આધાર કાર્ડ આધાશીશી જેવું દર્દ તો સાબિત નહીં થાય ને?

- લેેખક, મીશી ચૌધરી
- પદ, બીબીસી ગુજરાતી માટે
આધાર દુનિયાની સૌથી મહત્ત્વાકાંક્ષી સમાજવ્યાપી 'સિંગલ ટોકન' ઓળખની પદ્ધતિ બની ગઈ છે.
માત્ર એક જ 'આધાર નંબર'ના આધારે વ્યક્તિની સમગ્ર બાબતો અંગે જાણકારી મળી જાય છે.
સરકારી અને ખાનગી બન્ને વ્યવહારમાં ઓળખ સાબિત કરવા માટે એક જ ટોકન નંબર આપવાનો રહે, જેની ખરાઈ કોઈ જૈવિક નિશાની (ફિંગરપ્રિન્ટ કે આંખની કીકી) દ્વારા થઈ શકે.
નામ પ્રમાણે જ આ પદ્ધતિ સરકારી અને ખાનગી બંને સર્વિસ માટે ઓળખનો આધાર બની રહે.
આટલી ઉત્તમ ટેકનૉલૉજી હોવા છતાં શા માટે તેની વ્યાપક ટીકા થઈ રહી છે? શા માટે વિકસિત દેશો પોતાના નાગરિકો માટે આ અત્યાધુનિક ટેકનૉલૉજીનો ઉપયોગ નથી કરી રહ્યા?
યૂરોપ તથા અમેરિકા જેવા વિકસિત દેશો, ઓળખ પત્ર મામલે અભ્યાસ કરનારા આઈટી નિષ્ણાતો અને પોલીસી મેકર્સ પણ માને છે દરેક બાબત માટે એક જ ઓળખની પદ્ધતિ યોગ્ય નથી.
2010માં આવી જ પદ્ધતિમાં આગળ વધવાનું યુ.કે.એ પડતું મૂક્યું હતું.
તમને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇઝરાયલમાં સ્માર્ટ કાર્ડ ઓળખપત્ર છે પણ તેમાં ફિંગરપ્રિન્ટ્સ નથી હોતી અને માત્ર કાર્ડમાં જ ડેટા હોય છે; કોઈ એક કેન્દ્રીત જગ્યાએ ડેટા સ્ટોર કરવામાં આવતો નથી.
અમેરિકામાં રાષ્ટ્રવ્યાપી આવી કોઈ સિસ્ટમ નથી. માત્ર કેલિફોર્નિયા અને કોલોરાડો બે રાજ્યોમાં ડ્રાઇવિંગ લાયસન્સમાં ફિંગરપ્રિન્ટ્સ લેવાય છે.
બૅન્ક ખાતા, ચૂંટણી કાર્ડ વગેરેને બાયોમેટ્રિક્સ સાથે જોડવાની રીત માત્ર ચીનમાં, આફ્રિકાના કેટલાક દેશોમાં, વેનેઝૂએલા, ઇરાક અને ફિલિપાઇન્સમાં જ જોવા મળે છે.

સલામતીનો સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
સરકારી નિયંત્રણ સાથે કેન્દ્રીત ધોરણે બાયોમેટ્રિક ડેટા એકઠો કરવામાં આવે તેના કારણે ખૂબ મોટું સામાજિક જોખમ ઊભું થાય છે.
આ ડેટા સાથે ચેડાં થાય ત્યારે પોતાનું ઓળખ કાર્ડ રદ કરવું વ્યક્તિ માટે અશક્ય છે, કેમ કે ફિંગરપ્રિન્ટ કંઈ માણસ નવી પેદા કરી શકે નહીં.
ડેટાબેઝ અત્યંત સલામત છે તેવા સરકારી દાવા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. કોઈ સરકાર એવો દાવો ના કરી શકે કે પૂર નિયંત્રણ કે આરોગ્યની વ્યવસ્થા કદી નિષ્ફળ જશે જ નહીં.
કુદરતી આપત્તિમાં ગમે તેવી સિસ્ટમ કામ કરતી અટકી શકે છે. જોખમ ઊભું જ થવા નહીં દેવાય તેવું લક્ષ્ય ના રાખવાનું હોય, પણ જોખમનો સામનો કેવી રીતે કરવો તે લક્ષ્ય હોવું જોઈએ.
UIDAIના કેસમાં આપણે જોયું છે કે જોખમ નિવારવા માટેના એવા કોઈ પ્રયાસો દેખાતા નથી.
તેના બદલે ખામીઓ તરફ ધ્યાન દોરનારાને બદનામ કરવાનું અને આ યોજના કેટલી ઉત્તમ છે તેનો પ્રચાર કરવા પર જ વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સર્વેલન્સનો સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
આ ડેટાબેઝનો દુરુપયોગ કરીને રાજ્ય દ્વારા સર્વેલન્સ (ગુપ્ત રીતે નજર રાખવાનું) થાય અને દબાણ ઊભું કરવામાં આવે તે નકારી શકાય તેમ નથી.
વ્યક્તિ પોતાની માહિતી સરકારને આપે પછી એવી આશા રાખીને જ બેસી રહેવું પડે કે દેશની સરકાર ક્યારેય સરમુખ્યતારીમાં સરી નહીં પડે.
અથવા તો સરકાર બિનલોકતાંત્રિક વલણ અપનાવે અને દબાણની એવી સ્થિતિ ઊભી કરે કે વ્યક્તિ તેમાંથી છટકી શકે નહીં.
આ માત્ર નવીન પદ્ધતિઓના વિરોધી કાર્યકરોએ કરેલી કલ્પના નથી. ચીન જેવા દેશમાં આવું થવા પણ લાગ્યું છે.
ચીનના શિનજિયાંગ પ્રાંતમાં લાંબા સમયથી કડક સર્વેલન્સ અમલમાં છે અને નિયંત્રણોનો ચૂસ્તીથી અમલ થાય છે.
આ પ્રાંતમાં 12થી 65 વર્ષની ઉંમરની વ્યક્તિઓની ડીએનએ સેમ્પલ, ફિંગરપ્રિન્ટ્સ, રેટિના સ્કેન અને બ્લડ ગ્રૂપની માહિતી એકઠી કરી લેવાયેલી છે.
આ માહિતીને ઘરનું રજિસ્ટ્રેશન કાર્ડ આપવામાં આવે તેની સાથે લિન્ક કરાય છે.
આ પદ્ધતિમાં ફેસ ડિટેક્શન, સીસીટીવી અને બાયોમેટ્રિકને પણ જોડી દઈને એકેએક વ્યક્તિ પર સંપૂર્ણપણે નજર રાખી શકાય તેવી યંત્રણા ઊભી કરી દેવાય છે અને તેને બહુ મહાન ટેકનૉલૉજીક સિદ્ધિ તરીકે ઓળખાવાય છે.
ONGRID જેવી કંપનીઓ દ્વારા નાગરિકોના વિસ્તૃત્ત પરિચય સહિતની સર્વેલન્સની વિગતો ઓફર કરવામાં આવે છે તે જોઈને સર્વેલન્સની વિગતોનો દુરુપયોગ થશે તે ચિંતા સાચી પડતી જણાય છે.

અમલની નિષ્ફળતાનો સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
એક જ જગ્યાએ બધો ડેટા સ્ટોર કરવાની પદ્ધતિમાં અત્યંત હાનીકારક ખામી ઊભી થાય ત્યારે તેને નિયંત્રિત કરવી બહુ મુશ્કેલ બને.
એટલું જ નહીં, રોજબરોજના અમલમાં પણ ઊભી થતી મુશ્કલીઓ અવગણના કરવા જેવી નથી.
સામાન્ય ખરીદી માટે ઓળખ આપવામાં આવી હોય ત્યારે વેચનાર વેપારી ભવિષ્યમાં આ જ ગ્રાહકને સારી રીતે સેવા આપવા માટે તેની ઓળખ, તેની ખરાઈ બંનેને સાચવી રાખવા પ્રેરાય છે.
દાખલા તરીકે શાકભાજીના ફેરિયાએ રાખેલા ફિંગરપ્રિન્ટ સ્કેનરે થોડું મોડિફાઇ કરી દેવાય તો તેમાં લેવામાં આવતા બધી જ ફિંગરપ્રિન્ટ જમા થઈ શકે છે.
બીજી બાજુ સરકારી સહાય મેળવતા, રેશન મેળવતા હજારો લોકોને અને પેન્શનરોને ઓળખની ખરાઈ ના થવાના કારણે સહાય મળતી બંધ થઈ ગયાના સમાચારો રોજેરોજ આવે છે.
જોકે, સિંગન ટોકન ઓળખ પદ્ધતિને 'ઇનોવેશન' ગણાવતા ઘણા લોકો એવું બહાનું કાઢે છે કે આ 'પ્રારંભિક મુશ્કેલીઓ' છે અને પદ્ધતિ મજબૂત થતી જશે તેમ ઓળખના નામે થતા ફ્રોડ અને ભ્રષ્ટાચાર બધું જ બંધ થઈ જશે.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ જે લોકો સસ્તા અનાજની દુકાનેથી રેશન મેળવતા હોય અને પેન્શન પર જ ગુજારો થતો હોય તેમના માટે આ રોજિંદી અડચણ બની છે.
આવી સમસ્યાઓને કારણે જ યુરોપ અને અમેરિકાના ટેકનૉલૉજી નિષ્ણાતો તથા નીતિ ઘડવૈયાઓ ઓળખની બાબતમાં એકથી વધારે બાબતો પર આધાર રાખવાનું પસંદ કરે છે.
તેમની વિકેન્દ્રીત પદ્ધતિમાં એકથી વધુ ડેટા સોર્સ અને ઓળખના જુદા જુદા સ્વરૂપને એક બીજા સાથે જોડીને ખરાઈ કરવામાં આવે છે, જેથી ઓળખમાં ઓછામાં ઓછી ભૂલ આવે.
વ્યક્તિની ઓળખ માટે એક જ આધાર ન રાખવાના બદલે જુદા જુદા આધારો રાખવામાં આવે છે, જેથી કેન્દ્રીત રીતે ડેટામાં ઊભું થતું જોખમ નિવારી શકાય.
આધાર ઓળખ પદ્ધતિ સામે પડકાર ફેંકતી અરજીઓ થઈ છે તેની સુનાવણી હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.
વચગાળાનો આદેશ આપીને સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે સર્વસામાન્ય ધોરણે આધારને ફરજિયાત કરી શકાય નહીં.
આમ છતાં સમાજ કલ્યાણના કાર્યક્રમોનો લાભ લેવા માટે ફરજિયાત આધાર નંબરના આગ્રહ સામેની અનેક અરજીઓ કોર્ટમાં આવતી રહે છે.
દેશની સર્વોચ્ચ અદાલત વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતના નાગરિકો માટે આ પદ્ધતિની બાબતમાં શું આખરી અભિપ્રાય આપે છે તેના પર સૌની નજર છે.
આશા રાખીએ કે ભારતની સર્વોચ્ચ અદાલત ફરી એકવાર બંધારણીય લોકતંત્રની ઉચ્ચત્તમ ભાવનાને જાળવી રાખે અને દુનિયાની લોકશાહીઓ માટે ભારતને ઉદાહરણરૂપ બનાવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













