મુંબઈ લોકલ: એક્શન, ડ્રામા, ઇમોશન સભર સફર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કિંજલ પંડ્યા વાઘ
- પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈથી
એક મહિના પહેલાં મુંબઈમાં ઍલ્ફિન્સ્ટન રેલવે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પર મચેલી નાસભાગમાં 23 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અચાનક પડેલા વરસાદને કારણે મુંબઈ સેન્ટ્રલના એલ્ફિન્સ્ટન સ્ટેશનના સાંકડા પુલ પર લોકોની ભીડ ખૂબ વધી હતી અને તેના કારણે આ દુર્ઘટના ઘટી હતી.
આ દુર્ઘટના મુંબઈમાં યાત્રિકોએ રોજ ભોગવવી પડતી પારવારા મુશ્કેલીઓનું એક દર્દનાક ઉદાહરણ હતી.
તમને આ પણ વાંચવું ગમશે
ગત ત્રણ મહિનામાં કદાચ મુંબઈએ ખૂબ જ ખરાબ દિવસો જોયા છે.
ભારે વરસાદના કારણે પૂર અને ત્રણ ઇમારતોના ધસી પડવાથી માંડીને નાસભાગનો સમાવેશ થાય છે.

સલામત ઘરે પરત ફરશે કે નહીં!

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈમાં એક કહેવત છે- કામ માટે ઘરેથી બહાર નીકળવા પર તેમને ખબર નથી હોતી કે તેઓ ઘરે સલામત પરત ફરશે કે નહીં.
મુંબઈની લોકલ ટ્રેનને શહેરની લાઇફલાઇન પણ કહેવામાં આવે છે. રોજ લોકલ ટ્રેનમાં લગભગ 80 લાખ લોકો મુસાફરી કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્યાર સુધી હજારો લોકો ટ્રેનમાંથી નીચે પડી અથવા તો રેલવેના પાટા પાર કરતી વખતે દુર્ઘટનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.
આ ટ્રેનોને શહેરના 'જુસ્સા' તરીકે પણ બૉલિવુડની ફિલ્મોમાં રજૂ કરવામાં આવી છે.
પરંતુ વાસ્તવિકતા એ છે કે લોકલ ટ્રેન ગ્લેમરથી ઘણી દૂર છે.
મુંબઈના લોકો પાસે વિકલ્પ નથી. ટ્રાફિક અને ખરાબ રસ્તાઓથી બચવા માટે લોકો આ ટ્રેનમાં મુસાફરી કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
હું છેલ્લા 10 વર્ષ કરતા વધારે સમયથી મુસાફરી કરું છું. હાલ જ કેટલાક વર્ષોમાં મેં લંડનની ટ્યૂબ, ન્યૂયોર્કના સબ વે, દિલ્હી અને પેરિસની મેટ્રોમાં પણ મુસાફરી કરી છે.
પરંતુ મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી સૌથી અલગ છે.
દરરોજ દિવસની શરૂઆત મુસાફરોથી ખચોખચ ભરેલી ટ્રેનથી થતી હતી.
હું દરરોજ ઓફિસ જવા અને ઘરે આવવા માટે લોકલ ટ્રેનનો ઉપયોગ કરું છું.
ત્રણ કલાકની મુસાફરી દરમિયાન હું જે કંઈ જોઉં તે તમને જણાવી રહી છું.
લોકલ ટ્રેનમાં ક્ષમતા કરતા બે ગણા વધારે યાત્રિકો મુસાફરી કરે છે. તેનો મતલબ સ્પષ્ટ છે કે ટ્રેનમાં ઊભા રહેવું પણ ઘણું મુશ્કેલ છે.

સવારની લોકલ ટ્રેન

ઇમેજ સ્રોત, Getty Images
90ના દાયકામાં સ્કૂલમાં હતી, ત્યાર મેં મુંબઈની લોકલ ટ્રેનોની મુસાફરી શરૂ કરી હતી.
હાઇસ્કૂલ દરમિયાન મેં લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારાઓને ઓળખવાનું શરૂ કર્યું હતું.
આ ગાળામાં મને મુંબઈની લોકલ ટ્રેનમાં લોકોનાં જીવનને નજીકથી જોવાનો મોકો મળ્યો હતો.
જો લોકલ ટ્રેન ખરાબ થઈ જાય, તો એવું લાગતું હતું કે શહેર જાણે થંભી ગયું છે.
ટ્યૂબ, સબવેમાં મુસાફરી દરમિયાન નીચે જોઈને ગીત સાંભળતા, ન્યૂઝપેપર કે પુસ્તકો વાંચતા લોકોની સરખામણીએ લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ પાસે કરવા માટે ઘણું બધું છે.

ટ્રેન, મિત્રો અને ઝઘડા

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈની લોકલ ટ્રેનમાં ઘણા લોકો એવા હોય છે કે જેઓ ગ્રૂપમાં મુસાફરી કરે છે.
એટલે કે આવા લોકો એક જ લોકલ પકડે છે અને તે જ ટ્રેનમાં મિત્રો બની જાય છે. પછી ધીરેધીરે એક ગ્રૂપ બની જાય છે.
લાંબી મુસાફરી દરમિયાન મજાક-મસ્તી પણ ખૂબ થાય છે. બૉલિવુડના ગીતો સાંભળવા, પત્તાં રમવાથી માંડીને લોકો ભજન પણ સાંભળે છે.
મહિલાઓ માટે આરક્ષિત ડબ્બામાં જન્મદિવસ ઉજવાય છે, કેક કપાય છે અને બીજા યાત્રિકોને પણ આપવામાં આવે છે.
અહીં મને લોકોના વિચાર જાણવામાં અને અલગઅલગ મુદ્દાઓ પર તેમની ભાવનાઓને સમજવામાં મદદ મળે છે.
તેનાથી મને એક સારી અને સમજદાર પત્રકાર બનવામાં પણ મદદ મળી છે.

ધક્કા ખાઓ અથવા તો ઝઘડો

ઇમેજ સ્રોત, Getty Images
મસ્તી-મજાક સિવાય યાત્રિકો વચ્ચે ઝઘડા પણ થાય છે.
લોકો પોતાની બધી જ તાકાતનો ઉપયોગ કરી ટ્રેનમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે અને તેનાં કારણે ઝઘડા પણ થાય છે.
કયા કોચમાં મુસાફરી કરી રહ્યાં છો, તેના આધારે ઝઘડો થાય છે.
લોકલમાં ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસની બોગીઓ મહિલાઓ તેમજ પુરુષો અને મહિલાઓ માટે અલગઅલગ છે.
જો તમે ઓછા પૈસા ખર્ચી સેકન્ડ ક્લાસમાં મુસાફરી કરી રહ્યાં છો તો ઝઘડા દરમિયાન ખૂબ ગાળો સાંભળવા મળે છે.
લોકો મહિલાઓ સાથે ધક્કામુક્કી કરે છે. એકબીજાના વાળ ખેંચવાથી માંડીને લોકો થપ્પડ પણ મારી દે છે અને એકબીજાનાં કપડાં પણ ફાડી નાખે છે.
જો તમે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહ્યાં છો તો તમે મહિલાઓ અને પુરુષોને અંગ્રેજી ભાષામાં ઝઘડો કરતા જોઈ શકો છો.

વધતી ભીડ અને ટ્રેક પર પડતા લોકો

ઇમેજ સ્રોત, Getty Images
કૉલેજકાળમાં ઘણી વખત મારે ગેટ પાસે પગથિયાં પર લટકીને મુસાફરી કરવી પડતી હતી.
અહીં ટ્રેન દોડવાનું શરૂ કરે તે પહેલા દરવાજા બંધ થઈ જાય, તેવી કોઈ વ્યવસ્થા નથી.
દુનિયાના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનની હાલત ખરેખર ચોંકાવનારી છે.
હજુ ટ્રેન ઊભી રહે તે પહેલા જ લોકો અંદર ઘૂસવાનો પ્રયાસ કરવા માંડે છે.
સીટ માટે ઘણી વખત મારે પણ કૂદીને અથવા તો કોઈ મુસાફરનો ખભો પકડીનો અંદર ઘૂસવું પડ્યું છે.

પરસેવો અને દુર્ગંધ

ઇમેજ સ્રોત, Getty Images
ઉનાળામાં ખૂબ પરસેવો વળે છે એટલે કોચમાં દુર્ગંધ પણ બહુ આવે છે.
બહાર તાપમાન 35 ડિગ્રી હોય છે, પણ અંદર ભીડના કારણે તાપમાન વધારે હોય છે.
ટ્રેનમાં પંખા પણ ધીમા ચાલે છે. બહારથી હવા આવે તો છે, છતાં ખૂબ પરસેવો થાય છે.
સાથે મુસાફરી કરવા વાળી બીજી મહિલાઓનો પરસેવો પણ તમને મળી જાય છે.

ટાઇમ મેનેજમેન્ટ અને શૉપિંગ

ઇમેજ સ્રોત, Getty Images
લોકલ ટ્રેનમાં મુસાફરીએ મને ટાઇમ મેનેજમેન્ટ સારી રીતે શીખવ્યું છે.
મુસાફરી દરમિયાન હું સમાચાર વાંચુ છું. વ્હૉટ્સઍપ અને ફેસબુક જેવી બીજી મોબઇલ ઍપ્લિકેશન્સમાં વ્યસ્ત રહું છું.
આ દરમિયાન હું ઘણી વખત શૉપિંગ પણ કરી લઉં છું. કેમ કે, મહિલાઓની બોગીમાં મહિલાઓ સામાન વેંચવા ચઢે છે.
ટ્રેનમાં વીંટી, બંગડી, અને મેકઅપનો સામાન પણ મળી રહે છે.
એટલું જ નહીં, ફેન્સી સુટથી માંડીને ફળ અને શાકભાજી પણ ટ્રેનમાં મળી રહે છે.
પુરુષોની બોગીમાં તમને પેન, નોટબુક, ડાયરી, કાંસકા, પર્સ અને પુસ્તકો જેવી વસ્તુઓ વેંચાતી જોવા મળશે.

તો સાથે 10થી માંડીને 60 વર્ષ સુધીના ભિખારી લોકલ ટ્રેનમાં જોવા મળે તે સામાન્ય બાબત છે.
લોકલ ટ્રેનની સફર એ વાત પર નિર્ભર કરે છે કે તમે તેને કેવી રીતે જુઓ છો. તમે તેને પસંદ પણ કરી શકો છો અને તેનાથી નફરત પણ કરી શકો છો.
જો તમને આ મુસાફરી પસંદ છે તો તમે ઘણું શીખી શકશો નહીં તો હંમેશા ફરિયાદ કરતા રહેશો.
મેં મુંબઈની લોકલ ટ્રેનમાંથી સહન કરવાનું શીખ્યું છે. ધૈર્ય રાખતા શીખ્યું છે. અહીં જુદાજુદા લોકોનું એક જ લક્ષ્ય હોય છે, કોઈ એક જગ્યાએ પહોંચવું.
ખરેખર રાષ્ટ્રનિર્માણનું સાચું ઉદાહરણ અહીં જ જોવા મળે છે. એ પણ દરરોજ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













