નરેન્દ્ર મોદી મારા દોસ્ત, તેમની ટીકા નથી કરતોઃ સ્વામી

ભાજપના નેતા અને રાજ્યસભાના સભ્ય સુબ્રમણિયન સ્વામીએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દોસ્ત છે અને તેઓ તેમની ટીકા નથી કરતા.
બીબીસીના સંવાદદાતા સલમાન રાવી સાથે ફેસબુક લાઇવ કાર્યક્રમમાં સુબ્રમણિયન સ્વામીએ આ વાત કહી હતી.
બીબીસી સાથેની વાતચીતમાં સ્વામીએ તેમનાં નિવેદનો, રામ મંદિર, ધર્મ અને વિવાદો વિશે મોકળાશથી વાત કરી હતી.
જીડીપીના આંકડામાં ઘાલમેલ શક્ય હોવાનું તેમણે તાજેતરમાં જણાવ્યું હતું.
ભારતે ઇઝરાયલ વિરુદ્ધ મતદાન કર્યું ત્યારે સુબ્રમણિયન સ્વામીએ મોદી સરકારની ઝાટકણી કાઢી હતી.
તમને આ પણ વાંચવું ગમશે

'મોદી મારા દોસ્ત'

''હું નરેન્દ્ર મોદી વિરુદ્ધ ક્યારેય કંઈ નથી બોલતો. તેઓ મારા દોસ્ત છે.''
''હું જે કહું છું તેનો ચાર-પાંચ મહિનામાં પક્ષ અમલ કરે છે. હું પક્ષના હિતની વાત કરું છું.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''ગુજરાતમાં બીજેપીએ બહુમતી મેળવી છે. 105 બેઠકો મળશે એવું મેં કહ્યું હતું, પણ 99 બેઠકો મળી.''
''બીજેપીને 150 બેઠકો મળશે એવું જેણે કહેલું તેને પૂછો કે આવું કેમ ન થયું? ''
''તમે તેમને પૂછશો તો તેઓ એમ કહી દેશે કે એ તો ચૂંટણીનો જુમલો હતો.''
તમને હસતા રહેવા સામે કોઈ વાંધો છે? આ સવાલના જવાબમાં સુબ્રમણિયન સ્વામીએ જણાવ્યું હતું કે તેનો આધાર સંદર્ભ પર હોય છે.
કોઈ મૂર્ખ રાજકારણમાં આવશે તો તેમને દુઃખ થશે, હસવું નહીં આવે.

સુબ્રમણિયન સ્વામી બીજું શું કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
''ઘણા લોકો વિચારે છે કે હું બોલવા સિવાય બીજું શું કરું છું. લોકો આવું એટલે વિચારે છે કે હું જે કરું છું તે રૂટીન છે.''
''હું તો રાજકારણને જ મનોરંજન ગણું છું એટલે મારે બીજું કંઈ કરવાની જરૂર પડતી નથી.''
''મેં છેલ્લે 'ગાંધી' ફિલ્મ જોઈ હતી. એ ફિલ્મ અંગ્રેજોએ જ બનાવી હતી. મારા માટે આ દિવસો રોમેન્ટિક ફિલ્મો નિહાળવાના નથી.''
''મારો કોઈ પ્રિય અભિનેતા નથી. એમ.જી. રામચંદ્રનને તો હું કંઈ જ ગણતો નથી.''
''વિરેન્દ્ર સહેવાગ મારો ફેવરિટ ક્રિકેટર છે અને બીજો મહેન્દ્રસિંહ ધોની છે.''

2-જી સંબંધી પ્રયાસો નિષ્ફળ રહ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
''2-જી મુદ્દાની શરૂઆત જ મેં કરી હતી. પહેલાં હાઈકોર્ટે એ સંબંધી અરજીને ફગાવી દીધી હતી. આજના જેવા સવાલ એ વખતે પણ કરવામાં આવ્યા હતા.''
''એ પછી હું સુપ્રીમકોર્ટમાં ગયો હતો અને 2-જી એક મોટો મુદ્દો બન્યો હતો.''
''આપણા દેશમાં ત્રણ સ્તરની કોર્ટ છે. આપણે એકમાં કેસ હારી જઇએ અને બીજીમાં જીતીએ.''
''2-જી વિશે કોર્ટે હમણાં જે ચુકાદો આપ્યો છે એ મૂર્ખતાપૂર્ણ છે. એ ચુકાદા સામે અમે અપીલ કરીશું.''

પશ્ચિમી શૈલીનાં વસ્ત્રો વિશે

ઇમેજ સ્રોત, TWITTER
''પ્રધાનોએ પશ્ચિમી શૈલીનાં વસ્ત્રો પહેરીને પરદેશ જવું ન જોઈએ. તેઓ પશ્ચિમી શૈલીનાં વસ્ત્રો પહેરીને જાય છે ત્યારે વિદેશમાં લોકો તેમને વેઇટર માને છે.''
''જે લોકો લઘુતાગ્રંથીથી પીડાતા હોય તેઓ પશ્ચિમી શૈલીનાં વસ્ત્રો પહેરીને પરદેશ જાય છે.''
''બ્રિટિશ વસ્ત્રોને આગ ચાંપવાનું મહાત્મા ગાંધીએ શા માટે કહ્યું હતું? કારણ તેનાથી મનમાં હીન ભાવના સર્જાય છે.''

'જીડીપીના આંકડા બનાવટી'

ઇમેજ સ્રોત, TWITTER
''સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન(સીએસઓ)ની સ્થાપના મારા પિતાજીએ કરી હતી.''
''આપણે ત્યાં જીડીપીમાં ઔપચારિક અને અનૌપચારિક એમ બે પ્રકારના આંકડા હોય છે.''
''પહેલા પ્રકારના આંકડા સંગઠિત ક્ષેત્રના હોય છે. જેમાં બધા રેકોર્ડ હોય છે.''
''બીજા પ્રકારના આંકડા અસંગઠિત ક્ષેત્રના હોય છે. જેમાં કોઈ વાસ્તવિક રેકોર્ડ હોતો નથી.''
''અનૌપચારિક આંકડા માટે નેશનલ સેમ્પલ સર્વે મારફત ડેટા એકત્ર કરવામાં આવે છે.''
''મેં એમ કહ્યું હતું કે જ્યારે સર્વે જ નથી થયો ત્યારે ડેટા આવ્યો ક્યાંથી?''

'હું અન્યોને હેરાન કરું છું'
''હું કોઈનાથી પરેશાન થયો નથી. મેં અન્યોને હેરાન કર્યા છે.''
''હું કટોકટી વખતે હેરાન થયો હોવાનું કહેવામાં આવે છે, પણ સત્ય એ છે કે હું ઇંદિરા ગાંધીને ઉલ્લુ બનાવીને સંસદમાં પહોંચી ગયો હતો.''
''મારી સામે વોરંટ, ફરાર થયાની નોટિસ, ઇન્ટરપોલની નોટિસ બહાર પાડવામાં આવી હતી. મારા માટે ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું અને 18 કેસ કરવામાં આવ્યા હતા.''
''હું વિદેશથી આવીને સંસદમાં પહોંચ્યો હતો અને બે મિનિટ ભાષણ આપીને સંસદમાંથી નીકળી ગયો હતો. પોલીસ મને પકડી શકી ન હતી.''

આતંકવાદીઓને સંગઠનમાં સામેલ કર્યા
''અગાઉ આતંકવાદી હતા એવા લોકોને મેં મારા સંગઠનમાં સામેલ કર્યા છે.''
''જે છોકરાઓથી લોકો પરેશાન હતા એ છોકરાઓને સીધા કરવાનો આગ્રહ મને કરવામાં આવતો હતો. એવા લોકોને મેં સંગઠનમાં સ્થાન પણ આપ્યું છે.''
''અબ્દુલ રહેમાન લોધા આવી જ એક વ્યક્તિ છે, જેમને મેં જમ્મુ-કાશ્મીર ભાજપના ઉપાધ્યક્ષ બનાવ્યા છે.''
''હું માનું છું કે કાશ્મીરમાંથી વધુ બાળકોએ સિવિલ સર્વિસમાં જોડાવું જોઈએ. તેઓ હિન્દુસ્તાની છે અને બહાર જઈ શકતા નથી.''
''બધા મુસલમાનોના પૂર્વજ હિન્દુ છે. તેઓ આપણા પરિવારનો હિસ્સો છે. આપણે બધા એક ડીએનએ ધરાવીએ છીએ.''
''હું મુસ્લિમવિરોધી નથી. હું દેશના વિરોધીઓને ઘેરતો રહું છું.''

'ભારતે ઇઝરાયલ વિરુદ્ધનું મતદાન અયોગ્ય'
''જેરુસલેમના મુદ્દે ભારતે ઇઝરાયલ વિરુદ્ધ મતદાન કરવું જોઇતું ન હતું. મને બહુ ખરાબ લાગ્યું.''
''આપણે એક તક ગુમાવી દીધી. આપણે વિરોધ ન કર્યો હોત તો અમેરિકાએ એશિયામાં આપણને મોટી જવાબદારી સોંપી હોત.''
મોદી મંત્રીમંડળમાં સ્થાન કેમ નહીં? એ સવાલ પણ તેમને પૂછવામાં આવ્યો હતો.
''આ સવાલ નરેન્દ્ર મોદીને પૂછવો જોઈએ. મેં મંત્રી પદની માગણી ક્યારેય કરી નથી.''
''મેં સવાલ કર્યો હોત તો તેમણે જવાબ પણ આપ્યો હોત. મેં તો સંસદસભ્ય પદની માગણી પણ કરી ન હતી.''

ભગવા કપડાં કેમ નથી પહેરતા?
''હિન્દુ ધર્મમાં સફેદ વસ્ત્રો જ પહેરવામાં આવે છે.
શ્રી શ્રી રવિશંકર પણ સફેદ વસ્ત્રો પહેરે છે. બાબા રામદેવ ભગવા વસ્ત્રો પહેરે છે.''

રામમંદિર ક્યારે બનશે?
''અમે દિવાળીની ઊજવણી માટે ત્યાં વ્યવસ્થા કરીશું. દિવાળી સુધીમાં મંદિર બની જશે.''
''સુન્ની વક્ફ બોર્ડ કહે છે કે તે એમની પ્રોપર્ટી છે. ત્યાં મસ્જિદ હતી એવું નથી કહેતા. તેઓ મસ્જિદની માગણી નથી કરતા.''
''હું તો કહું છું કે અયોધ્યામાં પૂજા કરવી એ આપણો મૂળભૂત અધિકાર છે. પ્રોપર્ટી નહીં જીતે, પૂજા કરવાનો અધિકાર જીતશે એ સ્પષ્ટ છે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












