નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળ મુલાકાત પહેલાં ધમાલ શા માટે?

    • લેેખક, પ્રભાકર એમ.
    • પદ, બીબીસી ગુજરાતી માટે, કોલકાતાથી

ભારતીય જનતા પક્ષ(ભાજપ)ના પ્રમુખ અમિત શાહ પક્ષના 'મિશન બંગાળ' હેઠળ ગયા મહિને પશ્ચિમ બંગાળ ગયા હતા અને રાજ્યની 47 લોકસભા બેઠકોમાંથી કમસેકમ 22 જીતવાનું લક્ષ્યાંક રાજ્ય ભાજપના નેતાઓને આપી ગયા હતા.

એ લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં એક કદમ આગળ વધવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જુલાઈ, સોમવારે રાજ્યના મેદિનીપુર જિલ્લામાં ખેડૂત કલ્યાણ રેલીને સંબોધન કરશે.

જો કે, નરેન્દ્ર મોદીના આ પ્રવાસ પહેલાં રાજ્યમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને ભાજપ વચ્ચે પોસ્ટરયુદ્ધ તથા વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે.

મોદીની સભા સોમવારે જે વિસ્તારમાં યોજાવાની છે, ત્યાં ચારે તરફ મુખ્ય પ્રધાન મમતા બેનરજીના પોસ્ટર્સ લગાવવાનું ટીએમસીએ શરૂ કરી દીધું છે.

નિશાન નરેન્દ્ર મોદી

ટીએમસીની દલીલ એવી છે કે તે 21 જુલાઈએ યોજાનારી પક્ષની શહીદ રેલીનો પ્રચાર કરી રહી છે, પણ વાસ્તવમાં તેનું નિશાન નરેન્દ્ર મોદી છે.

ટીએમસીનું કહેવું છે કે ભાજપના શાસન હેઠળના મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યા રોકાવાનું નામ લેતી નથી અને નરેન્દ્ર મોદી અહીં આવીને ખેડૂત કલ્યાણ રેલીના નામે ખેડૂતોની હિતચિંતક બનવાના પ્રયાસ કરે છે.

ટીએમસીનો આક્ષેપ છે કે મમતા બેનર્જી વિરુદ્ધ અફવા ફેલાવવા અને ધર્મના નામે લોકોમાં ભાગલા પડાવવાની રાજનીતિ હેઠળ ભાજપ અહીં નરેન્દ્ર મોદીને લાવી રહી છે.

બીજી તરફ રાજકીય નિરિક્ષકોનું કહેવું છે કે જંગલ મહલ વિસ્તારમાં સામેલ મેદિનીપુર જિલ્લામાં પંચાયતની ગત ચૂંટણીમાં મળેલી સફળતાના સહારે પોતાનું સ્થાન મજબૂત કરવા ભાજપ નરેન્દ્ર મોદીને અહીં લાવી રહ્યો છે.

વાસ્તવમાં એ ભાજપના 'મિશન બંગાળ' અભિયાનની શરૂઆત છે.

પશ્ચિમ બંગાળની મુલાકાતોમાં વધારો

'મિશન બંગાળ' હેઠળ પક્ષના નેતાઓ તથા કાર્યકરોમાં નવું જોમ ભરવા કેન્દ્રીય પ્રધાનો તથા પક્ષના નેતાઓની પશ્ચિમ બંગાળની મુલાકાતો અચાનક વધી ગઈ છે.

ગયા મહિનાના અંતે અમિત શાહ આવ્યા હતા. તેઓ ગયાના બે દિવસ પછી કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુ કોલકાતામાં હતા. તે પછીના દિવસે બીજા કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ કોલકાતા પહોંચ્યા હતા.

ભાજપના અન્ય કેન્દ્રીય નેતાઓ પણ ટૂંક સમયમાં અહીં આવવાના છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ કહે છે, "વડાપ્રધાન આ વર્ષે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમસેકમ પાંચ રેલીઓને સંબોધન કરશે.

"એ સંદર્ભમાં વિચારીએ તો આ વર્ષના બાકીના મહિનાઓમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા ઘણા મોટા નેતાઓ બંગાળના પ્રવાસે અનેક વખત આવશે.

"અમિત શાહ ઓગસ્ટના પહેલા સપ્તાહમાં વધુ એકવાર પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે આવી શકે છે."

પોસ્ટર્સની લડાઈ

નરેન્દ્ર મોદી મેદિનીપુરથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલા કલાઈકુંડા એરબેઝથી હેલિકૉપ્ટર મારફત સભાસ્થળે પહોંચશે.

વડા પ્રધાનની આ મુલાકાત પહેલાં મેદિનીપુરમાં ભાજપ અને ટીએમસી વચ્ચે ઘમસાણ ચાલી રહ્યું છે.

બન્ને રાજકીય પક્ષો વચ્ચે પોસ્ટર્સ અને બેનરો મારફત એકમેકને પછાડવાની હોડ ચાલી રહી છે.

ગયા સપ્તાહે મેદિનીપુરની મુલાકાતે ગયેલા ટીએમસીના મહામંત્રી સુબ્રત બખ્શીએ નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં આખા શહેરમાં મમતા બેનરજીનાં પોસ્ટર્સ તથા કટ-આઉટ્સ લગાવવાનો આદેશ પક્ષના કાર્યકરોને આપ્યો હતો.

આ અગાઉ અમિત શાહની બીરભૂમ મુલાકાત વખતે પણ ટીએમસીએ આવી વ્યૂહરચના અપનાવી હતી.

16, જુલાઈ સોમવારની નરેન્દ્ર મોદીની રેલી પહેલાં શહેરની આસપાસના વિસ્તારોમાં રેલીઓ યોજવાની યોજના ટીએમસીએ બનાવી છે, જેથી નરેન્દ્ર મોદીની મુલાકાતનું મહત્ત્વ ઘટાડી શકાય.

ટીએમસીના મેદિનીપુર જિલ્લાના અધ્યક્ષ અજિત માઈતી કહે છે, "અમે આખા શહેરમાં અંગ્રેજી, બાંગ્લા અને હિંદી એમ ત્રણેય ભાષામાં પોસ્ટર લગાવીશું, જેથી બધા લોકો તેને વાંચી-સમજી શકે."

ટીએમસીનો દાવો છે કે તે 21 જુલાઈએ યોજવામાં આવનારી પક્ષની વાર્ષિક શહીદ રેલીની તૈયારી કરી રહી છે.

અજિત માઈતી કહે છે, "ખેડૂતોનું હિત તો એક બહાનું છે. નરેન્દ્ર મોદી લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષનું અભિયાન શરૂ કરવા અહીં આવી રહ્યા છે."

નરેન્દ્ર મોદીની જાહેરસભા

જોકે, ટીએમસીની આ વ્યૂહરચનાથી ભાજપ પરેશાન નથી.

ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે સભાસ્થળની મુલાકાત લીધા બાદ પત્રકારોને કહ્યું હતું, "આ કોઈ નવી વાત નથી.

"ભાજપ અને મોદીનું નામ સાંભળતાંની સાથે ટીએમસીના નેતાઓના પેટમાં પીડા થવા લાગે છે. તેઓ ભલે ગમે તે કરે, અમારા પર તેની કોઈ અસર નહીં થાય."

ભાજપનો દાવો છે કે નરેન્દ્ર મોદીની સભામાં બે લાખથી વધુ લોકો હાજરી આપશે.

દિલીપ ઘોષે કહ્યું હતું, "રેલીનો મુખ્ય હેતુ ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કરવા બદલ નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવાનો છે."

ભાજપ અને ટીએમસી

બીજી તરફ ભાજપના આ નિવેદનને જ ટીએમસીએ પોતાના પ્રચારનું હથિયાર બનાવ્યું છે.

ટીએમસીના સંસદસભ્ય માનસ ભુઈયાં કહે છે, "નરેન્દ્ર મોદી ખેડૂતોના હિતરક્ષક હોવાનો દાવો કરવામાં આવે છે, પણ ભાજપના શાસનકાળમાં દેશમાં 14,000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

"મહારાષ્ટ્રમાં સેંકડો ખેડૂતો આપઘાત કરી ચૂક્યા છે ત્યારે નરેન્દ્ર મોદીની મુલાકાતનો હેતુ હાસ્યાસ્પદ જ છે."

અજિત માઈતી કહે છે, "ખેડૂત કલ્યાણ રેલી તો જ્યાં સૌથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં થવી જોઈએ. પશ્ચિમ બંગાળમાં તેના આયોજનમાં કોઈ ઔચિત્ય દેખાતું નથી."

ભાજપ અને ટીએમસી વચ્ચે વધતી ખેંચતાણને કારણે મેદિનીપુર વિસ્તાર હાલ આક્ષેપ-પ્રતિઆક્ષેપના કેન્દ્રમાં છે.

બન્ને રાજકીય પક્ષો પોતે બીજા પક્ષથી ચડિયાતા હોવાનું દેખાડવાની એકેય તક છોડતા નથી, ત્યારે નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં આ ઘમસાણ વધારે જોરદાર બનવાનો અંદેશો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો