શેરી નાટક કરતી મહિલાઓનું બંદૂકના નાળચે અપહરણ કરી સામૂહિક બળાત્કાર ગુજારાયો

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસ્વીર

ઝારખંડમાં માનવ તસ્કરીવિરોધી શેરી નાટક કરતી પાંચ મહિલા કાર્યકરોનું બંદૂકના નાળચે અપહરણ કરી તેમના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે.

પોલીસે બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે યુવતિઓને બળજબરીથી કારમાં ધકેલીને 'નિર્જન વિસ્તાર'માં લઈ જવામાં આવી હતી અને ત્યાં તેમના પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનાની તપાસ ચાલી રહી છે, પણ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

દુષ્કર્મનો ભોગ બનેલી યુવતિઓ અંતરિયાળ ખુંટી જિલ્લામાં માનવ તસ્કરી બાબતે જાગૃતિ લાવવાના હેતુસર એક સ્વૈચ્છિક સંગઠન માટે કામ કરે છે.

line

પોલીસ શું કહે છે?

બીબીસી હિન્દીના નિરજ સિંહાએ વરિષ્ઠ પોલીસ અધિકારી એ. વી. હોમકર સાથે વાત કરી હતી.

એ. વી. હોમકરે કહ્યું હતું, "શેરી નાટક ભજવ્યા પછી કાર્યકર યુવતિઓ સ્થાનિક મિશન સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે કેટલાક શસ્ત્રધારી લોકો તેમને ઘેરી વળ્યા હતા."

તમે આ વાંચ્યું કે નહીં?

"શસ્ત્રધારી લોકોએ પાંચેય યુવતિઓનું અપહરણ કર્યું હતું અને જંગલમાં લઈ જઈને તેમના પર દુષ્કર્મ કર્યું હતું."

"પોલીસે તપાસ કરવા ત્રણ ટીમો બનાવી છે અને હાલ અનેક લોકોની આ બાબતે પૂછપરછ થઈ રહી છે."

એક અન્ય પોલીસ અધિકારીએ બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે પાંચેય યુવતિઓ હવે સલામત તથા પોલીસ રક્ષણ હેઠળ છે. તબીબી પરિક્ષણના અહેવાલની રાહ જોવાઈ રહી છે.

line

હુમલાખોરો કોણ છે?

અધિકારીઓ માને છે કે હુમલાખોરો, આ પ્રદેશમાં પ્રવેશતા 'બહારના' લોકો સામે તિવ્ર અણગમો ધરાવતા જૂથના ટેકેદારો હોવાની શક્યતા છે.

એ જૂથ સ્થાનિક આદિવાસીઓનો મજબૂત ટેકો ધરાવે છે અને આ પ્રદેશમાં ન પ્રવેશવાની ચેતવણી મુલાકાતીઓને આપતું બોર્ડ પણ એ જૂથે મૂક્યું છે.

ભારતમાં 2016માં દુષ્કર્મની આશરે 40,000 ઘટનાઓ નોંધાઈ હતી.

જોકે, દુષ્કર્મ અને જાતીય સતામણી સાથે સંકળાયેલા કલંકને કારણે આવી ઘણી ઘટનાઓ નોંધાતી નથી.

દિલ્હીમાં 2012માં ચાલતી બસમાં એક વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ ભારતમાં જાતીય હિંસાવિરોધી જાગૃતિ વધી છે.

મેમાં અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ તરુણીઓ પર દુષ્કર્મ બાદ તેમને આગ ચાંપવામાં આવ્યાની ઘટનાઓને લીધે પણ ઝારખંડ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો