ફડણવીસની CMOમાં ત્રણ કરોડની ચા પીવાઈ ગઈ

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા

મહારાષ્ટ્રની ભાજપ સરકાર ફરી એક વખત વિવાદોમાં છે અને તેનું કારણ છે-ચા.

RTI (રાઇટ ટૂ ઇન્ફૉર્મેશન) પાસેથી મળેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયમાં એક વર્ષમાં (2017-18) ત્રણ કરોડ 34 લાખ રૂપિયાની ચા પીવામાં આવી છે.

આ RTI અરજી યૂથ કોંગ્રેસના સભ્ય નિખિલ કાંબલેએ દાખલ કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

બીબીસીએ આ મામલે કોંગ્રેસ નેતા સંજય નિરુપમ સાથે વાત કરી.

તેમણે કહ્યું, "અમે તેમને પૂછ્યું હતું કે તમારા કાર્યાલયમાં એક વર્ષમાં ચા તેમજ નાશ્તા પર કેટલો ખર્ચ કરવામાં આવે છે. જવાબ મળ્યો કે આ વર્ષ ચા-પાણી માટે આશરે ત્રણ કરોડ 34 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે."

RTIમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બે વર્ષ પહેલા સુધી આ ખર્ચ આશરે 57 લાખ રૂપિયા હતો. નિરુપમે કહ્યું કે આ ખૂબ જ આશ્ચર્યજનક વાત છે.

તેમણે પૂછ્યું, "મુખ્યમંત્રીના કાર્યાલયમાં અચાનક એવી કઈ ચા પીવામાં આવી રહી છે કે તેનો ખર્ચ 500 ટકા કરતા વધારે વધી ગયો?"

હવે રાજ્ય સરકારનું કહેવું છે કે આ માત્ર ચા-નાશ્તાનો ખર્ચ નથી. તેમાં વિદેશી મહેમાનોને આપવામાં આવતી ભેટનો ખર્ચ પણ સામેલ છે.

જોકે, RTIમાં માત્ર ચા-નાશ્તાના ખર્ચ અંગે પૂછવામાં આવ્યું હતું અને જવાબ પણ તેનો જ આપવામાં આવ્યો હતો.

બીબીસીના સવાલના જવાબમાં તેમણે કહ્યું, "સ્પષ્ટ છે કે ચા ઓછી પીવામાં આવી અને બિલ વધારે ફાડવામાં આવ્યા."

નિરુપમનો આરોપ છે કે હજુ પણ મુખ્યમંત્રી કાર્યાલય તેને ગંભીરતાથી લેવાને બદલે ખોટું બોલી રહ્યું છે.

તેમણે કહ્યું કે આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે મહારાષ્ટ્રનું બજેટ નુકસાનમાં ચાલી રહ્યું છે. રાજ્યની વિકાસ યોજનાઓ માટે ફાળવવામાં આવેલી ધનરાશિમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં, મહારાષ્ટ્ર પર લાખો કરોડો રૂપિયાનું દેવું પણ છે.

ખરેખર કેટલો ખર્ચ થાય છે?

સંજય નિરુપમના જણાવ્યા અનુસાર મંત્રાલયમાં બે રૂપિયાની ચા, બે રૂપિયાના બિસ્કિટ અને એક રૂપિયામાં બટાટાવડા મળે છે.

જો એક વ્યક્તિ બે વખત નાશ્તો કરે છે તો પણ આ ખર્ચ ખૂબ વધારે છે. તેમાં પણ મંત્રાલય શનિવાર અને રવિવાર બંધ રહે છે. આખા મંત્રાલયમાં રોજ પાંચ હજાર કરતા વધારે લોકો તો આવતા જ નથી.

તેમણે કહ્યું, "એટલે કે ચા માત્ર કાગળ પર જ પીવડાવવામાં આવે છે."

આ પહેલા થયું હતું 'ઉંદર કૌભાંડ'

ગત દિવસોમાં એક કૉન્ટ્રાક્ટરે દાવો કર્યો હતો કે તેમણે મંત્રાલયમાં એક અઠવાડિયાની અંદર ત્રણ લાખ ત્રીસ હજાર ઉંદર માર્યા હતા.

એટલે કે દર મિનિટે સરેરાશ 31 હજાર ઉંદર મારવામાં આવ્યા હતા. તેના બિલની ચૂકવણી પણ કરવામાં આવી હતી.

જોકે, ફડણવીસ સરકારના જ મંત્રી એકનાથ ખડસેએ આ વાત પર સવાલ ઉઠાવ્યો અને પૂછ્યું કે આ મરેલા ઉંદરોનું વજન નવ હજાર ટન કરતા વધારે હશે. ખડસેએ પૂછ્યું કે કંપનીએ આટલા ઉંદરને ક્યાં ફેંક્યા?

ત્યારબાદ ખબર પડી કે ઉંદર મારતી કોઈ કંપની ખરેખર છે જ નહીં. આ કંપની માત્ર કાગળો પર છે એટલે કે નકલી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો