'નીરજ ન હોત તો મેં કોમર્સિયલ ફિલ્મો ન લખી હોત'

નીરજ વોરા

ઇમેજ સ્રોત, FACEBOOK

ઇમેજ કૅપ્શન, નીરજ વોરાએ એક્ટિંગ ક્ષેત્રે લગભગ દસ વર્ષ સુધી ખૂબ સંઘર્ષ કર્યો હતો
    • લેેખક, સંજય છેલ
    • પદ, હિંદી ફિલ્મ લેખક, નિર્દેશક

નાટક ચાલતું હતું, ઇન્ટેન્સ સીન હતો. સ્ટેજ પર ફોનની રિંગ વાગી અને ઑડિયન્સમાંથી કોઈએ જોરથી કહ્યું, 'મારે માટે હોય તો કહી દેજો કે હું નથી.' આ હતો નીરજ.

એ નીરજ વોરા હવે નથી. પાંત્રીસ વર્ષની ઓળખાણ, સંબંધ, દોસ્તી, સમજણ અને હું તો કહીશ શિક્ષણ પણ.

એ બધું જ દસ મહીનાનાં કોમામાં શ્વસાતું, જીવાતું રહ્યું અને અચાનક જ અટકી ગયું.

તાર શરણાઈવાદક વિનાયક વોરાનાં દીકરા હોવાને નાતે નીરજને સંગીતની સમજ ગળથૂથીમાં મળી હતી. એ સંગીત શીખવતો પણ ખરો.

સંગીત એને હાથવગું હતું પણ એક્ટિંગ ક્ષેત્રે એણે બહુ જ સંઘર્ષ કર્યો. 1984માં કેતન મહેતાની ફિલ્મ 'હોલી'માં એણે નાનો રોલ કર્યો.

મને આ પણ વાંચવું ગમશે

એ પછી 'સલીમ લંગડે પે મત રો'માં પણ એણે કામ કર્યું.

લગભગ દસ વર્ષ સુધી એણે એક્ટર તરીકે ઍસ્ટાબ્લિશ થવા જબરદસ્ત સંઘર્ષ કર્યો. એનો ચહેરો તો ઓળખાવા માંડ્યો પણ એની ઓળખાણનો ચહેરો સ્પષ્ટ ન થયો.

'નીરજની સેન્સ ઑફ હ્યુમર'

નીરજ વોરા

ઇમેજ સ્રોત, FACEBOOK

ઇમેજ કૅપ્શન, નીરજ વોરાએ 1993માં લખવાની શરૂઆત કરી હતી

એણે મ્યુઝિક ડિરેક્ટર તરીકે સંઘર્ષ કરવાનું શરૂ કર્યું. આશુતોષ ગોવારીકરની ફિલ્મ 'પહેલા નશા'માં એણે સંગીત નિર્દેશન કર્યું અને લખ્યું પણ ખરું.

એનામાં ખૂબ એનર્જી, ઘણીવાર હાઇપર અને રૅક્લેસ લાગે. સેન્સ ઑફ હ્યુમર એટલી શાર્પ કે ઘણાંને લાગી પણ આવે.

એ વર્સટાઇલ હતો પણ અફસોસ કે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી લેબલ લગાડવામાં એક્સપર્ટ છે એટલે કોઈ માણસ એક બાબતે સફળ થાય તો પછી એને એનાથી અલગ જોવાનો અહીં રિવાજ નથી.

એણે લખવાની શરૂઆત તો 1993થી કરી. એને મેં ક્યારેય નિરાશ કે હતાશ નથી જોયો.

કોઈ બાબતે અપસેટ હોય તો બહુ ઝડપથી બાઉન્સ બૅક થવાનો એનો સ્વભાવ.

ગીતોમાં મીટર પણ સમજી શકે અને રિક્ષાના મીટર પર સારો જોક પણ મારી શકે. અઢળક વાંચન અને લખાણની સમજ પણ ખૂબ.

એ લેખક ન હોવા છતાં પણ આપણું લખેલું સુધારીને વધારે ધારદાર કરી આપે.

લાઘવ પર ખૂબ કન્ટ્રોલ હતો એનો. ઓછા શબ્દોમાં સચોટ રીતે પોતાની વાત મૂકવાની નીરજની આવડત પર તમે આફરીન પોકારી જાવ એ નક્કી! એક તબક્કે એણે લખવા પર ધ્યાન આપ્યું.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો સાથે નીરજ વોરા

ઇમેજ સ્રોત, FACEBOOK

ઇમેજ કૅપ્શન, નીરજ વોરાએ ઘણી દક્ષિણ ભારતની ફિલ્મોની રિમેક લખી છે

એણે ઘણીબધી સાઉથની ફિલ્મોની રિમેક લખી. 'હેરાફેરી'થી માંડીને 'ભુલભુલૈયા'માં એનું હ્યુમર દેખાય છે.

'ગોલમાલ' ફિલ્મ પણ એના નાટક 'અફલાતૂન' પરથી બની હતી.

એણે સારાં ગુજરાતી નાટકો પણ બનાવ્યાં. પરેશ રાવળ અને અક્ષય કુમાર જેવાના કરીઅરમાં માઇલસ્ટોન્સ નીરજને લીધે જ આવ્યાં એમ કહેવામાં કોઈ બેમત નથી.

નીરજની સેન્સ ઑફ હ્યુમર ગજ્જબ હતી. મને યાદ છે એક વાર અમે કોઈ ગુજરાતી અભિનેતાનાં સંતાનોએ કઈ રીતે કારકિર્દીમાં કંઈ ખાસ ઉકાળ્યું નથી એમ વાત કરતા હતા.

મેં કહ્યું કે, 'દીવા તળે અંધારું હોય તો શું થઈ શકે.' નીરજે તરત જવાબ આપ્યો કે, 'અહીં તો અંધારા તળે અંધારું એવો કિસ્સો છે.'

નીરજ સાથે તમે કંઈ વાત કરતા હો અને એ આંખ ઉલાળીને તમને માત્ર 'અચ્છા' પૂછે ને, તો પણ તમારું હસવું ન રોકાય એ નક્કી.

line

'મોટા ભાઈ જેવો હતો નીરજનો ટેકો'

લગ્ન સમયે પત્ની સાથે નીરજ વોરા

ઇમેજ સ્રોત, FACEBOOK

ઇમેજ કૅપ્શન, લગ્ન સમયે પત્ની સાથે નીરજ વોરા

નીરજના સ્વભાવમાં અમુક વિચિત્રતાઓ પણ હતી. જેમ કે કેરળ શુટિંગમાં જવાનું હોય તો દોઢસો લોકોનો કાફલો લઈને બાય રોડ જવાનું.

અલગ અલગ જગ્યાએ ખાવાનું. મને યાદ છે એણે એક ઢાબામાં જઈને રસોઇયાને રિફાઇન્ડ તેલનું પેકેટ આપીને કીધેલું કે, 'તારી કઢાઈનું તેલ કાઢીને આ તેલમાં ભજીયા તળ'.

મોટા મોટા સ્ટાર્સને ઓળખે પણ સ્વભાવે ડાઉન ટૂ અર્થ. 'રંગીલા'માં અમે સાથે કામ કર્યું. એણે જ મને એ કામમાં જોતર્યો હતો.

રામુએ કોઈ ઇન્ટરવ્યૂમાં મારા ડાયલૉગ્ઝનાં વખાણ કર્યાં, એનું નામ ન લીધું અને 'દૌડ' ફિલ્મ વખતે માત્ર મને લખાણ માટે બોલાવ્યો.

મેં જ્યારે નીરજને આ કહ્યું તો એણે મને કીધું કે, 'આપણા સંબંધો બગડવાનાં નથી, તું તારે કામ કર.' આવી ઉદારતા મેં નીરજમાં જ જોઈ છે.

પોતાની ઓળખાણને કારણે એણે મને ઘણાં કામ અપાવ્યાં. નીરજ ન હોત તો મેં ક્યારેય કોમર્સિયલ ફિલ્મો કરી પણ ન હોત, એ તરફ મારો ઝુકાવ પણ નહોતો.

મારા સેટાયરને પારખીને મને જ એ અંગે આત્મવિશ્વાસ અપાવવાનો શ્રેય નીરજને જ જાય છે. નીરજનો ટેકો મોટા ભાઈ જેવો હતો.

line

'બ્રેન સ્ટ્રોક સાબિત થયો ડાર્ક હ્યુમર'

જોન અબ્રાહમ, નીરજ વોરા, પરેશ રાવલ, સુનિલ શેટ્ટી, અભિષેક બચ્ચન અને ફિરોઝ નડીયાદવાલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નીરજ વોરા 'હેરાફેરી થ્રી' બનાવવા માટે પ્લાનિંગ કરી રહ્યા હતા

એ તેના પિતાની બહુ નજીક હતો. એમના મૃત્યુ પછી એમની યાદમાં દર વર્ષે એણે શાસ્ત્રીય સંગીતનાં મોટા કાર્યક્રમો આયોજિત કર્યા.

નીરજની રેન્જ એક જ ક્ષેત્રે નહોતી. એને ઘણું બધું કરવું હતું. એ દિલ્હી ગયો એ પહેલાં ફોન પર અમારી વાત થઈ હતી.

એણે કહ્યું હતું કે આવીને એ પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવા માગે છે. વીએનવી ફિલ્મ્સનાં નેજા હેઠળ એને ફિલ્મો બનાવવી હતી.

એને કચ્છમાં સ્ટુડિયો બનાવવો હતો અને એના માટે એણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મિટીંગ પણ કરી હતી.

એ કેટલાય વખતથી સીક્વલ ફિલ્મ 'હેરાફેરી થ્રી' બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો.

એ 'અચાનક'નો માણસ હતો. ઓફિસ પાસેથી પસાર થતો હોય અને અચાનક જ કંઈ નાસ્તો લઈને આવી જાય તો ક્યારેક ઓફિસ માટે અચાનક જ સૅન્ડવિચ મેકર કે માઇક્રોવેવ ઓવન લઈને આવી જાય.

પણ દિલ્હીમાં તેને આવેલો બ્રેન સ્ટ્રોક તો આ બધાં પ્લાનિંગ માટે ડાર્ક હ્યુમર જેવો સાબિત થયો.

નીરજને કોમામાં, પલંગ પર પડી રહેલો જોઈએ તો ખૂંચે. આયુર્વેદ સારી પેઠે જાણતો પણ પોતાની જ તબિયતની એણે કાળજી ન લીધી.

ધારદાર કૉમેડી પંચ આપનારા નીરજનું જવું હૃદયને જોરથી વાગેલો 'પંચ' (મુક્કો) છે, કળ વળતાં બહુ વાર લાગશે.

(ચિરંતના ભટ્ટ સાથે થયેલી વાતચીતને આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો