એશિયન ગેમ્સ 2018 : 16 વર્ષની વયે ગોલ્ડ પર નિશાન લગાવનાર સૌરભ કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે 15 વર્ષની વયે સૌરભે નિશાનબાજીની પોતાના કરિયર તરીકે પસદગી કરી ત્યારે કોઈને અંદાજ નહોતો કે તેઓ એક વર્ષમાં જ કમાલ કરી દેશે.
16 વર્ષની વયે ભારતીય નિશાનબાજ સૌરભ ચૌધરીએ એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.
સૌરભે આ મેડલ 10 મીટરના એર-પિસ્તોલની સ્પર્ધામાં મેળવ્યો છે. તેણે મેદાનમાં પોતાની ઉંમરની તુલનામાં ઘણી વધારે પરિપક્વતા દેખાડી છે.
સૌરભે 42 વર્ષીય તોમયુકી મતસુદાને હરાવ્યા છે. તોમયુકી જાપાનના છે અને તેઓ 2010ના વિશ્વ ચૅમ્પિયન રહ્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આ સપર્ધામાં સૌરભનો કુલ સ્કોર 240.7 હતો. આ સ્કોર થકી પણ સૌરભે એશિયન ગેમ્સમાં ઇતિહાસ રચ્યો છે.
સૌરભ મેરઠના કલીના ગામથી છે અને તેમના પિતા ખેડૂત છે. આ વિજય બાદ હવે સૌરભ પાસે લોકોને વધારે અપેક્ષા છે.

કોઈ દબાણ નહોતું

ઇમેજ સ્રોત, Getty Images
આટલી નાની વયના સૌરભ ચૌધરી ગોલ્ડ મેડલ જીતશે એવી આશા કોઈને નહોતી. એ પહેલાં જસપાલ રાણા, રણધીર સિંહ, જીતૂ રાય અને રંજન સોઢીએ પણ યુવાવયે આ જીત હાંસલ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી પીટીઆઈને સૌરભે કહ્યું છે કે રમત દરમિયાન તેમના પર કોઈ પણ પ્રકારનું દબાણ ન હતું.
સૌરભ 11માં ધોરણના વિદ્યાર્થી છે. મેરઠથી 53 કિલોમિટર દૂર બેનોલીના અમિત શેરૉન એકૅડમીમાં સૌરભે ટ્રેનિંગ લીધી છે. તેઓ પોતાના પિતાને ખેતીના કામમાં પણ મદદ કરતા હતા.
પીટીઆઈ સાથેની વાતચીતમાં સૌરભે કહ્યું, "મને ખેતી કરવી ગમે છે. મને ટ્રેનિંગમાંથી વધારે સમય મળતો ન હતો, પણ જ્યારે સમય મળે ત્યારે કલીનામાં પિતા સાથે ખેતી કામ કરું છું."
આ એશિયન ગેમ્સમાં સૌરભની જીતથી ભારતને નિશાનબાજીમાં પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે.

પ્રતિભાશાળી સૌરભ

ઇમેજ સ્રોત, Getty Images
2014ની રાષ્ટ્રમંડળ રમત સ્પર્ધામાં નિશાનબાજીમાં સિલ્વર મેડલ જીતનાર પ્રકાશ નનઝપાનું કહેવું છે કે સૌરભનું ભવિષ્ય ઐતિહાસિક હશે કારણકે તેઓ ઘણાં પ્રતિભાશાળી છે.
તેમણે કહ્યું કે સૌરભની પ્રતિભા ઑલિમ્પિકમાં મેડલ જીતવા લાયક છે. 2018ની એશિયન ગેમ્સ સૌરભની પહેલી સિનિયર ગેમ હતી.
ભારતમાં 16 વર્ષની વયે નિશાનબાજીમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌરભ ચૌધરી એકમાત્ર ખેલાડી બની ગયા છે.
આ પહેલાં રણધીર સિંહે 32, રંજન સોઢીએ 30 અને જીતૂ રાયે 26 વર્ષની વયે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
1994માં હિરોશિમાના એશિયન ગેમ્સમાં જસપાલ રાણા 17 વર્ષની વયે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















