ટૅક્સ સામે ટૅક્સ: ભારત અમેરિકા વચ્ચે શરૂ થયું વેપાર યુદ્ધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપોરના વડાપ્રધાન લી સીન લૂંગને પહેલી જૂને મળ્યા ત્યારે તેમણે મુક્ત વ્યાપાર અને આર્થિક સંકલન બાબતે ભારપૂર્વક વાતો કરી હતી.

નરેન્દ્ર મોદીએ ત્યારે કહ્યું હતું, "રક્ષણાત્મક દિવાલ પાછળ બેસીને નહીં, પણ પરિવર્તનને અપનાવીને ઉકેલ શોધી શકાય.”

"અમે બધા માટે સમાન ભૂમિકાનો આગ્રહ કરી રહ્યા છીએ. ભારત મુક્ત અને સ્થિર આંતરરાષ્ટ્રીય વ્યાપાર નીતિનું સમર્થન કરે છે."

જોકે, આકરી આયાત જકાતનો નિર્ણય પાછો ખેંચવાનો ઇન્કાર કરીને અમેરિકા વિશ્વ વ્યાપારમાં દાદાગીરી કરી રહ્યું છે ત્યારે ભારતે સ્પષ્ટ સંદેશો આપવાનો નિર્ણય કર્યો છે.

જેવા સાથે તેવાની નીતિ અનુસાર ભારતે કેટલીક પ્રોડક્ટ્સ પર આયાત કર લાદવાનો નિર્ણય કર્યો છે અને આ ફટકો આકરો છે.

આ વિશેના સરકારી જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે "વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતાં તત્કાળ પગલાં લેવાનું જરૂરી બની ગયું છે."

અચાનક શું થયું?

સફરજન, બદામ, અખરોટ, ચિકપીઝ (એક જાતના કઠોળ) તથા શ્રિમ્પ (ઝીંગા) સહિતની કૃષિ અને સ્ટીલ પ્રોડક્ટ્સ પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ભારતે વધારો કર્યો છે.

20 ટકાથી માંડીને 90 ટકા જેટલી ડ્યૂટી લાદવામાં આવી છે. એ અનુસાર, બદામ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી પ્રતિ કિલો 35 રૂપિયા હતી, જે હવે વધીને 42 રૂપિયા થશે.

શું તમે આ વાંચ્યું?

શેલ્ડ બદામ પરની ડ્યુટી પ્રતિ કિલો 100 રૂપિયાથી વધારીને 120 રૂપિયા કરવામાં આવી છે. તાજા સફરજનની આયાત પર અગાઉ 50 ટકા ડ્યૂટી હતી, જે હવે 75 ટકા થશે.

અખરોટ પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે. અખરોટ પરની ડ્યૂટી 30 ટકાથી વધારીને 120 ટકા કરવામાં આવી છે.

ભારત માટે તેનો શું અર્થ છે?

ભારતીય ગ્રાહકો માટે અમેરિકન કૃષિ પેદાશો ખરીદવાનું હવે વધારે મોંઘું બનશે.

એશિયામાં ડ્રાયફ્રૂટના સૌથી મોટા કેન્દ્રમાંના વેપારીઓ ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારાથી ચિંતિત છે. તેઓ માને છે કે ડ્યૂટીમાં વધારાની મહત્તમ અસર બદામ પર થશે.

ભારત બદામની સૌથી વધુ આયાત કરે છે અને એ પૈકીની આશરે 80 ટકા સપ્લાય અમેરિકામાંથી આવે છે.

છેલ્લા 59 વર્ષથી બદામનો બિઝનેસ કરતા કંવરજીત બજાજે અમેરિકા સાથે એ પ્રકારના ટેરિફ વોર અગાઉ ક્યારેય જોઈ નથી.

કંવરજીત બજાજ કહે છે, "અમેરિકાથી દર વર્ષે આશરે 90 હજાર ટન બદામ ભારતમાં આવે છે. ટેરિફમાં વધારો થશે તો તેઓ તેમનો કમસેકમ 50 ટકા બજાર હિસ્સો ગુમાવશે. તેની તેમના ખેડૂતો તથા આવક પર અસર થશે.

"વેપારીઓ ઓસ્ટ્રેલિયા, સ્પેન તથા અફઘાનિસ્તાનથી બદામની આયાત શરૂ કરશે. ભારતીય ગ્રાહકો માટે બદામના ભાવમાં કમસેકમ 100 રૂપિયાનો વધારો થશે."

વેપારીઓને એવો ભય પણ છે કે ઇમ્પોર્ટ ડ્યૂટીમાંનો વધારો પાછો નહીં ખેંચાય તો ભારતમાં ગેરકાયદે બદામ લાવવાના પ્રયાસ થશે.

ઓછા બજાર ભાવને કારણે ભારતીય ખેડૂતોને ફાયદો થશે, પણ નિષ્ણાતો માને છે કે આ નિર્ણયની અવળી અસર થઈ શકે છે.

નવી દિલ્હીસ્થિત ફૂટ માર્કેટિંગ નિષ્ણાત કિથ સુંદરલાલ કહે છે, "સ્થાનિક ઉત્પાદકો કરતાં અમેરિકન સફરજનની ક્વોલિટી ઘણી સારી હોય છે.”

"જો આપણી માર્કેટમાં આવી ઉચ્ચ ક્વોલિટીની પ્રોડક્ટ ન હોય તો તેની અસર સ્થાનિક ઉત્પાદકોને થશે, કારણ કે ઉચ્ચ ક્વોલિટી સામે સ્પર્ધા કરવા માટે તેમને કોઈ લાભ મળતો નથી."

ભારતના નિકાસકારોનું શું?

ભારતીય સ્ટીલ અને એલ્યુમિનિયમ પરની આયાત જકાતમાં અમેરિકાએ અનુક્રમે 25 ટકા તથા 10 ટકા વધારાની જાહેરાત કરી પછી નાના ધંધાર્થીઓને મોટો ફટકો પડ્યો છે.

પ્રીતપાલસિંહ સરના હરિયાણા નજીકના કુંડલીના ઉદ્યોગસાહસિક છે. તેઓ વાસણોનું ઉત્પાદન અને નિકાસ કરે છે.

તેઓ અમેરિકામાં દર વર્ષે આશરે એક કરોડ ડૉલરના મૂલ્યના વાસણોની નિકાસ કરે છે.

અમેરિકાએ આયાત જકાતમાં વધારાની જાહેરાત કરી પછી છેલ્લાં 70 વર્ષમાં પહેલીવાર પ્રીતપાલસિંહને અમેરિકાથી મળતા ઓર્ડરમાં મોટો ઘટાડો થયો છે.

પ્રીતપાલસિંહ કહે છે, "અમારું કુલ પૈકીનું 25થી 30 ટકા વેચાણ અમેરિકામાં થાય છે. તેથી અમેરિકા અમારા માટે મહત્ત્વનું માર્કેટ છે.

"છેલ્લા દોઢ મહિનાથી બધા ચિંતિત છે, કારણ કે તેઓ કશું જાણતા નથી. લોકોને વધુ બિઝનેસ કરવાની ઇચ્છા નથી, કારણ કે તેઓ ટ્રેડવોરમાં સપડાવા નથી ઇચ્છતા."

પ્રીતપાલસિંહ માને છે કે આ પરિસ્થિતિ લાંબો સમય યથાવત રહેશે તો તેમણે તેમની ફેક્ટરીમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવી પડશે અને એ બાબત ડરામણી છે.

હવે શું થશે?

અમેરિકાની નીતિ સામે ભારતે વિશ્વ વ્યાપાર સંગઠનમાં ફરિયાદ નોંધાવી દીધી છે, પણ અત્યાર સુધી વાટાઘાટ સફળ થઈ નથી. સફળ થવાની આશા જરૂર છે. ભારતે વાટાઘાટ માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે.

કેટલીક પ્રોડક્ટ્સ પર કર વસૂલવાનું તત્કાળ શરૂ થશે, જ્યારે અમેરિકન શ્રિમ્પ જેવી અન્ય પ્રોડક્ટ્સ પર ઓગસ્ટના પહેલા સપ્તાહમાં વાટાઘાટ થશે ત્યાં સુધી કરવધારા અમલી નહીં બને.

અમેરિકાનું એક પ્રતિનિધિમંડળ આવતા સપ્તાહે ભારતીય વ્યાપાર અધિકારીઓને મળવાનું છે. આ મડાગાંઠ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે તેવી વેપારીઓને આશા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો