સિંગાપોરથી રજનીકાંતની કાલા ફિલ્મનું LIVE કરનારની ધરપકડ

રજનીકાંતની નવી ફિલ્મ કાલા આવી રહી છે

ઇમેજ સ્રોત, TWITTER/DHANUSH/BBC

થલઈવા, કબાલી, બોસ આ બધા નામોથી જાણીતા દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કાલા' ગુરુવારે ભારતમાં રિલિઝ થઈ. પરંતુ આ પહેલાં બુધવારે રાત્રે એક વ્યક્તિએ સિંગાપોરથી ફિલ્મનું લાઇવ પ્રસારણ કર્યું હતું જેની ધરપકડ કરવામાં આવી છે.

તામિલ ફિલ્મ પ્રોડ્યુસર એસોશિયેશનના અધ્યક્ષ વિશાલે જણાવ્યું કે સિંગાપોરથી એક વ્યક્તિ 'કાલા'નું ફેસબુક લાઇવ પ્રસારણ કરી રહ્યો હતો જેની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મનું લાઇવ પ્રસારણ અડધું થયું હતું ત્યારબાદ આ અંગેની જાણકારી મળ્યા બાદ પ્રોડક્શન ટીમ સચેત થઈ ગઈ હતી.

વિશાલે ટ્વીટ કરીને લાઇવ પ્રસારણ કરનારની ધરપકડ અંગે માહિતી આપી હતી.

તામિલ ફિલ્મ પ્રોડ્યુસર એસોશિયેશનના અધ્યક્ષ વિશાલે ટ્વીટ કર્યું

ઇમેજ સ્રોત, TWITTER/BBC

રજનીકાંતની દીકરી સૌદર્યાએ આ ત્વરિત કાર્યવાહીને સરાહી છે અને ધન્યવાદ કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજનીતિમાં આવ્યા બાદ રજનીકાંતની આ પહેલી ફિલ્મ છે જેને લઈને તેમના ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

મજાની વાત એ છે કે ફિલ્મની રિલીઝ પહેલાં તેમના ચાહકો કેક કાપે છે. એટલું જ નહીં તેમના ચાહકો તેમની જેમ કાળો શર્ટ અને લુંગી પણ પહેરી રહ્યા છે.

ફિલ્મની રિલીઝને લઈને ઘણી આઈટી કંપનીઓમાં તો રજા જાહેર કરવામાં આવી છે.

line

ફિલ્મનો વિરોધ

રજનીકાંતની ફિલ્મનું પૉસ્ટર

ઇમેજ સ્રોત, Getty Images

કાવેરી જળ વહેંચણી મુદ્દે નિવેદન આપ્યા બાદ રજનીકાંતની ફિલ્મને કર્ણાટકમાં રિલિઝ કરવાનો વિરોધ થઈ રહ્યો છે.

બુધવારે ચેન્નઈમાં પત્રકારો સાથે વાતચીત કરતા રજનીકાંતે કન્નડ ભાષામાં અપીલ કરી કે, "હું મારા બધા જ કન્નડ ભાઈઓને 'કાલા'ની રિલિઝને અનુમતી આપવાનો અનુરોધ કરું છું."

રજનીકાંતે કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે ચાલી રહેલા કાવેરી જળ વિવાદ પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

કારણ કે આ મુદ્દે રજનીકાંતનું નિવેદન આવ્યા બાદ કન્નડ સમર્થકોએ કર્ણાટકમાં સિનેમાઘરના માલિકોને આગ્રહ કર્યો હતો કે તેઓ 'કાલા' ફિલ્મ રિલિઝ ના કરે.

પત્રકાર પરિષદમાં રજનીકાંતે કહ્યું, "મેં માત્ર સુપ્રીમ કોર્ટના આદેશ અંગે વાત કરી હતી અને કર્ણાટક સરકારને તેને લાગુ કરવાનો અનુરોધ કર્યો હતો, એમાં ખોટું શું છે?"

line

કર્ણાટક હાકોર્ટને અપીલ

રજનીકાંત

ઇમેજ સ્રોત, AFP

રજનીકાંતનુ સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ છે જેમનો જન્મ બેંગલુરુમાં થયો હતો. અહીં તેઓ એક જાહેર બસ સેવામાં કંડક્ટરની નોકરી કરતા હતા.

રજનીકાંતને અભિનયમાં રસ હતો એટલે તેઓ ચેન્નઈ આવી ગયા. અહીં તેમણે નામ અને પૈસા બંને કમાયા.

આ કારણે કર્ણાટકે જ્યારે તમિલનાડુ માટે કાવેરી નદીનું પાણી ઓછું છોડ્યું ત્યારે તમિલનાડુમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં રજનીકાંતને તમિલ સમર્થકો સાથે ઊભું રહેવું પડ્યું.

રજનીકાંત અને નિર્દેશક પા. રંજીથે પહેલાં પણ 'કબાલી' ફિલ્મમાં કામ કર્યું છે. 'કાલા' તેમની બીજી ફિલ્મ છે.

રજનીકાંતની ફિલ્મોના પૉસ્ટર

ઇમેજ સ્રોત, Getty Images

'કાલા' ફિલ્મ અને રજનીકાંત અંગે પા. રંજીથને પૂછવામાં આવેલા એક સવાલ કરવામાં આવ્યો હતો કે તમારું અને રજનીનું રાજકારણ અલગ છે, તમે સાથે કેવી રીતે કામ કરશો?

રંજીથે જવાબ આપ્યો હતો કે રજની ફિલ્મોને એક વ્યવસાય અને સિનેમા તરીકે જ જુએ છે.

હું સિનેમાને સમાજમાં ઉપસ્થિત વિરોધાભાસ અને અસમાનતા વિશે ચર્ચા કરવા માટે એક માધ્યમ તરીકે જોઉં છું.

જ્યારે રજની મારી સાથે વાત કરે છે ત્યારે તેઓ મને સમયનો સદ્ઉપયોગ કરવાનું અને વધારે ફિલ્મો બનાવવાનું કહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો