દૃષ્ટિકોણ: કોંગ્રેસે રાજનૈતિક મોરચે આગળ આવવા શું કરવું પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શોમા ચૌધરી
- પદ, વરિષ્ઠ પત્રકાર
ભારતમાં થતી દરેક ચૂંટણી લોકશાહીની બાબતે કંઇક સંદેશો આપે છે.
સંદેશા થોડા ગૂંચવી નાખનારા હોય છે. ગુજરાત ચૂંટણીમાંથી મળેલા સંદેશા તો વધારે ગૂંચવનારા છે.
સતત છઠ્ઠી વખત ભાજપ સરકાર બનાવશે, આવું પહેલાં ફક્ત પશ્ચિમ બંગાળમાં જ થયું હતું.
ભાજપના સૌથી શ્રેષ્ઠ નેતા નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલ્યાના ત્રીજા જ વર્ષે ભાજપ માટે ખતરાની ઘંટડી વાગી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોતાના ગઢ ગણાતા ગુજરાતમાંથી ચૂંટણી બાદ શક્તિશાળી સંદેશા મળ્યા છે.
બીજા શબ્દોમાં કહીએ તો કેટલીય રસપ્રદ બાબતો પણ સામે આવી છે.
તમને આ પણ વાંચવું ગમશે

ધરાશાયી થયું ગુજરાત મોડેલ

ઇમેજ સ્રોત, Getty Images
'વિકાસનું ગુજરાત મોડેલ'ને ભાજપે ભલે ગમે તેટલું પ્રોજેક્ટ કરવાની કોશિશ કરી હોય, પરંતુ એ ધરાશાયી થતું દેખાયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌરાષ્ટ્રના 73 ટકા ગામડાં, પાટીદારોના વિસ્તારમાં અને ભાજપના પારંપરિક ગઢ - આ બધી જગ્યાએથી કંઈને કંઈ સંદેશા મળી રહ્યા છે.
ગુજરાત મોડેલથી ખેડૂતોને કંઈ નથી મળ્યું. ગુજરાત વર્ષોથી ખેડૂતો માટે બે આંકડામાં કૃષિ વૃદ્ધિનો દાવો કરતું આવ્યું છે.
પરંતુ એવું કંઈ ન દેખાયું. જેનું કારણ ઊંચો ખર્ચ, ઓછું વળતર, કરજ, ઓછી આવક અને કુદરતી આપત્તિ વખતે વીમો ન મળવાનું છે.
રસપ્રદ એ છે કે મોદીના નેતૃત્વવાળા ગુજરાતને પાયાના ઢાંચા, ઉદ્યોગ અને શહેરી વિકાસ માટે વખાણાતું હતું.
પરંતુ કોઈનું ધ્યાન ગુજરાતના ગંભીર માનવીય અને સામાજિક સૂચક આંકમાં ચિંતારૂપ ઘટાડા પર જતું નહોતું.
એટલે આ સંયોગ ન હોઈ શકે કે ભાજપના છ મંત્રીઓ ચૂંટણી હારી ગયા. આ મંત્રીઓ પાસે કૃષિ, સામાજિક ન્યાય, જળ, જનજાતિ બાબતો અને મહિલા બાળ વિકાસ જેવા મહત્ત્વના વિભાગ હતા.

GSTમાં સંશોધનથી વેપારી શાંત

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાંથી મળતા દરેક સંદેશા મૂંઝવણ ભરેલાં છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો હાર્દિકની રાજનીતિને વ્યાપક સમર્થન મળ્યું.
પરંતુ સુરતના પાટીદાર મતદાતાઓએ બતાવી દીધું કે સમુદાયની ઓળખના આધારે મતદાન ન થઈ શકે.
તેમનો ગુસ્સો જીએસટીને વિશે હતો, પરંતુ અણિના સમયે જીએસટીમાં સંશોધને તેમને શાંત કરી દીધા.
એટલે જ વેપારી અને ખેડૂતો સંયુક્ત રીતે વિરોધ ન કરી શક્યા. એ જ કારણે શહેરી-ગ્રામીણ ફૉલ્ટલાઇન જાતિ પર ભારી પડી.
ગુજરાતના મતદાતાઓની આંકાક્ષા અને અસંતોષે કેટલાય સંકેતો આપ્યા, પરંતુ ચૂંટણી કેટલાય કારણોસર મહત્ત્વપૂર્ણ હતી.

વિકાસ 'ગાંડો' થઈને 'ધાર્મિક' બની ગયો

ઇમેજ સ્રોત, TWITTER/AMIT SHAH
ગુજરાત-હિમાચલ પ્રદેશની જીતથી સાફ થઈ ચૂક્યું છે કે મોદી અને અમિત શાહની જોડીને રોકવી મુશ્કેલ છે.
એ પણ છે કે મોદીના વિકાસના વિઝન પર ભરોસો રાખવાવાળા કેટલાય લોકો હજુ પણ છે.
આશ્ચર્ય પમાડનારી વાત એ છે કે શાસનની શેખી પાછળ વિભાજનકારી હિંદુત્વનો એજન્ડા છૂપાયેલો છે. પહેલાં તેનો ઉપયોગ ઉત્તરપ્રદેશમાં થયો અને ત્યારબાદ ગુજરાતમાં ફરી નજરે પડ્યો.
ચૂંટણીના આખરી તબક્કામાં વડાપ્રધાને 'ખિલજીના ઓલાદ' જેવા જુમલા પણ વાપર્યા હતા. આ સિવાય પાકિસ્તાન જેવા મુદ્દા પણ હતા.

રાહુલ ગાંધીનો પુનર્જન્મ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની ચૂંટણીમાં રાહુલ ગાંધીનો પુનર્જન્મ થયો છે, જેનાથી રાષ્ટ્રીય સ્તરે મજબૂત વિરોધ પક્ષની સંભાવના દેખાય છે.
એક તરફ રાહુલે રાજનૈતિક ઊર્જા અને આત્મવિશ્વાસ દેખાડ્યા. તેઓ હળવી શૈલીના ટ્વીટ પણ કરવા લાગ્યા છે.
ભાજપને નમ્રતાપૂર્વ જવાબ પણ રાહુલ આપી રહ્યા છે. મણિ શંકરે પીએમને 'નીચ' કહેતા તરત જેમને બરતરફ કરવામાં આવ્યા.
કેટલાક મહિના પહેલા 'પપ્પુ' કહેવાવાળા રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીના અસલી વિરોધી તરીકે પોતાની ઓળખ બનાવવામાં સફળ થયા છે.

કોંગ્રેસ અને યુવા ત્રિપુટી

હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે સાથે મળીને કોંગ્રેસે ભાજપને સારી ટક્કર આપી છે.
કોંગ્રેસે એ પણ વિચારવું જોઇએ કે જો તેમણે કામ કરવાનું પહેલા શરૂ કર્યું હોત તો જીતની સ્થિતિમાં હોત.
કોંગ્રેસે એ પણ સમજવું જોઇએ કે ત્રણેય નેતાઓ સાથે તેમનું ગઠબંધન લાંબુ ચાલશે નહીં.
કેમ કે, આ ગઠબંધન સમાન વિઝનથી નહીં પણ કૉમન વિરોધીઓને કારણે બન્યું છે.
કોંગ્રેસ પાર્ટી જીતી પણ જતી તો કઈ રીતે પાટીદારોને અનામત આપત અને જો અનામત આપવાનું વચન પાળવાનું હોત તો ઓબીસી નેતાને કઈ રીતે સાથે રાખત.

રાહુલ ગાંધી અને કોંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images
જો રાહુલ ગાંધીએ પોતાની રાજનૈતિક મૂડીને બચાવી રાખવી હોય તો તેમણે અને કોંગ્રેસે વૈકલ્પિક રાજનૈતિક યોજના આપવી પડશે.
તેમણે લોકોને એ બતાવવું પડશે કે તેમની પાસે ભારત માટે શું વિઝન છે?
કોંગ્રેસ માટે એ પણ જરૂરી છે કે હિંદુઓ વચ્ચે તેમની જગ્યા બનાવે. તેમણે ભાજપનો હિંદુત્વનો એજન્ડા દૂર કરી પોતાનું ઉદારવાદી, માનવતાવાદી રૂપ વધારે બતાવવું પડશે.
તો મુસ્લિમો વચ્ચે પણ સારી છાપ રાખવી પડશે. માત્ર મંદિરોની મુલાકાત અને પોતાની હિંદુ ઓળખ આ છબીને બગાડી પણ શકે છે.
આવામાં કોંગ્રેસ હિંદુત્વની બી-ટીમ દેખાવાથી કઈ રીતે પોતાને બચાવી શક્શે? શું રાહુલ નવી રાજનૈતિક ભાષા લાવી શકે જે વિભાજન ન કરતી હોય?
છેલ્લે તો અર્થવ્યવસ્થા છે. લોકશાહીમાં બુદ્ધિમાન આલોચનાની જરૂર છે.
પરંતુ આલોચના કરવી પૂરતી નથી. જો નાગરિકોથી મત જોઇતા હશે તો તેમને કહેવું પડશે 'એ' શું કામ અને 'બી' શું કામ નહીં.

ઇમેજ સ્રોત, Getty Images
કોંગ્રેસ એવું શું કરી શકે જે ભાજપે નથી કર્યું? તે અમીર અને ગરીબ બન્નેથી કઈ રીતે વાત કરશે?
યુવાન અને વૃદ્ધોથી, વેપારી, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ સાથે કઈ રીતે વાત કરશે? અર્થવ્યવસ્થામાં બદલાવ કઈ રીતે લાવશે?
2017ની ગુજરાત ચૂંટણી ઘણી જ રસપ્રદ રહી. કારણ કે તેણે બે એવી રાષ્ટ્રીય પાર્ટીઓ રજૂ કરી. જેમાં એકનો અડધો ગ્લાસ ખાલી, બીજાનો અડધો ગ્લાસ ભરેલો છે.
દેશનો સામાન્ય નાગરિક જાણવા માગે છે કે કોનો ગ્લાસ પહેલા ભરાશે.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












