‘કઠુઆ કેસની ચર્ચા વખતે મારી પર હુમલો થયો’

તાલિબ હુસૈન

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR

    • લેેખક, મજિદ જહાંગીર
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત પ્રશાસિત જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાના મામલામાં પોલીસે સામાજિક કાર્યકર તાલિબ હુસૈન ચૌધરીની પીડિતાની લાશ મળ્યાના ચોથા દિવસે ધરપકડ કરી હતી. તેમનો આક્ષેપ છે કે શુક્રવારે ઉધમપુરમાં એક ટીવી ડિબેટ દરમ્યાન ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (સંઘ)ના કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. કઠુઆમાં ઘણા લોકોએ તેમના પર અનેક આક્ષેપ કર્યા હતા, જેનો તેમણે ઇન્કાર કર્યો હતો.

તાલિબ હુસૈન ચૌધરીએ હુમલા ઉપરાંત બાળકી સાથે બનેલી ઘટના વિશે બીબીસી સાથે વિગતવાર વાત કરી હતી. ઉધમપુરમાં તેમની સાથે થયેલી વાતચીતના મહત્ત્વના અંશ અહીં રજૂ કર્યા છે.

સવાલઃ તમે કહો છો તેમ, બીજેપી અને સંઘના લોકોએ તમારા પર હુમલો શા માટે કર્યો?

તાલિબ હુસૈન ચૌધરીઃ શુક્રવારના હુમલાની વાત કરીએ તો મારી હત્યા કરનારાને ઇનામ પેટે છ લાખ રૂપિયા આપવાની વાત હિંદુ એકતા મંચ અને સંઘના લોકોએ ગત દિવસોમાં પરશુરામ મંદિરમાં યોજાયેલી એક સભામાં કરી હતી.

એ પછી ન્યૂઝ-18એ આરિફા (બદલાયેલું નામ) ના હત્યારાઓને ફાંસીના સજા સંબંધે ઉધમપુરમાં એક ડિબેટનું આયોજન કર્યું હતું. તેમાં તમામ પક્ષોને બોલાવવામાં આવ્યા હતા.

શું તમે વાંચ્યું?

મેં પણ ડિબેટમાં ભાગ લીધો હતો. બીજેપીના કાર્યકર્તાઓ અને તેમના એક નેતા સુભાષ ગુપ્તા પણ તેમાં હાજર હતા.

બધાએ પોતપોતાની વાત રજૂ કરી હતી. મારો વારો આવ્યો ત્યારે યુગેશ નામના એક પુરુષે મારા પર પાછળથી હુમલો કર્યો હતો. બીજા લોકોએ પણ મારા પર હુમલો કર્યો હતો.

બીજા પક્ષોના લોકોએ મને હુમલામાંથી બચાવ્યો હતો. પછી વચ્ચે પોલીસ આવી હતી. ત્યાર બાદ મેં પોલીસને એક અરજી આપી છે. પોલીસ હવે કેવું વલણ લે છે તે જોવાનું છે.

line

સવાલ: અમે સાંભળ્યું છે કે ડિબેટમાં તમે "બીજેપી મુર્દાબાદ"ના નારા લગાવ્યા હતા. આ વાત સાચી છે?

તાલિબ હુસૈન

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR

તાલિબ હુસૈન ચૌધરીઃ ન્યૂઝ-18ન વીડિયો યુટ્યૂબ પર ઉપલબ્ધ છે. મેં શું કહ્યું હતું એ તમે તેમાં જોઈ શકો છો. મેં માત્ર એટલું જ કહ્યું હતું કે આ પ્રકારના કેસમાં ફરિયાદ તરત નોંધવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

મેં એવું કહ્યું હતું કે ભારત માતાના નારા પોકારતા લોકો ધ્યાનથી સાંભળો. મેં આ કહ્યું ત્યારે સત્ય સાંભળવાની તાકાત તેમનામાં ન હતી અને તેમણે મારા પર હુમલો કર્યો હતો.

મારી વાત લોકો સુધી ન પહોંચે એટલા માટે હુમલો કરવામાં આવ્યો હતો. બીજેપી અને સંઘની હકીકત બહાર ન આવે એટલા માટે મારા પર હુમલો કરવામાં આવ્યો હતો.

line

સવાલ: કેસમાં જે પહેલા આરોપીને પકડવામાં આવ્યો છે તેની સાથે તમારો 25 વર્ષ જૂનો ઝઘડો છે તેથી તમે તેનું નામ આપ્યું હોવાનું સાંભળવા મળ્યું છે. આ વિશે તમે શું કહો છો?

શોધખોળ કરતા પોલીસ અધિકારી

ઇમેજ સ્રોત, Getty Images

તાલિબ હુસૈન ચૌધરીઃ આ પાયાવિહોણો આક્ષેપ છે. મારો તેમની સાથે 25 વર્ષથી શું ઝઘડો હોય? મારું બાળપણ ત્યાં પસાર થયું છે. ત્યાંના બ્રાહ્મણો મારા બહુ સારા દોસ્ત છે.

કોઈની સાથે દુશ્મનીની વાત બકવાસ છે. અમારી બાળકી સાથે ઘટના બની ત્યારે લગભગ 18 વર્ષ પછી હું ત્યાં ગયો હતો.

દસ જાન્યુઆરીએ બાળકીનું અપહરણ થયું એ પછીના દિવસે તેના પરિવારજનો પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા.

પોલીસે તેમને જણાવ્યું હતું કે આ સરકારી કામ છે અને તેમાં સમય લાગશે. સુપ્રીમ કોર્ટે હતું કે બાળકીની ફરિયાદ તત્કાળ નોંધવામાં આવે.

ત્રણ દિવસ પછી ફરિયાદ નોંધાયા બાદ બાળકીને શોધવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. હવે તમે મને કહો કે એક પોલીસ અધિકારી પાસે ટીમનું નેતૃત્વ કરવાની આવડત ન હોય?

તેમાં કમસેકમ એક હવાલદાર હોવો જોઈએ. આ પોલીસ અધિકારીનું નામ દીપક ખુજારિયા છે અને તેઓ રસના ગામથી અડધો કિલોમીટર દૂર આવેલા ડાસનાના રહેવાસી છે.

આ એ વ્યક્તિ છે, જેણે બાળકીનું અપહરણ, તેના પર બળાત્કાર અને તેની હત્યા કરી હતી.

હવે એ જ શખ્સ બે-ત્રણ લોકોને સાથે લઈને બાળકીને જંગલમાં શોધી રહ્યો છે. બસ્તીમાં તપાસ શા માટે કરવામાં આવી ન હતી?

બાળકીની લાશ મળી પછી અમે કઠુઆ તરફ આવી રહ્યા હતા ત્યારે દીપક ખુજારિયાએ આવીને અમને ધમકાવ્યા હતા અને પૂછ્યું હતું કે તમે વિરોધ પ્રદર્શન કરવાના છો?

અમે વિરોધ પ્રદર્શન કરવાના હોઈએ તો પણ તેની સાથે તેને શું લેવાદેવા?

આ બધી બાબતોને ધ્યાનમાં લઈને મેં કઠુઆના એડિશનલ એસપીને જણાવ્યું હતું કે દીપક ખુજારિયાની ગતિવિધિ શંકાસ્પદ લાગે છે અને તમે તેની ધરપકડ કરો.

અમે હંમેશા કહ્યું હતું કે આ શખ્સ શંકાસ્પદ છે અને તેને સમગ્ર ઘટનાની ખબર છે. પછી એ મુખ્ય આરોપી નીકળ્યો. હું તો તેને જાણતો પણ ન હતો.

line

સવાલઃ તમે અને તમારી સાથેના બીજા લોકોએ વિરોધ પ્રદર્શન દરમ્યાન "પાકિસ્તાન ઝિંદાબાદ"ના નારા લગાવ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ વાત સાચી છે?

વકીલોનું સમૂહ

ઇમેજ સ્રોત, MOHIT KANDHARI/BBC

તાલિબ હુસૈન ચૌધરીઃ જુઓ. સૌથી પહેલાં તો આ કનૈયાકુમારની ઘટના જેવી વાત થઈ જશે. કનૈયાકુમારે જેએનયુમાં પાકિસ્તાન તરફી નારા લગાવ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું, પણ એ આક્ષેપ ખોટો સાબિત થયો હતો.

મારી વાત કરું તો મેં આજ સુધી દરેક સરકારનો વિરોધ કર્યો છે. સિસ્ટમને ખોટી કહી છે, પણ બંધારણવિરોધી વાત ક્યારેય કરી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો