પ્રેસ રિવ્યૂ: મોદી અને પ્રશાંત કિશોર 2019ની ચૂંટણી પહેલાં ફરી ભેગા થશે?

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ 2019માં થનારી ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદીની પ્રચાર ટીમમાં ફરી એકવાર પ્રશાંત કિશોર જોડાઈ શકે છે.

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન મોદી અને પ્રશાંત કિશોર વચ્ચે થોડા મહિના પહેલાં જ મુલાકાત થઈ હતી.

પ્રશાંત કિશોર વર્ષ 2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અને 2014માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મોદી સાથે હતા.

જોકે, એ બાદ બંને વચ્ચે અંતર વધતું ગયું અને પ્રશાંત કિશોર મોદીની ટીમમાંથી અલગ થઈ ગયા હતા.

'હિંદુ એક થાવ, દેશની જવાબદારી તમારા માથે'

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું કે હિંદુઓએ એક થવું જરૂરી છે. ભારતની જવાબદારી હિંદુઓ પર છે અને જો દેશ સારી રીતે પ્રગતિના કરે તો હિંદુઓને સવાલ કરવા જોઈએ.

તેમણે એમ પણ કહ્યું કે પ્રાચીન સમયથી ભારત હિંદુઓનો દેશ છે અને હિંદુઓ માટે વિશ્વમાં એવી કોઈ જગ્યા નથી કે તેઓ ત્યાં જઈ શકે.

તેમણે આ ટીપ્પણી મેરઠમાં યોજાયેલા 25માં સ્વયંસેવક સંમેલનમાં કરી હતી. આ સંમેલનને રાષ્ટ્રોદય નામે પણ ઓળખવામાં આવે છે.

ભાગવતે એમ પણ કહ્યું કે જ્ઞાતિવાદ હિંદુઓને એક થતાં રોકે છે. જ્ઞાતિને ભૂલીને આપણે એવું કહેવું જોઈએ કે દરેક હિંદુ ભાઈ છે.

ભારતના સ્વદેશી ડ્રોન રુસ્તમ-2નું સફળ પરિક્ષણ

એનડીટીવીના અહેવાલ મુજબ ભારતે સ્વદેશી ડ્રોન રુસ્તમ-2નું સફળ પરીક્ષણ કર્યું છે. આ ડ્રોન પાવરફુલ એન્જિન ધરાવે છે.

ભારતના ડિફેન્સ ઍન્ડ રિસર્ચ ઍન્ડ ડેવલૉપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ) દ્વારા કર્ણાટકમાં આ ડ્રોનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ ડ્રોનનો ઉપયોગ સેના દ્વારા સરહદ અને અન્ય જરૂરી સ્થળોએ દેખરેખ માટે કરવામાં આવશે.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે આ નવું સ્વેદેશી ડ્રોન એટલું સક્ષમ છે કે ભારત દ્વારા ઇઝરાયલ અને અમેરિકામાંથી આયાત કરેલા ડ્રોન્સની જગ્યા પૂરી શકશે.

અમદાવાદમાં તંગી સર્જાશે તો બોર ધરાવતા ફ્લેટને પાણી નહીં

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશને શહેરમાં ખાનગી બોરનો સરવે કરાવવાનો નિર્ણય કર્યો છે.

આ સરવે બાદ ખાનગી બોરમાંથી કેટલું પાણી ઉપલબ્ધ થઈ શકે તેનો અંદાજ કાઢવામાં આવશે.

અહેવાલ મુજબ જો પાણીની તંગી સર્જાશે તો જ્યાં પાણીના ખાનગી બોર છે તેવા ફ્લેટ કે સોસાયટીમાં કોર્પોરેશન દ્વારા અપાતું પાણી બંધ કરી દેવામાં આવશે અથવા ઓછું કરી દેવાશે.

આ સરવે માટે દરેક ઝોનના ઇજનેર વિભાગને સૂચનાઓ આપી દેવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો