વિકાસથી ભગવા સુધી બદલાતા રહ્યા ગુજરાતની ચૂંટણીના રંગો

    • લેેખક, અર્ચના પુષ્પેન્દ્ર
    • પદ, બીબીસી ગુજરાતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ જનસભા યાદ કરીએ તો તેમાં 'હું છું વિકાસ-હું છું ગુજરાત'ના નારા લાગ્યા હતા.

'અડીખમ ગુજરાત' કહીને મોદી લોકોને ગુજરાતના વિકાસમાં ભાગીદાર ગણાવતા હતા.

પરંતુ પ્રચાર પૂરો થતાંથતાં વિકાસ છેવટે સોફ્ટ હિંદુત્વ અને પછી ભગવો થઈ ગયો.

તમને આ પણ વાંચવું ગમશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની ગાડી પાકિસ્તાન, ઔરંગઝેબ, અલ્લાઉદ્દીન ખિલજી અને ટ્રિપલ તલાક પર આવીને અટકી ગઈ.

આ પ્રકારના પ્રચારની બીજા તબક્કાના મતદાન પર કેટલી અસર થશે તે વિશે બીબીસી ગુજરાતીએ રાજકિય વિશ્લેષકો સાથે વાત કરી.

વિકાસ ખોવાયો

વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ કહે છે, "વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન પણ નહોતું થયું એ પહેલાં જ કોંગ્રેસે ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે કૅમ્પેન દ્વારા એક હાઇપ ઊભી કરી હતી."

તેમણે કહ્યું, "સોશિઅલ મીડિયામાં ઠેર ઠેર વિકાસ ગાંડો થયો છે વાઇરલ થઈ ગયું હતું. એની નોંધ ભાજપે બહુ પાછળથી લીધી."

ભાજપ એ પછી 'હું છું વિકાસ, હું છું ગુજરાત,' 'અડીખમ ગુજરાત' જેવાં સૂત્રો સાથે પ્રચારમાં ઊતર્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર તેમની શરૂઆતની રેલીઓમાં લોકોને વિકાસ વિશે જાગૃત કર્યા હતા.

ધ્રુવીકરણની રાજનીતિ

અજય ઉમટે કહ્યું, "બીજી તરફ કોંગ્રેસે વિકાસના મુદ્દે ગુજરાત મૉડલ પર સવાલ ઉઠાવવાના ચાલુ રાખ્યા."

"રાહુલ ગાંધીએ ઓબીસી, લઘુમતી, દલિતો, ખેડૂતો અને બેરોજગારી પર સવાલ ઉઠાવ્યા."

"આ દરમિયાન રાહુલ ગાંધીએ હાર્દિક સાથે મુલાકાત કરી. ઉપરાંત 'ખામ' થિયરી અંતર્ગત ક્ષત્રિય, આદિવાસી, હરિજન અને મુસ્લિમ મતો પણ તેમને મળી શકે તેમ છે."

લાંબા સમય સુધી પ્રચારનું નિરીક્ષણ કરી રહેલા ઉમટે જણાવ્યું કે ભાજપને જ્યારે લાગ્યું કે જ્ઞાતિ પરિબળ તેમના મતોમાં ભેલાણ કરી શકે એમ છે, એટલે તેમણે કોમવાદનો મુદ્દો ઉઠાવવાનું શરૂ કરી દીધું.

આમ ભાજપે વિકાસથી શરૂ કરી ઔરંગઝેબ, અલ્લાઉદ્દીન ખિલજી, ટ્રિપલ તલાક, પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવી ધ્રુવીકરણની રાજનીતિ શરૂ કરી.

પહેલીવાર ટક્કરની લડાઈ

વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રા કહે છે, "પ્રથમ તબક્કાનાં મતદાનમાં ગ્રામીણ ગુજરાતમાં મત ભાજપની વિરુદ્ધ પડ્યા છે."

"એટલે ભાજપમાં અંદરખાને ફફડાટ છે. એ પણ એક કારણ છે કે ભાજપે પ્રચારનો મુદ્દો બદલવો પડ્યો."

મિશ્રા આગળ કહે છે "મોદી જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે તેમનાં ભાષણોની આ શૈલી અમે જોઈ છે."

"પરંતુ વડાપ્રધાન બન્યા પછી એ પદને આ સ્તરની રાજનીતિ શોભતી નથી."

તેમણે કહ્યું કે જે પ્રમાણે હાર્દિક પટેલની રેલીમાં ભીડ ઊમટી રહી છે, એ જોતાં લાગે છે કે આ વખતે પહેલીવાર ટક્કરની લડાઈ છે.

ગુજરાતની જનતા બધું જ જોઈ રહી છે, પરિણામ પર તેની અસર જોવા મળશે.

પ્રચારનો એજન્ડા બદલ્યો

રાજકીય નિષ્ણાત અચ્ચુત યાજ્ઞિક કહે છે, "જ્યારે ભાજપને લાગ્યું કે માત્ર વિકાસની વાતોથી નહીં ચાલે, એટલે હિંદુત્વનો મુદ્દો ઉછાળવામાં આવ્યો."

"મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ વર્ષ 2001-2002માં મિયાં મુશર્રફનું નામ લેતા હતા."

તેમણે કહ્યું કે જેમ જેમ ચૂંટણીનો પ્રચાર આગળ વધતો ગયો તેમ તેમ વિકાસનો મુદ્દો પાછળ રહી ગયો.

કોંગ્રેસે શરૂઆતથી જ ભાજપને આ મુદ્દે પડકાર આપ્યો હતો. ભાજપને જ્યારે લાગ્યું કે ગુજરાતમાં આ વખતે ટક્કર મોટી છે એટલે તેમણે પ્રચારનો મુદ્દો બદલી નાખ્યો.

અચ્ચુત યાજ્ઞિકે કહ્યું, "કોંગ્રેસના પ્રચારમાં બહુ મોટો ફર્ક નથી. શરૂઆતથી જ રાહુલનાં ભાષણોમાં બેરોજગારીનો મુદ્દો છવાયેલો રહ્યો છે."

તેમના મતે રાહુલ ગુજરાતમાં ફર્યા અને અહીંની મૂળ સમસ્યાઓને સમજ્યા.

તેમણે ગુજરાત મૉડલની વાત કરી. વિકાસનું સરનામું પૂછ્યું એટલે ભાજપને પ્રચારનો એજન્ડા બદલવો પડ્યો.

ગુજરાતના મતદારો આ એજન્ડા સમજી શકે છે કે નહી તેના જવાબમાં અચ્ચુત યાજ્ઞિકે કહ્યું, "શહેરના મધ્યમવર્ગનો ઝુકાવ હજી પણ ભાજપ તરફ હોઈ શકે છે.

"પરંતુ ગામડાંના લોકો ભાજપને છોડી કોંગ્રેસ તરફી મત આપી શકે છે."

નાના અને મધ્યમ ઉદ્યોગો મૃતપ્રાય થવાના આરે છે. જીએસટીના કારણે વેપારીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

સરવાળે લાગી રહ્યું છે કે ગુજરાતના દીકરાને તેમની મા આ વખતે ભર્યું ભાણું તો નહીં જ પીરસે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો