડતી મથામણને આ 'રોજિંદી ઘટના' ગણાવાઈ છે.

જોકે, બીજી બાજુ કર્મશીલો માને છે કે આ ઘટનાને સહજ ન ગણવી જોઈએ કારણ કે આવી ઘટનાઓ પાછળ સિંહોની વધતી વસતિ કારણભૂત હોઈ શકે છે.

આ 11 મોત સપ્ટેમ્બર ૧૨થી ૧૯ સુધીમાં, ગીરના દલખાણીયા અને જસાદર રેન્જમાં થયા છે.

ગુજરાત સરકારના વન વિભાગના ચીફ પ્રિન્સિપાલ કન્ઝર્વેટર જી. કે. સિંહાએ પત્રકારોને જણાવ્યું, "11માંથી 8 મોત તો માત્ર 'ઇનફાઇટિંગ'ને કારણે થયા છે,"

તેમના મતે ત્રણ નર સિંહ કોઈ બીજા વિસ્તારથી સંબંધિત જગ્યાએ આવી ચડ્યા અને તેમણે બાળસિંહોને મારી નાખ્યા.

તેમણે આ ઘટનાને 'સિંહોની એક સામાન્ય પ્રક્રિયા' ગણાવી.

જોકે, આ ઘટનાએ સિંહ માટે જરૂરી એવી વધુ જગ્યાની ચર્ચાને ફરી એક વખત વહેતી કરી દીધી છે.

હાલમાં સિંહ ગીર નેશનલ પાર્ક, ગીર અભ્યારણ, ગીરનાર અભ્યારણ, મીતિયાળા અભ્યારણ અને પાનીયા અભ્યારણમાં વસવાટ કરે છે.

આ અભ્યારણોને આશરે 525 સિંહોએ પોતાનું ઘર બનાવ્યું છે. ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠે પણ સિંહનો વસવાટ છે.

સૌરાષ્ટ્રનો દક્ષિણ-પશ્ચિમી પટ્ટો કે જેમાં સુત્રાપાડા, કોડીનાર, ઉના, અને વેરાવળનો સમાવેશ થાય છે અને દક્ષિણ-પૂર્વ પટ્ટો જેમાં રાજુલા, જાફરાબાદ અને નાગેશ્રી જેવા વિસ્તારો આવે છે, ત્યાં પણ સિંહ જોવા મળે છે.

line

સિંહોની વસતિ વધી પણ વસવાટ નહી.

ગીરના સિંહની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જંગલ બહાર અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે.

વર્ષ 2015ની ગણતરી પ્રમાણે, 80 સિંહ સાવરકુંડલા, લીલીયા, રાજુલા અને તેની આસપાસનાં વિસ્તારોમાં રહે છે, જ્યારે 37 સિંહ ભાવનગર જિલ્લામાં રહે છે.

આમ છતાં, ભાવનગર અને અમરેલીના આ વિસ્તારોમાં સિંહ માટે અભ્યારણની કોઈ વ્યવસ્થા નથી.

આ વિસ્તારોને સિંહે પોતાના નવા વસવાટ તરીકે પસંદ કર્યા છે. જેને પગલે રાજ્યના વનવિભાગે સંબંધિત જિલ્લાઓને લગતા 109 ચોરસ કિલોમિટરના વિસ્તારમાં સિંહો માટે નવું અભયારણ બનાવવા રજૂઆત કરી હતી.

વનવિભાગના ચીફ પ્રિન્સિપાલ કન્ઝર્વૅટર જી.કે. સિંહાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "રાજ્ય સરકાર આ રજૂઆત પર વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં તેને અમલમાં મૂકવામાં આવશે."

નોંધનીય છે કે રાજ્યના વન મંત્રી ગણપત વસાવાએ જૂન મહિનામાં જાહેરાત કરી હતી કે ભાવનગર અને અમરેલીનાં 109 ચોરસ કિલોમિટરના વિસ્તારને સિંહોનાં સંવર્ધન માટે સુરક્ષિત કરવામાં આવશે.

જોકે, હજુ સુધી આ જાહેરાત પર કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યા નથી. મહત્ત્વપૂર્ણ છે કે છેલ્લા પાંચ દાયકા દરમિયાન ગુજરાતમાં સિંહોની વસતિમાં નોંધપાત્ર વધારો થયો છે.

ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત રાજ્યના જંગલ ખાતાએ દાખલ કરેલું સોગંદનામું જણાવે છે કે 523 સિંહોમાંથી 200 સિંહો હાલમાં ખુલ્લા વિતારોમાં વસવાટ કરી રહ્યા છે.

આ વિસ્તાર જંગલ ખાતાની હદમાં આવતો નથી. કર્મશીલો માને છે કે સિંહોની વધતી વસતિનો પ્રશ્ન રાજ્ય સરકારે તાત્કાલિક હાથ પર લેવો જોઈએ.

તેમનું માનવું છે કે રાજ્ય સરકાર સિંહોની વધતી વસતિના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હજી સુધી કોઈ હકારાત્મક પગલાં ભરી શકી નથી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કર્મશીલ ભૂષણ પંડ્યા જણાવે છે, ''વર્ષ 2015 કરતાં વર્ષ 2017માં સિંહોની વસતિ વધી હોવાનું અમારું અનુમાન જણાવે છે.''

"કાર્યકરો અને કર્મશીલોના આમારાં નેટવર્ક પ્રમાણે અમે કહી શકીએ છીએ કે હાલમાં ગુજરાતમાં 700 જેટલા સિંહો છે અને તેમાથી અડધોઅડધ અભ્યારણની બહાર રહે છે."

પંડ્યા છેલ્લા કેટલાય દાયકાઓથી સિંહોના સંવર્ધન માટે કામ કરી રહ્યાં છે.

તેમણે જણાવ્યું, "જ્યાં સુધી સરકાર સિંહો માટે ઇકૉ-સૅન્સિટિવ ઝોન ન બનાવે, ત્યાં સુધી સિંહના આકસ્મિક મોત થતાં રહેશે."

line

શંકા જન્માવતાં મૃત્યુ

ગીરના સિંહની તસવીર

ઇમેજ સ્રોત, Philippe Caron

અમરેલીમાં રહેતા અને સિંહ સંવર્ધન માટે કામ કરતા કર્મશીલ રાજન જોષી એ વાત માનવા તૈયાર નથી 'ઇનફાઇટિંગ'ને લીધે આટલી મોટી સંખ્યામાં સિંહોનાં મોત નીપજે.

તેમનું માનવું છે કે આ મૃત્યુ પાછળ કોઈ 'વાયરલ ઇન્ફૅક્શન' જવાબદાર છે કે કેમ એવી રાજ્ય સરકારે તપાસ કરાવવી જોઈએ.

તેઓ આ મૃત્યુ પાછળ 'કૅનાઇન ડિસ્ટૅમ્પર વાઇરસ'ની ભૂમિકા હોવાની શંકા પણ વ્યક્ત કરે છે.

જોષીએ કહ્યું "એવા કેટલાય બનાવો બનતા હોય છે કે જેમાં સિંહે કરેલો શિકાર કૂતરાઓ પણ ખાતા હોય છે અને તેમની લાળથી તેમના રોગનો ચેપ સિંહને લાગતો હોય છે."

જોકે, આ મામલે સિંહાનું કહેવું છે કે આ મૃત્યુનાં કેસમાં હજુ બે સિંહનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવવાનો બાકી છે. એ સિવાયના કોઈ રિપોર્ટમાં જીવલેણ વાઇરસ અંગે જાણવા નથી મળ્યું.

આ મામલે વધુ તપાસ માટે વન વિભાગના અધિકારીઓની એક ટીમને ગીર અભ્યારણ ખાતે મોકલવામાં આવી છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે સિંહોનાં મૃત્યુ પાછળ ઝેરી પદાર્થ કે શિકારની કોઈ શક્યતા જણાઈ નથી રહી.

ગુજરાતમાં વર્ષવાર સિંહની વસતિમાં થયેલો વધારો

line

માનવીય ભૂલોનો શિકાર એશિયાટિક સિંહ?

સિંહની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Philippe Caron

માણસની ભૂલોને કારણે એશિયાઈ સિંહના આકસ્મિક મૃત્યુ થઈ રહ્યાં છે. માણસ અને સિંહો વચ્ચેના સંઘર્ષમાં સિંહો જ મોતને ભેટી રહ્યા છે.

ગુજરાતના સિંહોની વસતિમાં નોંધપાત્ર વધારો થયો છે અને ગીરના સુરક્ષિત સ્થાનની જગ્યાએ જંગલ બહારની અસુરક્ષિત જગ્યાએ સિંહો ફરી રહ્યા છે.

પરિણામે સિંહના આકસ્મિક મોત થઈ રહ્યાં છે. વર્ષ 2016 અને 2017માં 32 સિંહોના આકસ્મિક મૃત્યુ થયાં હતાં.

line

ઇલેક્ટ્રિક ફેન્સિંગ

ગીરના જંગલમાં આરામ કરતા સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી સાથે વાત કરતા રાજન જોષી કહે છે, “પાકને નીલગાય અને જંગલી ભૂંડ જેવાં પ્રાણીઓથી બચાવવા માટે ખેડૂતો તેમના ખેતરની ફરતે ઇલેક્ટ્રિક ફેન્સિંગ કરે છે.”

“આ ફેન્સિંગમાં વીજ કરંટ પણ પસાર કરવામાં આવે છે. જેને કારણે કેટલાય વન્ય પ્રાણીઓનાં મૃત્યુ નીજપ્યાં હોવાની ઘટનાઓ નોંધાઈ છે.”

આવી જ ઇલેક્ટ્રિક ફેન્સિંગનો ભોગ સિંહો પણ બનતા હોય છે.

આ પ્રકારની ઇલેક્ટ્રિક ફેન્સિંગ લગાવવી ગેરકાયદેસર છે, પરંતુ પાકના રક્ષણ માટે ખેડૂતો આવી ફેન્સિંગનો ઉપયોગ કરતા હોય છે.

line

રોડ અકસ્માત

જંગલમાં બેસેલા સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

રાજુલાથી પીપાવાવ સુધીના માર્ગ પર અનેક અકસ્માતમાં સિંહ કે દીપડાનો ભોગ લેવાયો છે.

બીબીસી ગુજરાતી સાથે આ અંગે વાત કરતા ધારાશાસ્ત્રી હેમાંગ શાહ જણાવે છે, “સામાન્ય રીતે જંગલી જાનવરની અવરજવર રાત્રે થતી હોય છે અને એ વખતે વાહનો ખૂબ ઝડપથી પસાર થતા હોય છે. એટલે અહીં અકસ્માતની ઘણી ઘટનાઓ બનતી હોય છે.”

“ગુજરાત હાઈકોર્ટે સિંહોનાં મૃત્યુની 'સુઓ મોટો' નોંધ લીધી છે.”

હેમાંગ શાહ 'સુઓ મોટો' સુનાવણી સંદર્ભે સરકાર વિરુદ્ધ દલીલ કરી રહ્યા છે.

line

ખુલ્લા કૂવા

ગીરના સિંહની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકારે રજૂ કરેલા એક સોગંદનામાં અનુસાર વર્ષ 2016 અને વર્ષ 2017માં 9 સિંહો ખુલ્લા કૂવામાં પડી જવાથી મૃત્યુ પામ્યાં હતાં.

જોકે, સરકારનો બચાવ કરતા ગુજરાત વન વિભાગના અધિકારી એ.પી. સિંહ જણાવે છે કે સરકારે 2100 કૂવા 'કવર' કરી લીધા છે.

તેઓ કહે છે "સરકારનો પ્રયાસ છે કે નજીકના ભવિષ્યામાં સમગ્ર બૃહદ ગીરમાં તમામ કૂવાઓને ફરતે 'પૅરાપૅટ વૉલ્સ' બનાવીશું."

line

રેલવે અકસ્માત

સિંહની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સુરેન્દ્રનગર-પીપાવાવ રેલવે લાઇન અમરેલી જિલ્લામાંથી પસાર થાય છે. અમરેલી જિલ્લામાં ઘણાં સ્થળોએ સિંહની અવરજવર છે. આ લાઇન પર અનેક વખતે સિંહોને અકસ્માત નડે છે.

જોકે, સરકારે અનેક જગ્યાએ રેલવે લાઇનની બન્ને બાજુ રેલિંગ બનાવી દીધી છે, જેથી સિંહ રેલવેના પાટા પર આવી શકે નહીં.

પરંતુ સરકારના આ પગલાંને ખોટું ગણાવતા હેમાંગ શાહ દલીલ કરે છે, ''આ રેલિંગથી સિંહની અવરજવર પર રોક લાગી ગઈ છે અને તેને કારણે તેની શિકાર કરવાની ક્ષમતા પર અસર પડી રહી છે.''

line
સિંહની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Philippe Caron

તેઓ કહે છે “રેલવે અકસ્માતને રોકવા માટે રેલવેમાં એવા ડિવાઇસ ફિટ કરવામાં આવે કે જે પાટા પર સિંહની મૂવમૅન્ટને લાંબા અંતરથી પણ જાણી શકે.”

ઝેરી પાણી - ગુજરાત સરકારે હાઇકોર્ટેને આપેલા પ્રત્યુત્તરમાં જાણવા મળ્યું હતું કે વર્ષ 2017માં ઝેરી પાણી પીવાથી બે સિંહના મોત થયાં હતાં.

જોકે, રાજન કહે છે કે એવા અનેક દૃષ્ટાંતો સામે આવ્યાં છે કે જ્યાં ખેડૂતોએ નીલગાયના ત્રાસથી બચવા માટે પાણીમાં યૂરિયા નાખ્યું હોય અને તેને પીવાથી નીલગાયના મોત થયાં હોય.

તેમના જણાવ્યા અનુસાર, ''આવું પાણી પીવાની કિંમત સિંહોએ ચૂકવી હતી.''

line

એશિયાઈ સિંહનો ઇતિહાસ

સિંહની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સિનિયર આઇએફએસ ઑફિસર ઓ. પી. સિંઘે એશિયાટિક કે એશિયાઈ સિંહો પર 'The Asiatic Lion: 50 years journey for conservation of an endangered carnivore and its habitat in Gir protected area' નામે એક સંશોધન પત્ર તૈયાર કર્યું છે.

જેમા તેમણે નોંધ્યું છે કે એશિયાઈ સિંહો એક સમયે સમગ્ર એશિયામાં મોટી સંખ્યામાં જોવા મળતા હતા. જેમાં મેસોપોટેમીયા, પર્સિયા અને ભારતીય ઉપમહાદ્વિપનો સમાવેશ થતો હતો.

ગુજરાતની બહાર છેલ્લો એશિયાઈ સિંહ વર્ષ 1884માં જોવા મળ્યો હતો. એ વખતે ગુજરાતમાં તે ધ્રાગંધ્રા, જસદણ, ચોટીલા, બરડો, ગીરનાર અને ગીરના જંગલમાં સિંહો વિચરતા હતા.

જોકે, ત્યારબાદ તેમની આબાદી માત્ર ગીર જંગલ પૂરતી જ મર્યાદિત રહી ગઈ.

સિંહનાં સંવર્ધનનું કામ જૂનાગઢના નવાબોએ શરુ કર્યું હતું.

જોકે, તેમને બચાવવાના પ્રયત્નોએ વર્ષ 1965માં જોર પકડ્યું હતું. તે સમયથી ગુજરાત રાજ્યમાં સિંહની વસતિમાં સતત વધારો જ થયો છે.

વર્ષ 2015માં સિંહની છેલ્લી ગણતરી થઈ હતી અને તે સમયે 27% નો વસતિ વધારો નોંધાયો હતો.

વર્ષ 2015 પ્રમાણે ગુજરાતના આઠ જિલ્લામાં 523 સિંહોનો વસવાટ છે

હાલમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર અને જામનગર સુધી સિંહ વિચરતા જોવા મળે છે.

સિંઘે પોતાના સંશોધનમાં નોંધ્યું કે 'ગીર નેશનલ પાર્ક' અને અભ્યારણમાં વર્ષ 2010માં 60 હજાર જેટલાં 'હર્બીવોરસ' પ્રાણીઓ હતાં.

જેની સંખ્યા વધીને વર્ષ 2015માં 1.20 લાખ જેટલી થઈ ગઈ હતી.

line

સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાનો કેસ

ગીરનો સાવજ

ઇમેજ સ્રોત, Getty Images

સિંહોને ગુજરાતથી મધ્યપ્રદેશ ખસેડવામાં ન આવે તે માટે રાજકોટના 'વાઇલ્ડલાઇફ કન્ઝર્વૅશન ટ્રસ્ટે' સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે.

જોકે, તેમની અરજી સેન્ટર ફૉર ઍન્વાયરમૅન્ટ, ડબ્લ્યૂડબ્લ્યૂએફ-Iની પીઆઈએલ સાથે જોડી દેવામાં આવી છે.

આ પીઆઈએલ ભારતમાં સિંહનું બીજુ ઘર હોવું જોઈએ કે નહીં તેના વિશે દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે આ વિશે એપ્રીલ 15 વર્ષ 2013માં એક આદેશ આપ્યો હતો.

જસ્ટિસ કે. એસ. રાધાકૃષ્ણન અને ચન્દ્રમૌલી ક. પ્રસાદની ખંડપીઠે નોંધ્યું હતું કે એશિયાટિક સિંહોને બચાવવી તેમની પ્રાથમિકતા છે અને તેમના માટે દેશમાં બીજું સ્થાન શોધવાનું છે.

તેમણે નોધ્યું હતું કે સિંહોનું સ્થળાંતર આઈયુસીએનની માર્ગદર્શિકા પ્રમાણે થવું જોઈએ.

'વાઇલ્ડલાઇફ કન્ઝર્વૅશન ટ્રસ્ટ'ના પ્રમુખ કીશોર કોટેચાએ બીબીસી ગુજરાતી સાથેનીવાતચીતમાં કહ્યું કે આ કેસની સુનાવણી હજુ બાકી છે કે આવતા થોડાક મહીનાઓમાં તેની સુનાવણી થશે.

તેઓ માને છે કે સિંહને 'કુના નેશનલ પાર્ક'માં મોકલવાની વાત છે, જેનાથી તેઓ સંતુંષ્ટ નથી. કારણ કે એશિયાઈ સિંહ ત્યાં જીવી શકે એમ નથી.

તેમણે કહ્યું "સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અને આઈયુસીએનની ગાઇડલાઇન્સ પ્રમાણ સ્થળાંતર થવું જોઈએ પરંતુ હજુ તેના માટે મધ્યપ્રદેશ રાજ્ય તૈયાર નથી."

જ્યારે 'વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા'નો અભ્યાસ સ્થળાંતરની તરફેણ કરે છે.

line
સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતની સુપ્રીમ કોર્ટે પોતાના એક આદેશમાં નોધ્યું છે કે 'વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા'ના બાયૉલૉજીસ્ટે ગીર અભયારણમાં વર્ષ 1986થી અલગઅલગ વિષયો પર સંશોધન કર્યું છે.

જેમાં તેમણે ગીર જંગલના સંચાલન માટે અને સિંહનાં સંવર્ધન માટે અલગ અલગ ડેટા એકઠા કર્યા છે.

આ ડેટાથી એવું ફલિત થાય છે કે સિંહને બીજા સ્થળની જરૂરિયાત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો