You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફિલ્મ અભિનેતા અને સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ ટૉમ ઑલ્ટરનું નિધન
ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટર જગતના પ્રસિદ્ધ અભિનેતા 67 વર્ષીય ટૉમ ઑલ્ટરનું શુક્રવારે મુંબઈમાં નિધન થયું છે.
ટૉમને લાંબા સમયથી કેન્સરની બીમારી હતી. હિન્દી ફિલ્મ જગતમાં યોગદાન બદલ ટૉમને વર્ષ 2008માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમના પરિવારમાં પત્ની કૈરલ ઈવાન અને પુત્ર જૈમી તથા પુત્રી અફસાન છે.
ટૉમના મેનેજરે મુંબઈ સ્થિત બીબીસી હિન્દીના સહયોગી સુપ્રિયા સોગલેને જણાવ્યું કે શુક્રવારની રાત્રે 9:30 કલાકે ટૉમે મુંબઈ સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા.
ફિલ્મી સફર
હિન્દી અને ઉર્દૂ ભાષા પર પોતાની જબરજસ્ત પકડને લીધે ટૉમે ભારતીય ફિલ્મ જગતમાં ખાસ સ્થાન ઊભું કર્યું હતું. ટૉમે 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે.
તેમણે વર્ષ 1976માં ફિલ્મ 'ચરસ'થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.
આ ફિલ્મમાં તેમણે કસ્ટમ અધિકારીની ભૂમિકા ભજવી હતી. શતરંજ કે ખિલાડી, હમ કિસી સે કમ નહીં, ક્રાંતિ, કર્મા, પરિંદા જેવી ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી.
ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'માં કૅમિયો આપ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ
ફિલ્મોમાં અભિનયની સાથેસાથે ટૉમે 80થી 90ના દાયકામાં સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે પણ ઓળખ બનાવી હતી.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરનો પ્રથમ ઈન્ટર્વ્યૂ તેમણે લીધો હતો. તે સમયે સચિને ભારતીય ટીમ માટે રમવાનું શરૂ પણ નહોતું કર્યું.
સ્પૉર્ટ્સ પરના તેમના લેખ સ્પૉર્ટ્સને લગતી વિવિધ પત્રીકાઓમાં છપાતા હતા. ટૉમ ઑલ્ટરે ત્રણ પુસ્તક પણ લખ્યા છે. આ પુસ્તકમાં ધ લોંગેસ્ટ રેસ, રી-રન એટ રિએલ્ટો અને ધ બેસ્ટ ઈન ધ વર્લ્ડનો સમાવેશ થાય છે.
અંગત જીવન
વર્ષ 1950માં મસૂરીમાં જન્મેલા ટૉમ ઑલ્ટરના માતા-પિતા અમેરિકન મૂળના હતાં અને તેમનું મૂળ નામ થૉમસ બીટ ઑલ્ટર હતું. તેમના દાદા-દાદી 1916માં અમેરિકાથી ભારત આવ્યા હતા.
ટૉમનો પરિવાર જળમાર્ગે ચેન્નઈ આવ્યો હતો અને ત્યાંથી લાહોર ગયા. તેમના પિતાનો જન્મ સિયાલકોટમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે.
પરંતુ ભારત-પાકિસ્તાનના વિભાજનમાં તેમનો પરિવાર પણ વિભાજીત થઈ ગયો. તેમના દાદા-દાદી પાકિસ્તાનમાં રહી ગયા, જ્યારે માતા-પિતા ભારત આવી ગયા.
ફિલ્મો પ્રત્યે ટૉમને આરાધના ફિલ્મથી આકર્ષણ થયું હતું. તેમાં રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરના અભિનયથી ટૉમ ઘણા પ્રભાવિત થયા.
ટૉમે વર્ષ 1972-74માં પૂણે સ્થિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાંથી અભિનયનો અભ્યાસ કર્યો હતો.
(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)