વારાણસી: નિર્માણાધીન પુલ દુર્ઘટનામાં અણીના સમયે બચી ગયેલાની આપવીતી

ઇમેજ સ્રોત, ANURAG/BBC
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં નિર્માણાધીન પુલ ધ્વસ્ત થતા 18 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
ઘટનાસ્થળના ફોટોગ્રાફ્સનાં આધારે તેની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના ભીડભાડવાળા વિસ્તારમાં થઈ હતી.
લાંબા સમયથી પુલનું નિર્માણ ચાલતું હતું અને સાંજે અચાનક તેનો એક ભાગ ધરાશાયી થયો.
આ ઘટનામાં અણીના સમયે બચી ગયેલી બે વ્યક્તિએ આ દુર્ઘટનાનો ચિતાર આપ્યો હતો.
પ્રત્ક્ષદર્શીઓ મુજબ આ ઘટના સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે બની હતી. તે સમયે પુલ પર મજૂરો કામ કરી રહ્યા હતા.
વારાણસીનો કેંટ લહરતારા જીટી રોડ સૌથી વ્યસ્ત માર્ગોમાંથી એક છે. સામાન્ય રીતે ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થાય છે.
ઘટનામાં ઘણાં એવા લોકો છે જે માંડમાંડ બચ્યાં. ચેતગંજ નિવાસી મોહમ્મદ ઇસ્માઇલ મરઘી વેચવાનો વેપાર કરે છે.
તેઓ રોજની જેમ બસમાં બેસીને લંકાથી કેંટ તરફ આવી રહ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Abhishek/BBC
ઇસ્માઇલ જણાવે છે, "અચાનક બસ કોઈ મોટી વસ્તુ આવીને પડી. જ્યાં સુધી અમે કંઈ સમજી શકીએ એ પહેલાં, ચારેતરફ અંધારુ અને બૂમો પડવા લાગી."
આ ઘટનામાં ઇસ્માઇલના માથા, પગ અને હાથ પર ગંભીર ઈજાઓ થઈ છે.
જૈતપુર શક્કર તળાવ નિવાસી મોહમ્મદ શકીલ ફૂલમાળા વેચવાનું કામ કરે છે. તેઓ સાંજે કામથી પરત ફરી રહ્યા હતા.
શું તમે આ વાંચ્યું?
શકીલનું કહેવું છે કે તેઓ મોતના મુખમાંથી બચ્યા. તેમણે કહ્યું, "નસીરુદ્દીન સ્કૂટર ચલાવી રહ્યા હતા અને હું પાછળ બેઠો હતો.
"અમારું સ્કૂટર પુલની ધાર પાસે હતું એટલા માટે બચી ગયા. પુલ નીચે ઘણાં લોકો કચડાઈ ગયા હતા."
શકીલ અને નસીર ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
નદેસર નિવાસી રિંકુ પણ એ લોકોમાં સામેલ છે જેઓ ત્યાંથી નીકળી રહ્યા હતા અને તેની હડફેટમાં આવી ગયા.
સમાચાર એજન્સી પીટીઆઈને અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, વારાણસી કૅન્ટ રેલ્વે સ્ટેશન પાસે દુર્ઘટના થઈ હતી.

ઇમેજ સ્રોત, ANURAG/BBC
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને રાહત તથા બચાવ કામગીરી માટે સેના તહેનાત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના અંગે દુઃખ પ્રગટ કર્યું છે અને શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.
મુખ્યમંત્રીએ મૃતકોનાં પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

પુલ અંગે જે જાણવા મળ્યું

ઇમેજ સ્રોત, ANURAG/BBC
વારાણસનીના સ્થાનિક પત્રકાર અભિષેકે જણાવ્યું, "આ દુર્ઘટના જીટી રોડ પર કમલાપતિ ત્રિપાઠી ઇન્ટરકૉલેજ સામે ઘટી છે. ઘટનાસ્થળ પર ઘણી ગાડીઓ, બસો, મોટરો અને અડધા ડઝન જેટલા સ્કૂટરો આ પુલ નીચે કચડાઈ ગયા હતા."
"વારાણસી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે."
તેમણે આ પુલ અંગે થોડી માહિતી આપી
- 1 ઑક્ટોબર 2015માં ચૌકાઘાટ-લહરતારા ફ્લાઇઓવરના વિસ્તરણનો પાયો નાખવામાં આવ્યો હતો.
- 1710 મીટર પુલની લંબાઈ
- 30 મહિનામાં કામ પૂરું થવાનું હતું
- 77.41 રૂપિયાના ખર્ચે થઈ રહ્યું હતું નિર્માણ
- પુલમાં 63 પિલર્સ બનાવવાના છે જેમાંથી 45 બનીને તૈયાર છે
- 30 જૂન સુધી પ્રોજેક્ટ પૂરો થવાનો હતો
- બીમ ચઢાવતી વખતે થઈ દુર્ઘટના

ઇમેજ સ્રોત, Getty Images
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કરાયેલા ટ્વીટ પ્રમાણે, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય વારાણસી જઈને સ્થિતિની સમીક્ષા કરશે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફોટોગ્રાફ્સમાં જોવા મળે છે કે, સ્થાનિકો જાતે જ રાહતકાર્યમાં જોડાઈ ગયા છે.
એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમ પણ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે.
કર્ણાટક ચૂંટણીમાં વિજય અનુસંધાને નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં વડા પ્રધાન મોદીએ કહ્યું, "કર્ણાટકમાં વિજયની ખુશી છે તો વારાણસીમાં દુર્ઘટના અંગે શોક પણ છે.
"વારાણસીની દુર્ઘટના અંગે મુખ્ય પ્રધાન તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વાત થઈ છે. બચાવકાર્ય માટે તમામ પ્રયાસો કઈ રહ્યાં છે.
"સેનાને કામે લગાડવામાં આવી છે અને ઘટતું બધું કરવામાં આવશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














