ગુજરાત : પૂર્વ IAS પ્રદીપ શર્માને જમીન ફાળવણી મામલે દોષિત ઠેરવી પાંચ વર્ષની સજા કરાઈ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ભુજના અધિક ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટે શનિવારે ગુજરાતના ભૂતપૂર્વ આઇએએસ અધિકારી પ્રદીપ શર્માને સરકારી જમીન ફાળવણીના એક કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ કર્યો હતો.
આ કેસના સરકારી વકીલ એચ. બી. જાડેજાએ આ મામલાની હકીકત જણાવતાં કહ્યું હતું : "વર્ષ 2003-04માં પ્રદીપ શર્મા કચ્છના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. એ સમયે એક ખાનગી કંપનીને પ્રદીપ શર્માએ કુલ 47,713 ચોરસ મીટર જમીન ફાળવી હતી. અહીં નોંધનીય છે કે કલેક્ટરને 20 હજાર ચોરસ મીટર જમીન ફાળવણીની સત્તા હોય છે. એ કરતાં વધુ જમીન ફાળવણી માટે સરકારમાંથી મંજૂરી મેળવવાની હોય છે. આ જોગવાઈનું આ કિસ્સામાં પાલન નહોતું થયું."
એચ. બી. જાડેજા આ અંગે આગળ વાત કરતાં કહે છે કે "આ સિવાય ગુનેગારે ઓછી કિંમતે જમીન ફાળવણી કરી હોવાનું પણ સામે આવ્યું હતું. આમ, સરકારી તિજોરીને નુકસાન કરવા મામલે પ્રદીપ શર્મા સહિત વધુ ત્રણ તત્કાલીન સરકારી કર્મચારીઓને પણ સજા ફટકારાઈ હતી."
ચુકાદા અનુસાર અગાઉના એક કેસમાં નામદાર અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા અપાયેલી પાંચ વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ પ્રદીપ શર્મા સામે આ સજાનો અમલ શરૂ કરાશે.
હાલના મામલામાં પ્રદીપ શર્મા સહિતના ગુનેગારો પાસે રહેલા ન્યાયિક વિકલ્પો અંગે વાત કરતાં એચ. બી. જાડેજાએ કહ્યું હતું કે, "ગુનેગારો સેશન્સ કોર્ટમાં સજા સામે અપીલ કરી શકે છે. હાલ તેઓ અમદાવાદ ખાતે બીજા કેસમાં જેલમાં જ છે. તેથી તેમની ધરપકડનો પણ પ્રશ્નો ઉપસ્થિત થતો નથી."
કૅનેડામાં ભારતીય વિદ્યાર્થિનીની ગોળી લાગવાથી થયેલી હત્યા મામલે ભારતે શું કહ્યું?

ઇમેજ સ્રોત, @HamiltonPolice/ X
કૅનેડામાં ભારતીય વિદ્યાર્થિનીનું ગોળી લાગવાથી મોત થયું છે. આ મામલે ટૉરન્ટોસ્થિત ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે પોતાની પ્રતિક્રિયા આપી.
મહાવાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ઑન્ટારિયોના હૅમિલ્ટનમાં ભારતીય વિદ્યાર્થિની હરસિમરત રંધાવાનાં મોતની ઘટનાથી અમે અત્યંત દુ:ખી છીએ."
દૂતાવાસે જણાવ્યું કે સ્થાનિક પોલીસ અનુસાર તેઓ નિર્દોષ પીડિતા હતાં. જે બે વાહનો વચ્ચે થયેલા ગોળીબારની ઘટના દરમિયાન એક ગોળીનો શિકાર બની ગયાં. હત્યા મામલે તપાસ ચાલી રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દૂતાવાસે કહ્યું, "અમે તેમના પરિવારજનોના સંપર્કમાં છીએ અને તેમને તમામ યથાયોગ્ય સહાય પ્રદાન કરી રહ્યા છીએ. આ કઠીન સમયમાં અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ શોક સંતપ્ત પરિવાર સાથે છે."
હૅમિલ્ટન પોલીસે પણ નિવેદન જારી કરીને કહ્યું છે કે આ હત્યા મામલે તપાસ ચાલી રહી છે.
ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે કેમ માગી માફી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ હાલમાં જ 'ફુલે' ફિલ્મની રિલીઝમાં થઈ રહેલા વિલંબ પર સવાલ ઉઠાવ્યા બાદ ચર્ચામાં છે.
આ વિવાદ વચ્ચે તેમણે પોતાના એક નિવેદનમાં માફી પણ માગી. પરંતુ તેમણે પોતાનું નિવેદન પરત લેવાનો ઇન્કાર કરી દીધો.
અનુરાગ કશ્યપે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું, "મારી માફી છે. પરંતુ એ પોસ્ટ માટે નહીં કે જે મેં પોસ્ટ કરી હતી પરંતુ એ એક લાઇન માટે જેને આઉટ ઑફ કન્ટેસ્ટ જોઈને નફરત ફેલાવવામાં આવી રહી છે."
તેમણે કહ્યું કે કોઈ પણ નિવેદન મારી દીકરી, પરિવાર, મિત્ર કે મારા સાથીઓને મળી રહેલી રેપ કે જાનથી મારી નાખવાની ધમકીથી મોટું નથી.
અનુરાગે કહ્યું કે કહેલી વાતો પરત લેવાતી નથી ન હું તેને લઈશ. પરંતુ મને તમે જેટલી ગાળો આપવી હોય તેટલી આપી શકો છો.
તેમણે કહ્યું, "મારા પરિવારે કંઈ કહ્યું છે ન કહેવા માગે છે. તેથી જો મારી પાસે માફી જોઈએ તો મારી માફી છે. બ્રાહ્મણ લોકો, મહિલાઓને તો માફ કરો, આટલા સંસ્કારો તો શાસ્ત્રોમાં પણ છે. માત્ર મનુવાદમાં નથી. તમે કયા બ્રાહ્મણો છો તે નક્કી કરી લો, અન્યથા મારા તરફથી માફી."
સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફુલેના જીવન પર બનેલી ફિલ્મ રિલીઝમાં થતા વિલંબ સાથે જોડાયેલા વિવાદો પર હાલમાં જ અનુરાગ કશ્યપે નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું, "ધડક-2ની સ્ક્રીનિંગમાં સેન્સર બોર્ડ પણ બોલ્યું, મોદી જીએ ઇન્ડિયામાં કાસ્ટ સિસ્ટમ સમાપ્ત કરી દીધું છે. તેના આધારે સંતોષ પણ ઇન્ડિયામાં રિલીઝ નથી થઈ. હવે બ્રાહ્મણોને સમસ્યા છે ફુલેથી. જ્યારે કાસ્ટ સિસ્ટમ નથી તો કેવા બ્રાહ્મણ."
દિલ્હી : મુસ્તફાબાદ વિસ્તારમાં ઇમારત પડી જવાથી ચારનાં મોત, હજુ કેટલાક દટાયા હોવાની આશંકા

ઇમેજ સ્રોત, ANI
દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં શનિવારે સવારે એક ઇમારત પડી જવાથી તેમાં રહેતા ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઇમારતના કાટમાળ નીચે હજુ કેટલાક દટાયા હોવાની આશંકા છે.
ઉત્તર પૂર્વ જિલ્લાના ઍડિશનલ ડીસીપી સંદીપ લાંબાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જાણકારી આપી કે હજુ આઠથી દસ લોકો કાટમાળ નીચે હોવાની આશંકા છે.
ડિવિઝનલ ફાયર ઑફિસર રાજેન્દ્ર અટવાલે પણ જણાવ્યું કે જે લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
રાજેન્દ્ર અટવાલે કહ્યું કે બચાવ અભિયાન માટે એડીઆરએફ, ફાયર બ્રિગેટ અને પોલીસની ટીમો મળીને કામ કરી રહી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીતની નિષ્ફળતા પર શું બોલ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો રશિયા અને યુક્રેન શાંતિ સમજૂતી સુધી પહોંચવાનું 'ઘણું મુશ્કેલ' બનાવી દેશે તો અમેરિકા આગળની 'કાર્યવાહીમાંથી પાછળ હઠી જશે.'
અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયમાં ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ કેટલાક નિશ્ચિત દિવસોમાં યુદ્ધવિરામની આશા નથી રાખી રહ્યા, પરંતુ ઇચ્છે છે કે તે જલદી થાય.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કેટલાક કલાક પહેલાં કહ્યું હતું, "જો યુદ્ધવિરામની સમજૂતીને લઈને કોઈ સ્પષ્ટ સંકેત નહીં મળ્યા તો અમેરિકા કેટલાક દિવસોમાં રશિયા-યુક્રેન શાંતિ સમજૂતી માટેની મધ્યસ્થાનો પ્રયાસ છોડી દેશે."
"જો કોઈ કારણસર બંનેમાંથી એક પક્ષ તેને મુશ્કેલ બનાવે છે તો અમે તેને કહીશું કે તમે મૂર્ખ છો, તમે બેવકુફ છો અને તમે ભયાનક લોકો છો. અમે બસ પાછળ હઠી જઈશું."
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે હાલમાં જ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો છે કે અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ 'રશિયન નૅરેટિવ ફેલાવી રહ્યા છે.'
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












