‘માનવતા બચાવવી હોય તો માતૃભાષા પણ બચાવવી પડશે’

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બાબુ સુથાર
- પદ, પીએચ.ડી. યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા, અમેરિકા
એક અમેરિકન વિદ્યાર્થી ગુજરાતી ભાષા શીખે છે. એ જ રીતે એક ગુજરાતી વિદ્યાર્થી અંગ્રેજી ભાષા શીખે છે. પરિણામે બન્ને વિદ્યાર્થીઓ બહુભાષાવાદી (multilingual) બને છે.
પણ જો દસેક વરસ પછી આ બન્ને વિદ્યાર્થીઓને તમે ફરીથી મળશો તો તમે એક વાત અવશ્ય નોંધશો: પેલા અમેરિકન વિદ્યાર્થીની પ્રથમ ભાષા, જેને આપણે માતૃભાષા તરીકે પણ ઓળખીએ છીએ એ, અર્થાત્ અંગ્રેજી ભાષા, અકબંધ રહી હશે. એમાં ભાગ્યે જ કોઈક ગુજરાતી શબ્દો પ્રવેશ્યો હશે.
પણ પેલા ગુજરાતી વિદ્યાર્થીની માતૃભાષામાં, અર્થાત્ ગુજરાતીમાં, એક પ્રકારનું ધોવાણ થયેલું હશે.
એ વિદ્યાર્થી ગુજરાતીમાં વાત કરતી વખતે અસંખ્ય અંગ્રેજી શબ્દો વાપરતો હશે.
ભલો હશે તો એ 'હું ગુજરાતી ભાષા' ભૂલી ગયો છું એમ કહીને એ વાત પર ગર્વ પણ લેશે.
મેં કહ્યું છે એમ આ બન્ને વિદ્યાર્થીઓ બહુભાષાવાદી બને છે પણ પેલા અમેરિકન વિદ્યાર્થીનો બહુભાષાવાદ આપણા ગુજરાતી વિદ્યાર્થીના બહુભાષાવાદ કરતાં જુદા પ્રકારનો છે.
અમેરિકન વિદ્યાર્થીનો બહુભાષાવાદ એના ભાષાકૌશલ્યમાં એક ભાષા ઉમેરે છે.
એની સામે છેડે, આપણા ગુજરાતી વિદ્યાર્થીનો બહુભાષાવાદ એની એક ભાષાની બાદબાકી કરી નાખે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ વાંચવું પણ ગમશે:
આ બે પ્રકારના બહુભાષાવાદ માટે ભાષાશાસ્ત્રીઓએ અનુક્રમે additive bilingualism અને subtractive bilingualism એવી બે પરિભાષાઓ પણ વિકસાવી છે.

આપણી જાતને વ્યક્ત કરવાનું ગુમાવી રહ્યા છીએ

હું માનું છું કે ગુજરાતમાં, અને ઓછેવત્તે અંશે ભારતનાં બીજાં રાજ્યોમાં પણ, લોકો ધીમે ધીમે subtractive બહુભાષાવાદ તરફ જઈ રહ્યા છે.
એમની પ્રથમ ભાષાનું ધોવાણ થઈ રહ્યું છે અને એમાંના મોટા ભાગના લોકો એમની બીજી ભાષા પર, અર્થાત્ અંગ્રેજી પર, માતૃભાષા પર હોય એવું નિયંત્રણ ધરાવતા નથી.
એને કારણે ક્યારેક તો મને એવું લાગે કે આપણે ધીમે ધીમે 'માતૃભાષા વગરના' બનવા તરફ જઈ રહ્યા છીએ.
કેમ કે આપણે આપણી જાતને આપણી માતૃભાષામાં કે પરભાષામાં પણ બરાબર વ્યક્ત કરવાની ક્ષમતા ગુમાવવા લાગ્યા છીએ.
આ પરિસ્થિતિ આપણા માટે, આપણામાં રહેલી માનવતા માટે અને બીજાઓ માટે પણ સારી નથી.

‘હું સાચો પડી રહ્યો છું અને મને એનું દુ:ખ છે’

છેક ૧૯૯૫માં મેં એક લેખ લખેલો: Locating a Regional Language in a Globalization Process.
મેં એમાં ગુજરાતી સમૂદાયને વિભાવનાના સ્તરે ચાર વર્ગમાં વહેંચી દીધેલો:
- અંગ્રેજી પર માતૃભાષા જેવું વર્ચસ્વ ધરાવતા અને ગુજરાતી ન જાણતા ગુજરાતીઓ,
- ગુજરાતી કે અંગ્રેજી બન્નેમાંથી એક પણ ભાષા પરત માતૃભાષા જેવું વર્ચસ્વ ન ધરાવતા ગુજરાતીઓ
- અંગ્રેજી પર બીજી ભાષા જેવું અને ગુજરાતી પર માતૃભાષા જેવું વર્ચસ્વ ધરાવતા ગુજરાતીઓ અને
- કેવળ ગુજરાતી ભાષા જાણતા ગુજરાતીઓ.
આમાંના પહેલા વર્ગ સામે મને કોઈ ફરિયાદ નથી. કેમ કે એ ગુજરાતીઓ પાસે એક માતૃભાષા તો છે જ.
એ ગુજરાતીઓ પોતાની જાતને અંગ્રેજીમાં વ્યક્ત કરી શકે છે.
હું માનું છું કે આમાંનો ત્રીજો વર્ગ ધીમે ધીમે સંકોચાઈ રહ્યો છે. થોડા વખતમાં આ વર્ગ કદાચ નામશેષ થઈ જશે.
મેં એ લેખમાં દલીલ કરેલી કે ગુજરાતમાં આમાંનો બીજો વર્ગ ધીમે ધીમે વિસ્તરી રહ્યો છે અને જો એ વર્ગ આમને આમ વિસ્તરતો રહેશે તો ગુજરાતમાં જ ગુજરાતી ભાષા પર માતૃભાષા જેવું વર્ચસ્વ ધરાવતા ગુજરાતીઓની સંખ્યા બહુ ઓછી થઈ જશે.
એને કારણે ગુજરાતી ભાષાનું મોટા પાયા પર ધોવાણ થશે.
મેં ત્યારે એમ પણ સૂચવેલું કે સરકારે અત્યારથી જ જાગવાની જરૂર છે.
એ લેખ પ્રગટ થયો ત્યારે કેટલાક સાહિત્યકારોએ, અલબત્ત ખાનગીમાં, મારી ટીકા કરેલી.
એમણે કહેલું કે ગુજરાતી ભાષાનો વાળ પણ વાંકો થવાનો નથી.
હું એમને મજાકમાં કહેતો કે વાળ હશે તો વાંકો થશે ને! સાહિત્યકારોની વાત તો જાણે સમજ્યા.
કેમ કે એ લોકો ભાષા વાપરતા હોય છે પણ ભાષાની સંરચના કે ભાષાના સમાજ સાથેના વ્યવહાર વિશે ખાસ વિચારતા નથી અને વિચારે છે તો ખૂબ જ મર્યાદિત સ્વરૂપમાં.
પણ એ વખતે કેટલાક ભાષાવિજ્ઞાનીઓએ પણ મારી ટીકા કરેલી. એમણે પણ એમ જ કહેલું કે ગુજરાતી ભાષાને કંઈ જ થવાનું નથી. બાબુ સુથાર ખોટા છે.
આટલાં વરસો પછી, કમનસીબે, હું સાચો પડી રહ્યો છું અને મને એનું દુ:ખ છે.
હું માનું છું કે ગુજરાતમાં, મેં જેનું ભવિષ્ય ભાખેલું એ ત્રીજો વર્ગ, હવે બહુમતિમાં આવી ગયો છે.
એટલે સુધી કે આપણા મોટા ભાગના સર્જકો પણ અને સમૂહ માધ્યમો પણ વ્યાકરણ કે/અને જોડણીદોષ વગરની ભાષા લખી શકતા નથી.

અખાની કાવ્યપંક્તિ અને દોષયુક્ત ભાષા લખનારા ગુજરાતીઓ

ઘણા લોકો, પોતાના વ્યાકરણદોષ કે જોડણીદોષનો બચાવ કરવા અખાની એક કાવ્યપંક્તિ ટાંકતા હોય છે: "ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર."
કેટલાક લોકો, એમાં કેટલાક સર્જકોનો પણ સમાવેશ થાય છે, એવી દલીલ કરે છે કે લખાણનું હાર્દ સમજાય છેને? બસ. વ્યાકરણની કે જોડણીની ચિન્તા કરવાની જરૂર નથી.
પણ આ દલીલ બરાબર નથી. સૌ પહેલાં આપણે અખાની કાવ્યપંક્તિ જોઈએ. શું અખાએ સાચેસાચ આમ કહ્યું છે?
જે લોકો પોતાના વ્યાકરણદોષ કે જોડણીદોષના બચાવમાં અખાની આ પંક્તિને ટાંકે છે એમને ખબર જ નથી કે અખાએ એ પંક્તિ જુદા જ સંદર્ભમાં લખેલી.
જ્યારે અખો ગુજરાતીમાં લખતો હતો ત્યારે કેટલાક પંડિતોએ એને કહેલું કે સંસ્કૃતમાં લખે એ જ જ્ઞાની કહેવાય. ગુજરાતીમાં લખે એ નહીં.
એમને જવાબ આપવા અખાએ આ પંક્તિ લખેલી. એમણે આ પંક્તિ કાંઈ ભવિષ્યમાં દોષયુક્ત ભાષા લખનારા ગુજરાતીઓના બચાવમાં નથી લખી.

ભાષાની ચિંતા કેમ કરવાની?

ઇમેજ સ્રોત, Matrubhasha Abhiyan
જે લોકો એવી દલીલ કરે છે કે ભાવ સમજાય તો ભાષાની ચિંતા શા માટે કરવાની?
એમને આપણે આ એક અંગ્રેજી વાક્ય આપીએ: She were comed yesterday but I am not presented at home. તમને ભાવ તો સમજાય છે ને?
"એ ગઈ કાલે ઘેર આવી ત્યારે હું ઘેર ન હતો." તમે તરત જ કહેશો કે આ તો ખોટું અંગ્રેજી છે. ન ચાલે.
તો પછી મારો પ્રશ્ન એ છે કે ખોટું ગુજરાતી શું કામ ચાલે? કોઈ આમ લખે કે "મણીકાકી માંદાં હતાં. એને કાલથી તાવ આવતો હતો." તો તમે કહેશો: ભાવ સમજાય છેને? બસ.
હકીકત એ છે કે અહીં 'એને'ને બદલે 'એમને' જોઈએ. કેમ કે અગાઉના વાક્યમાં આપણે માનવાચક 'મણીકાકી' શબ્દ વાપર્યો છે.
જો કોઈ માણસ અંગ્રેજીમાં ભૂલ કરે તો આપણે એને અજ્ઞાની કહીશું પણ જો એ જ માણસ ગુજરાતીમાં ભૂલ કરે તો આપણે એનો બચાવ કરીશું. આને તો હું 'ભાષાશાસ્ત્રીય જાતિવાદ' કહું છું. આ જાતિવાદ ખતરનાક છે.

‘ભાષા વફાદારી’ એટલે શું?
સવાલ એ છે કે આપણે શા માટે ગુજરાતી ભાષા પરત્ત્વે આવો અભિગમ રાખતા હોઈશું?
ભાષાશાસ્ત્રીઓએ 'ભાષાવફાદારી' (language loyalty) જેવી એક સંજ્ઞા વિકસાવી છે.
લોકો જે ભાષા પોતાનો સામાજિક દરજ્જો ઊંચો લઈ જાય, જે ભાષા આર્થિક ફાયદો કરાવે અને જે ભાષાનો વપરાશ વ્યાપક હોય એ ભાષાને વધારે વફાદાર રહેવાનો પ્રયાસ કરતા હોય છે.
ગુજરાતી ભાષા બોલનારનો સામાજિક દરજ્જો બહુ ઊંચો ગણાતો નથી.
એ જ રીતે, ગુજરાતી ભાષા શીખવાથી રોજગારીનાં ક્ષેત્રો પણ ખૂબ જ મર્યાદિત બની જતાં હોય છે.
અને બરાબર એમ જ, ગુજરાતી ભાષાના વપરાશનું ક્ષેત્ર પણ ઘણું મર્યાદિત છે.
વિજ્ઞાન કે ટેકનોલોજીમાં ગુજરાતી ભાષા ખૂબ ઓછી વપરાય છે. એને કારણે ગુજરાતી પ્રજાની ગુજરાતી ભાષા પરત્ત્વેની વફાદારીમાં સારી એવી 'ઘટ' આવી છે.

ગુજરાતી ભાષાને ‘મહાન’ બનાવીશું?

ઇમેજ સ્રોત, Getty Images
પણ, આપણે એક વાત ભૂલી જઈએ છીએ કે કોઈ પણ ભાષાને એના ભાષકો જ સમૃદ્ધ બનાવતા હોય છે.
અંગ્રેજી કે બીજી કોઈ પણ ભાષાની સંરચનામાં એવું કશું નથી જે એમને મહાન બનાવે.
અંગ્રેજી પ્રજાએ અંગ્રેજી ભાષાને વફાદાર રહીને 'મહાન' બનાવી છે.
આપણે ગુજરાતી ભાષાને એના જેવી 'મહાન' ન બનાવીએ તો કંઈ નહીં, પણ એની જાળવણી કરી શકીએ તો ઘણું.
કેટલાક લોકો, ખાસ કરીને ગુજરાતી લોકપ્રિય પત્રકારો, એવી દલીલ કરતા હોય છે કે ભાષા તો નદી છે. એમાં કંઈ પણ વહે. પણ, એવું નથી.
જેનું ખેતર નદી કિનારે હોય એ ખેડૂત નદીના પાણીથી એના ખેતરનું ધોવાણ ન થાય એની કાળજી લેતો હોય છે. તો પછી ભાષાની કાળજી કેમ ન લેવી જોઈએ.
આ પત્રકારો જ્યારે બિમાર પડે ત્યારે 'શરીર છે. પરિવર્તનો આવ્યા કરે' એમ કરીને બેસી રહેતા નથી.
એ લોકો પોતાની વગ વાપરીને શ્રેષ્ઠ દાક્તરો પાસે જતા હોય છે. શા માટે?
જ્યારે આપણે વિકાસના નામે કુદરતનું પણ શોષણ કરી રહ્યા હોઈએ ત્યારે ભાષા જેવી વસ્તુઓને કુદરતના ભરોસે ન છોડી દેવાય.

માનવતા અને માતૃભાષા વચ્ચે સંબંધ
મેં એક વાર ક્યાંક લખેલું કે જે સરકાર એના વિકાસના કાર્યક્રમમાં રાજ્યની ભાષાના વિકાસનો પણ સમાવેશ ન કરે એ સરકારને જે તે ભાષાના 'વંઠેલા દીકરા' તરીકે ઓળખવી જોઈએ.
ગુજરાતમાં ગુજરાતી ભાષાનું અઢળક ધોવાણ થયું છે. એ માટે સરકાર પણ એટલી જ જવાબદાર છે.
સરકાર પાસે કોઈ ચોક્કસ એવી ભાષાનીતિ નથી. જે છે તે લોકપ્રિયતાને વરેલી છે.
સરકારે લોકો માગે તે જ નથી આપવાનું. જો એમ હોત તો સરકારે વેરા પણ નાબૂદ કરવા જોઈએ.
લોકો ક્યાં વેરો આપવા માગે છે? પણ, વેરાની બાબતે સરકાર પોતાનો બચાવ કરતી હોય છે. ભાષાની બાબતે નહીં.
હું માનું છું કે ગુજરાત સરકારે ગુજરાતી ભાષાના વિકાસ માટે એક અલગ નિગમ જ ઊભું કરવું જોઈએ.
વૈશ્વિકીકરણના દબાણ હેઠળ જગતની ઘણી બધી ભાષાઓ તકલાદી થવા લાગી છે.
એની સમાન્તરે માનવતા પણ તકલાદી થવા માંડી છે.
જો આપણે આપણી માનવતા બચાવવી હોય તો માતૃભાષા પણ બચાવવી પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












