સ્કૂલ ફી: શા માટે ગુજરાતમાં વાલીઓ અને સરકાર સામસામે આવ્યાં?

બાળકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી ગુજરાતી

તાજેતરમાં વડોદરાની એક શાળામાં વાલી ફી ભરવામાં નિષ્ફળ જતા તેમના બાળકને સ્કૂલમાંથી કાઢી મૂકવાની કથિત ધમકી આપવામાં આવી હતી.

સતત મોંઘુ થઈ રહેલું શિક્ષણ ચિંતાનો વિષય છે. બીજી તરફ ગુજરાત સરકાર ખાનગી શાળાઓના ફી નિયમન માટે કાયદો લાવવાની કોશિશ કરી રહી છે.

જોકે, આ મામલે સરકારના વલણ સામે વાલી મંડળ સવાલો કરી રહ્યું છે.

રાજ્યમાં છેલ્લા એક વર્ષથી આ મામલે વાલી-શાળા સંચાલકો અને સરકાર એમ ત્રણ વચ્ચે ત્રિપાંખિયો સંઘર્ષ જોવા મળી રહ્યો છે.

સરકારે 2017માં વિધાનસભામાં પસાર કરેલા 'ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ (ફી નિયમન) એક્ટ, 2017' પર હજી પણ પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા વાલીઓ માટે ચિંતાનો મુખ્ય વિષય છે.

શિક્ષણવિદ ઉપરાંત ખાનગી શાળા સંચાલકોએ પણ સરકારનાં પગલા સામે સવાલ કર્યો છે.

સમગ્ર બાબતને કારણે સૌથી વધુ પરેશાની શાળામાં ભણતા બાળકો અને તેમના માતાપિતાને થઈ રહી છે.

line

વાલીઓની પરેશાની અને મૂંઝવણ

બાળકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ મામલે બીબીસી સાથેની વાતચીતમાં વાલી સ્વરાજ મંચના કન્વીનર અમિત પંચાલે કહ્યું, "ખરેખર આમારી માગણી રાઇટ ટુ એજ્યુકેશન અતર્ગત સરકાર ખાનગી શાળાઓેને ગ્રાન્ટરૂપે ફી ચૂકવે છે, તેવું માળખું બનાવવામાં આવે તેવી હતી."

"પણ સરકાર તેની જગ્યાએ 'ફી નિયમન સમિતિ'નો આઇડિયા લઈને આવી. જે માટે ઉપરોક્ત બિલ લાવવામાં આવ્યું છે." ગત વર્ષે બિલ લાવવામાં આવ્યું હતું જેનું આજે પણ અમલીકરણ થયું નથી."

"આ બિલને ખાનગી શાળાના સંચાલકોએ કોર્ટમાં પડકાર્યું હોવાથી સરકારે અમને આશ્વાસન આપ્યું હતું કે સરકાર પર વિશ્વાસ રાખવામાં આવે."

line

'સરકાર અમારી ભરેલી ફી પાછી અપાવી શકશે?'

બાળકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અમિત કહે છે, "વળી અગાઉ શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે વાલીઓએ ગત વર્ષ એટલે કે 2016 અનુસારની ફી પ્રમાણે પ્રથમ સત્રની ફી ભરવી."

"જ્યારે તાજેતરમાં તેમણે વિપરીત નિવેદન આપ્યું હતું કે અમે સંચાલકો કહે તેટલી ફી ભરી દઈએ. સુપ્રીમ કોર્ટના અંતિમ ચુકાદા બાદ ફીમાં જે વધઘટ આવશે તે પરત મળી જાય તેની સરકાર વ્યવસ્થા કરાવશે."

"અમને એ પણ ચિંતા છે કે સરકાર અમે ચૂકવેલી ફી પરત કેવી રીતે અપાવી શકશે. તદુપરાંત સરકારે સુપ્રીમ કોર્ટમાં આ કેસ મામલે મજબૂત રજૂઆત કરી નથી."

"સરકારે પૂરતા અભ્યાસ કે તૈયારી વગર જ કામ કર્યું જેથી સુપ્રીમ કોર્ટે ફરીથી ફી નિયમન સમિતિ રચવા નિર્દેશ આપ્યા છે."

"ફી નક્કી કરવા બનાવેલું રૂ. 15,000 અને રૂ. 25,000 અને રૂ. 27,000નું પ્રસ્તાવિત માળખું પણ ફરી તૈયાર કરવા કહ્યું છે. મડાગાંઠને કારણે સંચાલકો અને વાલીઓ વચ્ચેનું ઘર્ષણ વધી ગયું છે.

અમિતના કહેવા પ્રમાણે સંચાલકોનાં દબાણને કારણે વાલીઓએ વધુ ફી ભરવી પડી રહી છે. જોકે, સૌથી મોટું નિશાન શાળામાં અભ્યાસ કરતા બાળકો બની રહ્યા છે. કેમકે છેવટે પરેશાની બાળકે સહન કરવી પડી રહી છે.

line

સુપ્રીમનો વચગાળાનો ચુકાદો

સુપ્રીમ કોર્ટની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અત્રે નોંધવું રહ્યું કે, સરકારના પ્રસ્તુત બિલને ખાનગી શાળાઓના સંચાલક મંડળ દ્વારા પડકારવામાં આવ્યું હતું.

પણ ગુજરાત હાઇકોર્ટે તેમની વિરુદ્ધમાં ચુકાદો આપતા સંચાલકોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી.

જેને પગલે સુપ્રીમ કોર્ટે આ મામલે એક વચગાળાનો ચુકાદો આપ્યો છે.

જેમાં શાળાઓને કામચલાઉ ફી વસૂલવા માટે કહેવામાં આવ્યું છે. વળી ત્રીજી મેની તારીખ આગામી સુનાવણી માટે નક્કી કરી છે.

તદુપરાંત વાલી અને સંચાલકોને સાંભળવા એક સમિતિ બનાવવા અને નવી નિયમન સમિતિ રચવા સરકારને નિર્દેશ પણ આપ્યા છે.

line

રાજ્ય સરકારનું વલણ

બાળકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

દરમિયાન બીબીસી સાથેની વાતચીતમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, "સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળાના ચુકાદાનો અમલ કરવામાં આવશે."

"જેમાં વાલી-સંચાલકોને વાચા આપવા સમિતિ નીમવા કહેવામાં આવ્યું છે. જે મામલે સરકાર કામ કરી રહી છે."

"દરમિયાન કોર્ટે શાળાઓને કામચલાઉ ફી લેવા કહ્યું છે પણ અંતિમ નિર્ણય આવતા શાળાઓએ વધારો પરત કરવાનો રહેશે."

"જે શાળાઓએ વધુ ફી વસૂલી હશે તેમણે ફી નિયમન સમિતિ સમક્ષ વાજબીપણું રજૂ કરવું પડશે."

વાલીઓ સંચાલકો કહે તેટલી ફી ભરી દે તેવા નિવેદન અંગે પૂછતા તેમણે આ વાત કહી હોવાનો ઇન્કાર કર્યો હતો.

આ અંગે તેમણે કહ્યું, "મેં આવું કોઈ નિવેદન આપ્યું નથી."

line

'સુપ્રીમનો ચુકાદો સરકારને તમાચો'

વિદ્યાર્થીઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સમગ્ર બાબત અંગે શિક્ષણવિદ સુખદેવ પટેલે કહ્યું કે સરકારે કોર્ટમાં નબળી રજૂઆત કરતા સંચાલકો માટે આ ચુકાદો તરફેણકારી બન્યો છે.

તેમણે કહ્યું, "સુપ્રીમ કોર્ટે રૂ. 15,000 અને રૂ. 25,000 અને રૂ. 27,000ના પ્રસ્તાવિત ફી માળખા સામે સવાલ કર્યો છે."

"આ પ્રસ્તાવિત ફી ધોરણ કઈ રીતે અને કોણે નક્કી કર્યું તે મામલે સરકાર મજબૂત આધાર નહીં આપી શકતા સુપ્રીમ કોર્ટે સમગ્ર કવાયત ફરીથી કરવા માટે નિર્દેશ આપ્યો છે."

ફી નિયમન સમિતિ પણ ફરીથી રચવા નિર્દેશ આપ્યા તે સરકારે બરાબર હોમવર્ક નહીં કર્યું હોવાનું દર્શાવે છે.

"તદુપરાંત સમિતિમાં વાલીઓને પ્રતિનિધિત્વ નથી મળ્યું તે યોગ્ય નથી. કેટલી ફી ભરવી તે અંગે વાલીઓને મૂંઝવણ છે. બીજી તરફ શાળાઓ નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ પાક્કો કરવા ફી ભરી દેવા કહી રહી છે."

"જોકે, બિલને પગલે ખાનગી શાળાઓએ ખર્ચ-હિસાબ જમા કરાવવાના રહેશે. આથી પારદર્શિતા આવવાની શક્યતા છે. સુપ્રીમમાં આગામી સુનાવણીમાં સરકારે જેટલી પણ શાળાઓએ પિટિશન કરેલી છે તેમના હિસાબ-કિતાબ રજૂ કરવા જોઈએ."

"એટલું જ નહીં ફી ઘટાડવાથી શિક્ષણની ગુણવત્તા પર અસર થવાની ખાનગી શાળાઓની દલીલ અયોગ્ય છે."

line

'શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવનારું ડીમૉનેટાઇઝેશન'

વિદ્યાર્થીઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બીજી તરફ અમદાવાદ ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોક્સીએ આ અંગે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "સરકારે ફ્રી માર્કેટ સર્જવું જોઈએ તો સમસ્યાનો ઉકેલ આવી જશે."

"સ્લેબનો તર્ક જ યોગ્ય છે. ખરેખર સારી શાળાઓની જરૂર છે. સ્લેબને કારણે સારી શાળાઓ અને શિક્ષણની ગુણવત્તાને અસર થશે."

"શાળામાં અપાતી સુવિધાઓ ખરેખર વાલીઓની જ માગણી હોય છે. અને તેઓ ફી આપવા તૈયાર છે. ઓછી ફી વસૂલતી શાળાઓ પણ છે તોપણ લોકો તેમના બાળકોને ત્યાં કેમ નથી ભણાવતા?"

"અમે સરકારના કાયદાનું પાલન કરીશું પણ તેના કારણે લાંબા ગાળે શાળામાં બાળકોને શિખવાડવામાં આવતી રચનાત્મક પ્રવૃતિઓ પર અસર થશે. આ શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવનારું 'ડીમૉનેટાઇઝેશન' હોઈ શકે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો