ગંધાતાં મોજાં પહેરીને પ્રવાસ કરવા બદલ યુવાનની ધરપકડ

ગંધાતાં મોજાં પહેરીને બસમાં પ્રવાસ કરવા બદલ એક પુરુષની ધરપકડ કરવામાં આવી હોવાનું હિમાચલ પ્રદેશ પોલીસે જણાવ્યું છે.

પોલીસે બીબીસીને જણાવ્યા મુજબ, ગંધાતાં મોજાંને કારણે એ પ્રવાસીને તેના સાથી યાત્રી સાથે ઝઘડો થયો હતો.

પોલીસે 27 વર્ષના પ્રકાશ કુમાર સામે ફરિયાદ નોંધી હતી. પ્રકાશ કુમાર હિમાચલ પ્રદેશથી દિલ્હી આવી રહ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

બસમાં તેમની સાથે પ્રવાસ કરતા અન્ય લોકોએ પ્રકાશ કુમારનાં મોજાંમાથી આવી રહેલી દુર્ગંધની ફરિયાદ કરી હતી અને મોજાં કાઢીને બેગમાં મૂકી દેવા જણાવ્યું હતું.

જોકે, પ્રકાશ કુમારે મોજાં ઉતારવાનો ઈનકાર કર્યો હતો. એ કારણે સાથી પ્રવાસીઓ જોડે પ્રકાશ કુમારને બોલાચાલી થઈ હતી.

સાથી પ્રવાસીઓએ કરી ફરિયાદ

બસ દિલ્હીની સીમા સુધી પહોંચી ન હતી ત્યાં પ્રવાસીઓએ ડ્રાઈવરને કહીને બસ રોકાવી હતી અને પ્રકાશ કુમાર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એક દૈનિકના જણાવ્યા મુજબ, પ્રકાશ કુમારે દાવો કર્યો હતો કે તેમનાં મોજાંમાંથી દુર્ગંધ આવતી ન હતી. સાથી પ્રવાસીઓએ કારણ વિના તેમની સાથે ઝઘડો કર્યો હતો.

પ્રકાશ કુમારને જામીન પર છોડવામાં આવ્યા હોવાનું પોલીસે બીબીસીને જણાવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો