બ્લોગ: મુખ્યમથકમાં 'દાદા'એ સંઘને આ અણગમતી વાતો મોઢે સંભળાવી

પ્રણવ મુખર્જી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રાજેશ પ્રિયદર્શી
    • પદ, ડિજીટલ એડિટર, બીબીસી હિંદી

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ના મુખ્યમથકમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના ભાષણમાં નહેરુનું નામ માત્ર એક જ વાર લીધું, પણ આરએસએસ માટે આ કોઈ રાહતની વાત નથી.

જાત-જાતની અટકળો બાદ એમણે એજ કહ્યું જે નહેરુનો વારસો છે, એમનું સમગ્ર ભાષણ એજ રાજનૈતિક દર્શનનો સાર હતો જેની સામે આરએસએસ અને ભાજપે ક્યારેક પટેલ તો ક્યારેક બોઝને ઊભા કરવાના પ્રયાસો કર્યા હતા.

અંગ્રેજીમાં આપવામાં આવેલા જોરદાર ભાષણ બાદ પ્રણવ મુખર્જીએ જે દેશનાં ઇતિહાસ, સંસ્કૃતિ અને એની ઓળખ પર પ્રકાશ પાડ્યો એ નહેરુનાં જાણીતા પુસ્તક 'ડિસ્કવરી ઑફ ઇન્ડિયા'નું ભારત છે. એટલે સુધી કે એમના ભાષણનો પ્રવાહ પણ એવો જ હતો જેવો નહેરુનાં પુસ્તકમાં છે.

ભાષણની શરૂઆત એકદમ ચોટદાર હતી. તેમણે કહ્યું,''હું અહીંયા તમારી સાથે ત્રણ મુદ્દે મારી સમજણ વહેંચવા માંગું છું. રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ. આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલાં છે તેમને અલગઅલગ કરી ન શકાય.''

line

ભાષણનો એજન્ડા અને ટોન

આરએસએસના વડા મોહન ભાગવત અને પ્રણવ મુખર્જી

ઇમેજ સ્રોત, RSS-TWITTER

ત્યાર બાદ એમણે શબ્દકોષમાંથી રાષ્ટ્રની વ્યાખ્યા વાંચી સંભળાવી. અહીંથી જ એમના સમગ્ર ભાષણનો એજન્ડા અને ટોન નક્કી થઈ ગયો કે કેટલીક પ્રાથમિક બાબતો અંગે પાઠ ભણાવવાના મૂડમાં છે.

એમણે ભાષણની શરૂઆત મહાજનપદોના યુગ એટલે કે ઈસ્વીસન પૂર્વે છઠ્ઠી સદીથી કરી. આ ભારતનો નક્કર, તથ્યો પર આધારિત અને તાર્કિક ઇતિહાસ છે.

આ એ ઇતિહાસનો એન્ટી થીસિસ છે જે સંઘ ભણાવે છે- હિંદુ મિથકોથી ભરેલો કાલ્પનિક ઇતિહાસ જેમાં જ્યાં સુધી બધા હિંદુ છે ત્યાં સુધી બધું બરાબર છે, પણ જેવા 'બહાર'નાં લોકો આવે છે કે બધું ડહોળાઈ જાય છે.

એ ઇતિહાસમાં સંસારનું સમગ્ર જ્ઞાન, વૈભવ અને વિજ્ઞાન છે. એમાં પુષ્પક વિમાન ઊડે છે, પ્લાસ્ટિક સર્જરી થાય છે, મહાભારત કાળમાં ઇન્ટરનેટ પણ હોય છે.

સંઘનો કાર્યક્રમ

ઇમેજ સ્રોત, SANJAY TIWARI

પ્રણવ મુખર્જીએ જણાવ્યું કે ઈસુ ના 400 વર્ષ પહેલાં ગ્રીક પ્રવાસી મેગાસ્થનીજ આવ્યો ત્યારે તેમણે મહાજનપદોવાળું ભારત જોયું, ત્યારબાદ ચીની યાત્રી હવેંગ સાંગનો ઉલ્લેખ કરી જણાવ્યું કે સાતમી સદીનું ભારત કેવું હતું.

એમણે જણાવ્યું કે તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વ વિદ્યાલય સમગ્ર દુનિયામાંથી પ્રતિભાને આકર્ષિત કરી રહ્યી હતી.

આ બધાનો ઉલ્લેખ આ જ રીતે નહેરુએ પોતાના પુસ્તકમાં કર્યો છે.

જે લોકોમાં નહેરુનું પુસ્તક વાંચવાની ધીરજ નથી તે લોકોએ યૂ ટ્યૂબ પર ઉપલબ્ધ શ્યામ બેનેગલની ધારાવાહિક 'ભારત એક ખોજ' જોવી જોઈએ જે આ જ પુસ્તક પર આધારિત છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ત્યાર બાદ મુખર્જીએ જણાવ્યું કે કઈ રીતે ઉદારતાનાં વાતાવરણમાં રચનાત્મકતા પાંગરી, કળા-સંસ્કૃતિનો વિકાસ થયો અને એ પણ કહ્યું કે ભારતમાં રાષ્ટ્રની અવધારણા યૂરોપ કરતાં કેટલી જૂની અને કેટલી અલગ છે.

જેના પર ધ્યાન આપવું જરુરી છે એ વાત છે એમણે જણાવ્યું કે રાષ્ટ્રના બે મૉડેલ છે, યૂરોપીય અને ભારતીય.

તેમણે જણાવ્યું કે યૂરોપ રાષ્ટ્ર એક ધર્મ, એક ભાષા, એક વંશ અને એક સંયુક્ત શત્રુની અવધારણા પર આધારિત છે. જ્યારે ભારત રાષ્ટ્રની ઓળખ સદીઓથી વિવિધતા અને સહિષ્ણુતાની છે.

તેઓ એવું જણાવવાનું પણ ના ચૂક્યા કે, 'ધર્મ, નફરત અમે ભેદભાવના આધારે રાષ્ટ્રની ઓળખ ઊભી કરવાના પ્રયાસથી આપણા રાષ્ટ્રની મૂળ ભાવના નબળી પડશે.

'આ બધી વાતો એમણે જે સ્થળેથી અને જે લોકોની વચ્ચે ઊભા રહી જણાવી તેનું પોતાનામાં ઘણું મહત્ત્વ છે.

line

ભાષણ અંગે શંકા

પ્રણવ મુખર્જીએ સંઘના કાર્યક્રમમાં હાજરી આપી

ઇમેજ સ્રોત, TWITTER/RSS

મુખર્જીના ભાષણ અંગે ઘણી શંકા સેવાઈ રહી હતી પણ તેઓ આ મહત્ત્વના ભાષણ માટે એ નહેરુની શરણમાં ગયા કે જેમણે નક્કી કર્યું હતું સમ્રાટ અશોક આ દેશનો સૌથી મહાન રાજા હતો જેની સાથે લોકતાંત્રિક ભારતની ઓળખ જોડાવી જોઈએ અને રાષ્ટ્રીય ચિહ્ન અશોકના વારસામાંથી લેવું જોઈએ.

પૂર્વ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, 'ચંદ્રગુપ્ત મૌર્ય વંશના અશોક એ મહાન રાજા હતા જેમણે જીતના કોલાહલમાં, વિજયનાં ઢોલના અવાજ વચ્ચે શાંતિ અને પ્રેમનો સૂર સાંભળ્યો, સંસારને ભાઈચારાનો સંદેશ આપ્યો.'

સંઘનું હંમેશા એવું માનવું રહ્યું છે કે ભારત મહાન સનાતન ધર્મનું મંદિર છે, બીજા લોકો બહારથી આવ્યા પણ ભારતનો મૂળ આધાર તો હિંદુ ધર્મ જ છે અને આ દેશને હિંદુ શાસ્ત્રો, રીતિ અને નીતિથી ચલાવવો જોઈએ.

પરંતુ આ છતાં મુખર્જીએ જણાવ્યું કે, 'એક ભાષા, એક ધર્મ, એક ઓળખ નથી આપણો રાષ્ટ્રવાદ'

ગાંધીજીને યાદ કરી તેમનો હવાલો આપી કહ્યું કે રાષ્ટ્રપિતાએ જણાવ્યું હતું, '' ભારતનો રાષ્ટ્રવાદ આક્રમક અને ભેદભાવવાળો ના હોઈ શકે, તે સમન્વય પર જ ચાલી શકે.''

સંઘ માટે અણગમતી વાતો

પ્રણવ મુખર્જી સંઘના કાર્યક્રમમાં હાજર રહ્યા

ઇમેજ સ્રોત, REUTERS

તેમણે 'ધર્મનિરપેક્ષતાને શ્રધ્ધા' ગણાવી અને ભારતમાં સંવિધાન અનુરૂપ દેશભક્તિ જ સાચી દેશભક્તિ છે એમ કહ્યું અને આ બે વાતો સંઘ માટે અણગમતી બની ગઈ હતી.

તેમણે હિંદુત્વની સંસ્કૃતિની જબરદસ્ત તરફેણ કરનારા લોકો વચ્ચે કૉમ્પોઝિટ કલ્ચર એટલે કે સંયુક્ત સંસ્કૃતિની વાત કરી અને જણાવ્યું, ''વિવાદોમાંથી હિંસા નાબૂદ થવી જોઈએ અને દેશમાંથી ગુસ્સો અને નફરત ઓછા થવા જોઈએ અને પ્રેમ અને સહિષ્ણુતા વધવા જોઈએ.''

સમગ્ર રીતે જોતા એમનું આખું ભાષણ ઉદાર, લોકતાંત્રિક, પ્રોગ્રેસિવ, સંવિધાન સંમત, માનવતાવાદી ભારતની વાત કરે છે જે ગાંધી-નહેરુનું ભળતું રાજનૈતિક દર્શન છે.

સંઘના પ્રશિક્ષિત, શિસ્તયુક્ત અને રાષ્ટ્રસેવા માટે સમર્પિત નેતાઓ અને કાર્યકર્તાઓ એ આનો શું અર્થ કાઢ્યો, તે તો એ જ જાણે.

પાઠ તો બરાબર ભણાવ્યો દાદાએ, એમનાં સંઘનાં મંચ પર જવાથી જે કોંગ્રેસીઓને ચિંતા-શંકા હતી તે જ હવે તાળીઓ વગાડી રહ્યાં છે.

પ્રણવ મુખર્જીએ સાબિત કર્યું કે તેઓ પાછલી પેઢીનાં ભણેલા-ગણેલા સમજદાર નેતા છે. એમના જેવા લોકોની વાતો આજે બહુ ઓછી સાંભળવામાં આવે છે, સંઘ સમર્થક હોય કે પછી કોંગ્રેસી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો