You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શા માટે ભારતીયો સ્પીડ ડેટિંગ કરી રહ્યાં છે?
- લેેખક, સિન્ધુવાસિની
- પદ, બીબીસી સંવાદદાતા
"હું ત્યાં ગઈ ત્યારે મને એવું લાગ્યું હતું કે જાણે મારો સ્વયંવર યોજાવાનો છે. મારી સામે લગભગ દસ મુરતિયાઓ હતા અને હું તેમાંથી શ્રેષ્ઠને શોધી રહી હતી."
29 વર્ષની શ્રુતિ આ વાત કહેતી વખતે ખૂબ હસતી હતી. શ્રુતિ સ્પીડ ડેટિંગના કોઈ પ્રોગ્રામમાં પહેલીવાર સામેલ થઈ ત્યારે આવું થયું હતું.
સ્પીડ ડેટિંગ પ્રોગ્રામમાં મળેલા એક છોકરા સાથે શ્રુતિ હાલ ડેટિંગ કરી રહી છે.
શું છે સ્પીડ ડેટિંગ?
સ્પીડ ડેટિંગને આધુનિક સ્વયંવર કહીએ તો ખોટું નથી પણ એક મોટો ફરક એ છે કે સ્પીડ ડેટિંગ પ્રોગ્રામમાં છોકરા તથા છોકરીઓ બન્ને હોય છે.
બન્નેને મનપસંદ પાર્ટનર કે દોસ્ત પસંદ કરવાની છૂટ હોય છે. કોઈ પસંદ ન પડે તો બેધડક ના પણ કહી શકાય છે.
સ્પીડ ડેટિંગનો કન્સેપ્ટ પશ્ચિમી દેશોમાંથી આપણે ત્યાં આવ્યો છે. ભારત સહિતના વિશ્વના ઘણા દેશોમાં લોકોને આ વિચાર ગમી રહ્યો છે.
સ્પીડ ડેટિંગ પ્રોગ્રામમાં કુંવારા છોકરા-છોકરીઓ એકમેકને મળે છે. દસ છોકરાઓ હોય તો તેની સામે દસ છોકરીઓ હોય છે. એ દસેદસને એકમેકની સાથે અલગ-અલગ વાત કરવાની તક મળે છે.
એ વાતચીત માટે તેમને આઠેક મિનિટનો સમય આપવામાં આવે છે. એ આઠ મિનિટમાં છોકરા-છોકરીઓ એકમેકની પસંદ-નાપસંદ અને બેઝિક જાણકારી મેળવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનો અર્થ એવો થયો કે દરેક છોકરો અને છોકરી 80 મિનિટમાં એવા દસ લોકોને મળી શકે છે, જે ભવિષ્યમાં તેમનો પાર્ટનર બની શકે.
આઠ મિનિટની વાતચીતમાં એ નક્કી કરવાનું હોય છે કે એ દસમાંથી કોઈને ભવિષ્યમાં ફરી મળવાનું તમને ગમશે કે નહીં.
કોઈ છોકરો અને છોકરી ફરીવાર મળવા તૈયાર થાય તો વાત આગળ વધે છે.
સ્પીડ ડેટિંગના ફાયદા
સ્પીડ ડેટિંગની સૌથી સારી વાત એ છે કે તમારા જેવા લોકોને તમે બહુ ઓછા સમયમાં મળી શકો છો.
સ્પીડ ડેટિંગ પ્રોગ્રામમાં લોકો પ્રેમી-પ્રેમિકા કે ડેટ શોધવા જ આવતા હોય એવું નથી.
ઘણા લોકો એવા પણ હોય છે, જે માત્ર દોસ્તી અને નોર્મલ વાતચીત માટે પણ સ્પીડ ડેટિંગની પસંદગી કરતા હોય છે.
'લાઇફ ઓફ લાઇન' એક એવી ફોરમ છે, જે ભારતના અલગ-અલગ શહેરોમાં સ્પીડ ડેટિંગ ઇવેન્ટ્સનું આયોજન કરે છે. તેની શરૂઆત 2016માં થઈ હતી.
સ્પીડ ડેટિંગ માટે શું કરવું પડે?
આ ઇવેન્ટના આયોજકો પૈકીના એક છે પ્રતિક.
બીબીસી સાથે વાત કરતાં પ્રતિકે કહ્યું હતું, "કોઈ સ્પીડ ડેટિંગ કરવા ઇચ્છતું હોય તો તેમણે અમારી વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરવું પડે છે. પછી અમે તેમનો સંપર્ક કરીએ છીએ."
પ્રતિકના જણાવ્યા અનુસાર કામમાં હંમેશા વ્યસ્ત રહેતા 20થી 40 વર્ષની વયના લોકો સામાન્ય રીતે તેમની પાસે આવતા હોય છે.
ડેટિંગ કંપની અન્ય વ્યક્તિની સંમતિ વિના તેનો ફોનનંબર કે અન્ય માહિતી બીજી વ્યક્તિને આપી શકતી નથી.
સ્પીડ ડેટ.કોમ અને ક્વેક-ક્વેક.કોમ પણ સ્પીડ ડેટિંગની સુવિધા આપતી વેબસાઈટ્સ છે.
સ્પીડ ડેટિંગની ઓફર આપતી કંપનીઓ મેટ્રીમોનિઅલ વેબસાઈટ્સની માફક છોકરા-છોકરીઓનાં લગ્ન કરાવવાના હેતુસર કામ કરતી નથી.
ડેટિંગ બાદ કોઈ છોકરો અને છોકરી લગ્ન કરી લે એવું ઘણીવાર થતું હોય છે.
સ્પીડ ડેટિંગ કેટલું યોગ્ય?
ડો. ગીતાંજલિ સક્સેના એક રિલેશનશીપ એક્સપર્ટ છે. તેમની પાસે આવતા લોકોમાં યુવાઓની સંખ્યા મોટી હોય છે.
ડો. ગીતાંજલિએ કહ્યું હતું, "આજના વાતાવરણને ધ્યાનમાં લેતાં સ્પીડ ડેટિંગમાં કશું ખરાબ હોય એવું હું માનતી નથી."
"દરેકને પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય એવું જરૂરી નથી. તેથી તમે સમજી-વિચારીને જીવનસાથીની પસંદગી કરો તો આ સારી વાત છે."
વ્યક્તિગત અનુભવ
દિલ્હીમાં રહેતા ગૌરવ વૈદ્ય એક આઈટી કંપનીમાં કામ કરે છે. ઓસ્ટ્રેલિયાથી પાછા ફરેલા એક દોસ્તે ગૌરવને સ્પીડ ડેટિંગ અજમાવવાની સલાહ આપી હતી.
ગૌરવે બીબીસીને કહ્યું હતું, "સ્પીડ ડેટિંગ મને પહેલાં એક ગેમ જેવું લાગ્યું હતું."
"હું એક છોકરી સાથે વાત કરી રહ્યો હતો ત્યાં સિટી વાગી અને મને બીજા ટેબલ પર જઈને બીજી છોકરી સાથે વાત કરવા જણાવવામાં આવ્યું હતું."
જોકે, એ પછી ગૌરવને સમજાયું હતું કે ઓછા સમયમાં વધુમાં વધુ લોકો સાથે વાત કરી શકાય એ જ સ્પીડ ડેટિંગની વિશેષતા છે.
ગૌરવે કહ્યું હતું, "હવે હું બે છોકરીઓ સાથે વાત કરી રહ્યો છું. મને મનપસંદ સાથી મળી જાય એવું હું ઇચ્છું છું."
તમે શું ઈચ્છો છો એ નક્કી કરી લો
સ્પીડ ડેટિંગમાં પ્રેમ કે પાર્ટનર મળવાની ગેરંટી છે એવું નથી.
ડો. ગીતાંજલિએ કહ્યું હતું, "તમે સ્પીડ ડેટિંગ કરતા હો તો તમને ખબર હોવી જોઈએ કે તમે ખરેખર કેવો સાથી શોધી રહ્યા છો, કારણ કે એકસાથે અનેક વ્યક્તિને મળવાથી મનમાં ગૂંચવણ સર્જાઈ શકે છે."
ડો. ગીતાંજલિ માને છે કે પહેલી મુલાકાતમાં તમને કોઈની સુંદરતા કે સ્મિત આકર્ષે એવું બની શકે પણ એ વ્યક્તિ તમારા માટે યોગ્ય જ હશે એવું જરૂરી નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો