શા માટે સુપ્રીમે કઠુઆ ગેંગરેપ કેસ પઠાણકોટ ટ્રાન્સફર કર્યો?

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ કઠુઆ ગેંગરેપ અને હત્યા કેસને પંજાબના પઠાણકોટ ટ્રાન્સફર કર્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ, મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બંધ રૂમની અંદર નિયમિત ધોરણે નિર્ધારિત સમયમર્યાદામાં હાથ ધરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે કેસની સુનાવણી જમ્મુ-કશ્મીરમાં લાગું રણબીર પિનલ કોડ અંતર્ગત હાથ ધરવામાં આવશે.

જમ્મુ-કશ્મીરના અમૂક કાયદાઓ ભારતના કેન્દ્રીય કાયદાઓ કરતાં અલગ છે.

જાન્યુઆરી મહિનામાં જમ્મુના કઠુઆમાં એક સગીર બાળકી સાથે ગેંગરેપ કરી તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે દેશભરમાં ભારે પ્રદર્શનો થયાં હતાં.

સુપ્રીમ કોર્ટે પીડિત પરીવાર, તેમની સાથે જોડાયેલા લોકો અને તેમનાં વકીલની સુરક્ષા નિયમિત રાખવાનો પણ આદેશ કર્યો છે.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેસ સાથે સંબંધિત દસ્તાવેજોને ઉર્દૂમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરવા અંગે કહ્યું છે. કોર્ટે એવું પણ કહ્યું છે કે સગીર આરોપીને આપવામાં આવેલી સુરક્ષા જાળવી રાખવામાં આવે.

line

પરિવારની આશા

પોલીસ અને એક આરોપી સાંજી રામ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કઠુઆ રેપ કેસના એક આરોપી સાંજી રામે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પીડિત પરિવારે આશા વ્યક્ત કરી છે કે તેમને ન્યાય મળશે.

સ્થાનિક પત્રકાર માજિદ જહાંગીર સાથે વાતચીતમાં પીડિતાનાં પિતાએ કહ્યું, "અમને આશા છે કે નિષ્પક્ષ સુનાવણી થશે. અમને ખુશી છે કે બીજા રાજ્યમાં સુનાવણી હાથ ધરાશે."

પિતાએ કહ્યું, "ક્રાઇમ-બ્રાન્ચે સંતોષજનક રીતે તપાસ કરી છે. અમે માત્ર ન્યાયની માગ કરી રહ્યા છીએ."

સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે ખુશી વ્યક્ત કરતા પીડિત પરિવારના વકીલ દીપિકાસિંહ રાજાવતે કહ્યું, "કેસ ટ્રાન્સફર થતા હું ખુશ છું. આ અમારો વિજય છે."

આરોપીઓએ કેસને જમ્મુ ટ્રાન્સફર કરવાની તથા સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી. જેને સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

line

સુનાવણી જુલામાં

પ્રદર્શન કરતી યુવતીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઉનાળું વેકેશન બાદ સુપ્રીમ કોર્ટ ફરીથી ખૂલશે ત્યારે આ કેસ મામલે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.

કઠુઆ ગેંગરેપ અને હત્યા મામલે સમગ્ર દેશમાં ભારે વિરોધ પ્રદર્શનો થયાં હતાં. સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પીડિતાને ન્યાય મળે એવી માંગણી ઊઠી હતી.

કેસના મૂળમાં એક આઠ વર્ષની મુસ્લિમ ગુર્જર સમુદાયની સગીરા છે. જેમનું દસ જાન્યુઆરીના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. એક સપ્તાહ બાદ પીડિતાનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ પહેલાં કઠુઆ ગેંગરેપ મામલે સુનાવણીમાં કહ્યું હતું કે અદાલત આ કેસ મામલે નિષ્પક્ષ અને યોગ્ય સુનાવણી પ્રત્યે ગંભીર છે.

પીડિતાના પિતાએ ભયને સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી કઠુઆથી બહાર સ્થળાંતર કરવાની માગ કરી હતી.

જ્યારે, આરોપીઓ તરફથી કેસની સુનાવણી જમ્મુમાં અને સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે એવા મતલબની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.

line

કેમ ટ્રાન્સફર થયો મામલો?

વકીલો

ઇમેજ સ્રોત, Getty Images

સામાન્ય રીતે, જ્યારે પીડિત પરીવાર પોતાના જીવ પર જોખમ અને અદાલતી કાર્યવાહીમાં વિક્ષેપ થવાનો ભય અનુભવે, ત્યારે તેઓ સુનાવણીને કોઈ બીજી જગ્યાએ સ્થળાંતર કરવાની માગ કરે છે.

કોર્ટની કાર્યવાહીને કોઈપણ જાતના દબાણથી મુક્ત રાખવા માટે પણ સુનાવણી સ્થાનાંતરિત કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે ગુજરાતના ચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલાની સુનાવણી મુંબઈમાં થઈ રહી છે. કારણ કે ગુજરાતમાં સુનાવણીને પ્રભાવિત કરવાની આશંકા સેવવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ આલોક કુમાર જણાવે છે કે, "કોઈપણ કેસ એક જિલ્લાથી બીજા જિલ્લામાં અથવા તો એક રાજ્યથી બીજા રાજ્યમાં ત્યારે જ ટ્રાન્સફર કરવામાં આવે છે, જ્યારે અદાલતને લાગે કે જ્યાં સુનાવણી ચાલી રહી છે ત્યાં હસ્તક્ષેપ થવાની આશંકા છે."

વીડિયો કૅપ્શન, કઠુઆ ગેંગરેપ કેસ: શું કહે છે ગામના લોકો

મોટેભાગે પીડિત પક્ષ સુપ્રીમ કોર્ટ પાસેથી કેસ ટ્રાન્સફર કરવાની માગણી કરતા હોય છે અને સુપ્રીમ કોર્ટ કેસને એવા નિષ્પક્ષ સ્થળે સ્થળાંતર કરી આપે છે જ્યાં આરોપી પક્ષ કાર્યવાહીમાં કોઈ વિક્ષેપ ન કરી શકે.

ચર્ચિત નીતિશ કટારા હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી ગાઝિયાબાદથી દિલ્હી ટ્રાન્સફર કર્યો હતો. પંજાબનો ચર્ચિત ડીજીપી કેપીએસ ગિલ મામલાને પણ સુપ્રીમ કોર્ટે પંજાબમાંથી બહાર દિલ્હીમાં ટ્રાન્સફર કર્યો હતો.

આલોક કુમાર કહે છે, "મોટેભાગે પીડિત પક્ષ કેસને ટ્રાન્સફર કરવાની અરજી કરતાં હોય છે. પરંતુ ક્યારેક એજન્સી પણ આવું કરી શકે છે. ઉદાહરણ તરીકે સીબીઆઈએ લાલુ પ્રસાદ યાદવ મામલાને બિહારથી બહાર ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી કારણ કે એજન્સીને એવું લાગતું હતું કે બિહારમાં લાલુ તપાસને પ્રભાવિત કરી શકે છે."

line

અત્યાર સુધી કેસમાં શું થયું?

પીડિતાનાં બહેન
  • જમ્મુ અને કશ્મીર સરકારે 23 જાન્યુઆરી 2018નાં રોજ મામલાની તપાસ રાજ્ય પોલીસની ક્રાઇમ-બ્રાન્ચને સોંપી હતી.
  • ક્રાઇમ-બ્રાન્ચે 10 ફેબ્રુઆરીના રોજ એક સ્પેશિયલ પોલીસ અધિકારી દીપક ખજુરિયાની ધરપકડ કરી હતી.
  • દીપક ખજુરિયા બાદ પોલીસે અત્યાર સુધી આઠ લોકોની ધરપકડ કરી છે.
  • ક્રાઇમ-બ્રાન્ચે 10 એપ્રિલના રોજ આ મામલે કઠુઆની એક અદાલતમાં આરોપ પત્ર દાખલ કર્યો હતો.
  • આરોપ પત્ર દાખલ કરતી વખતે કઠુઆના ઘણાં વકીલોએ કોર્ટ બહાર હોબાળો કર્યો હતો. સાથે જ પોલીસને ચાર્જશિટ દાખલ કરતા અટકાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
  • આરોપ પત્ર દાખલ થયા બાદ કોર્ટે મામલાની સુનાવણી 18 એપ્રિલના રોજ આપી હતી.
  • ક્રાઇમ-બ્રાન્ચે પોતાના આરોપ પત્રમાં નોંધ્યું છે કે પહેલાં સગીરાનું અપહરણ કરવામાં આવ્યું, ત્યારબાદ તેને નશીલો પદાર્થ આપવામાં આવ્યો અને ઘણાં દિવસો સુધી તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
  • ક્રાઇમ-બ્રાન્ચે પોતાના આરોપ પત્રમાં એવું પણ જણાવ્યું છે કે સગીરાને ઘણાં દિવસો સુધી વિસ્તારના એક મંદિરમાં ગોંધી રાખવામાં આવી હતી. ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી.
  • 16 જાન્યુઆરીના રોજ 'હિન્દુ એકતા મંચ' નામના એક સંગઠને કઠુઆમાં વકીલોના સમર્થનમાં રેલી કાઢી હતી. જેમાં ભાજપના સ્થાનિક નેતા રાજીવ જસરોટિયા અને બીજા નેતા પણ સામેલ થયા હતા.
વિરોધ પ્રદર્શન
  • 4 માર્ચના રોજ ભાજપના બે મંત્રીઓ ચૌધરી લાલ સિંહ અને ચંદ્ર પ્રકાશ ગંગાએ કઠુઆમાં 'હિન્દુ એકતા મંચ'ની રેલીને સંબોધિત કરી અને મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી હતી.
  • 5 એપ્રિલના રોજ આ સમગ્ર ઘટનાના કથિત માસ્ટર-માઇન્ડ સાંજી રામે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.
  • 13 એપ્રિલે ભાજપ પક્ષે પાર્ટીના બે મંત્રીઓ લાલ સિંહ અને ચંદ્ર પ્રકાશ પાસેથી રાજીનામાની માંગણી કરી.
  • 18 એપ્રિલના રોજ પહેલી સુનાવણીમાં ક્રાઇમ-બ્રાન્ચને કહેવામાં આવ્યું કે દરેક આરોપીઓને આરોપ પત્રની કોપી આપવામાં આવે.
  • સુપ્રીમ કોર્ટે આ મામલે 7 મેના રોજની તારીખ આપી હતી. પીડિત પરીવારે કેસની ટ્રાયલ જમ્મુ અને કશ્મીરથી બહાર કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.
  • પીડિત પરીવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કેસની ટ્રાયલ જમ્મુ અને કશ્મીરથી બહાર કરવાની માંગણી કરી હતી.
  • જમ્મુ અને કશ્મીર સરકારે કેસને રાજ્યથી બહાર ટ્રાન્સફર ના કરવાનો અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારની દલીલ છે કે ક્રાઇમ-બ્રાન્ચ મામલાની તપાસ સારી રીતે કરી રહી છે.
  • આરોપીઓનો પરીવાર મામલાની સીબીઆઈ તપાસની માગ કરતા આવ્યા છે. 'હિન્દુ એકતા મંચ' પણ સીબીઆઈ તપાસનું સમર્થન કરી રહ્યું છે.
  • રાજ્યના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ શરૂઆતથી જ આ મામલે સીબીઆઈ તપાસનો અસ્વીકાર કર્યો છે.
  • જમ્મુ-કશ્મીરમાં બકરવાલ સમુદાયની કુલ વસતી બાર લાખ છે. બકરવાલ સમુદાય વણજારા લોકો હોય છે જેઓ છ મહિના ઠંડા વિસ્તાર કશ્મીર અને છ મહિના ગરમ વિસ્તાર જમ્મુમાં રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો