કટકની ટી-20 મેચમાં નોંધાઈ આ પાંચ સિદ્ધિઓ

ભારતે શ્રીલંકાને કટકમાં રમાયેલી સિરીઝની પહેલી ટી-20 મેચમાં 93 રનથી હાર આપી છે.

ટી-20 ક્રિકેટમાં રનને ધ્યાનમાં રાખીએ, તો આ ભારતનો સૌથી મોટો વિજય છે.

પરંતુ આ એકમાત્ર રેકોર્ડ બુધવારે રમાયેલી મેચમાં નથી બન્યો. નજર કરીએ આ ટી-20 મેચ બાદ બનેલી પાંચ સિદ્ધિઓ પર.

તમને આ પણ વાંચવું ગમશે

ભારતની સૌથી મોટી જીત

ટી-20 ક્રિકેટમાં જ્યાં 160 રનનું લક્ષ્ય પણ સારું માનવામાં આવે છે, ત્યારે 93 રને વિજય મોટું અંતર ગણાય.

આ પહેલા ભારતની સૌથી મોટી જીત 90 રનની હતી, જે 2012માં ઇંગ્લૅન્ડ વિરૂદ્ધ કોલમ્બોનાં મેદાન પર મેળવી હતી.

ટી-20ના ઇતિહાસમાં રનને ધ્યાનમાં રાખીને સૌથી મોટી જીતનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે.

શ્રીલંકાની ક્રિકેટ ટીમે ટી-20 ક્રિકેટના શરૂઆતના તબક્કામાં વર્ષ 2007માં કેન્યાને 172 રનના અસાધારણ અંતરથી હાર આપી હતી.

યુજવેન્દ્ર ચહલ 2017ના વિકેટવીર

કટકની મેચમાં શ્રીલંકાના ચાર મહત્ત્વના ખેલાડીઓને આઉટ કરી 'મૅન ઑફ ધ મેચ' બનેલા યુજવેન્દ્ર ચહલે હવે પોતાને નાના ફૉર્મેટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાપિત કરી લીધા છે.

તેઓ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ખેલાડી બની ગયા છે.

યુજવેન્દ્રે વર્ષ 2017માં 10 મેચ રમી હતી, જેમાં 7.28ની સરેરાશ સાથે 19 વિકેટ ઝડપી હતી.

આ યાદીમાં અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાન અને વેસ્ટઇન્ડિઝના ફાસ્ટ બૉલર વિલિયમ્સ સંયુક્ત રૂપે બીજા સ્થાને છે. બન્નેએ 17 વિકેટ લીધી છે.

ટી-20 મેચમાં ધોનીની સિદ્ધિ

મહેન્દ્ર સિંહ ધોનીએ ટી-20 મેચમાં કોઈ પણ વિકેટકીપર કે ફીલ્ડરથી વધુ ખેલાડીઓને આઉટ કરવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

કટકની મેચમાં ધોનીએ ચાર ખેલાડીઓને કેચ આઉટ કર્યા અથવા તો સ્ટમ્પ કર્યા.

આમ આઉટ કરાવવાની સંખ્યા 74 પર પહોંચી ગઈ છે, જેમાં 47 કેચ અને 27 સ્ટમ્પિંગ સામેલ છે.

આ પહેલા પાર્ટ ટાઇમ વિકેટકીપર એ.બી. ડિ‘વિલયર્સના નામે 72 ડિસમિસિલ્સ હતા. જેમાં 44 કેચ ફિલ્ડર તરીકે, 21 કેચ વિકેટકીપર તરીકે અને સાત સ્ટમ્પિંગ સામેલ હતા.

બીજા ભારતીય બન્યા રોહિત

આ મેચમાં હંગામી કેપ્ટન રોહિત શર્મા ખાસ કમાલ ન બતાવી શક્યા. તેમણે માત્ર 17 રન જ બનાવ્યા.

પરંતુ તેની સાથે જ તેઓ આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં 1500 કરતા વધારે રન બનાવનારા બીજા ભારતીય બેટ્સમેન બની ગયા છે.

પહેલું નામ વિરાટ કોહલીનું છે, તેમના નામે 1956 રન છે. તેઓ સૌથી વધારે ટી-20 રનના બ્રૅન્ડન મૅક્યુલમનો રેકોર્ડ તોડવાથી 184 રન દૂર છે.

રૈનાથી આગળ નીકળ્યા ધોની

આ મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોની ટી-20 રનના મામલે સુરેશ રૈનાથી આગળ નીકળી ગયા છે.

રૈનાના નામે 1307 રન છે અને ધોનીના નામે હવે 1320 રન થઈ ચૂક્યા છે.

ધોની ટી-20માં સૌથી વધુ રનની ભારતીય ખેલાડીઓની યાદીમાં ત્રીજા નંબરે પર પહોંચી ચૂક્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો