ગુજરાતમાં વીજળી: 'મળી અને નથી'નાં બે અંતિમોનો અહેવાલ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, હરેશ ઝાલા
- પદ, બીબીસી ગુજરાતી માટે
એપ્રિલ મહિનાના અંતભાગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે દેશના દરેક ગામડા સુધી વીજળી પહોંચી ગઈ છે, પણ ગુજરાતની સ્થિતિ ખરેખર કેવી છે?
આ અંગે ચર્ચા થતાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ગામડાંની તમામ સરકારી કચેરીઓ તથા દસ ટકા ઘરો સુધી વીજળી પહોંચે એટલે 'વીજળીકરણ' થઈ ગયું ગણાય.
આઝાદીનાં 70 વર્ષ પછી પણ ગુજરાતમાં હજુ પણ અનેક ગામો છે, જ્યાં વીજળી પહોંચી નથી.
બીજી બાજુ, રાજ્યમાં અમૂક ગામો એવાં પણ છે કે જ્યાં ગ્રામજનોએ જીવનમાં પહેલી વખત વીજળીના પ્રકાશમાં રાત્રી ભોજનનો આનંદ લીધો હોય.
બીબીસીની ટીમ રાજ્યના બે વિરોધાભાસી છેડાઓના અનુભવની વાત લઈને આવી છે.

દક્ષિણ ગુજરાતના ગામની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
આદિવાસી વિસ્તારમાં આવેલા નર્મદા જિલ્લા સૂરપાન ગ્રૂપ ગ્રામ પંચાયત હેઠળના દુંડાખલ ફળિયાને ફેબ્રુઆરી 2018માં પહેલી વખત વીજળી મળી.
ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર જંગલોથી ઘેરાયેલી 105 ઘરની વસાહતમાં પ્રથમ વખત પ્રકાશ રેલાયો છે.
આ વિસ્તારના ધારાસભ્ય શબ્દશરણ તડવીએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "આ ગામ જંગલની વચ્ચે ડુંગરાળ વિસ્તારમાં હોવાના કારણે માળખાકીય સુવિધા પહોંચાડવામાં વિલંબ થયો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
2016-17 દરમિયાન દુંડાખલ ફળિયાને પ્રથમ વખત પાક્કો અને બારમાસી માર્ગ મળ્યો હતો.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયર વી. જી. ચૌધરીએ બીબીસીની ટીમને જણાવ્યું, "વીજળી તો પહોંચી છે, પરંતુ જો ગામ જવું હોય તો ડેડિયાપાડા ફરીને જવું પડે છે."
"એકાદ-બે ગ્રામીણો પાસે મોબાઇલ છે, પરંતુ મોબાઇલ કનેક્ટિવિટી નથી."

ઇમેજ સ્રોત, Getty Images
ગામના તલાટી પંકજભાઈ તડવીના કહેવા પ્રમાણે, "ગામના મોબાઇલધારક જો ડુંગરા ઉપર ચડે અથવા તો અન્ય કોઈ ગામમાં જાય તો જ તેમનો સંપર્ક થઈ શકે છે. અન્યથા તેમનો ટેલિફોનિક સંપર્ક પણ મુશ્કેલ છે."
આથી જ અહીં વીજળી પહોંચવાનો અનુભવ ગ્રામમજનો માટે કેવો રહ્યો તેના માટે ચોવીસ કલાકથી પણ વધુ સમય સુધી પ્રયાસ કરવા છતાંય સફળતા મળી ન હતી.
ગુજરાતમાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ 2003માં 'જ્યોતિગ્રામ યોજના' શરૂ કરાવી હતી.
જેનો હેતુ દરેક ગ્રામીણ ઘર સુધી ચોવીસ કલાક અને ખેતર માટે આઠ કલાક વીજળી પહોંચાડવાનો હતો.

વીજળીથી વંચિત કચ્છનું આ ગામ

કચ્છ જિલ્લાનાં ભૂજ તાલુકાના ઉડઈ ગ્રૂપ ગ્રામ પંચાયત હેઠળનાં ઝૂમરી વાંઢ ગામની સ્થિતિ તદ્દન વિપરીત છે.
અહીં રહેતા 20 પરિવારનાં 100 લોકો માટે આજે પણ સૂરજ આથમતાની સાથે જ દૈનિક જીવનમાં અંધકાર છવાઈ જાય છે.
સાંજે પડ્યે લાલટેન અને દીવડાના પ્રકાશે આ લોકો રોજિંદા કામો કરે છે.
અહીંના પરિવારો પશુપાલન પર નભે છે એટલે સરકારી ચોપડે તેમની નોંધ 'પશુપાલકો' તરીકે થાય છે.
ઝૂમરી વાંઢાના રહેવાસી ઇલિયાસભાઈ જૂનેજાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "સૂરજ ઊગે તે પહેલાં લાલટેનના અજવાળે ગાય-ભેંસ દોહવાનું કામ પતાવી લેવું પડે છે, કારણ કે, સૂર્યોદય પહેલાં જ દૂધ ભૂજ પહોંચાડવાનું હોય છે."

ગામના દરેક પુરુષ પાસે મોબાઇલ છે, પણ ચાર્જ કરી શક્તા નથી. તેઓ પીકઅપ વાનની બેટરીથી અથવા તો ભૂજમાં દૂધ આપવા જાય ત્યારે વેપારીની દુકાને મોબાઇલ ચાર્જ કરી મોબાઇલ ચલાવે છે.
ગ્રામ પંચાયતના વડા મથક વડઈથી આ આ વસાહત ચાર કિલોમીટર દૂર છે.
સરપંચ સલમાબહેનના કહેવા પ્રમાણે, "વર્ષ 2016-'17માં ગ્રામ પંચાયતે ઠરાવ પસાર કરી વીજળી આપવા માગ કરી હતી."
"પરંતુ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું કહેવું છે કે જો કોઈ ધારાસભ્ય કે સંસદસભ્યની ગ્રાન્ટમાંથી સહાય મળે તો જ વીજલાઇન નાખી શકાય."
ભૂતપૂર્વ તાલુકા ડેલિગેટ ઝૂમાભાઇ નોડના કહેવા પ્રમાણે, "પાકો રસ્તો આવે તે પછી જ વીજલાઇન નાખીએ."
"એ પહેલાં કંપની સોલાર થાંભલા નાખી આપવા તૈયાર છે, પરંતુ તે ગ્રામજનોને સ્વીકાર્ય નથી."

કેન્દ્ર, ગુજરાત અને વીજ મોડલ

ઇમેજ સ્રોત, Getty Images
- કેન્દ્રની મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ ગુજરાતના 'જ્યોતિગ્રામ મોડલ'થી દેશભરમાં વીજ વ્યવસ્થા સુધારવાની જાહેરાત કરી હતી.
- તત્કાલીન વીજ પ્રધાન પિયુષ ગોયલે વિભાગ સમક્ષ વર્ષ 2018ના અંતભાગ સુધીમાં દેશનાં તમામ ગામડાં સુધી વીજળી પહોંચાડવાનું લક્ષ્યાંક મૂક્યું હતું.
- સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઑથોરિટીના માર્ચ-2018ના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં કોઈ વીજકાપ લાદવામાં આવ્યો ન હતો અને રાજ્યમાં કૃષિક્ષેત્રે દૈનિક આઠ કલાક વીજળી મળે છે.
- ઑથોરિટીના ગ્રામીણ વીજળીકરણ અંગેના એક રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં 17,843 ગામડાં છે અને દરેક ગામ સુધી વીજળી પહોંચી ગઈ છે.
- દેશમાં વ્યક્તિદીઠ સરેરાશ વાર્ષિક વીજ વપરાશ 1075 (KWh)નો રહ્યો હતો.
- જ્યોતિગ્રામ યોજના હેઠળ ખેતરમાં પિયત માટે આઠ કલાક વીજળી મળી રહે તે માટે સમાંતર બે વીજલાઇન નાખવામાં આવે છે.
- નીતિ આયોગની નેશનલ ઍનર્જી પોલિસીના ડ્રાફ્ટ પ્રમાણે, 30 કરોડ 40 લાખ લોકો ઊર્જાથી વંચિત છે.
- કેન્દ્ર સરકાર 2022 સુધીમાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાનું લક્ષ્યાંક ધરાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















