પ્રેસ રિવ્યૂ: અમેરિકાના ગ્રીન કાર્ડ અંગેના આ એક નિર્ણયથી લાખો ભારતીયોને ફાયદો થઈ શકે

અમેરિકામાં સ્થાયી થવા માગતા ભારતીયો માટે સારા સમાચાર છે.

સંદેશના અહેવાલ મુજબ ટ્રમ્પ તંત્ર દ્વારા ગ્રીન કાર્ડ મુદ્દે એક મહત્ત્વનું બિલ યુએસની સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે.

આ બિલમાં મેરિટના આધારે ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ઉપરાંત બિલમાં ગ્રીન કાર્ડની સંખ્યામાં 45 ટકા જેટલો વધારો કરવાની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે.

અહેવાલ પ્રમાણે જો આ બિલને મંજૂરી આપવામાં આવશે તો અમરિકા જવા માગતા લોકોને વધારે ફાયદો થશે.

ખાસ કરીને પાંચ લાખ ભારતીયોને ફાયદો થશે જેમણે અરજી કરી દીધી છે.

એક ગાયને કારણે ફસાયા હજારો પ્રવાસી

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે અમદાવાદ એરપોર્ટમાં એક ગાય ઘૂસી જતા ભાગદોડ મચી ગઈ હતી.

સવારના 3 વાગ્યાની આસપાસ ગાય ઘૂસી જતા રન વે બંધ કરવાની ફરજ પડી હતી.

બે ફ્લાઇટ્સને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી તો કેટલીક ફ્લાઇટ્સને મોડી કરવી પડી હતી.

સંદેશમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ગાયને કારણે ફ્લાઇટ્સ મોડી પડતાં હજારો પ્રવાસીઓ અટવાયાં હતાં.

અંતે એક કલાકની મહેનત બાદ ગાયને બહાર કાઢવામાં આવી હતી.

ગુજરાતમાં રોડ પર ફિલ્મી દ્રશ્યો

નવગુજરાત સમયના અહેવાલ મુજબ રાજસ્થાનની વાહનચોર બિશ્નોઈ ગેંગ અને અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વચ્ચે સામસામે ગોળીબારની ઘટના બની હતી.

ગેંગે અડાલજ ટોલબૂથ પાસે પોલીસ અધિકારીઓને કચડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારના દરવાજે બંને પોલીસ અધિકારીઓ લટકી જતા બચી ગયા હતા.

ત્યારબાદ પોલીસ અને ગેંગ વચ્ચે અડાલજથી મહેસાણા જતા રોડ પર પકડાપકડીનો ખેલ ચાલ્યો હતો. જેને લઈને રસ્તામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયાં હતાં.

આશરે 45 કિલોમીટર સુધી આવી રીતે ચોર-પોલીસનો સંઘર્ષ ચાલતો રહ્યો.

અંતે શંકુઝ વોટર પાર્ક પાસે આવેલા અમીપુરા ગામ પાસે ગેંગની સ્કોર્પિઓ કાર એક વીજના થાંભલા સાથે અથડાતા ઊભી રહી ગઈ હતી.

જે બાદ અંદરથી ઊતરેલા બે શખ્સોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો. અંતે છ જેટલા આરોપીને પકડવામાં પોલીસ સફળ રહી હતી.