ગુજરાત ચૂંટણી : કોંગ્રેસ જીતી શકતી હતી તો કેમ હારી ગઈ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે કોંગ્રેસ ચૂંટણી જીતી શકતી હતી, પણ થોડી કચાસ રહી જતાં હારી ગઈ છે.
અત્રે નોંધવું રહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 182 બેઠકોમાંથી ભાજપે 99 અને કોંગ્રેસે 77 બેઠકો પર વિજય મેળવ્યો છે. આમ ભાજપે બહુમતી મેળવી લીધી છે.
જ્યારે ત્રણ બેઠક અપક્ષ અને બે બેઠક ભારતીય ટ્રાઇબલ પાર્ટી તથા એક બેઠક નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને મળી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણીના પરિણામથી ખુશ છે પણ તેમણે આ પરિણામોને ભાજપ માટે ફટકો ગણાવ્યો છે.
રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, "હા, અમે જીતી શકતા હતા. પરંતુ હારી ગયા. કોઈ કચાસ રહી ગઈ હશે."
તમને આ પણ વાંચવું ગમશે

શહેરી મતદારો પર ફોકસ

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલે ઉમેર્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો વડાપ્રધાન મોદીની વિશ્વનિયતા પર સવાલ ઊભા કરે છે, ત્યારે સવાલ એ છે કે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ક્યાં કચાસ રહી ગઈ?
આ અંગે બીબીસીએ રાજકીય વિશ્લેષક ગૌરાંગ જાની સાથે વાતચીત કરી. તેમણે કહ્યું, "વર્ષોથી ભાજપનો આધાર શહેરી મતદારો રહ્યા છે અને કોંગ્રેસ આ શહેરી મતદારોને ટાર્ગેટ ન કરી શકી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"રાહુલ ગાંધીની અસર શહેરોમાં વધુ ન થઈ શકી, જ્યારે ભાજપને જીતાડવામાં શહેરી મતદારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આથી, કોંગ્રેસે ભવિષ્યમાં આ મામલે વધુ ધ્યાન આપવું પડશે."
તેમણે વધુમાં ઉમેર્યું ,"કોંગ્રેસને દલિત-મુસ્લિમ સમુદાયનો આધાર છે અને નવા યુવાન નેતાઓને લીધે પણ ફાયદો થયો છે."

વધુ મહિલા ઉમેદવારોને ટિકિટ

ઇમેજ સ્રોત, Getty Images
જાનીના કહેવા પ્રમાણે, "જો કોંગ્રેસે વધુ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હોત તોપણ તેની અસર થઈ હોત."
તદુપરાંત જો પ્રચાર અને જનસભાઓની સફળતા મામલે વિશ્લેષણ કરીએ તો ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ કુલ 31 બેઠકોને સાંકળતા સ્થળોએ સભાઓ કરી હતી, જેમાં ભાજપને 17 અને કોંગ્રેસને 13 બેઠકો પર સફળતા મળી.
બીજી તરફ રાહુલ ગાંધીની વાત લઈએ તો તેમણે કુલ 25 બેઠકો પર સભા કરી હતી, જેમાં કોંગ્રેસને 13 બેઠક અને ભાજપને 11 બેઠકો મળી છે.

મજબૂત સંગઠનનો અભાવ

ઇમેજ સ્રોત, SANJAY KANOJIA/GETTY IMAGES
દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસની હાર મામલે રાજકીય વિશ્લેષક ઉર્વિશ કોઠારી કહે છે કે, ગુજરાત કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ ચૂંટણી હારી ગયું તે પરિબળ મહત્ત્વનું છે.
ગુજરાતમાં કોંગ્રેસના સામાન્ય ઉમેદવાર જીતી ગયા અને દિગ્ગજો ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસે નેતાઓથી માંડીને કૅડરને મજબૂત રાખવાની જરૂર હતી.
વધુમાં લોકોનો અંસતોષ હતો પણ કોંગ્રેસ તેને ચેનલાઇઝ ન કરી શકી.
રાહુલ ગાંધીની ટિપ્પણી પર અંગે અભિપ્રાય આપતા ઉર્વિશ કોઠારી કહે છે," ભાજપને મળેલી બેઠકો સૂચવે છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની વિશ્વનિયતામાં ઘટાડો થયો છે. "
વધુમાં ચૂંટણીના પરિણામો અને કોંગ્રેસની કચાસ બાબતે એક અન્ય રાજકીય વિશ્લેષક રાશિદ કિદવઈ કહે છે, "કોંગ્રેસના સંગઠનમાં ઉણપ રહી ગઈ છે. ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હારી ગયા."
"કોંગ્રેસના દસ જેટલા દિગ્ગજ નેતાઓ હારી ગયા પણ જો તેમાંથી અડધા પણ જીતી ગયા હોત તો પરિણામ કંઇક અલગ જોવા મળ્યું હોત, એટલું જ નહીં પણ ટિકિટ વહેંચણીમાં પણ કોંગ્રેસ થાપ ગઈ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












